ફર્નિચરથી માંડીને એક્સેસરીઝ, બધું જ છે ‘GrabOnRent’ પાસે

0

બેંગલુરું અત્યારે ભારતના તમામ શહેરોમાં નવા બિઝનેસ અને સ્ટાર્ટઅપ માટે રાજધાની સમાન બની રહ્યું છે. નવા શહેરમાં જવું, ત્યાં સ્થાયી થવું જેવી બાબતોમાં અનેક પડકરો આવતા હોય છે. સામાન લાવવા-લઈ જવાથી માંડીને વિવિધ કનેક્શન લેવા જેવી અનેક બાબતો નવા શહેરમાં મુશ્કેલ જણાતી હોય છે. મૂળ કોલકાતાની સ્ટાર્ટઅપ Perdixને પણ બેંગલુરું આવીને કામ કરવામાં અનેક સમસ્યાઓ નડી હતી.

તેઓ જ્યારે પણ નવી ઓફિસ ખરીદતા ત્યારે તેમને ફર્નિચર લઈ જવાની અથવા તો તૈયાર કરાવવાની સમસ્યા ઉભી થતી. આ ટીમે એક વખત પાર્ટીનું આયોજન કર્યું ત્યારે પાર્ટીમાં બારબેક્યૂના સાધનો ક્યાંથી લાવવા તે અંગે સમસ્યા ઉભી થઈ અને એક નવા જ વિચારે જન્મ લીધો. તે સમયે તેમની પાસે બજારમાં જઈને ખરીદી કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ અનુભવે મનિષ એસ. સુગંધી, શુભમ જૈન અને આદિત્ય શર્માને ‘ગ્રેબ ઓન રેન્ટ’ શરૂ કરવા પ્રોત્સાહન આપ્યું. મનિષ અને શુભમે ‘ગ્રેબ ઓન રેન્ટ’ શરૂ કર્યા પહેલાં Perdixની શરૂઆત કરી હતી. હવે Perdixનું કામકાજ અન્ય લોકો દ્વારા સંભાળવામાં આવે છે.

‘ગ્રેબ ઓન રેન્ટ’ એવું માધ્યમ છે જેમાં વિવિધ વસ્તુઓ, જેવી કે ફર્નિચર, પાર્ટીના સાધનો કે પછી કેમ્પિંગ માટેના સાધનો મળી રહે છે. એક વખત યુઝર કંપનીની વેબસાઈટ પર લોગ ઓન થાય પછી તે વિવિધ વસ્તુઓ જોઈ શકે છે, તેના ભાવની સરખામણી કરી શકે છે અને તેમને વસ્તુ ક્યારે મળશે તે પણ ચકાસી શકે છે. વસ્તુ પસંદ કર્યા પછી ગ્રાહકે સિક્યોરિટી ડિપોઝીટ અને વસ્તુનું ભાડું ચુકવવું પડે છે.

કોઈપણ વસ્તુ હોય તેને ડિલિવરી પહેલાં યોગ્ય રીતે તપાસવામાં આવે છે અને પછી જ મોકલાય છે જેથી ગ્રાહકને કોઈ ફરિયાદ ન રહે કે તકરાર ન થાય. ‘ગ્રેબ ઓન રેન્ટ’ની સારી બાબત એ છે કે, વ્યક્તિ પોતાની અનુકુળતા પ્રમાણે વસ્તુ ભાડે લઈ શકે છે પછી ભલે ને તે કલાક માટે હોય, દિવસ માટે હોય કે મહિનાઓ માટે પણ હોય. જે લોકોને થોડા કલાકો માટે વસ્તુ જોઈતી હોય તેણે આખા દિવસ માટે નહીં પણ તેટલા કલાકો માટે જ ભાડું ચુકવવાનું રહે છે. તેના કારણે પણ વસ્તુને નુકસાન થતું અટકે છે અને ગ્રાહકોને ભાડું પણ પોસાય છે.

કંપનીએ નાના ઉદ્યોગો સાથે તેમની પ્રોડક્ટ બાબતે કરાર કર્યા છે. તેના કારણે કંપની પર રોકાણ કરવાનો બોજો પણ ઘટી ગયો છે. ઓનલાઈન વસ્તુઓ આપવાની સાથે સાથે કંપની ઓફલાઈન ગ્રાહકોને પણ યોગ્ય સુવિધા આપી શકે છે.

આ કંપની માટે સૌથી મોટો પડકાર હતો વિક્રેતાઓનો વિશ્વાસ જીતવો. કંપની શરૂ થયાના બે અઠવાડિયામાં કંપનીએ 1350 રૂપિયા ભાડાના એઆરપી (એવરેજ રેન્ટિંગ પ્રાઈઝ)ના આધારે 107 ઓર્ડર્સ લીધા.

ઓનલાઈન વસ્તુઓ ભાડે આવી એક નવો જ કોન્સેપ્ટ છે અને રેન્ટમોજો, આઈરેન્ટશેર તથા ફર્લેન્સો જેવી કેટલીક સાઈટ આ સુવિધા આપે છે. ‘ગ્રેબ ઓન રેન્ટ’ની અલગ બાબત એ છે કે તેણે માત્ર ફર્નિચર સુધી સિમિત ન રહેતા મોટી વસ્તુઓને પણ પોતાની સેવા અને યાદીમાં સ્થાન આપ્યું છે. વર્તમાન સમયમાં કોઈ લિડિંગ કંપની નથી બની. હજી બધાએ માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનું બાકી છે.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories

Stories by Khushbu Majithia