ઇન્ફોસિસની નોકરી છોડી, પત્ની સાથે મળી, સંતોષ મોરેએ લાખો જરૂરીયાતમંદ બાળકોના જીવનમાં શિક્ષણના દીપ પ્રકટાવ્યા!

ઇન્ફોસિસની નોકરી છોડી, પત્ની સાથે મળી, સંતોષ મોરેએ લાખો જરૂરીયાતમંદ બાળકોના જીવનમાં શિક્ષણના દીપ પ્રકટાવ્યા!

Tuesday October 18, 2016,

5 min Read

સંતોષ મોરે દ્રઢપણે માને છે કે શિક્ષણ ભારતની જ નહીં, સંપૂર્ણ વિશ્વની સમસ્યાઓનું સમાધાન સૂચવે છે. વર્ષ 2009માં સંતોષે 'ટીચ ફોર ઇન્ડિયા'ની પરિવર્તન કરવાની અપીલ કરતી જાહેરાત જોઈ હતી. તેને જોતા સંતોષને દેશના શૈક્ષણિક ક્ષેત્રમાં કશું પ્રદાન કરવાની તક મળી હતી.

તે સમયે તેઓ ઇન્ફોસિસમાં નોકરી કરતાં હતાં અને નોકરી છોડવા માગતા હતા. ઇન્ફોસિસની નોકરી છોડવી અને આ માટે પોતાના પિતાને તૈયાર કરવા મુશ્કેલ કામ હતું. સંતોષના મેનેજરે પણ તેમને નોકરી ચાલુ રાખવા સમજાવ્યાં હતાં, પણ તેઓ મક્કમ હતા.

image


સંતોષ 'ટીચ ફોર ઇન્ડિયા'ની બે વર્ષના ફેલોશિપમાં જોડાઈ ગયા અને પછી તેમના જીવનની દિશા જ બદલાઈ ગઈ. તેઓ કહે છે, 

"આ ફેલોશિપમાં વિવિધ મુદ્દાઓ પર મારો અભિગમ જ બદલાઈ ગયો. આ કાર્યક્રમમાં મેં એવા ભારતનું દર્શન કર્યું, જેનાથી શહેરી ભારત તદ્દન અજાણ હતું. મને સૌથી વધુ ફાયદો એ થયો કે મારા જીવનમાં મૂલ્યોની વ્યવસ્થા ઊભી થઈ, જેણે એક સંસ્થા બનાવવા મદદ કરી."

વર્ષ 2012-2013માં સંતોષ અને ખુશ્બૂ (અગાઉ મિત્રો હતા, હવે પતિ-પત્ની) બનશંકરી (બેંગલુરુમાં)માં દરરોજ થોડા કલાકો પસાર કરતાં હતાં, જ્યાં તેઓ સાંજે ઓછી આવક ધરાવતા લોકોના બાળકોને અંગ્રેજી શીખવતા હતા.

શરૂઆત

આવી એક સાંજે તે બંનેએ આ બાળકો માટે વધુ શું કરી શકાય તેનો વિચાર કર્યો હતો. દરમિયાન તેમને ઓછી ફી ધરાવતી ખાનગી શાળામાં એકેડેમિક કોઓર્ડિનેટર બનવાની તક મળી હતી. સંતોષ અને ખુશ્બૂ પોતાનું કશું શરૂ કરવા સ્પષ્ટ હતા, પણ નવી સ્કૂલ બનાવવી કે ચાલુ સ્કૂલમાં કામ કરવું તેના વચ્ચે પસંદગી કરવાની હતી. સંતોષ કહે છે,

"જો અમે સ્કૂલ શરૂ કરી હોત તો 10,000 વિદ્યાર્થીઓના જીવન પર અસર કરી શક્યાં હોત, પણ અમે વિચાર્યું કે જો અમે ચાલુ શાળાઓ સાથે કામ કરીએ તો લાખો વિદ્યાર્થીઓને અસર કરી શકે તેવી ઇકોસિસ્ટમ ઊભી કરી શકીશું."
image


તેમણે ચાલુ શાળાઓ સાથે ભાગીદારી કરવાનો વિકલ્પ પસંદ કર્યો અને બંનેને માર્ચ, 2013માં મંત્ર4ચેન્જ (એમ4સી)ની સ્થાપના કરી. તેનો ઉદ્દેશ મોડલ સ્કૂલ્સ માટે આચાર્યોને માર્ગદર્શન આપવા યોજના બનાવવાનો અને તેનો અમલ કરવા વર્તમાન સ્કૂલ સાથે કામ કરવાનો છે. ખુશ્બૂ સમજાવે છે,

"સરકારી સ્કૂલ સહિત મોટા ભાગની ઓછી ફી ધરાવતી સ્કૂલ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં મુશ્કેલી અનુભવે છે. તેમની પાસે પૂરતા સંસાધનો હોતા નથી. અમે આ ખામી એમ4સી મારફતે ભરવાનો પ્રયાસ કરીએ છીએ."

મિત્રો અને પરિચિતોએ ક્રાઉડ-ફંડિંગ અભિયાનો હાથ ધરીને નાણાકીય મદદ કરવાની ઓફર કરી. પ્રથમ મોટું ડોનેશન ઇન્ફોસિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ સંજય પુરોહિત તરફથી મળ્યું હતું. પછી ઇન્ફોસિસ ફાઉન્ડેશન અને કેટલાંક એચએનઆઇ પાસેથી ભંડોળ મળવા લાગ્યું. તાજેતરમાં ઇન્ફોસિસના ભૂતપૂર્વ સીઇઓ અને સહસ્થાપક એસ ડી શિબુલાલના સોપાર્નિક ફાઉન્ડેશને સ્ટેપ (એમ4સીનો એક પ્રોગ્રામ)નો બેંગલુરુની 10 શાળાઓમાં અમલ કરવા માટે ભંડોળ આપ્યું છે.

વિવિધ કાર્યક્રમો

સ્ટેપ – ધ સ્કૂલ ટ્રાન્સફોર્મેશન એન્ડ એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ એમ4સીની મહત્ત્વપૂર્ણ પહેલ છે. તેમાં સ્કૂલ સિસ્ટમના વિવિધ લોકો સંકળાયેલા હોય છે – સ્કૂલના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને સમુદાય – અને આ બે વર્ષનો સંપૂર્ણ સ્કૂલ ઇમર્સન પ્રોજેક્ટ છે. તે સ્કૂલ સિસ્ટમનો ભાગ છે અને કાર્યક્રમના અમલીકરણનું સંચાલન કરે છે. તેમાં પ્રક્રિયા બે તબક્કામાં થાય છે – પ્રથમ તબક્કામાં ‘જરૂરિયાતનું આકલન’ કરવામાં આવે છે અને પછી બીજા તબક્કામાં તેને પૂર્ણ કરવા માટે ‘અમલીકરણ’ કરવામાં આવે છે.

image


ટાર્ગેટ (Target - Talent Recognition, Engagement and Training Programme) એક સમુદાય આધારિત, શિક્ષકોને તાલીમ આપવાનો કાર્યક્રમ છે. સમુદાયના કોઈ શિક્ષિત યુવાનને ત્રણ મહિનાના ગાળા માટે તાલીમ આપવામાં આવે છે અને પછી પાર્ટનર સ્કૂલમાં લોઅર પ્રાઇમરી સેક્શનમાં નિયુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ આ શિક્ષકો સતતને સતત એક વર્ષ નોકરીની સાથે તાલીમ આપવામાં આવે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ સમુદાયની અંદર રહેલા પ્રતિભાશાળી યુવાનોની ઓળખ કરવાનો અને તેમને ગુણવત્તાયુક્ત શિક્ષકો બનાવવાનો છે.

પ્રેસિયસ (PreCIOUS - Preventive Care for Inhabitants of Urban Slums) એક પ્રોગ્રામ છે, જેનો ઉદ્દેશ સમુદાયમાં લોકોને હેલ્થકેર વિશે લોકોને સતર્ક કરવાનો છે. વિવિધ સત્રો અને સામુદાયિક પ્રવૃત્તિઓ મારફતે સ્વચ્છતા અને સાફસફાઈ, પોષણ, માસિક અને પ્રજનન સ્વાસ્થ્ય, દ્રષ્ટિ વગેરે જેવા વિષયોની ચર્ચા થાય છે. હોસ્પિટલો સાથે ભાગીદારીમાં નિદાન કેમ્પનું આયોજન થાય છે.

જોડાણ અને અસર

મંત્ર (MANTRA) એટલે મેવેરિક એસોસિએશન ફોર નોવેલ્ટી, ટ્રાન્સફોર્મેશન એન્ડ રેડિકલ ઓગમેન્ટેશન થાય છે. આ માટે એમ4સી વિદ્યાર્થીઓ અને અઝિમ પ્રેમજી યુનિવર્સિટી (એપીયુ) સાથે ભાગીદારીમાં કામ કરે છે. એમ4સી બીઇઇટીએફ (બેંગલોર એફેક્ટિવ એજ્યુકેશન ટાસ્ક ફોર્સ) અને એલડીએસજી ફાઉન્ડેશનની પાર્ટનર સંસ્થા છે. તેની સાથે સ્વાભિમાન ટ્રસ્ટ, સ્વતંત્ર ટ્રસ્ટ વગેરે જેવી બિનસરકારી સંસ્થાઓ પણ સંકળાયેલી છે.

image


એમ4સીના પગલાએ ત્રણ મહત્ત્વપૂર્ણ પરિબળો પર અસર કરી છેઃ

- વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોમાં સુધારો:

સંતોષ કહે છે કે તેમણે તેમની તમામ પાર્ટનર સ્કૂલમાં ગણિત અને અંગ્રેજીમાં વિદ્યાર્થીઓના પરિણામોમાં સરેરાશ 20 ટકાનો વધારો જોયો છે. તેઓ ઉમેરે છે,

"ગુણવત્તાની દ્રષ્ટિએ પણ ક્લાસરૂમ વધારે ઇન્ટરેક્ટિવ બન્યાં છે અને વિદ્યાર્થીઓની ભાગીદારીમાં વધારો થયો છે."

- શિક્ષકોની અસરકારકતામાં વધારો:

દરેક શિક્ષકની પ્રગતિ પર એમ4સીએ ક્લાસરૂમ નિરીક્ષણમાંથી પ્રાપ્ત થયેલા ડેટાના આધારે વિકસાવેલ વ્યવસ્થા દ્વારા બારીક નજર રાખવામાં આવે છે. ખુશ્બૂ કહે છે,

"ક્લાસરૂમમાં નવીન શૈક્ષણિક ટેકનિક અજમાવવા શિક્ષકોના અભિગમ અને તૈયારીમાં પરિવર્તનના ઘણાં ઉદાહરણ છે. અમારી શાળામાં 70 ટકા શિક્ષકોના જ્ઞાન અને કુશળતાના સ્તરમાં સુધારાને સૂચવતા સ્પષ્ટ ડેટા ઉપલબ્ધ છે."
image


- શાળાના નેતૃત્વને સશક્ત કરવું:

એમ4સી સ્કૂલમાં હકારાત્મક અને સલામત વાતાવરણ ઊભું કરવામાં વિશ્વાસ ધરાવે છે. આ માટે મેનેજમેન્ટ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્કૂલ સાથે સંબંધિત તમામ લોકોને સતત નવું શીખવા પ્રોત્સાહન આપે છે. તેઓ કહે છે,

"અત્યારે અમે ગર્વ સાથે કહી શકીએ કે અમારી પાર્ટનર સ્કૂલ્સના 100 ટકા આચાર્ય પરિવર્તન કરવા માટે અમારા અભિગમમાં વિશ્વાસ ધરાવે છે."
image


પડકારો અને ભવિષ્યની યોજનાઓ

સંતોષ કહે છે કે એમ4સીમાં સૌથી મોટો પડકાર શિક્ષણમાં સુધારો કરવાનો અને પરિવર્તન કરવાનો હતો. ખુશ્બૂ કહે છે કે અન્ય એક પડકાર સ્ટેપને રેપ્લિકેબલ પ્રોજેક્ટ બનાવવાનો છે, જેનો કોઈ પણ સ્કૂલમાં અમલ કરી શકાય.

મંત્ર4ચેન્જે બે તબક્કામાં પંચવર્ષીય યોજના બનાવી છેઃ સ્ટેપ મારફતે ઓછામાં ઓછી 100 સ્કૂલ અને 50,000 બાળકો સુધી પહોંચવું; અને વિવિધ સામાજિક સંદર્ભો સાથે સ્કૂલમાં સ્ટેપનો સફળતાપૂર્વક અમલ કરવો.

વેબસાઇટ

લેખક- સ્નિગ્ધા સિંહા

અનુવાદક- YS ટીમ ગુજરાતી