12 ધોરણ પાસ વ્યક્તિએ માત્ર 10 હજારમાં બનાવ્યું એક ટનનું એસી!

0

કહેવાય છે કે પ્રામાણિકતા અને સાચી દિશામાં કરવામાં આવેલા કામ સફળતા અને સાર્થકતાના લક્ષ્ય સુધી લઈ જાય છે. તેના માટે જરૂરી છે નિરંતર પ્રયાસ અને સફળતાનો જુસ્સો. આવા સમયમાં મળતી નિષ્ફળતાઓ પણ દવાનું કામ કરે છે અને સમજદાર વ્યક્તિને લક્ષ્ય તરફ ગતિ કરવાનું બળ પૂરું પાડે છે. આવી જ એક વાત છે રાજસ્થાનના સરદારશહરના ત્રિલોક કટારિયાની. ત્રિલોક કટારિયાએ સસ્તી કિંમતમાં અને ઓછા વીજવપરાશથી ચાલતું એરકંડિશનર બનાવવાનું બીડું ઝડપ્યું હતું. તેમણે ત્રણ વર્ષ સુધી એસી બનાવવા બાબતે સંશોધન કર્યું. આ ત્રણ વર્ષોમાં ત્રિલોકે લગભગ 8 થી 10 લાખ રૂપિયા ખર્ચી કાઢ્યા. તેમના આ ઝનુનને અંતે સફળતા મળી અને તેમણે 10 ગણી ઓછી વીજળીથી ચાલતું એક ટનનું એસી બનાવ્યું. આ એસીના નિર્માણમાં માત્ર દસ હજારનો જ ખર્ચ આવ્યો હતો. તેને વ્યાવસાયિક ધોરણે પણ બજારમાં મૂકવામાં આવે તો અન્ય ખર્ચ જોડતા પણ આ આસીની કિંમત 15 હજાર સુધી પહોંચી શકે છે જે બજારમાં મળતા 25 અને 35 હજારના એસી કરતા ઘણી ઓછી છે.

ત્રિલોકે યોરસ્ટોરીને જણાવ્યું,

"સતત વધતી મોંઘવારી અને વીજળીના દરોમાં દર વર્ષે થતા વધારાના કારણે સામાન્ય ગ્રાહકો એસીની ઈચ્છા છતાં તેના કારણે આવનારા બિલથી ડરતા હોય છે. આ ડર દૂર કરવા માટે અને સામાન્ય લોકોને એસીની ઠંડક આપવા માટે મેં આવું એસી બનાવવાનું સ્વપ્ન જોયું હતું."

ત્રિલોક ઘણા વર્ષોથી એસી રીપેર કરવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું કે, તે જે ઘરમાં પણ એસી રીપેર કરવા જતાં ત્યાં લોકો એક જ વાત કહેતા હતા કે એસીના કારણે બિલ વધારે આવે છે. વારંવાર આ વાત સાંભળીને મેં ઓછામાં ઓછો વીજ વપરાશ કરનારા એસીનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. તેમણે જણાવ્યું કે, આ એસીની એક ખાસિયત એ છે કે તે ઈકોફ્રેન્ડલી પણ છે. બજારમાં મળતા એસીમાં આર-22 ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જે ઓઝોનને નુકસાન કરે છે, જ્યારે તેમના એસીમાં હાઈડ્રોકાર્બન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગેસ પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતી.

વાંચો આ સ્ટોરી:

માત્ર રૂ.1500માં એક એન્જિનિયરે બનાવ્યું સૌથી સસ્તું વૉશિંગ મશીન

વીજ વપરાશ 10 ગણો ઓછો

એક એસી બનાવતી કંપનીમાં કામ કરનારા ટેક્નિકલ એન્જિનિયરના જણાવ્યા પ્રમાણે આ એસી અન્ય એસી કરતા લગભગ આઠ થી દસ ગણો વીજ વપરાશ ઓછો કરે છે. 10 એમ્પીયરની જગ્યાએ 0.08-0.09 સુધીનો જ ઉપયોગ કરે છે. એસીમાં કોમ્પ્રેશર એ રીતે લગાવાયું છે કે તે ઓછા વોલ્ટમાં પણ ચાલુ થઈ જાય. એક ટન એસી બે હજાર વોટ વીજળીનો વપરાશ કરે છે. આ એસી બસ્સો વોટનો વપરાશ કરે છે. તેના માટે કોઈપણ પ્રકારના સ્ટેબિલાઈઝરની પણ જરૂર નથી. વીજ પૂરવઠાના ઉતાર-ચઢાવમાં પણ એસી સંપૂર્ણ સુરક્ષિત છે.

12 પાસ છે ત્રિલોક

નેશનલ સ્કૂલ ઓફ ઓપન લર્નિંગમાંથી 12 પાસ કર્યા બાદ ત્રિલોક કટારિયાએ રાજસ્થાનમાં આઈટીઆઈમાંથી એસી સંબંધિત પાર્ટટાઈમ ડિપ્લોમા કોર્સ કર્યો. ત્યારબાદ તેમણે દેહરાદૂન, ફરીદાબાદ, દિલ્હી અને નોઈડામાં એસી બનાવતી કંપનીઓમાં કામ કર્યું. તે અહીંયા રહીને એસી બનાવવાની પદ્ધતિ સાથે જોડાયેલી બારીકાઈ શીખ્યા. કામ કરવાની સાથે સાથે તેમણે એસી બનાવવાનું પણ શરૂ કર્યું, જે બજારમાં મળતા એસી કરતા સારા હતા.

પેટન્ટ કરાવવાની પ્રક્રિયા શરૂ

ત્રિલોકે પોતાની આ શોધને પેટન્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી સમગ્ર કામ પૂરું નહીં થાય ત્યાં સુધી તે આ એસીને બજારમાં નહીં ઉતારે. તેમની આ શોધને બજારમાં લાવવા માટે અનેક કંપનીઓએ તેમનો સંપર્ક સાધ્યો છે પણ હાલ તેઓ તેના માટે તૈયાર નથી.

લેખક- અનમોલ

અનુવાદ- મેઘા નિલય શાહ

આવી જ અન્ય પ્રેરણાત્મક જીવનસફર વાંચવા અમારું Facebook Page લાઈક કરો 

હવે વાંચો આ સંબંધિત સ્ટોરીઝ:

ડભોઇના શિક્ષકે બનાવ્યો કાગળમાંથી ભૌમિતિક કંપાસબોક્સ! 

ઉત્તર પ્રદેશના એક નાના ગામના યુવાને નવપ્રયોગો બદલ રાષ્ટ્રપતિ પુરસ્કાર જીત્યો

અભણ છતાં થ્રેશર બનાવી ફોર્બ્સની ટોચના સંશોધકોની યાદીમાં સ્થાન મેળવ્યું


Related Stories