અરે! ભૂખને ગોળી મારો, પેટપૂજા કરવા ખાવ 'ગોલી વડાપાઉં'

અરે! ભૂખને ગોળી મારો, પેટપૂજા કરવા ખાવ 'ગોલી વડાપાઉં'

Wednesday December 16, 2015,

7 min Read

દેશભક્તિનું કોઈ માપદંડ નથી હોતું. એટલે જ તો મુંબઈમાં રહેતા વેંકટેશ ઐય્યરે જોયું કે તેઓ પોતાની દિનચર્યામાં જે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરે છે તે મોટાભાગની વિદેશી હોય છે. ચાહે તે કોલગેટ ટૂથપેસ્ટ હોય, દાઢી કરવા માટેની જિલેટ બ્લેડ હોય કે પછી નહાવા માટેનો લક્સ સાબુ. રોજબરોજ ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓમાંથી તેમને એકપણ ભારતીય ન દેખાઈ. તે વખતે જ આ ઉદ્યોગસાહસિકે નિર્ણય લીધો કે તે એવું કંઇક કરશે કે જેના કારણે તેમને ભારતીય હોવાનો ગર્વ થાય.

image


ભારતીયતાને ધ્યાનમાં રાખીને વેંકટેશે 'ગોલી વડાપાઉં'ની શરૂઆત કરી. વર્ષ 2004માં મુંબઈના કલ્યાણ ખાતે તેની શરૂઆત કરવામાં આવી હતી. ગોલી વડાપાઉંના સહસ્થાપક શિવાદાસ મેનને તેમને આ કામમાં મદદ કરી કે જેઓ પોતે પણ ખાવાના ખૂબ જ શોખીન છે. તેમને વિશ્વાસ હતો કે ખાવાનું તેમને ઓળખ આપી શકે છે. ભારતીય ફાસ્ટફૂડના અનેક વિકલ્પો છે પરંતુ ઓછા સમયમાં તેમને વધારે જથ્થામાં બનાવવા ખૂબ જ મુશ્કેલ કામ હતું. ત્યારે આ લોકોએ મળીને વડાપાઉંનો વેપાર શરૂ કરવાનું નક્કી કર્યું. જે લોકોને પહોંચાડવામાં અને ખાવામાં સરળ હોય છે. વેંકટેશના જણાવ્યા અનુસાર તમે પાંચ મિનિટમાં 5 વડાપાઉં બનાવી શકો છો. મસાલા ઢોંસા આટલી ઝડપથી નથી બનતા, વળી વડાપાઉં હાથથી ખાઈ શકાય છે તેના માટે પ્લેટ, ચમચી અને ટેબલની જરૂર નથી પડતી. એટલું જ નહીં તે ગમે ત્યાં ખાઈ શકાય છે અને લઈ જઈ શકાય છે. ગોલી વડાપાઉં શરૂ કરવાની પ્રેરણા તેમને મેકડોનાલ્ડ્ઝ બર્ગર પાસેથી મળી હતી કારણ કે બંનેમાં ખૂબ જ સામ્યતા છે.

વેંકટેશ અને શિવાદાસે આ વેપાર શરૂ કરવામાં પોતાની મૂડીનો ઉપયોગ કર્યો હતો. શરૂઆતમાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જેમ કે વડાપાઉંનો બગાડ, તેની ચોરી અથવા તો પછી કારીગર (કૂક) છોડીને જતો રહ્યા બાદ વેપાર બંધ થઈ જવાનું જોખમ. આ અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને વેંકટેશે તેનો ઉકેલ શોધવાની શરૂઆત કરી દીધી. તે વખતે તેને તેના મિત્રએ મદદ કરી કે જે અમેરિકી પ્રોસેસ્ડ ફૂડ કંપનીનો ભારતનો વેપાર સંભાળતો હતો. મિત્રની સલાહના આધારે તેમણે વડાપાઉં બનાવવાનું મશિન જોયું કે જે એક નિશ્ચિત આકાર અને કદના વડાપાઉં બનાવતું હતું. આ બાબત ગોલી વડાપાઉં માટે એક તીર નિશાના ઉપર લાગ્યા બરાબર હતું. તેના કારણે સામાનનો બગાડ થવા ઉપરાંત ચોરી અને કૂક છોડીને જતો રહે તો તેની પણ ચિંતા ટળી ગઈ.

આજે ગોલી વડાપાઉંની દેશમાં જ નહીં વિદેશોમાં પણ ભારે માગ છે. અહીં બનતા વડાપાઉં વિદેશોમાં મોકલવામાં આવે છે. જ્યાં તેને ખાસ રીતે સાચવીને વિદેશમાં મોકલવામાં આવે છે. તેના માટે ટેકનોલોજીના આ મોડેલે તેમની ખૂબ જ મદદ કરી. તે વખતે દિલ્હીમાં જે વેપારીએ તેમની ફ્રેન્ચાઇઝી લીધી તે સ્થાનિક સ્તરે વડાપાઉં વેચતો હતો. તેના કારણે વડાપાઉંની કિંમતમાં વધ-ઘટ થયા કરતી હતી. તેના કારણે આ લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આજે ગોલી વડાપાઉં 61 શહેરોમાં 277 સ્ટોર્સ ચલાવે છે. તેની સરખામણીએ હલ્દીરામ અને અન્ય ફૂડસ્ટોરની સંખ્યા ખૂબ જ ઓછી છે. વેંકટેશના જણાવ્યા અનુસાર તેઓ મશિનથી જ કામ કરે છે જ્યારે અન્ય સ્ટોર્સ માણસોની મદદથી કામ કરે છે.

શરૂઆતમાં આ લોકોને રાજકીય વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. તેના કારણે ગોલી વડાપાઉંની અનેક દુકાનો બંધ કરી દેવી પડી હતી. જેમાં તેમને મોટાપાયે આર્થિક નુકસાન પણ ગયું હતું. તે વખતે એ લોકો પણ એમ જ માની બેઠા હતા કે ગોલી વડાપાઉંનો અંત આવી ગયો છે. આર્થિક મુશ્કેલી વચ્ચે લેહમેન બ્રધર્સ તેમની મદદે આવી. કારણ કે કોઈ જ રોકાણકાર તેમની મદદ માટે તૈયાર નહોતો. તકલીફના સમયમાં પણ ગોલી વડાપાઉં ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધતું રહ્યું. નાસિકમાં સ્ટોર ખૂલ્યા બાદ આખા દેશમાં તેમના સ્ટોર્સ ખૂલી ગયા. વેંકટેશ જણાવે છે, "અમારી સામે અનેક પડકારો હતા પરંતુ જ્યાં પડકારો ન હોય ત્યાં તમારો વેપાર નથી ચાલી શકતો. સામાનનો બગાડ અને તેની ચોરી અમારા માટે પડકાર હતો, વેપાર માટે ભંડોળ મેળવવું, રિઅલ એસ્ટેટ જેવી બીજી ઘણી કસોટીઓ ઉપરાંત વિપરીત રાજકીય સંજોગોની સામે કારોબાર આગળ વધારવો જેવા પણ અનેક પડકારો હતા. આ બધા પડકારોએ અમને ધ્વસ્ત કરી નાખ્યા હતા. તેના કારણે અમારે મુંબઈ પણ છોડવું પડ્યું હતું. તેમ છતાં અમે નાસિકથી અમારો વેપાર શરૂ કર્યો પણ વેપારમાં આવું બધું ચાલ્યા કરે છે."

નાસિકમાં ફરીથી વેપાર શરૂ કરવો તેમના માટે કોઈ વરદાનથી કમ નહોતું. અહીંથી તેમણે પોતાનો વેપાર ફરીથી શરૂ કર્યો એટલું જ નહીં પરંતુ વિસ્તરણ માટે પણ પાંખો ફેલાવી. એક કંપની તરીકે તેમણે પહેલાં મહારાષ્ટ્ર અને બાદમાં કર્ણાટકમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તે પછી તેમણે ચેન્નાઈ, યુપી અને અન્ય રાજ્યોમાં શરૂઆત કરી. હાલ ગોલી વડાપાઉંના મહારાષ્ટ્રમાં 85, કર્ણાટકમાં 100 સ્ટોર્સ છે. જ્યારે કોલકાતા, કોચી અને ગોરખપુરમાં તેમણે તાજેતરમાં જ પોતાના સ્ટોર્સ શરૂ કર્યા છે. આજે ગોલી વડાપાઉં રોજના 70 હજાર કરતાં વધારે વડાપાઉં વેચે છે. વેંકટેશના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ કોચી ખાતે શરૂ થયેલા તેમના સ્ટોર્સની રોજની આવક રૂ. 15 હજારની છે.

આ લોકોનું કહેવું છે કે તે લોકો એવા બજારમાં છે કે જ્યાં તેમની કોઈ જ સ્પર્ધા નથી. કોઈ પણ બેંગલુરુ, ઔરંગાબાદ કે નાગપુરમાં વડાપાઉં નથી વેચતું. આ લોકોએ ખાસ કરીને એવા શહેરો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું કે જ્યાં લોકોએ વડાપાઉં વિશે સાંભળ્યું હતું પણ કોઈ વેચતું નહોતું. આ લોકો અમેરિકનોની જેમ સ્વચાલિત રીતે કામ કરે છે અને દુકાન સ્વચ્છ રાખવા ઉપર તેઓ વધારે ધ્યાન આપે છે. વેંકટેશના જણાવ્યા અનુસાર તેમણે ગોલી વડાપાઉંનું વિસ્તરણ ફ્રેન્ચાઇઝી મોડલથી કર્યું છે. તેના જણાવ્યા અનુસાર ફ્રેન્ચાઇઝી લેનારા એક જમાનામાં તેમના ગ્રાહક હતા કે જેમણે નાગપુરમાં ગોલી વડાપાઉંનો સ્વાદ ચાખ્યો અને ઔરંગાબાદમાં તેની ફ્રેન્ચાઇઝી લીધી હતી. તેવી જ રીતે કોઈએ ઔરંગાબાદમાં ગોલી વડાપાઉં ખાધા અને ધૂલિયામાં તેની ફ્રેન્ચાઇઝી લીધી. આમ, એક પછી એક તેમની સાથે અનેક લોકો જોડાઈ ગયા.

ગોલી વડાપાઉંની આગામી રણનીતિ વ્યસ્ત અને મોંઘાં બજારો આસપાસ પોતાના સ્ટોર્સ શરૂ કરવાની છે. કારણ કે અહીં વધારે ભીડ રહેતી હોય છે. વધારે ભીડ ધરાવતી જગ્યાની કોઈને કોઈ ખાસિયત હોય છે અને તે શહેરનું મુખ્ય હાર્દ પણ હોય છે. એ લોકો વધારે લોકો આવે તેવી જગ્યાએ સ્ટોર શરૂ કરવા માગે છે કારણ કે તેઓ વડાપાઉંને શહેરની સંસ્કૃતિ સાથે જોડવા માગે છે. ચાહે તે જગ્યા કોઈ ઘરની બહાર હોય, ઓફિસ પાસે હોય કે પછી શાળા-કોલેજ પાસે. હાઇવે ઉપર રહેલા મોલ અને શોપિંગ કોમ્પલેક્સમાં લોકો 3-4 મહિનામાં એક કે બે વખત આવે છે. તેના કારણે વડાપાઉંને તેમની આદતમાં સામેલ ન કરી શકાય. જ્યારે તેમની ઇચ્છા વડાપાઉંને લોકોની આદતમાં સામેલ કરીને તેમની બ્રાન્ડને સ્થાપિત કરવાની છે.

image


ગોલી વડાપાંઉએ હવે અનેક પ્રકારના પ્રયોગો પણ શરૂ કર્યા છે. જેમ કે તેમણે સાબુદાણા વડા, પાલક મકાઈ વડા, અને મસાલા વડા બનાવવાનું શરૂ કર્યું છે. સાબુદાણા વડાએ ગોલીનાં વિસ્તરણમાં અગત્યની ભૂમિકા ભજવી છે. કારણ કે 5-6 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના અંતરિયાળ શહેરોમાં તેમણે પોતાના વેપારનું વિસ્તરણ શરૂ કર્યું તો તે વખતે શ્રાવણ મહિનો ચાલતો હતો. જેમણે ઉપવાસ રાખ્યો હોય તેઓએ ખૂબ જ સાબુદાણા વડા ખાધાં. જેના કારણે તેની માગ ખૂબ જ વધી. આજે સાબુદાણા વડા માત્ર મહારાષ્ટ્રનાં શહેરોમાં જ નહીં પરંતુ ઇન્દોર અને ભોપાલ જેવાં શહેરોમાં પણ ખૂબ જ ખવાય છે. પાલક મકાઈ વડા બેંગલુરુમાં ખૂબ જ પ્રખ્યાત છે તો મસાલા વડાની ઉત્તર ભારતમાં ખૂબ જ માગ છે.

ગોલીએ પોતાના વેપારનું વિસ્તરણ કરવા માટે અન્ય ઉપાયો ઉપર પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે. ગોલીએ ડબ્બા નામથી એક કોમ્બો મીલ શરૂ કર્યું છે. જે ખાસ કરીને કોલેજ જતા વિદ્યાર્થીઓ અને ઓફિસમાં પાર્ટી કરતા લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે. આ ડબ્બામાં વડાપાઉં ઉપરાંત આલુ ચસ્કા અને મીઠાઈ તરીકે બ્રાઉની પણ હોય છે. હવે તેમની યોજના ફેમિલી પેક લાવવાની છે. જેમાં એક ડબ્બામાં વીસ વડાપાઉં હશે. ડબ્બાની રજૂઆતના કારણે તેમની આવક વધી છે. જેની શરૂઆત તેમણે છ મહિના પહેલા કરી હતી.

ગોલીનો વેપાર નફામાં ચાલી રહ્યો છે. અને દર વર્ષની તેમની આવક રૂ. 45 કરોડની થઈ ગઈ છે. તેમનો દાવો છે કે દેશમાં જ નહીં વિદેશમાં જેમ કે દુબઈ, યુએઈ અને યુકેમાં પણ તેમની માગમાં વધારો થયો છે. પરંતુ તેમનું કહેવું છે કે હાલ તેઓ દેશમાં જ કંઇક કરવા માગે છે. વેંકટેશ કહે છે, "જો સબવે અને મેકડોનાલ્ડ્ઝ દેશભરમાં 8થી 10 હજાર સ્ટોર્સ ખોલી શકતા હોય તો અમે કમસે કમ 5 હજાર સ્ટોર્સ તો ખોલી જ શકીએ છીએ. જો અમે આગામી પાંચ વર્ષમાં 1 હજાર સ્ટોર્સ ખોલી શકીએ તો અમે ઘણા લોકો સુધી પહોંચી શકવામાં સફળ થઈશું. ભારતમાં ભરપૂર તકો રહેલી છે. તેમનું માનવું છે કે ગોલી ઉપરાંત અનેક ભારતીય વાનગીઓ એવી છે કે જે બ્રાન્ડ બની શકે તેમ છે. પરંતુ તેના માટે ટેક્નિકની જરૂર છે. જેથી કરીને માલનો બગાડ તેમજ ચોરી અટકાવીને તેનાં સ્તરને જાળવી રાખી શકાય. વેંકટેશના જણાવ્યા અનુસાર ભારતીય વાનગીઓની કથા હજી તો શરૂ પણ નથી થઈ. અમે ભલે અમારાં ક્ષેત્રે અગ્રગણ્ય હોઇએ પરંતુ અમે ઇચ્છીએ છીએ કે આ ક્ષેત્રે અન્ય લોકો પણ ઉતરે કારણ કે ભારતીય વાનગીઓનાં ક્ષેત્રે અનેક તકો રહેલી છે.

લેખક – પ્રીતિ ચમીકુટ્ટી

અનુવાદ – મનીષા જોશી