RTI ટી સ્ટોલ, અહીં દરેક સમસ્યાનું સમાધાન છે!

0

જે માણસના કારણે હજારો ગ્રામીણોએ સરકાર વિશેની માહિતી મેળવી અને આ માહિતીને કારણે લોકોએ સરકાર તરફથી મળતી સગવડો અને પોતાનો હક્ક મેળવ્યો. તેની ઓળખ એક ચાની કિટલી છે. ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના ચૌબેપુર ગામમાં ચાની કિટલીમાં તેની ઓફિસ પણ છે. અહીં બેસીને લોકો ગરમાગરમ ચાની ચુસ્કીઓ સાથે પોતાની સમસ્યાઓનું સમાધાન પણ શોધે છે. છેલ્લાં પાંચ વર્ષથી 27 વર્ષીય કૃષ્ણ મુરારી યાદવ જે ચાની કિટલી ઉપર બેસીને કામ કરે છે. તે દુકાન અન્ય દુકાનોથી અલગ નથી. ત્રણ કાચી દિવાલો અને ઘાસનાં છાપરાં નીચે બેસીને તે અત્યાર સુધી અનેક વખત માહિતી મેળવવાનો અધિકાર એટલે કે આરટીઆઈનો ઉપયોગ કરીને લોકોનું ભલું કરવામાં લાગેલા છે.

લોકશાહીનાં મૂળિયા ઊંડાં કરવામાં આરટીઆઈનાં જેટલાં વખાણ કરવામાં આવે તેટલાં ઓછા છે. તેના કારણે લાલફિત્તાં શાહી અને અધિકારીઓ દ્વારા ખવડાવવામાં આવતાં ધક્કા ટાળવામાં મદદ જરૂર મળે છે પરંતુ આ સિક્કાની એક બાજુ જ છે. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે 12 ઓક્ટોબર 2005થી લાગુ પાડવામાં આવેલા આ કાયદા વિશે અંતરિયાળ ગામોનાં લોકો હજી પણ અજાણ છે. તેમને એ ખબર નથી કે ગામનો રસ્તો હોય કે હોસ્પિટલ કે પછી રાશનની દુકાનમાં મળતો સામાન હોય તે તમામ વિશેની માહિતી આરટીઆઈ મારફતે મેળવી શકાય છે. આ બાબત અંગે જ્યારે પાંચ વર્ષ પહેલાં કૃષ્ણ મુરારી યાદવે જાણ્યું તો તેણે નક્કી કર્યું કે તે આના વિશે લોકોને માહિતી આપશે.

27 વર્ષીય કૃષ્ણ મુરારી યાદવે સમાજશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી છે. તેનું કહેવું છે કે તે જ્યારે ઇન્ટરમાં ભણતો હતો ત્યારે તે શાળામાં ભણતાં બાળકોને ભણાવવાનું અને તેમને શિક્ષણ વિશે જાગરૂક કરવાનું કામ કરતો હતો. પરંતુ ભણવાનું પૂરૂં થઈ ગયા બાદ તેણે લગભગ 2 વર્ષ નોકરી કરી હતી. પરંતુ તે કામમાં તેનું મન નહોતું લાગતું. કૃષ્ણના જણાવ્યા અનુસાર,

"એક દિવસ મેં જોયું તો એક સરકારી ઓફિસની બહાર 5-6 લોકો ભેગા મળીને ઓફિસમાં જનારા લોકોને માહિતીના અધિકાર વિશે જાણકારી આપી રહ્યા હતા. તે લોકોને કહેતા હતા કે જો કોઈ કારણોસર કોઈ સરકારી ઓફિસમાં તેમનું કામ ન થતું હોય તો તેઓ આરટીઆઈ માટેની અરજી કરે. ત્યાર બાદ લોકોનું કામ કોઈને પણ રૂપિયા ખવડાવ્યા વિના થઈ જતું હતું. આ વાતથી હું ખૂબ જ પ્રભાવિત થયો હતો."

તે વખતે કૃષ્ણ મુરારીને લાગ્યું કે આરટીઆઈ તો એક હથિયાર છે જો લોકો તેનો યોગ્ય ઉપયોગ કરે તો દેશની અડધી વસતીની સમસ્યાઓ ઉકેલાઈ જશે. આ લોકો ઘણાં વર્ષોથી પોતાની સમસ્યાનાં ઉકેલ માટે સરકારી ઓફિસોના ધક્કા ખાય છે. ત્યાર બાદ તેમણે આરટીઆઈનો સઘન અભ્યાસ કર્યો. જેથી કરીને તેઓ કાયદાને સારી રીતે સમજી શકે. ત્યાર બાદ તેઓ 2011માં સંપૂર્ણપણે આ અભિયાનમાં જોડાઈ ગયા.

કાનપુર શહેરમાં જ તેમણે અનેક લોકો માટે આરટીઆઈ નાખીને તેમની મદદ કરી હતી. ધીમે ધીમે તેઓ પોતાનાં કામ થકી જાણીતા થઈ ગયા. જ્યારે તેમનાં કામોની ચર્ચા છાપાંઓમાં થવા લાગી તો તેમના પરિવારજનો નારાજ થઈ ગયા કારણ કે તેઓ ઇચ્છતા હતા કે કૃષ્ણ મુરારી યાદવ સમાજસેવા છોડીને નોકરી ઉપર ધ્યાન આપે. પરંતુ આ વાતનો તેમના ઉપર કોઈ પ્રભાવ નહોતો પડ્યો. અને એક દિવસ તેઓ પોતાના પરિવારથી દૂર ચૌબેપુર ગામમાં આવીને રહેવા લાગ્યા કારણ કે તેઓ માનતા હતા કે દેશની અડધા ઉપરાંતની વસતી ગામડાંઓમાં રહે છે. જ્યારે શહેરોમાં જ લોકોને આરટીઆઈ વિશે ખબર ન હોય તો ગામડાંઓમાં તો નિરક્ષરતા અને જાણકારીના અભાવે લોકોને આ કાયદા વિશેની કોઈ જ જાણકારી નહીં હોય.

કૃષ્ણ લોકોને આરટીઆઈની માહિતી આપતાં પહેલાં 20-25 ગામોમાં જઈને સર્વે કરીને જાણે છે કે તેમના ગામમાં સમસ્યા શું છે. ત્યારબાદ તેઓ પદયાત્રા કાઢીને અને પેમ્ફ્લેટ વહેંચીને ત્યાંના લોકોને જાગરૂક કર્યા હતા. તેમણે ગામના લોકોને જણાવ્યું કે જો તેમનું કોઈ સરકારી કામ ન થતું હોય તો તેમની પાસે આવે તેઓ તેમનું કામ કરાવી આપવામાં મદદ કરશે.

ત્યાર બાદ તો મુરારી પાસે ફરીયાદોનો ઢગલો થઈ ગયો. ઘણા લોકોએ ફરીયાદ કરી હતી કે અનેક વખત રજૂઆતો કર્યા બાદ તેમનું રાશનકાર્ડ નથી બની રહ્યું. કેટલાક લોકોએ જમીનનું વળતર ન મળ્યું હોવાનું પણ ફરીયાદ કરી હતી. એક વ્યક્તિએ એમ પણ જણાવ્યું કે તેના ભાઈનું વર્ષ 2002માં એક અકસ્માતમાં અવસાન થઈ ગયું હતું તેનું વળતર હજી સુધી નથી મળ્યું. ત્યાર બાદ તેમણે આ સમસ્યાઓ દૂર કરવા માટે આરટીઆઈ નાખી તો તે લોકોનાં કામ ફટાફટ પૂરા થવા લાગ્યા. હવે કૃષ્ણ મુરારી સામે મોટી સમસ્યા એ હતી કે તેમને એક એવી જગ્યાની જરૂર હતી કે જ્યાં જઈને તેઓ લોકોની ફરીયાદો સાંભળી શકે અને લોકોને શીખવાડી શકે કે આરટીઆઈ કેવી રીતે કરાય છે. આ કામમાં તાતિયાગંજ ગામમાં ચાની લારી ચલાવતા મૂલચંદે તેમની મદદ કરી.

તેમણે જણાવ્યું,

"હું અને મારા મિત્રો કિટલી ઉપર ચા પીતા હતા. સાથે જ અમે અમારા કામ વિશે પણ બેસીને ચર્ચા કરતા હતા. તેવામાં મૂલચંદ પણ આ કામમાં રસ દાખવવા લાગ્યા. ત્યાર બાદ તેમણે મને સલાહ આપી કે હું તેમની કિટલીએ જ મારી ઓફિસ શરૂ કરી દઉં."

આમ કૃષ્ણ મુરારીએ વર્ષ 2013માં આરટીઆઈ ટી સ્ટોલના નામે તે જગ્યાએ પોતાની ઓફિસ શરૂ કરી દીધી. ત્યાર બાદ લોકો આજુબાજુના ગામમાંથી જ નહીં પરંતુ ઝાંસી, હમિરપુર, ઘાટમપુર,બાંદા અને રસૂલાબાદથી પણ આવવા લાગ્યાં. તેઓ કહે છે કે

અત્યાર સુધી હું આરટીઆઈ મારફતે 500 લોકોની મદદ કરી ચૂક્યો છું. આ ઉપરાંત મેં પોતે પણ 250-300 આરટીઆઈ નાખી છે. આ ઉપરાંત મેં એવા પણ ઘણા લોકોને આરટીઆઈ કરવામાં મદદ કરી છે કે જેઓ ફોન મારફતે મારો સંપર્ક સાધે છે.

ચૌબેપુરના લોકોએ જે સમસ્યાનો સામનો કરવો પડે છે તે આખા દેશનાં ગામડાંઓનું એકમાત્ર ઉદાહરણ છે. જમીન વિવાદ, સરકારી દેવાની યોજનાઓ, પેન્શન, રસ્તાનું બાંધકામ, અને સ્થાનિક સ્કુલો માટે પૈસા. આ પ્રકારની તકલીફો સૌથી વધારે છે.

પોતાની આર્થિક તકલીફો વિશે કૃષ્ણનું કહેવું છે કે તેઓ છાપાં અને પોર્ટલ ઉપર લખીને થોડા પૈસા કમાઈ લે છે. તેમ છતાં પણ ઘણી વખત તેમની પાસે આરટીઆઈ કરવાનાં રૂપિયા નથી હોતાં. ત્યારે તેઓ મિત્રો પાસેથી ઉછીનાં પૈસા લઈને આરટીઆઈ નાખે છે. તેમની યોજના એક એવી મોબાઇલ વેન બનાવવાની છે કે જે અંતરિયાળ ગામોમાં જઈને લોકોને આરટીઆઈ સાથે સંકળાયેલી માહિતી આપી શકે.

લેખક- ગીતા બિશ્ત

અનુવાદ- મનીષા જોશી

વધુ પ્રેરણાત્મક અને હકારાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

બિંદેશ્વર પાઠકના પ્રયાસોનું પરિણામ, દેશમાં શૌચાલયો બન્યા ‘સુલભ’

કર્ણાટકમાં શિક્ષકો વિના ચાલતી સ્કૂલ નવો ચીલો ચાતરે છે!

પાણીની આશા નઠારી નિવડી, ક્યાંયથી સહકાર ન મળતાં ગામની મહિલાઓએ જાતે જ ગામમાં કૂવો ખોદી લીધો!