અભણ છતાં થ્રેશર બનાવી ફોર્બ્સની ટોચના સંશોધકોની યાદીમાં સ્થાન મેળવ્યું

0

તે સંશોધક છે અને આજ કારણે તેમને 2010માં ફોર્બ્સ મેગેઝિને ગ્રામીણ ભારતના 7 શક્તિશાળી સંશોધકોમાં સ્થાન આપ્યું હતું. એટલું જ નહીં, રાજસ્થાન સરકારે તેમને આ સંશોધન માટે વર્ષ 2004માં સન્માનિત પણ કર્યા હતા. તે બીજા કોઈ નહીં પણ રાજસ્થાનના સિકરમાં રહેનારા મદનલાલ કુમાવત છે. તે દેશમાં 'મલ્ટિ ક્રોપ થ્રેશર'ની શોધ કરવા માટે જાણીતા છે.

કહેવાય છે કે, જરૂરિયાત જ સંશોધનની જનની છે પણ મદનલાલ કુમાવતે જોત જોતામાં એક એવી વસ્તુનું સંશોધન કરી લીધું જે આજે દેશના લાખો ખેડૂતોને ઉપયોગી થઈ રહી છે. મદનનાલના પિતા સુથારીકામ કરતા હતા તેથી તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. જ્યારે તેઓ 11 વર્ષના હતા તો એક દિવસ તેમણે રમત રમતમાં 11,000 વોલ્ટના વીજળીના તારને પકડી લીધો. તેના કારણે તેમની લગભગ 15 મહિના સારવાર ચાલી હતી. તેના કારણે તેમનું સ્કૂલ જવાનું પણ બંધ થઈ ગયું. ચોથા ધોરણ સુધી અભ્યાસ કરનાર મદનનાલ તે ઘટના પછી પોતાના પિતા સાથે કામમાં જોડાઈ ગયા. લગભગ ચાર-પાંચ વર્ષ પિતાની સાથે કામ કરવા દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે, તેમની તબિયત સારી રહેતી નહોતી કારણ કે આખો દિવસ તેમને બેસીને જ કામ કરવું પડતું હતું. તેના કારણે તેમણે આ કામ છોડીને બીજું કંઈક કામ કરવાનું નક્કી કર્યું.

મદનલાલે 1988માં ટ્રેક્ટરમાં ઉપયોગમાં લેવાતા લોખંડના ઓજારો રિપેર કરતી વર્કશોપમાં કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે જોયું કે, વર્કશોપમાં માત્ર ખેતીના કામમાં જ આવતા મશિનોને રીપેર કરવામાં આવે છે ત્યાં કોઈ નવી વસ્તુ બનતી નથી. તેમણે ત્યારે વર્કશોપમાં જ થ્રેશર બનાવવાનું નક્કી કર્યું. લગભગ 20-30 દિવસોની મહેનત પછી તેમને થ્રેશર બનાવવામાં સફળતા મળી. તેમની કામગીરી વર્તમાન થ્રેશરની સરખામણીએ ઉતરતી કક્ષાનું નહોતું. થ્રેશર બનાવતી વખતે તેમને અનુભવ થયો કે આ મશિનમાં ઘણા ફેરફાર કરી શકાય તેમ છે. આ દરમિયાન તેમણે જોયું કે જે અનાજ થ્રેશરમાંથી બહાર આવે છે તે બરાબર સાફ નથી હોતું અને સંગ્રહ કરતા પહેલાં તેને વધુ એક વખત સારી રીતે સાફ કરવું પડે છે. તેમણે થ્રેસરમાં જ અનાજ સાફ કરવાની પદ્ધતિ વિકસાવવા પર કામ શરૂ કર્યું. તેના માટે તેમણે થ્રેસરમાં બ્લોઅરનો ઉપયોગ શરૂ કર્યો. દરેક અનાજને સાફ કરવા માટે હવાનું દબાણ અલગ અલગ હોવું જોઈએ. તેના માટે તેમણે ગીયર અને ચરખાતંત્રને વિકસાવ્યું.

થ્રેશરની ખાસિયત

મદનલાલના આ સંશોધનથી સૌથી વધારે ફાયદો ખેડૂતોને થયો છે. તેમનું કહેવું છે કે, ખેડૂતોને અનાજની સફાઈ માટે ઝડપી હવા પર આધાર રાખીને બેસી રહેવું પડતું હતું તે હવે મારા દ્વારા બનાવાયેલા થ્રેશરની મદદથી સરળ થઈ ગયું. આજે મદનલાલના પ્રયાસોનું જ પરિણામ છે કે, બજારમાં મળતા થ્રેશર અનાજની સરળતાથી સફાઈ કરે છે અને ટ્રેક્ટર પર પણ વધુ ભાર પડતો નથી. તેના કારણે ડીઝલનો વપરાશ પણ ઘટ્યો છે. જે કામ કરવા માટે ખેડૂતોના અનેક દિવસો નીકળી જતાં હતાં તે હવે એક જ દિવસમાં થઈ જાય છે. મદનલાલે ડિઝાઈન કરેલા થ્રેશરથી આજ એક કલાકમાં 18 થી 20 ક્વિંટલ અનાજ સાફ કરી શકાય છે.

થ્રેશરની નકલ

મદનલાલને એ વાતનું દુઃખ છે કે, જે સાધનને વિકસાવવામાં તેમણે પોતાના પ્રાણ રેડી દીધા તે ડિઝાઈનનો ઉપયોગ કરીને અન્ય લોકો અઢળક પૈસા કમાય છે. તેમણે શરૂઆતમાં પોતાની બનાવેલા ડિઝાઈનને અમદવાદમાં નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનમાં રજિસ્ટર કરાવવા માટે પ્રયાસ કર્યો પણ તેમને સફળતા મળી નહોતી. આજે તેમની ડિઝાઈન રજિસ્ટર્ડ થઈ ગઈ છે પણ બજારમાં તેમની ડિઝાઈનની નકલ કરેલા અનેક થ્રેશર ઉપલબ્ધ છે. તેમ છતાં આજેપણ તેમની વર્કશોપમાં બનેલા થ્રેશરની માગ વધુ છે. મદનલાલ જણાવે છે, "મેં જ્યારે થ્રેશર વેચવાનું શરૂ કર્યું ત્યારે તેની કિંમત 1 લાખ રૂપિયા હતી, પણ આજે તે 3 લાખ રૂપિયામાં વેચાય છે. આજે મદનલાલ પાસે સિકરમાં શિવશંકર મદનલાલ કૃષિ યંત્ર નામનું વર્કશોપ છે, તો બીજું વર્કશોપ જોધપુર જિલ્લામાં તેમનો નાનો ભાઈ સંભાળે છે.

આજે મદનલાલે ડિઝાઈન કરેલા થ્રેશર 4 પ્રકારના મોડલમાં આકાર, ક્ષમતા અને સુવિધાઓ પ્રમાણે મળે છે. તે કાયમ કહેતા હોય છે કે, પ્રામાણિકતા અને મહેનતથી પોતાનું કામ કરતા રહો, મુશ્કેલીઓમાં પણ તેનો સાથ છોડશો નહીં, સારો સમય આવશે પણ ક્યારેય કોઈનું ખોટું ના વિચારશે. અંત હંમેશા સારો જ હોય છે.