માત્ર 45 દિવસમાં 53,000 ડાઉનલોડ, 17 હજાર ગ્રાહકો સુધી પહોંચવામાં સફળ રહ્યું 'વ્યોમો'

0

ભારતમાં છેલ્લાં કેટલાંક સમયથી ઑનલાઇન વસ્તુ ખરીદવાની તથા દરેક વસ્તુ માટે ઑનલાઇન બૂકિંગ કરાવવાની ડીમાન્ડ ઘણી વધી ગઇ છે. જેનું કારણ સમયનો અભાવ હોય કે પછી બદલાતી લાઇફસ્ટાઇલ પણ જવાબદાર હોઇ શકે છે. વ્યક્તિ પોતાની દરેક જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ઑનલાઇન જ શોધખોળ કરતો હોય છે. વિવિધ પ્રકારની વસ્તુઓથી લઇને ડ્રાઇવર્સ, પ્લમ્બર્સ, ટેક્નીશીયન્સ વગેરેની સેવા મેળવવા માટે ઑનલાઇન સેવાનો ઉપયોગ વધારે કરી રહ્યાં છે.

આ બધી સેવાઓ ઉપરાંત વર્તમાન સમયમાં સૌંદર્ય અને તંદુરસ્તીને લગતી સેવાઓની માંગમાં ઘણો વધારો જોવા મળ્યો છે જેના કારણે અત્યારના યુગમાં રોજબરોજ કેટલાંયે સ્ટાર્ટઅપ્સ પોતાનો હક જમાવવા માટે સામે આવી રહ્યાં છે. 4.8 બિલિયન ડોલરના આ સૌદર્ય બજારમાં ‘વેનિટીક્યૂબ’ અને ‘બુલબુલે’ તો બજારમાં પોતાની ઓળખ જમાવી દીધી છે. તેના બાદ હવે બેંગલુરું આધારિત Vyomo (વ્યોમો)એ સલૂન અને સૌંદર્ય સેવાના આ ઑનલાઇન ડિમાન્ડમાં પોતાનો પગપેસારો કર્યો છે.

આ સ્ટાર્ટઅપ ‘લંડન બિઝનેસ સ્કૂલ’ના બે ક્લાસમેટસ અભિનવ ખેર અને પૂનમ મારવાહના મગજની ઉપજ છે જેઓએ સૌંદર્ય ક્ષેત્રમાં કામ કરતા લોકો અને તેની જરૂરિયાત ધરાવતા બંને લોકો માટે એક સાંકળ બનીને આ સલૂનની સ્થાપના કરી છે. પોતાના આ સ્ટાર્ટઅપ વિશે જણાવતા તેના સંસ્થાપક અને સીઇઓ અભિનવ ખેર જણાવે છે, “અમે અમારા આ સલૂનમાં તમારી સવલત પ્રમાણે સમય બૂક કરાવવાની સાથે સાથે તમારા ઘરે પણ સલૂન લાવી સેવા આપી શકીએ છીએ. સલૂનને લગતી દરેક પ્રકારની જરૂરિયાત પૂરી કરવા માટે અમારી પાસે એક મોબાઇલ એપ્લિકેશન પણ છે.”

જાણીતા ક્રિકેટર યુવરાજસિંઘ દ્વારા સમર્થિત આ કંપનીએ મે, 2015માં પોતાની પ્રથમ મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરી અને પહેલા 45 દિવસમાં જ 53 હજાર ગ્રાહકોને પોતાની સાથે જોડવામાં સફળ રહી. ‘વ્યોમો’ જરૂરિયાત ધરાવતી વ્યક્તિની તાત્કાલિક પરિસ્થિતિના આધારે તેને થોડા જ સમયમાં તેમની આસપાસના સલૂન અને સ્પા શોધવામાં મદદ કરે છે. આ ઉપરાંત, અન્ય સલૂન સાથે કિંમતની તુલના કરવામાં, તેનો લાભ લઇ ચૂકેલા વ્યક્તિઓની સમીક્ષા કરવામાં તથા જેને પસંદ પડે તેના માટે તરત જ બૂકિંગ કરવામાં મદદ પણ કરે છે.

જો એક ઉદ્યમીની દ્રષ્ટ્રિએ જોઇએ સ્ટાર્ટઅપે અત્યાર સુધી દિલ્હી, મુબંઇ અને બેંગલુરુંમાં 3000થી પણવધારે સલૂન તથા 1500 સ્ટાઇલિસ્ટસને પોતાની સાથે જોડ્યા છે. તેમનો દાવો છે કે તેમની આ એપને ડાઉનલોડ કરનારા લોકોમાંથી લગભગ 30 ટકા લોકો જેની સંખ્યા લગભગ 17 હજારની આસપાસ છે, જેઓ વાસ્તવમાં અત્યાર સુધી ‘વ્યોમો’ની સેવાનો લાભ ઉઠાવી રહ્યાં છે.

માત્ર બે મહિના જેટલા ઓછા સમયગાળામાં આટલી સારી સફળતા મેળવવાના અનુભવ અંગે જણાવતા અભિનવ કહે છે, “મુખ્યત્વે અમે સલૂન અને સ્ટાઇલિસ્ટ તરીકે કામ કરતી વ્યક્તિઓને દસ હજાર પગાર આપી રાખવાની જગ્યાએ તેમને ફ્રીલાન્સિંગ કામ કરતા સ્ટાઇલિસ્ટના રૂપમાં અમારી સંસ્થા સાથે જોડીએ છે. અમારા આ એક નિર્ણયે અનેક લોકોના જીવનને બદલી નાખ્યું છે, ખાસ કરીને એવા પણ ઘણાં લોકો છે જે અમારી સાથે જોડાયા પછી હવે મહિનાના 50 હજાર કરતા પણ વધુ કમાય છે.”

આ ઉપરાંત માઉથ ટુ માઉથ પબ્લિસિટીના કારણે પણ ‘વ્યોમો’ને ઘણો ફાયદો થયો છે. અભિનવ વધુમાં જણાવે છે, “ઘણી વાર તો એવું પણ બન્યુ છે કે ફેમિલીના દરેક સભ્યો તથા મિત્રોના સમૂહએ અમારી આ સેવાનો લાભ લીધો હોય.’’ અભિનવ માને છે કે ગ્રાહકોના કહેવા પ્રમાણે આ વ્યવસાયમાં સફળ થવાની શક્યતાઓ ઘણી છે. પોતાના અનુભવો વર્ણવતા તેઓ કહે છે, ‘‘અમે કોલ સેન્ટરના માધ્યમ દ્વારા થનાર દરેક વાતચીત દરમિયાન ઉપભોક્તાની સાથે રૂબરૂ મળવાનો પ્રયાસ કરીએ છીએ અને તેમને લગતી જાણકારીઓ પણ એકત્ર કરીએ છીએ. ઉપભોક્તાના આ ડેટા ધ્યાનમાં રાખીને જ અમે વ્યોમો 3.0 ડિઝાઇન કરી શક્યા. અમે અમારા ઉપભોક્તાના અનુભવના સંપૂર્ણ જીવનચક્ર પર એક વિસ્તૃત પ્રભાવ પાડવા માંગીએ છીએ, એટલા માટે જ અમે તે દિશામાં આગળ વધીને ડોરસ્ટેપ સેવાઓની શરૂઆત પણ કરી છે.’’

ભોજન અને સ્વાસ્થ્ય સિવાય સૌંદર્યસેવાનું ક્ષેત્ર પણ એક મુખ્ય ક્ષેત્ર છે, જ્યાં લોકો આંખો બંધ કરીને રૂપિયા ખર્ચ કરવા તૈયાર થઇ જાય છે. ભારતમાં એક મહિલા પોતાના રૂપ અને સૌંદર્ય પાછળ સરેરાશ રૂપિયા 2000થી લઇને 3000 સુધીનો મહિનાનો ખર્ચ કરે છે. ઉદ્યોગ જાણકારના અંદાજ પ્રમાણે ભારત જેવી એક વિશાળ અર્થવ્યવસ્થામાં સૌદર્ય સેવાઓનું બજાર 4.8 બિલિયન ડોલરની આસપાસ છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

સૌદર્ય અને તંદુરસ્તીના ક્ષેત્રમાં ટેકનોલોજી આધારીત સ્ટાર્ટઅપ આ વર્ષે એક રસપ્રદ સમયમાંથી પસાર થઇ રહ્યાં છે અને આશા છે કે આપણને સ્થાનિક સ્તર પર નવા સ્ટાર્ટઅપ જોવા મળશે.

Related Stories

Stories by YS TeamGujarati