પોતાના પગારમાંથી બચત કરીને વૃક્ષોનું જતન કરે છે તુલસીરામ

પોતાના પગારમાંથી બચત કરીને વૃક્ષોનું જતન કરે છે તુલસીરામ

Tuesday December 15, 2015,

4 min Read

કોઈ મોટા પરિવર્તન માટે હંમેશા કોઈ મોટું કામ કરવું પડે તેવું જરૂરી નથી, કારણ કે ઘણી વખત આપણે જાણતા-અજાણતા નાનકડાં કાર્યો દ્વારા એવા કાર્યનો પાયો નાખી દઈએ છીએ જે સમાજમાં સકારાત્મક સંદેશ આપવામાં સફળ થાય છે. રાજસ્થાનના બુંદી જિલ્લાની એક સ્કૂલના ચોથા વર્ગના કર્મચારી તુલસીરામે પણ કંઈક એવું જ કરવાનો પ્રયાસ કર્યો છે જેના કારણે બુંદી જિલ્લામાં લોકો તેમના નામના ઉદાહરણ આપે છે. તુલસીરામે પોતાના પ્રયાસો દ્વારા પોતાના વિસ્તારને હરિયાળો બનાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

image


તુલસીરામ ખૂબ જ ગરીબ છે, જે રાજસ્થાનના બુંદી જિલ્લામાં રહીને એક સરકારી સ્કૂલમાં કામ કરે છે. સ્કૂલની પાસે વિશાળ કમ્પાઉન્ડ હતું જેની ખાલી જમીનને લોકોએ ઉકરડો બનાવી દીધો હતો. આ જગ્યાએ કાયમ કચરો પડ્યો રહેતો અને રાત પડતાની સાથે જ અસામાજિક તત્વો અહીંયા અડ્ડો જમાવતા અને દારૂ પીતા હતા. વર્ષ 2007માં બુંદી જિલ્લાના તત્કાલિન કલેક્ટર એસએસ બિસ્સાએ તે સમગ્ર વિસ્તારમાં 1250 છોડવા રોપાવ્યા અને સમગ્ર વિસ્તારને હર્યોભર્યો કરવા પ્રયાસ આદર્યો અને તે વિસ્તારને પંચવટી નામ આપ્યું. થોડા સમય પછી તેમની ત્યાંથી બદલી થઈ ગઈ જેના કારણે મુશ્કેલી સર્જાઈ. આ તમામ છોડવાઓનું ધ્યાન કોણ રાખે અને તે વિસ્તારને ફરીથી ઉકરડો બનતો કોણ અટકાવે તે મોટો સવાલ હતા. એવામાં તુલસીરામ આગળ આવ્યા અને તેમણે પંચવટીની દેખરેખની જવાબદારી સ્વીકારી અને સંકલ્પ કર્યો કે આ વિસ્તારને હર્યોભર્યો રાખશે અને તેની સુંદરતા ઘટવા નહીં દે.

પર્યાવરણ પ્રત્યે તુલસીરામ પહેલેથી જ ઘણાં સજાગ હતા. પ્રકૃતિ, વૃક્ષો, છોડવા તેમને ખૂબ જ પસંદ હતા. તેમણે તમામ છોડવાને સંતાનોની જેમ સાચવવાનું શરૂ કર્યું. આટલા મોટા વિસ્તારના વૃક્ષોને સાચવવા માટે શ્રમદાનની સાથે સાથે પૈસાની પણ જરૂર પડતી. તુલસીરામ સામે સમસ્યા હતી કે તેઓ પૈસા લાવે ક્યાંથી. તુલસીરામ જણાવે છે, "જ્યારે મને ક્યાંથી મદદ ન મળી તો મેં નક્કી કર્યું કે હું જાતે જ પચંવટીની સંભાળ રાખીશ, પણ મારો પોતાનો જ પગાર એટલો ઓછઓ હતો કે ઘર ચલાવવા અને પંચવટીની સંભાળ કરવા માટે ઘણી મુશ્કેલી આવવા લાગી. ત્યારે મેં નક્કી કર્યું કે વર્ષે એક મહિનાનો પગાર પંચવટીની સંભાળમાં ખર્ચી કાઢવો."

તુલસીરામના પરિવારજનો અને મિત્રોએ તેમને આ જવાબદારી ન સંભાળવાની સલાહ આપી પણ તેઓ માન્યા નહીં અને હરિયાળી બચાવવા તથા પર્યાવરણનું રક્ષણ કરવામાં જોડાઈ ગયા.

image


તુલસી જણાવે છે કે વૃક્ષોનું જતન કરવું તે મનુષ્યનો ધર્મ છે અને આપણે માત્ર મોટા મોટા કારખાના શરૂ કરીને દેશ આગળ નહીં વધારી શકીએ. આપણે પર્યાવરણની પણ જાળવણી કરવી પડશે. તે આ વૃક્ષોને પોતાના સંતાનોની જેમ સાચવે છે અને જેવો સમય મળે કે બગીચામાં આવીને કામ કરવા લાગે છે.

તુલસીરામ માને છે, "જો આપણે વૃક્ષોને બચાવીશું તો તેનાથી આપણે આવનારી પેઢીઓને એક સ્વસ્થ વાતાવરણ આપવામાં સફળ રહીશું. આજકાલ દરેક જગ્યાએ વિકાસના નામે વૃક્ષો કાપવામાં આવે છે અને કારખાના શરૂ કરવામાં આવે છે જેનાથી વાતાવરણ વધારે પ્રદૂષિત થઈ રહ્યું છે અને નવા નવા રોગનું સર્જન થઈ રહ્યું છે. તેઓ વિકાસનો વિરોધ નથી કરતા પણ પર્યાવરણના ભોગે થતાં વિકાસનો વિરોધ કરે છે."

પોતાના આ પ્રયાસોમાં તુલસીરામને ઘણી મહેનત કરવી પડે છે. તે પહેલાં સ્કૂલનું કામ કરે છે અને પછી પંચવટીમાં આવીને ત્યાંની જાળવણીનું કામ કરે છે.

image


તુલસીરામના અથાક પ્રયાસના કારણે જે છોડવા 2007માં લગાવવામાં આવ્યા હતા જે આજે રસદાર ફળો ધરાવતા વૃક્ષો બની ગયા છે. પંચવટીમાં લિંબુ, જામફળ, આંબળા, દાડમ, કલ્પવૃક્ષ સિવાય ઘણા વૃક્ષો છે. જેની સંખ્યા આજે 1200 કરતા વધારે છે. તુલસીરામ જણાવે છે, 

"આ વૃક્ષોની જાળવણીમાં તેમણે ઘણી મહેનત કરી છે અને સંઘર્ષ પણ ઘણો કરવો પડ્યો છે. જાનવરો વૃક્ષોને નુકસાન ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું પડતું હતું."

નોકરી પૂરી થયા પછી ભરબપોરે પણ પરસેવાથી લથપથ થઈને તેઓ અહીંયા કામ કરતા હતા. આજે પણ તેઓ અહીંયા અચૂક કામ કરતા જોવા મળે છે. તુલસીરામે આ વૃક્ષોને બાળકોની જેમ સાચવ્યા છે. તે જણાવે છે કે વૃક્ષોનું જતન કરવામાં તેમને આનંદ આવે છે.

પંચવટીની આસપાસ મોટી દીવાલ અને તાર બાંધવામાં આવ્યા હતા જેથી અસામાજિક તત્વો અહીંયા ન આવે અને કોઈ અહીંયા કચરો પણ ન નાખી જાય.

તુલસીરામ કહે છે કે તેમની પાસે વધારે પૈસા નથી પણ વૃક્ષોના સંરક્ષણ માટે પૈસા કરતા વધારે સંકલ્પની જરૂર હોય છે. લોકોએ એ સમજવું જોઈએ કે વાતાવરણને શુદ્ધ બનાવવા માટે જરૂરી છે કે લોકો જાતે આગળ આવે અને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી પૂરી કરે.

લેખક – આશુતોષ ખંટવાલ

અનુવાદ – મેઘા નિલય શાહ