આરાધના ધૂપ: એક ગ્રામીણ સ્ટાર્ટઅપની પ્રેરણાત્મક સફર

આરાધના ધૂપના સ્થાપક સુષમા બહુગુણા ભણેલા-ગણેલા છે. તેઓ ક્યાંય પણ સરળતાથી એક શિક્ષિકા તરીકે કામ કરી શકે તેમ છે પરંતુ નોકરીની પાછળ ભાગવાને બદલે તેમણે પોતાનું જ કામ કરવાનું નક્કી કર્યું!

0

આજે હવે રોજગાર માટે પલાયન થવું એ ખૂબ સામાન્ય બની ગયું છે. એવામાં હિમાચલ પ્રદેશની એક મહિલા ન માત્ર સ્વરોજગારના ક્ષેત્રમાં સફળતાપૂર્વક આગળ વધી રહી છે પરંતુ અન્ય મહિલાઓને પણ રોજગારની રાહ બતાવી તેમની પ્રેરણા બની રહી છે. અગરબત્તી બનાવવાનો કારોબાર શરૂ કરી, પોતાની અલગ ઓળખ બનાવનાર સુષમા બહુગુણાની સાથે આજે 24થી વધુ મહિલાઓ પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી રહી છે! 

હિમાચલ પ્રદેશની ૩૩ વર્ષીય સુષમા બહુગુણાએ પોતાના સ્ટાર્ટઅપના માધ્યમથી બે ડઝનથી વધુ મહિલાઓ માટે ખોલ્યા રોજગારના અવસર. સુષમા ઉત્તરાખંડના ચંબા જિલ્લામાં રહે છે.

સૌ કોઈને નોકરી તો કરવી હોય છે પરંતુ જો બધાં નોકરી જ કરતા રહેશે તો નોકરી આપતા સંસ્થાનો કેવી રીતે બનશે. જ્યાં સુધી કોઈ નવો વ્યવસાય નહીં કરીએ, કોઈ સંસ્થાઓ નહીં બનાવીએ ત્યાં સુધી નોકરીની નવી તકો કેવી રીતે ઉભી થશે. ઘણાં લોકો પાસે કંઇક નવું કરવાનો આઈડિયા તો હોય છે પરંતુ અસફળ થવાનો ડર તેમને ઘેરી વળે છે. તેવામાં સુષમા બહુગુણા ન માત્ર સ્વરોજગાર તરફ વળ્યા પણ અન્ય મહિલાઓને પણ પગભર બનાવી. 

સુષમા બહુગુણા સારું ભણેલા છે. તેમણે એમએ બીએડ કર્યું છે જેનાથી તેમને સરળતાથી શિક્ષિકા તરીકેનું કામ મળી શકે તેમ હતું પરંતુ નોકરીની પાછળ ભાગવા કરતા જાતે જ પોતાનું કંઇક અલગ કામ કરવાનું નક્કી કરી તે તરફ ડગ માંડ્યા.

સુષમા બહુગુણાના પતિ બેરોજગાર હતાં, એટલે સુષમાએ નક્કી કર્યું કે એવા કામની શરૂઆત કરવામાં આવે જેના પરિવારની આર્થિક સ્થિતિ તો મજબૂત બને જ પણ સાથે જ બીજી મહિલાઓ પણ આત્મનિર્ભર બની શકે. દોઢ વર્ષ પહેલાં સુષ્માએ અગરબત્તી બનાવવાની તાલીમ લીધી અને પછી મહિલાઓને ભેગી કરી રાનીચૌરીમાં 'આરાધના ધૂપ'ના નામે લઘુ ઉદ્યોગની શરૂઆત કરી. અને સાથે જ આસપાસના ગામોની મહિલાઓને અગરબત્તી બનાવવાની તાલીમ આપવાની શરૂઆત કરી. આ કામમાં તેમના પતિએ પણ સાથ આપ્યો. સુષમાનું કહેવું છે,

"જો તમે બનાવેલી વસ્તુ સારી હોય તો બજારની ચિંતા નથી રહેતી. અગરબત્તી બનાવવાના કામમાં કોઈ મોટા સાધનોની જરૂર નથી રહેતી અને સાથે જ મહિલાઓ આ કામને સરળતાથી કરી શકે છે."

સુષમા દર મહીને 5000ની આસપાસ અગરબત્તીના બોક્સ તૈયાર કરે છે. આ બોક્સ વેચવાની મુશ્કેલી પણ તેમને નથી થતી. હાલ સુષમા સાથે 24થી વધુ મહિલાઓ જોડાયેલી છે અને એ તમામ મહીને આશરે 7 હજારથી 10 હજાર રૂપિયા જેટલું કમાઈ લે છે. સુષમા ખુદ મહીને 30 હજાર થી 40 હજાર રૂપિયા સુધી કમાઈ લે છે. આ કમાણી થી તે પોતાના બાળકોને પણ સારું શિક્ષણ પૂરું પાડી રહી છે. 


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Related Stories