ભણવાના પૈસા પણ ન હતાં તેવામાં આ યુવકે દિવસ-રાત કરી મહેનત, IITમાં કર્યો અભ્યાસ, મેળવી વાર્ષિક રૂ. 1.20 કરોડની નોકરી! 

0

ઘણા લોકો સફળતાની કહાની લખે તો છે પણ કહેવામાં એમ આવે છે કે તેમને બધી સુવિધા આપવામાં આવતી હતી, કે તેમને બધી સુવિધાઓ મળતી હતી. પણ મોટી સફળતા એ કહેવાય છે જે તમામ મુશ્કેલીની વચ્ચે પણ પોતાનો રસ્તો બનાવે છે અને સફળ થઈને મંઝિલ પર વિજયધ્વજ લહેરાવે છે. વાત્સલ્યસિંહ ચૌહાને સફળતાનો એવો જ ઝંડો ખોડી દીધો છે, જેના વિશે સામાન્ય માણસ કલ્પના પણ નથી કરી શકતા. માઈક્રોસોફટે આઈઆઈટી ખડગપુરમાં બી.ટેક્. કોમ્પ્યુટર સાયન્સ ફાઈનલ યરના વિદ્યાર્થી વાત્સલ્યસિંહ ચૌહાનને વાર્ષિક રૂ.1.20 કરોડનું સેલેરી પેકેજની જોબ ઓફર કરી છે. આઈઆઈટીમાં 1થી 20 ડિસેમ્બર સુધી થયેલા કેમ્પસ પ્લેસમેન્ટમાં સોફ્ટવેર એન્જિનિયરના પદ માટે તેમને આ સૌથી મોટું પેકેજ મળ્યું.

બિહારના ખગડિયા કસ્બામાં સામાન્ય પરિવારથી સંબંધ ધરાવનાર વાત્સલ્યએ ધો.12 સુધીનો પૂરો અભ્યાસ હિન્દી માધ્યમથી કર્યો. એક તો સાયન્સ અને તેના ઉપરથી હિન્દી માધ્યમ? જે હીનભાવનાની ખીણ હિન્દી અને અંગ્રેજી માધ્યમની વચ્ચે છે તે કોઈનાથી છૂપી નથી. સ્વાભાવિક છે કે હિન્દી માધ્યમથી ધો.12 કરનારા વાત્સલ્યને પણ તે ફરકમાંથી પસાર થવું પડ્યું. વાત્સલ્યએ હિન્દી માધ્યમમાં ધો.12ની બોર્ડ પરીક્ષા આપી અને 75 ટકા માર્ક્સ મેળવ્યા. આજના સમયમાં ધો.12માં 75 ટકા માર્ક્સ લાવવાવાળા વિદ્યાર્થીને કોઈ પણ રીતે સારો માનવામાં ન આવે. પણ કહેવાય છે કે જેની મંઝિલ મોટી હોય છે, જેને પહોંચવું કોઈ અલગ જ સ્થાને છે તેમના માટે આવી નાની વાતો મહત્વની નથી હોતી. વાત્સલ્યએ ધો.12ની સાથે જેઈઈની પરીક્ષા આપી, જેમાં સફળતા તો મળી પણ સારી ટકાવારી ન મળી. બસ આ જ સમય હતો જેણે વાત્સલ્યને એકદમ જ બદલીને રાખી દીધો. તેમણે આ સ્થિતિને એક પડકારની જેમ લીધી અને નક્કી કર્યું કે તેઓ સારી ટકાવારીની સાથે આઈઆઈટીમાં પહોંચશે અને આગળનો રસ્તો નક્કી કરશે. વાત્સલ્યએ પોતાના માટે એક મંઝિલ બનાવી, જ્યાં સુધી પહોંચવા માટે ઉપાયો બનાવ્યા અને લાગી ગયા ઈમાનદાર પ્રયત્નની સાથે.

વાત્સલ્યએ તેના આ પ્રયત્નમાં એલેન કરિઅર ઈન્સ્ટિટ્યૂટનો સાથ લીધો. કોટાના આ ઈન્સ્ટિટ્યૂટમાં આવીને ખૂબ તૈયારી કરી અને આઈઆઈટી-જેઈઈ 2012માં ઓલ ઈન્ડિયામાં 382મો રેન્ક મેળવીને આઈઆઈટી ખડગપુરમાં બી.ટેક્. કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચમાં પ્રવેશ મેળવ્યો. વર્ષ વીત્યું, પરંતુ વાત્સલ્યએ પોતાને ઘડવાનું ચાલુ જ રાખ્યું. કહેવાય છે કે જ્યારે બધા પ્રયત્ન એકસાથ થાય છે ત્યારે પૂરી દુનિયા તમારા સપના પૂરા કરવામાં લાગી જાય છે. ડિસેમ્બર મહિનામાં કેમ્પસ સિલેક્શન માટે યુ.એસ.ની પ્રમુખ માઈક્રોસોફ્ટ રેડમંડ કંપની ખડગપુર આવી અને સોફ્ટવેર એન્જિનિયર માટે આઈઆઈટીમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીનો કોડિંગમાં ઓનલાઈન ટેસ્ટ લીધો, ત્યાર બાદ લેખિત ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ. બધી પરીક્ષામાં વાત્સલ્યએ પોતાનું કૌવત બતાવ્યું અને પરિણામ તમારી સામે છે, તેમને માઈક્રોસોફ્ટે રૂ.1.20 કરોડના વાર્ષિક પગાર પર જોબ ઓફર કરી.

21 વર્ષના વાત્સલ્યના પિતા ચંદ્રકાંતસિંહ ખગડિયામાં ગ્રિલ અને શટર બનાવવાનું કામ કરે છે. વાત્સલ્યને ત્રણ ભાઈ અને ત્રણ બહેન છે. સ્વાભાવિક છે કે પરિવારની આવક એટલી નથી કે બાળકોને મન મુજબ અભ્યાસ કરાવી શકાય. તમામ યોગ્યતા છતાં વાત્સલ્યના પિતા એ સ્થિતિમાં નહોતા કે તેઓ પોતાના પુત્રને કોચિંગ માટે રાજસ્થાનના કોટા ખાતે મોકલી શકે. પરંતુ કહેવાય છે ને કે એક રસ્તો અવરોધાય છે, તો બીજો તરત મળી જ જાય છે. પિતાના સંઘર્ષ અને વાત્સલ્યની પ્રતિભાને જોઈને એલેન નિદેશક શ્રી રાજેશ માહેશ્વરીએ કોટામાં વિનામૂલ્યે ક્લાસરૂમ કોચિંગ અને હોસ્ટેલની સુવિધા આપીને તેનો આત્મવિશ્વાસ વધાર્યો અને તેની સારસંભાળ પણ રાખી. આનાથી વાત્સલ્યને ઘર જેવું વાતાવરણ મળ્યું. અહીં ખુલ્લા વાતાવરણમાં તેને ઘણું પ્રોત્સાહન મળ્યું.

બીમારી પણ સફળતાને આડી ન આવી

વાત્સલ્યએ તેનો અભ્યાસ કોટામાં શરૂ કર્યો. જ્યારે પરીક્ષાનો સમય આવ્યો તો વાત્સલ્યને વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. વાત્સલ્યએ યોરસ્ટોરીને જણાવ્યું,

"આઈઆઈટી-જેઈઈના 4 દિવસ પહેલાં મારી તબિયત વધારે ખરાબ થઈ ગઈ. ભારે ગરમીમાં માથું ધોઈને પેપર આપવા પહોંચ્યો. પેપર-1 સરળ હતું, પરંતુ બીમારીના કારણે સામાન્ય બગડ્યું. ફરીથી હિંમત એકઠી કરી અને પેપર-2 અઘરું હોવા છતાં પણ તેમાં વધારે સ્કોર કર્યો. તે જ સમયે મને લાગ્યું કે આ વખતે પરિણામ સારું આવવું જોઈએ."

વાત્સલ્યનું કહેવું છે,

"રજાઓમાં ઘરે જઈને ગરીબ બાળકોને ભણાવવા મને ખૂબ ગમે છે. આઈઆઈટી કેમ્પસમાં પણ હું ઓટોચાલકોનાં અમુક બાળકોને ભણાવું છું. હું અને મારા અન્ય ત્રણ આઈઆઈટિયન મિત્રોએ નક્કી કર્યું છે કે અમે ભવિષ્યમાં બિહારમાં એક અલગ મોડેલ સ્કૂલ ખોલવાના પ્રોજેક્ટ પર કામ કરીશું. જેમાં આઈઆઈટી વિદ્યાર્થીઓ રજામાં સ્કૂલ જઈને 4 મહિના સુધી બાળકોને અભ્યાસ કરાવશે. બાકીના સમયમાં અન્ય શિક્ષકો અભ્યાસ કરાવશે. સામાન્ય બાળકો પાસેથી ઓછી ફી લઈને અને ગરીબોને વિનામૂલ્યે ભણાવવાની યોજના છે"

વાત્સલ્ય બિહારમાં નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં નવી પેઢીને શિક્ષણ સાથે જોડવા માગે છે.

ભવિષ્યમાં સ્ટાર્ટઅપની યોજના

વાત્સલ્યનું કહેવું છે કે ભવિષ્યમાં તે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરશે. આઈઆઈટીના પોતાના બેચમેટની સાથે મળીને એક સ્ટાર્ટઅપને ડિઝાઈન પણ કર્યું છે. હાથની વીંટીમાં લગાવનારું એક મિની સ્માર્ટ ડિવાઈસ તૈયાર કર્યું છે, જેનાથી ઈન્ટરનેટ દ્વારા એક્સેસ કરવું સરળ રહેશે. વાત્સલ્યનું ભવિષ્યમાં યુ.એસ. જઈને માઈક્રોસોફ્ટ રેડમંડમાં ઘરેડથી અલગ કંઈક નવું કરવાનો ઈરાદો છે. રિસર્ચમાં રસ હોવાથી એડવાન્સ ટેકનોલોજી પર આધારિત ઈનોવેટિવ પ્રોજેક્ટ કરવાનો ઈરાદો છે.

લેખક- રીમ્પી કુમારી

અનુવાદક- બાદલ લખલાણી 

વધુ હકારાત્મક તેમજ પ્રેરણાત્મક સ્ટોરીઝ વિશે જાણકારી મેળવવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

દહેરાદૂનના બે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓનો મંત્ર 'પસ્તીમાંથી રોકડી કરો અને ઐશ કરો'!

19 વર્ષની ઉંમરે ઘરમાં જાણ કર્યા વગર શરૂ કર્યો વ્યવસાય અને બન્યાં દેશ-વિદેશમાં જાણીતાં!!

અભણ છતાં થ્રેશર બનાવી ફોર્બ્સની ટોચના સંશોધકોની યાદીમાં સ્થાન મેળવ્યું

Related Stories