શુદ્ધ શાકાહારી ખાઓ, 'સાત્વિકો' ના ગુણ ગાઓ

0

પ્રસૂન ગુપ્તા અને અંકુશ શર્માએ સાથે IIT રૂરકીમાંથી એન્જીનિયરીંગ કર્યું છે અને તે દરમિયાન જ તેમણે 'ટેકબડી' નામે કારકિર્દી માર્ગદર્શન માટેની કામગીરી શરૂ કરી હતી. તેમને આ કામમાં સારી સફળતા મળી. પણ અચાનક તેમને લાગ્યું કે હવે ફૂડ બિઝનેસમાં ઝંપલાવવું જોઈએ અને તેમાંથી જ જન્મ થયો Sattvikoનો ! આ એક ફાસ્ટ, કેઝ્યુઅલ, શુદ્ધ, શાકાહારી રેસ્ટોરાં છે. જેનો હેતુ છે યુવાનોને ફાસ્ટ ફૂડ તરફથી સાત્વિક ભોજન તરફ વાળવાનો. તેમના મેન્યૂકાર્ડમાં અનેક સ્વાદિષ્ટ વાનગીઓ સામેલ છે. અને તે દરેક પ્રાચીન પરંપરાગત રીતે બનાવાય છે. લસણ-ડુંગળીનો ઉપયોગ અહીં નથી કરાતો. વળી ભારતીય ભોજનની સાથે અહીંનું કોન્ટીનેન્ટલ અને મેક્સિકન ભોજન પણ ખૂબ વખણાયું છે. ઉપરાંત સલાડ, મન્ચીઝ, મીઠાઈઓ અને પેય પદાર્થો પણ ઉપલબ્ધ હોય છે.

'સાત્વિકો'ની ટેગ લાઈન છે- 'સૌથી હેલ્ધી ,સૌથી ટેસ્ટી' આ પંક્તિએ લોકોને સ્વાસ્થ્ય માટેના ડાયેટ માટે પ્રેરણા આપી. આ બંને યુવાઓ માટે આ એક બિઝનેસ જ નથી ,તેમનો શોખ છે ! આથી એમાં જે કોઈ કામ કરે છે તે બહુ આનંદથી કરે છે.

મોટે ભાગે જોવા મળે છે કે નવી કંપની શરૂ કરતી વખતે ઘણી મુશ્કેલીઓ આવી પડે છે પણ પ્રસૂન અને અંકુશને એવી કોઈ મુશ્કેલીઓ નથી નડી. પોતાની આ સંકલ્પનામાં તેઓ અત્યંત સ્પષ્ટ હતા આથી આજે તેઓ મજાથી કામ કરી રહ્યા છે.

'સાત્વિકો' શબ્દ સંસ્કૃતના સાત્વિક પરથી લેવાયો છે. અને સૌ જાણે જ છે કે સાત્વિક વાનગીઓમાં લસણ કે ડુંગળી નથી હોતી. સ્મૃતિગ્રંથોમાં પણ તેને તામસી વનસ્પતિ ગણવામાં આવી છે. અને વેદોમાં સાત્વિક ભોજનને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

'ટેકબડી' અને 'સાત્વિકો' ઉપરાંત પ્રસૂને 'સ્વરાજનીતિ' નામે એક NGO શરૂ કર્યું છે જે લોકતાંત્રિક પરિવર્તનનું કામ કરે છે.

સાત્વિકો દિલ્હી અને એન.સી.આર.માં પોતાના કામને વિસ્તારી રહ્યું છે. તેમનું ટાર્ગેટ ગ્રુપ છે: કોર્પોરેટ સેક્ટરના ગ્રાહકો. બંને યુવાનો આગામી વર્ષોમાં લંડન અને ન્યુયોર્કમાં પણ 'સાત્વિકો' ખોલવા માંગે છે. અને મેકડોનાલ્ડ સાથે સીધી ટક્કર લેવા માગે છે. ભારતમાં ઓછામાં ઓછા 100 આઉટલેટસનો તેમનો ટાર્ગેટ છે. આમ એ બંને દુનિયાભરમાં સાત્વિક અને પૌષ્ટિક ફૂડ ચેઈનના રૂપમાં સ્થાપિત થવા માગે છે. ભારતમાં સૌથી વધુ-લગભગ 400 મીલિયન શાકાહારી લોકો રહે છે.

એક રિપોર્ટ મુજબ શાકાહારી લોકોની સંખ્યા વધી રહી છે. કદાચ આ જ કારણે કે.એફ.સી. એ પણ પોતાના મેન્યૂમાં કેટલીક શાકાહારી વાનગીઓ સામેલ કરી છે. એક અનુમાન મુજબ 2020 સુધીમાં દુનિયાભરમાં લગભગ 30% લોકો શાકાહારી થઇ જશે. 'સાત્વિકો' માટે આ ખરેખર એક સારી ખબર છે.

વેબસાઈટ

લેખક- જય વર્ધન

અનુવાદક- હરિક્રિષ્ના શાસ્ત્રી

Related Stories