એક માતા અને એક ઉદ્યોગસાહસિક તરીકે પોતાની તમામ જવાબદારીઓ બખૂબી નિભાવી, સફળતા મેળવતા અશિની શાહ!

અશિનીએ બાળકના લાલનપાલન જેવો જ ઉત્સાહ પોતાની ઉદ્યોગસાહસિકતાને પોષવા માટે દેખાડ્યો છે!

0

કોઈ પણ મહિલા માટે બાળકોનું પાલનપોષણ કરવાની સાથે ઉદ્યોગસાહસિક બનવું સરળ નથી. પણ ઝીઝીઝૂના સહસ્થાપક અશિની શાહ આ કપરી કામગીરી સપેરે અદા કરી રહ્યાં છે. તેઓ આ માટે પોતાની ધગશ, સમયનું વ્યવસ્થાપન અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો આપવા જેવા પરિબળોને જવાબદાર માને છે. જેમ એક માતા બાળકનો વિકાસ કરવા કમર કસે છે, તેમ તમારે તમારા ઉદ્યોગસાહસને સફળ બનાવવા કટિબદ્ધ બનવું જોઈએ.

Zeezeezooની સ્થાપના મે, 2015માં અશિની અને તેમના બિઝનેસ પાર્ટનર રાહિલે કરી હતી. કંપની બાળકો માટે હાથથી દોરેલા ચિત્રો ધરાવતા એપેરેલ, એક્સેસરીઝ, ફ્લેશકાર્ડ્સ અને વોલ પ્રિન્ટ બનાવે છે. અશિની તેને ‘ભારતના રંગે રંગાયેલ બાળકોની બ્રાન્ડ’ કહે છે. અશિનીનો ઉછેર ભારત અને અમેરિકામાં થયો છે તથા લગ્ન કરીને તેઓ લંડનમાં સ્થાયી થયા છે. આ બ્રાન્ડ ભારત, અમેરિકા અને બ્રિટનના ઉદારવાદી વિચારોનો પડઘો પાડે છે.

અમેરિકા-ભારત-લંડન

અશિનીનું બાળપણ અને કિશોરાવસ્થા અમેરિકા અને ભારતમાં પસાર થઈ હતી. તેમણે રટગર્સ યુનિવર્સિટીમાંથી માર્કેટિંગ અને સાઇકોલોજી વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. પછી તેઓ અગ્રણી મીડિયા કંપની એનબીસીમાં જોડાયા હતા.

અશિની વર્ષ 2008માં લગ્ન કરીને લંડન શિફ્ટ થયા હતા અને ત્યાં ઇમ્પેરિયલ કોલેજમાં એમબીએ કર્યું હતું. આ અભ્યાસમાં તેમણે માર્કેટિંગ અને ઉદ્યોગાસાહસિકતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પછી તેમણે ફૂડ સ્ટાર્ટઅપ ધ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામગીરી શરૂ કરી હતી.

કહેવાય છે કે જીવન ડગલેને પગલે તમને કશું શીખવાડે છે, જરૂર છે આપણે એ માટે દ્રષ્ટિ કેળવવાની. તેમણે અમેરિકા અને બ્રિટનમાં રહેણાક દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું હતું. પોતાના આ અનુભવ વિશે અશિની કહે છે, 

"અલગ-અલગ દેશોમાં શિફ્ટ થવું અને જીવનશૈલીમાં સતત પરિવર્તન કરવું સરળ નથી. પણ જુદાં જુદાં દેશોમાં રહેવું અને તેની સંસ્કૃતિનો પરિચય કેળવવો ફાયદાકારક છે. મને આવી તક મળવાથી મારી જાતને ભાગ્યશાળી ગણું છું. અલગ-અલગ દેશોમાં રહેવાથી એક વ્યક્તિ તરીકે મારામાં ઘણું પરિવર્તન આવ્યું છે. મે અલગ-અલગ સંસ્કૃતિઓને અનુભવી છે. જીવન પ્રત્યે મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે અને મારો અભિગમ વધારે ઉદાર થયો છે."

બ્રાન્ડનેમની પસંદગીનું કારણ

બ્રાન્ડનું નામ ‘ઝીઝીઝૂ’ રાખવા પાછળનું કારણ શું છે? અશિની આ વિશે જણાવે છે,

"ઝીઝીઝૂ કાળા ડોકવાળા ગ્રીન વોર્બ્લર પક્ષીનો અવાજ છે. આ એક યાયાવર પક્ષી છે. જેમ યાયાવર પક્ષી આખી દુનિયામાં ફરે છે, તેમ આપણે પણ વધુ સારી, મોટી, વધારે રસપ્રદ તકો ઝડપવા સ્થળાંતર કરીએ છીએ. આપણે આપણા સ્વપ્નોને સાકાર કરવા બીજા શહેર કે દેશમાં જઈએ છીએ. અમારા કુટુંબમાં સારી તક ઝડપવા માટે બીજા શહેર કે દેશમાં જવાની નવાઈ નથી. મારા પિતા, મારા પતિ અને મારા અનેક મિત્રોએ સારી તક ઝડપવા માઇગ્રેશન કર્યું છે.”

વિવિધતામાં એકતા

ભારત, અમેરિકા અને બ્રિટનમાં રહેવાથી અશિની અલગ-અલગ સંસ્કૃતિનો પરિચય થયો. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે અન્ય દેશોની સંસ્કૃતિમાં રહેલી સારી બાબતો આપણે ગ્રહણ કરવી જોઈએ. આ જ સૂત્ર અશિનીએ પોતાના જીવનમાં ઉતાર્યું છે. તે તેમની દિકરી હોળી અને હેલોવીન (31 ઓક્ટોબરના રોજ પશ્ચિમના દેશોમાં ઉજવતો સંતોનો દિવસ, જેની ઉજવણી બાળકો નવા વસ્ત્રો પહેરીને કરે છે અને ચોકલેટ વહેંચે છે) એમ બંને તહેવારની ઉજવણી કરે તેવું ઇચ્છે છે. અશિની કહે છે કે, “હું અને મારા પતિ વિવિધતામાં એકતામાં માનીએ છીએ. અમે અમારા બાળકોને સંકુચિત બનાવી દેવા ઇચ્છતાં નથી. તેમાંથી જ ઝીઝીઝૂના બીજ રોપાયા હતા. અને નવી પેઢીના માતાપિતાઓ માટે ઉત્પાદનો બનાવીએ છીએ, જે તમામ સારી બાબતોને અપનાવવામાં માને છે.”

ઝીઝીઝૂમાં એવી તમામ ચીજવસ્તુઓ જોવા મળશે, જેમાં ભારત અને પશ્ચિમની સંસ્કૃતિની સારી બાબતો જોવા મળે છે. તેઓ બિઝનેસ પાર્ટનર મેળવવાની દ્રષ્ટિએ પણ નસીબદાર છે. તેમને નાણાકીય રીતે સક્ષમ અને કામગીરીમાં પૂરેપૂરો સાથસહકાર આપનાર પાર્ટનર મળ્યાં છે.

મેક ઇન ઇન્ડિયા

ઝીઝીઝૂનું હેડક્વાર્ટર ગુજરાતમાં છે. અહીં અશિની અને તેની ટીમના ચાર સભ્યોએ એપેરેલ માટે સ્વદેશી સજીવ કપાસનો ઉપયોગ કરે છે, પોતાના તમામ ઉત્પાદનો માટે ભારતીય ઉત્પાદકો સાથે કામ કરે છે અને ઉત્પાદનોની ડિઝાઇન માટે ભારતીય ચિત્રકારોની રચનાત્મકતાનો લાભ લે છે. તેઓ કહે છે કે, “આપણા દેશમાં મોટા પાયે સ્ત્રોતો રહેલા છે અને અમે અમારા ઉદ્યોગસાહસમાં તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ છીએ.”

પડકારો

અત્યારે અશિની માટે સૌથી મોટો પડકાર પોતાની બ્રાન્ડને બજારમાં ચમકાવવાનો છે. વળી ભારતીય સંભવિત ગ્રાહકોને ઓર્ગેનિક ઉત્પાદનોની બનાવટ અને તેનું મહત્ત્વ સમજાવવાનો પડકાર પણ મહત્ત્વપૂર્ણ છે.

આ ઉપરાંત અશિની ઝીઝીઝૂના આયોજન અને ઇન્વેન્ટરીના મેનેજમેન્ટના પડકારનો સામનો પણ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે, “અમે 0થી 4 વર્ષના બાળકો માટે ઉત્પાદનો બનાવીએ છીએ. જ્યારે તમારી પાસે 20 ડિઝાઇન હોય, ત્યારે તેમાંથી કઈ ડિઝાઇનનું વેચાણ વધારે થશે તેનો ખ્યાલ તમને કેવી રીતે આવે છે? કઈ સાઇઝનું વધારે વેચાણ થશે તેનો અંદાજ તમે કેવી રીતે બાંધી શકો?”

અશિની ઘરેથી કામ કરતા મહિલા ઉદ્યોગસાહસિક છે. સામાન્ય રીતે ઘરેથી કામ કરનાર ઉદ્યોગસાહસિકને ભારતીય સમાજમાં ગંભીરતાપૂર્વક લેવામાં આવતા નથી અને આ જ બાબત અશિનીને નિરાશ કરે છે. તેઓ કહે છે,

“જ્યારે મારી દિકરી નર્સરીમાં હોય અને ઘરે સૂતી હોય, ત્યારે એ કલાકોમાં હું કામ કરું છું. પણ ભારતીયો ઘરેથી કામ કરનારને બહુ ગંભીરતાપૂર્વક લેતા નથી અને પાર્ટ-ટાઇમ બિઝનેસ તરીકે જુએ છે. હકીકતમાં કામ તો કામ છે. ગુણવત્તાયુક્ત કામ કોઈ પણ જગ્યાએ થઈ શકે છે.”

મક્કમ મનોબળ, દ્રઢ નિર્ધાર

આ તમામ પડકારો વચ્ચે અશિનીને તેના ગ્રાહકો પાસેથી મળતો પ્રતિસાદ સતત પ્રેરિત કરે છે. તેઓ કહે છે, 

"ગુણવત્તાયુક્ત ઉત્પાદનોથી ગ્રાહકો ખુશ થાય છે અને તેઓ મને હકારાત્મક પ્રતિસાદ આપે છે. મારે માટે ગ્રાહકોનો સંતોષ જ મહત્ત્વપૂર્ણ છે."

અશિનીના બિઝનેસ પાર્ટનર અને સહસ્થાપક રાહિલ આ ઉદ્યોગસાહસમાં મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે. અશિની કહે છે, “કોઈ પણ ઉદ્યોગસાહસ માટે હકારાત્મક અને સમાન જુસ્સો ધરાવતા બિઝનેસ પાર્ટનર હોવું જરૂરી છે. વળી તમામ ભાગીદારોમાં ધૈર્ય હોવું જોઈએ. રાહિલ આવા જ બિઝનેસ પાર્ટનર છે.”

અશિની માટે લંડનનું બજાર મહત્ત્વપૂર્ણ છે. તેઓ કહે છે કે, “બ્રિટનમાં અમે સારી એવી સંખ્યામાં એનઆરઆઇ (બિનનિવાસી ભારતીય) ગ્રાહકો ધરાવે છે. વળી અમને બ્રિટનના બજારમાંથી સારા વિચારો પણ મળે છે.”

અશિની નજીકના ભવિષ્યમાં બાળકોના જીવન સાથે સંબંધિત તમામ પાસાંને સમાવતા ઉત્પાદનોની વિવિધ રેન્જમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. તેઓ ઝીઝીઝૂને માતાપિતાઓ માટે આંતરરાષ્ટ્રીય ગો-ટૂ બ્રાન્ડ બનાવવા ઇચ્છે છે.

લેખિકા- તન્વી દુબે

અનુવાદકઃ કેયૂર કોટક

વધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ, સ્ટાર્ટઅપ્સથી માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.

Related Stories