કેમ્પસ કૅન્ટીન ‘ભુક્કડ’થી ‘ભુક્કડ’ મીલ બેગ સુધીની સફર!

0

મેસમાં મળતા કંટાળાજનક નાસ્તાના બદલે કંઈક નવું આપવાના અરુજ ગર્ગના વિચારોના પરિણામે બેંગલુરું ખાતેની ‘નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી’માં 2011માં ‘ભુક્કડ’ની શરૂઆત થઈ.

‘ભુક્કડ’ કોલેજની સામાન્ય કૅન્ટીનની જેમ જ કામ કરતી હતી પણ 2013માં જ્યારે અરુજને સ્વાસ્થ્યને લગતી થોડી સમસ્યા થઈ ત્યારપછી તેણે નક્કી કર્યું કે તે પોતાની જ ‘ભુક્કડ’માં નહીં ખાય. બીજી વાસ્તવિકતા એ હતી કે તેની આસપાસ ઘણી રેસ્ટોરાં અને કેફે હતા જે ઓર્ગેનિક અને હેલ્ધિ ફૂડ આપતા હતા, પણ તે બધા ખૂબ જ મોંઘા હતા. આ ક્ષણે અરુજને વિચાર આવ્યો કે ‘ભુક્કડ’માં ઓછા ભાવે લોકોને સારું અને સ્વચ્છ ભોજન આપવામાં આવે તો ઘણું ઉપયોગી સાબિત થાય તેમ છે.

કોલેજમાંથી વાસ્તવિકતા સુધી

તેણે જ્યારે આ શૉપ શરૂ કરી ત્યારે તેની પાસે તક હતી કે વિદ્યાર્થીઓને પરવડે અને ગમે તેવી ફૂડ બ્રાન્ડ બનાવવી. તેણે જ્યારે વિવિધ કોલેજ અને સંસ્થાઓમાં જઈને તેમના સંચાલકો સાથે ચર્ચા કરી ત્યારે તેને વાસ્તવિકતા અને પડકારોનો ખ્યાલ આવ્યો.

માર્ચ ‘2014’માં, ભુક્કડમાં પરિવર્તન આવ્યું અને તેને નેચરલ ફાસ્ટફૂડ બનાવવામાં આવ્યું. ‘ભુક્કડ’ની ટીમે નક્કી કરી લીધું હતું કે તેના ફૂડમાં આમૂલ પરિવર્તન લાવવું છે. હેલ્ધી ફૂડ લોકોને પહેલી પસંદગી હોય છે અને વર્તમાન સમયમાં કેટલીક કંપનીઓ છે જે નેચરલ ફૂડ આપે છે પણ તેના લિમિટેડ કસ્ટમર્સ સુધી જ સિમિત રાખે છે.

અરુજે જણાવ્યું કે, “અમે આ પરિસ્થિતિ બદલવા માગતા હતા. અમે નક્કી કર્યું કે, તેનું નામ ‘ભુક્કડ’ રાખવું. બીજી તરફ અમે અમારા નામની સાથે સાથે ફૂડ પણ એવું રાખવા ઈચ્છતા હતા જે લોકોને પસંદ પડે. અમે અમારા મેન્યૂમાં પરિવર્તન કર્યું અને પ્રિઝર્વેટિવ્સ તથા પ્રોસેસ્ડ તત્વો ધરાવતા તમામ ફૂડને બદલી નાખ્યા. અમે લોકો મિશેક પોલેનના પુસ્તક ‘ઈન ડિફેન્સ ઓફ ફૂડ’ દ્વારા પ્રેરિત થયા અને તેમાં દર્શાવેલા વિઝનને અપનાવીને અમારા ફૂડની ગુણવત્તા જાળવી રાખવામાં મોટા પાયે સફળ થયા.

તૈયારી અને શરૂઆત

આ વર્ષ દરમિયાન ‘ભૂક્કડ’ QSR (ક્વિક સર્વિસ રેસ્ટોરાં) બ્રાન્ડ બનવા તૈયારી કરી રહી છે, જે ભરચક વિસ્તારો, મોટા ચાર રસ્તા તથા મોટી સંખ્યામાં ઓફિસ ધરાવતા વિસ્તારોમાં ‘ટેક અવે’ તરીકે કામ કરે. ઉદાહરણ તરીકે, તેની ટીમને લાગ્યું કે, મોટું રોકાણ કરવામાં મુશ્કેલી અને કામગીરી વધારે રહેશે. આ બાબતનો ઉકેલ લાવવા પ્રાથમિક તબક્કે આ વર્ષે મે મહિનામાં ‘ભુક્કડ’ બેગની શરૂઆત કરવામાં આવી જે ઓનલાઈન મળે છે અને દરરોજ મેન્યૂ બદલાય પણ છે.

આ મીલ બેગ અત્યારે માત્ર લંચ ઓર્ડર કરનારને જ મળે છે, જે ટૂંક સમયમાં બ્રેકફાસ્ટ અને ડિનરના ઓર્ડર કરનારને પણ મળશે. આ વ્યવસાય ‘હબ એન્ડ સ્પોક’ મોડલ પર કામ કરતો હતો. તેમાં ઓર્ડર આવ્યા બાદ મુખ્ય કિચન હબ તરીકે કામ કરતું અને ગ્રાહક સુધી ઓર્ડર જાય તે પહેલાં તેને ડિલિવરી માટે બનાવેલા નાના નાના સેન્ટર્સ સુધી પહોંચાડવામાં આવતો.

અરુજ વધુમાં જણાવે છે, “અમારા માટે ગ્રાહકોને સારું ભોજન આપવું તે જ અમારો માપદંડ છે. તેના કારણે જ અમે જે માળખામાં કામ કરતા હતા તેમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો પણ પ્રિઝર્વેટિવ્સ અને પ્રોસેસ્ડ ફૂડના બદલે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવાની ફિલોસોફી અને નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહીં.”

કાર્યપદ્ધતિ અને પડકારો

અરુજ જણાવે છે કે, અમે કિચનમાં થતી કામગીરી પણ ઝડપી અને સરળ બનાવવા પર ભાર મૂક્યો હતો. હકારાત્મકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ફૂડની એક સરખી ગુણવત્તા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તેના આધારે કામગીરીના આંક નક્કી થતાં હતા.

પારદર્શક અને સરળ કામગીરીની નીતિ ધરાવતી કંપનીએ કામગીરીના ઉત્તમ માપદંડો તૈયાર કરવા પર તથા શક્ય હોય ત્યાં સુધી તે રીતે જ કામ કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અરુજ વધુમાં જણાવે છે કે, આ નીતિથી કામ કરવામાં અનેક પડકારો આવે છે પણ તમારા કર્મચારીઓ તેને કેવી રીતે અનુસરે છે અને પ્રતિક્રિયા આપે છે તે બીજી બાબત છે. અમારું લક્ષ્ય તેમને શક્ય એટલા સંપૂર્ણ બનાવવાનું છે અને આજ અમારા માટે કપરું કામ છે.

કિચન અને ફૂડપ્રોસેસ આ વ્યવસાયનો મુખ્ય આધાર છે. ઉચ્ચ કક્ષાના શેફને આકર્ષવા થોડું અઘરું કામ છે. અમારી ટીમ તેના પર ધીમે ધીમે કામ કરી રહી છે અને ટૂંક સમયમાં કેટલાક ટેલેન્ટેડ શેફ અમારી ટીમમાં જોડાઈ જશે.

ટ્રેક્શન અને કૉસ્ટ

કોઈપણ ફૂડ બિઝનેસ હોય તેમાં ગ્રાહકનું પુનરાવર્તન થયા કરે તે ખૂબ જ જરૂરી અને સફળતાનું સૂચક છે. અમારા સાહસનો આ આંક વધી રહ્યો છે. અમારા પુનરાવર્તિત ગ્રાહકોની સંખ્યા અને મીલ બેગના ગ્રાહકોની સંખ્યા 45 ટકા છે જે બે થી ત્રણ અઠવાડિયામાં બદલાતી જાય છે. મીલ બેગના સેલ્સમાં છેલ્લાં બે મહિનાથી દર મહિને 40 ટકાનો વધારો થયો છે. અત્યારે અમે અમારી જ વેબસાઈટ અને અન્ય એજન્ટ્સ દ્વારા અમારી મીલ બેગનું વેચાણ કરી રહ્યા છીએ.

QSR મોડેલ તરીકે અમે રૂપિયા 8 લાખથી થી 20 લાખના રોકાણ દ્વારા ગમે ત્યાં અમારું એક યુનિટ શરૂ કરવા ઈચ્છીએ છીએ. અહીંયા સેન્ટ્રલ કિચન અથવા તો હબ શરૂ કરવું ખૂબ જ મોટું રોકાણ માગી લેતું કામ છે. તેમાં તમે કેવી વ્યવસ્થા રાખવા માગો છે તેના આધારે રોકાણનો આંકડો સામાન્ય રીતે 10 લાખથી શરૂ કરી 1 કરોડ સુધી જતો રહે છે.

અરુજ જણાવે છે, “છેલ્લાં ચાર વર્ષની સરેરાશ કામગીરી પર નજર કરીએ તો ‘ભુક્કડ’ માત્ર ‘એફ એન્ડ બી’ બિઝનેસ છે. વર્તમાન સમયમાં મેનપાવર સૌથી મોટો પડકાર છે. ઘર્ષણનું પ્રમાણ વધારે છે અને સ્ટાફને ટ્રેનિંગ આપવી ઘણું કપરું કામ છે. અમે છેલ્લાં આઠ મહિનાથી એવી ટીમનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ જે આયોજનબદ્ધ રીતે કામ કરીને અમારા વ્યવસાયને વધુ ઉંચાઈ સુધી લઈ જાય.

સફળતા પાછળ છે આ લોકો

‘ભુક્કડ’ની ટીમ ખૂબ જ નાની છે. અરુજ કહે છે, “જે લોકો અમારી સાથે જોડાયા છે તેઓ એવા લોકો છે જેઓ પોતાની જવાબદારી જાતે સ્વીકારી તેને પૂરી કરે છે. અત્યારે અમારી ટીમમાં નંદિતા પોલ છે જે સમગ્ર ટીમના આધાર સમાન છે. તે ગત વર્ષે ડિસેમ્બરમાં ઈન્ટર્ન તરીકે જોડાઈ હતી અને અત્યારે કોઈપણ કામ કરવા સક્ષમ છે. અત્યારે તેનું મુખ્ય કામ કિચન અને આઉટલેટ પર થતાં ફૂડ પ્રોડક્શન અને પ્રોસેશનું મેનેજમેન્ટ કરવાનું છે. આઈએચએમનું બેકગ્રાઉન્ડ અને આઈટીસી ગાર્ડનિયાનો અનુભવ તેની સફળતાના પરિબળ છે.”

“તાજેતરમાં જ અમારી સાથે રિચા ગુલાટી જોડાયા છે જેની પાસે એમએનસી એચઆરનો 11 વર્ષનો અનુભવ છે. તેમણે અમારો સાતત્યપૂર્ણ વિકાસ થાય તે માટે અમને ચોક્કસ માળખામાં લાવવા અને આયોજનબદ્ધ રીતે કામ કરવા પર મુખ્ય ધ્યાન આપ્યું છે. અમારી કંપની આ વર્ષના અંત સુધીમાં વધારેમાં વધારે આઉટલેટ ખોલવા તથા બ્રેકફાસ્ટ ચેઈનમાંથી લંચ કે ડિનર આપતા ફૂડ આઉટલેટ બનવાનો પ્રયાસ કરી રહી છે. તે પોતાની ઓફલાઈન ઓળખ પણ વધારવા પ્રયાસરત છે. અમારો આશય ઓનલાઈન અને ઓફલાઈન બિઝનેસ કરવાનો છે. અમે જાણીએ છીએ કે ફિઝિકલ એપિયરન્સ પણ મહત્વનો હોય છે અને તેથી જ અમે આ વ્યવસાયમાં તેને પડતો મૂકવા માગતા નથી.”

ભવિષ્યના આયોજન

QSR મોડલ ઘણા સમયથી પ્રચલિત છે અને તેના આધારે જ અમે ઓછા રોકાણ દ્વારા વધારે યુનિટ ખોલવાનું આયોજન કરી રહ્યા છીએ જેનું માળખું પણ મૂળ માળખાને અનુરૂપ એટલે કે પ્રતિબિંબ સમાન હોય. અરુજના મતે આ તબક્કે ફૂડની ગુણવત્તા અને સાતત્યતા ખૂબ જ મોટો પડકાર બની રહે છે. મેકડોનાલ્ડ, કેએફસી અને પિત્ઝા હટ જેવી બ્રાન્ડ અને કંપનીઓ જે રીતે પોતાની ગુણવત્તા જાળવી રાખે છે તે સ્તરે કામ કરવું કપરું છે. તેમ છતાં અરુજ આશા રાખે છે કે ‘ભુક્કડ’ પણ તેવા જ માપદંડો અને ગુણવત્તા પર કામ કરશે.

તે વધુમાં જણાવે છે કે છેલ્લાં એક વર્ષમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ અને ક્લાઉડ કિચન બિલાડીના ટોપની જેમ વધી ગયા છે. તેના કારણે આ ક્ષેત્રમાં મોટી સ્પર્ધા ઉભી થઈ છે. અરુજ જણાવે છે, “આ ટ્રેન્ડ હવે ડિમાન્ડમાં છે તેથી અમારા સાહસની ઉત્ક્રાંતિ કરવી જ પડશે. અમે એવું માનીએ છીએ કે બિઝનેસ મોડેલમાં ફેરફાર કરી શકાય પણ નીતિઓમાં કોઈ બાંધછોડ કરવી જોઈએ નહીં. ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતા આઉટલેટ અમારા પ્રતિસ્પર્ધી છે. તેમ છતાં અમે અમારા ફૂડ દ્વારા અમારી વિશિષ્ટતાને ટકાવી રાખીશું.”

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories

Stories by Khushbu Majithia