જીતના મંત્ર સાથે ગ્રામજનોના જીવનને બદલવાની મથામણ

0

કહેવાય છે કે ઇચ્છાને ક્યારેય મારવી ના જોઇએ અને આપણાં સપનાંને પૂરા કરવા માટે બને તેટલા પ્રયાસો કરવા જોઇએ. દરેક વ્યક્તિ પાસે પોતાનું એક લક્ષ તો ચોક્કસ હોવું જ જોઇએ. જો કોઇ વ્યક્તિ આ બધી બાબતો પર ધ્યાન આપે તો તેને સફળ થવાથી કોઇ રોકી ન શકે. આવી જ એક વ્યક્તિનું ઉદાહરણ છે અજય ચતુર્વેદી. અજય ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ તો ગયા પરંતુ જ્યારે પોતાના સપના પૂરા કરવાની વાત આવી તો પોતાના દેશ ભારત પાછા ફર્યા. હાલમાં તેઓ તેમના કામના માધ્યમ દ્વારા ગ્રામીણ વ્યક્તિઓની જિંદગી સરળ બનાવી રહ્યાં છે.

અજયે બિટ્સ પિલાનીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો ત્યારબાદ પેન્સિલ્વેનિયાની એક યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે સિટી બેંકમાં કામ કરવાની શરૂઆત કરી. પરંતુ મનમાં એક જ પ્રશ્ન હંમેશાં રહેતો કે કેવી રીતે તેઓ ભારતના ગરીબ લોકો માટે કંઇક નવું કરે. એક વાર તે ફરવા માટે હિમાલય ગયા હતા અને બસ આ યાત્રાએ તેમની જિંદગી જ બદલી નાખી. આ યાત્રા બાદ અજયે નોકરી છોડી દીધી અને 6 મહિના ત્યાં જ રહ્યાં. અજયે અહીંયાં જિંદગીને ઘણી નજીકથી જોઇ અને જાણવાનો પ્રયાસ કર્યો. થોડા સમય પછી તેમને સ્પષ્ટ થઇ ગયું કે હવે આગળ તેમણે શું કરવાનું છે.

ગ્રામીણ પ્રજા માટે શરૂ થયું ‘હારવા’

2010થી તેમણે આગળ આવી દેશને સશક્ત બનાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો. તેમના આ પ્રયાસને તેમણે નામ આપ્યું ‘હારવા’. અજયે જોયું કે ગ્રામીણોને સશક્ત કરવાના પ્રયાસ તો સરકાર પણ કરી રહી છે પરંતુ તે પ્રયાસ યોગ્ય રીતે દેખાઈ નથી રહ્યાં. ત્યારબાદ અજયે નક્કી કર્યું કે તેઓ ગ્રામીણ પ્રજાને એક સ્થાયી કામકાજ અપાવશે. અજયે ગ્રામીણોના સ્કીલ ડેવલોપમેન્ટની સાથે સાથે તેમનામાં રોજગારીનું પ્રમાણ પણ વધે તેવું કાર્ય શરૂ કર્યું.

‘હારવા’ શબ્દ હારવેસ્ટિંગ વેલ્યુમાંથી બન્યો છે અને તે સ્કીલ ડેવલોપમેન્ટની દિશામાં કાર્ય કરે છે. અજયે ગામડાંમાં બીપીઓ, કમ્યુનિટી બેઝ્ડ ફાર્મિંગ અને ગામડાંમાં માઇક્રોફાઇનાન્સની શરૂઆત કરી. અજયના બીપીઓમાં મહિલાઓ કામ કરે છે. અજયે ગામડામાં ફરી ફરીને ત્યાંની મહિલાઓને બીપીઓમાં કામ કરવા માટેનું આમંત્રણ આપતા. જે પણ મહિલા થોડુંઘણું ભણેલી હતી તેને કોમ્પ્યુટર ટ્રેઈનિંગ આપવામાં આવી અને તેને કામ પર લગાડવામાં આવી. અહીંયા કામ કરનાર મહિલાઓને પગાર આપવામાં આવે છે જેથી તેમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવી શકે.

‘હારવા’ બાદ શરૂ થયું ‘હારવા સુરક્ષા’

‘હારવા સુરક્ષા’ની શરૂઆત થોડાં સમય પહેલાં જ થઇ છે. આ પ્રોજેક્ટને બજાજ ફાઇનાન્સ દ્વારા પણ મદદ મળી છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને માઇક્રોફાઇનાન્સ આપી રહ્યાં છે. હારવા હાલમાં એક્સપીઓની 20 હારવા ડિજિટલ હટ્સ ચલાવી રહ્યું છે. જેમાંથી 5 હારવાની છે અને બાકીની ફ્રેન્ચાઇઝી મોડલ પર કાર્ય કરી રહી છે. જે ભારતના 14 રાજ્યોમાં છે અને જેમાં 70 ટકાથી પણ વધારે સ્ટાફ મહિલાઓનો છે. લગભગ એક હજારથી પણ વધારે પરિવારોને આ પ્રોજેક્ટનો લાભ થઇ રહ્યો છે. અહીંયા કામ કરનાર વ્યક્તિ વધારે પડતા ગરીબ વર્ગમાંથી આવે છે. જેમને તેમના કામનું પૂરેપૂરું વળતર આપવામાં આવે છે.

ઝડપથી આગળ વધવા અને વધુ લોકોને રોજગારી મળી રહે તે હેતુથી હારવા પાર્ટનરશિપ મોડલ પર પણ કાર્ય કરી રહ્યું છે. અજય જણાવે છે કે, “શોર્ટ ટર્મ માટે મિડલ લેવલના મેનજમેન્ટમાં કેટલાંક સુધારા લાવવા પડશે જેથી કાર્ય વધારે ઝડ઼પથી થઇ શકે. અને વિવિધ રાજ્યોમાં આ કામગીરી ફેલાવી શકાય. રાજ્યોની સાથે સાથે વિવિધ દેશોમાં પણ પહોંચવાનું અમારું લાંબા ગાળાનું લક્ષ છે.”

યંગ ગ્લોબલ એવોર્ડથી સન્માનિત

ગામડાઓમાં નેટવર્કને લઇને ઘણાં પ્રોબ્લેમ્સ આવતા હોય છે, આ ઉપરાંત ત્યાં કનેક્ટિવિટી પણ મુશ્કેલી પડતી હોય છે. જેના લીધે અજયને કામ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. અજય આ અંગે એક ઉદાહરણ આપતા જણાવે છે કે, “જો કોઇ ગામમાં દુષ્કાળ પડ્યો હોય તો બીજા ગામડામાંથી પણ પાણી લાવી શકાય છે પરંતુ આ કંઇ સ્થાયી નિરાકરણ નથી. સ્થાયી નિરાકરણ માટે જરૂરી છે કે પાણીની પાઇપલાઇન નાંખવામાં આવે. તેવી રીતે અમને પણ સમસ્યાઓનું ચોક્કસ સમાધાન જોઇએ છે.” આવી વિચારધારા સાથે અજય આગળ વધી રહ્યાં છે અને તેમના કામના પણ વખાણ થઇ રહ્યાં છે. વિશ્વ આર્થિક મંચે અજયના ઉત્કૃષ્ટ કાર્યોને જોઇને તેમને વર્ષ 2013માં યંગ ગ્લોબલ લીડર એવોર્ડથી સન્માનિત પણ કર્યા હતાં.

Related Stories