5-5 રૂપિયા માટે તરસતી મહિલાઓ કઈ રીતે બની સ્વાવલંબી?

વારાણસી પાસે પ્રહલાદપુર ગામમાં ભૂમિહીન મહિલાઓનું એક જૂથ બનાવાયું છે, જે સંકટ સમયે એકબીજાની મદદ કરે છે. 

0
કહે છે કે જિંદગી પોતાનો માર્ગ શોધી લે છે. કદાચ એટલે જ કહેવાય છે કે આશા પર આખી દુનિયા ટકી રહી છે. એક આશા તૂટે તો બીજી માર્ગ બતાવવા લાગે છે. મામલો જ્યારે જીવન-મરણ સુધી પહોંચ્યો હોય ત્યારે તેનું મહત્ત્વ ઓર વધી જતું હોય છે. વારાણસીના પ્રહલાદપુર ગામમાં મહિલાઓએ કંઈક આવું જ કરી બતાવ્યું છે. મહિલાઓએ જે કરી બતાવ્યું છે, એના માટે કહી શકાય કે જિંદગીમાં સતત ચાલતા રહેવાનું હોય છે, રસ્તા જાતે જ બનાવવા પડશે અને તેના પર ચાલીને માઇલસ્ટોન બનાવવો પડશે.


વારણસીના પ્રહલાદપુર ગામમાં મહિલાઓ ખેતી કરીને માત્ર ઘર જ નથી ચલાવતી, બલકે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પણ રજૂ કરી રહી છે. આ મહિલાઓએ ખેતી કરવાની સાથે સાથે જ પોતાના ખરાબ સમયમાં મદદ માટે એક જૂથ પણ રચ્યું છે. આ જૂથની મદદથી તેઓ ખરાબ સમયમાં પોતે જમા કરેલા પૈસામાંથી લોન લે છે અને પછી લોન ભરપાઈ કરીને આ ગ્રૂપના અન્ય લોકોની મદદમાં યોગદાન આપે છે. 10 મહિલાઓથી શરૂ થયેલું આ જૂથ સાથે આજે 2250 મહિલાઓ સુધી પહોંચી ગયું છે અને માત્ર 200 રૂપિયાથી શરૂ થયેલી બચત આજે સાડા ત્રણ કરોડના રોટેશન સુધી પહોંચી ગઈ છે.

આ મહિલાઓ રોજ ખભે પાવડો નાંખીને ખેતરો તરફ જાય છે અને ફૂલની ખેતી કરે છે અને આ ફૂલોની માળા બનાવીને બજારમાં વેચે છે, જેનાથી માત્ર તેમનું ઘર જ નથી ચાલતું, બલકે તેમનાં બાળકોનો અભ્યાસ અને ઉછેરમાં પણ મદદ મળે છે. આટલું જ નહીં આ ગામની મહિલાઓ દ્વારા પોતે બનાવાયેલા જૂથનો સૌથી મોટો ફાયદો એ છે કે આનાથી મહિલાઓએ કોઈ મહાજન પાસેથી કરજ લેવું પડતું નથી અને તેઓ પરસ્પરના સદભાવથી એકબીજાને મદદ પણ કરે છે.

પ્રહલાદપુર ગામની મહિલાઓની આ સફળતા જોઈને પાડોશી ગામની મહિલાઓ પણ તેમનું અનુકરણ કરવા માંડી છે અને આજે આ અભિયાન 22 ગામોમાં ફેલાઈ ગયું છે. પ્રહલાદપુર ગામની મહિલા મીરાંનું કહેવું છે,

“અમારા પતિ પહેલા વણાટકામ કરતા હતા. વણાટ બંધ થઈ ગયું. પરંતુ આ જૂથ બનાવ્યા પછી અમારા લોકોની સ્થિતિ પહેલા કરતાં સુધરી છે. આ જૂથ થકી બચત પણ થવા લાગી છે અને ખેતીનું કામ પણ વધ્યું છે. જૂના દેવા ખતમ થઈ ગયાં છે. હવે અમારે મહાજનના ઘરે જવું પડતું નથી. આનાથી મોટું સુખ બીજું કયું હોઈ શકે.”

જૂથનાં સંચાલિકા માધુરીનું કહેવું છે,

“અમે દસ બહેનોએ મહિને 20 રૂપિયા જમા કરીને જૂથ બનાવ્યું. આવું જૂથ હવે આ ગામ ઉપરાંત લગભગ બે ડઝન ગામોમાં ચાલે છે. જૂથમાં બચત થયા પછી મહિલાઓ ભાડાપટ્ટે ખેતર-વાડી રાખે છે અને એક વર્ષ માટે ખેતી કરે છે અને જે બચે છે,તેમાંથી વધુ સારાં કામ કરે છે. એક સમય હતો જ્યારે આ મહિલાઓ પાંચ રૂપિયા માટે પણ તરસતી હતી, આજે એકબીજાની મદદ કરે છે.”

વારાણસીના પ્રહલાદપુર ગામની આ મહિલાઓએ એવું કરી બતાવ્યું છે, જેના માટે સરકારો તમામ યોજનાઓ ચલાવતી હોય છે. આ યોજનાઓ બનવામાં અનેક વર્ષો વીતી જતા હોય છે. આનાથી સાબિત થાય છે કે જાય છે કે જો આપણે સૌ મળીને કંઈક કરવાનો નિર્ધાર કરી લઈએ તો તેનું સારું જ પરિણામ મળી શકે છે. આ મહિલાઓએ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની અસર અન્ય ગામોમાં પણ જોવા મળી રહી છે. સૌથી મોટી વાત એ પણ છે કે આ મહિલાઓએ અજાણતાં જ અર્થશાસ્ત્રના મોટા પંડિતોને એક ડિઝાઇન આપી છે, જેનો સારો ઉપયોગ કરી શકાય છે અને ગરીબી દૂર કરવા માટે તેને વ્યાપકસ્તર અમલમાં મૂકી શકાય છે.

લેખક – નવીન પાંડેય

અનુવાદક – સપના બારૈયા વ્યાસ

Related Stories