રેલવે સ્ટેશનોને શણગારવા મથી રહ્યા છે એક ઇલેક્ટ્રોનિક એન્જિનિયર!

રેલવે સ્ટેશનોને શણગારવા મથી રહ્યા છે એક ઇલેક્ટ્રોનિક એન્જિનિયર!

Saturday May 28, 2016,

5 min Read

વ્યવસાયે ઇલેક્ટ્રોનિક એન્જિનિયર દ્વારા મુંબઈનાં એક રેલવે સ્ટેશનને દત્તક લેવામાં આવ્યું. ત્યારબાદ તેણે તેની એવી કાયાપલટ કરી કે આજે રેલવેએ બીજાં સ્ટેશનોને ચમકાવવાની જવાબદારી પણ તેને આપી છે. ડાય હાર્ડ ઇન્ડિયન સંસ્થાના સ્થાપક ગૌરાંગ દામાણી એક સમયે અમેરિકામાં નોકરી કરતાં હતા. પરંતુ માટીની મહેક અને દેશ માટે કંઇક કરી છૂટવાની તમન્નાએ તેઓ પાછા વતન ભણી ખેંચાઈ આવ્યા. આજે 1400 કરતાં વધારે સ્વયંસેવકોની ટીમ સાથે તેઓ મુંબઈના વિવિધ રેલવે સ્ટેશનોને સજાવવામાં લાગેલા છે.

image


ગૌરાંગ દામાણીએ વર્ષ 1993માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બીઈનું ભણતર પૂરૂં કર્યું. ત્યારબાદ તેઓ પ્રોગ્રામર તરીકે કામ કરવા માટે અમેરિકા જતા રહ્યા હતા. ત્યાં તેમણે જોયું કે ત્યાંના લોકોને પોતાની સભ્યતા અને સંસ્કૃતિ ઉપર ખૂબ જ ગર્વ છે. તેના કારણે જ તેઓ આજે વિશ્વમાં અગ્રગણ્ય ગણાય છે. ગૌરાંગનું માનવું છે કે ભારતીય લોકો ચાહે વિદેશમાં રહે કે ભારતમાં પોતાના દેશ અંગે તેમની વિચારસરણી નકારાત્મક જ રહે છે. તેમનું માનવું છે કે જો આપણે ઇચ્છીએ તો અનેક બાબતે વિશ્વમાં અગ્રગણ્ય સ્થાન મેળવી શકીએ તેમ છીએ. આ વિચાર સાથે જ તેમણે વર્ષ 2000માં 'ડાય હાર્ડ ઇન્ડિયન ડૉટ કૉમ'ની સ્થાપના કરી હતી. જેમાં તેઓ ભારતીયોએ મેળવેલી સફળતાને સ્થાન આપતાં હતા. પરંતુ આ વેબસાઇટ ચલાવતા તેમણે વિચાર્યું કે અમેરિકામાં રહીને તેઓ પોતાના દેશ માટે ખાસ કંઈ નહીં કરી શકે. તેથી આઠ વર્ષ અમેરિકામાં વીતાવ્યા બાદ તેઓ મુંબઈ પરત આવી ગયા.

અહીં આવીને તેમણે પોતાની વેબસાઇટનું કામ ચાલુ રાખ્યું. આ દરમિયાન તેમણે જોયું કે સરકારી વિભાગોમાં કામ કરાવવા માટે લોકોએ ખૂબ જ ધક્કા ખાવા પડે છે. ચાહે તે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પોલીસ વિભાગ. દરેક સ્થળે કામ કઢાવવા માટે લોકોએ પૈસા ખવડાવવા પડતા હતા. ત્યારે ગૌરાંગે વિચાર્યું કે જો કોઈ કામ કરાવવા માટે લોકો પાસે પૂરતી જાણકારી અને દસ્તાવેજો હશે તો ભ્રષ્ટાચાર આપમેળે ખતમ થઈ જશે. તેના માટે તેમણે જાતે જ માહિતી મેળવી. અને તેને પોતાની વેબસાઇટ ઉપર નાખી કે જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે કયું કામ કરાવવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડે છે. ગૌરાંગ મુંબઈના કિંગ્સ રેલવે સ્ટેશન પાસે રહે છે. તેથી તેમની સ્ટેશન ઉપર ખૂબ જ અવરજવર રહેતી હતી. અહીંની ગંદકી વિશે તેમણે કોર્પોરેશન અને સીએસટીમાં લેખિત રજૂઆત કરી. તેનાથી હેરાન થઈને ઓગસ્ટ 2014માં સીએસટીના એક અધિકારીએ તેમને બોલાવીને કહ્યું કે જો તમને સ્વચ્છતાની આટલી પડી છે તો જાતે સફાઈ કેમ નથી કરી લેતા. આ અંગે ગૌરાંગે જણાવ્યું હતું કે જો રેલવે તેની પરવાનગી આપશે તો તેઓ જાતે સફાઈ કરી લેશે. ત્યાર બાદ તે જ વર્ષે ડિસેમ્બરમાં રેલવેએ તેમને સફાઈ કરવાની પરવાનગી આપી.

image


ગૌરાંગે સફાઈ કરવા માટે સૌથી પહેલાં કેટલાક યુવાનોને સ્વયંસેવક તરીકે તેમની સાથે લીધા. ત્યારબાદ તેમણે તેમની વિવિધ ટુકડીઓ પાડીને દરેકને અલગઅલગ કામ સોંપ્યું. સ્વયંસેવક તરીકે તેમણે યુવાનોને પોતાની સાથે જોડ્યા એટલું જ નહીં પરંતુ તેમની સોસાયટીના લોકોની પણ મદદ લીધી. ત્યારબાદ ગૌરાંગ અને તેની ટીમે આખું સ્ટેશન સાફ કરી નાખ્યું. તે દરમિયાન તેમણે જોયું કે સ્ટેશન ઉપર કચરા ટોપલી ન હોવાને કારણે લોકો કચરો જ્યાં-ત્યાં નાખી દેતા હતા. એટલું જ નહીં સ્ટેશન ઉપર જરૂરીયાત અનુસાર લાઇટની પણ સગવડ નહોતી. તેના કારણે અહીં ચોરી ઉપરાંત ખૂન પણ થઈ જતાં હતાં. તેથી તેમણે સ્ટેશન ઉપર કચરા ટોપલીની વ્યવસ્થા કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન, રેલવે તેમજ અન્ય સંસ્થાઓની મદદથી 30 સ્ટ્રીટ લાઇટ્સ લગાવડાવી. તેના કારણે સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનાનું પ્રમાણ પણ ઘટ્યું અને તે વિસ્તાર પણ ચોખ્ખો થઈ ગયો.

ગૌરાંગ દામાણી (ડાબેથી પાંચમા) સ્વયંસેવક વિદ્યાર્થીઓ સાથે

ગૌરાંગ દામાણી (ડાબેથી પાંચમા) સ્વયંસેવક વિદ્યાર્થીઓ સાથે


આ ઉપરાંત રેલવે સ્ટેશનની દિવાલ ઉપર લોકો પેશાબ કરીને અને થૂંકીને તેને ગંદી કરી નાખતા હતા. તેવામાં ગૌરાંગે તે દિવાલોને સાફ કરાવડાવી. તેટલું જ નહીં, પરંતુ બાળકોની મદદથી તેના ઉપર ચિત્રકામ પણ કરાવડાવ્યું કે જેથી લોકો દિવાલ ઉપર થૂંકે નહીં. આવી રીતે એક જ મહિનામાં ગૌરાંગ અને તેમની ટીમે કિંગ્સ સર્કલ રેલવે સ્ટેશનને એકદમ સ્વચ્છ અને સુઘડ બનાવી નાખ્યું. સ્ટેશનની સુંદરતા વધારવા માટે તેમણે ત્યાં ખાલી જગ્યામાં છોડના કૂંડા મૂક્યાં. તેની સારસંભાળ માટે એક માણસ પણ રાખ્યો કે જે ફૂલછોડને નિયમિત રીતે પાણી આપે. આ ઉપરાંત તેમણે એક સફાઈ કામદાર પણ રાખ્યો. આ કામ તેમણે 700 સ્વયંસેવકોની સાથે મળીને કર્યું હતું.

image


કિંગ્સ સર્કલ રેલવે સ્ટેશનની સાફસફાઈ જોઇને રેલવેએ તેમને અન્ય સ્ટેશન ઉપર પણ આ પ્રકારનાં કામો કરવાની મંજૂરી આપી દીધી. ત્યાર બાદ તેમણે સાયનનાં રેલવે સ્ટેશનને સ્વચ્છ બનાવવાનું બીડું ઝડપ્યું. આ સ્ટેશનને સાફ કરવા માટે તેમણે કિંગ્સ સર્કલ રેલવે સ્ટેશનને સાફ કરવાની રીત જ અપનાવી. ગૌરાંગે જણાવ્યું હતું કે સાયન રેલવે સ્ટેશનની સફાઈ ખૂબ જ પડકારજનક હતી કારણ કે સાયન સ્ટેશન એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી પાસે આવેલું છે. અહીં તેમની સામે સૌથી મોટો પડકાર સ્ટેશનની દિવાલ હતો. જેને લોકોએ ખૂબ જ ખરાબ કરી નાખી હતી. તેના માટે ગૌરાંગે પોતાની ટીમ અને શાળાનાં બાળકોની મદદ લીધી. આ બાળકોની મદદથી સ્ટેશન અને તેની આસપાસ જાગરૂકતા તેમજ હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવ્યું. સાથે જ રેલવે પોલીસને એવી રજૂઆત કરવામાં આવી કે જે દિવાલ ગંદી કરે તેના ઉપર દંડ ફટકારવામાં આવે. આ દરમિયાન શાળાનાં બાળકોએ 6 હજાર કરતાં વધુ લોકોનાં હસ્તાક્ષર લીધા. તેમ છતાં ગૌરાંગનું માનવું છે કે આ કામમાં તેમને જેટલી મળવી જોઇએ તેટલી સફળતા નથી મળી. આમ છતાં પણ તેઓ આ સ્ટેશનને ચમકાવવા માટે મથી રહ્યા છે. સાયન સ્ટેશનની સુંદરતા જાળવી રાખવા માટે ગૌરાંગને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અન્ય સંસ્થાઓની પણ મદદ મળી રહી છે. સાથે જ તેમનાં કામને જોઇને કેટલીક કોર્પોરેટ કંપનીઓ પણ તેમની મદદ માટે આગળ આવી છે. આ કંપનીઓમાં ટાઇટન, ટીસીએસ અને મહિન્દ્રા સાઇફ એક્સપ્રેસના કર્મચારીઓએ સ્ટેશનની સફાઈમાં સ્વયંસેવક તરીકે ભાગ લીધો તો મહિન્દ્રા લાઇફ એક્સપ્રેસ કંપનીએ તેમને સફાઈનાં કામ માટે નાણાં પણ આપ્યાં છે. આ ઉપરાંત કેટલાક અન્ય લોકો પણ આ અભિયાનમાં તેમની આર્થિક રીતે અને અન્ય રીતે મદદ કરી રહ્યા છે.

image


ગૌરાંગ આ વર્ષના ફેબ્રુઆરીથી માહિમ રેલવે સ્ટેશન ઉપર સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે રે રોડ ઉપર પણ સફાઈ અભિયાન શરૂ કરી દીધું છે. રે રોડ ઉપર તેમણે અલગ અલગ પિલર્સ ઉપર વિવિધ ચિત્રો દોર્યાં છે. જે વિવિધ ભારતીય કલાઓ ઉપર આધારિત છે. પોતાની ભાવિ યોજનાઓ વિશે ગૌરાંગનું કહેવું છે કે હાલ તેમનું કામ રે રોડ અને માહિમ ઉપર ચાલી રહ્યું છે અને કોઈ પણ સ્ટેશનને સાફ કરતાં તેમને 6 મહિનાનો સમય લાગે છે. ત્યાર બાદ જ તેઓ અન્ય સ્ટેશનની સફાઈ વિશે વિચારશે.

લેખક- ગીતા બિશ્ત

અનુવાદક- મનીષા જોશી

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

સ્કૂલ વિદ્યાર્થીઓનું અનોખું સ્વચ્છતા અભિયાન: ‘ધ બેગ ઇટ ચેલેન્જ’

લોકોએ કહ્યું બેવકૂફ તો ગ્રુપનું નામ રાખ્યું 'બંચ ઓફ ફૂલ્સ', વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી પ્રસંશા

દેશને સ્વચ્છ રાખવા મોદી જ નહીં, આ યુવાનો પણ ચલાવે છે સ્વચ્છતા અભિયાન!