બનારસમાં ભીખ માગતી મહિલાઓની જિંદગી બદલી આર્જેન્ટિનાથી આવેલી 2 વિદેશી બહેનોએ...

0

મોક્ષ નગરી કાશીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વિદેશથી બનારસ આવતા કેટલાક સહેલાણીઓને અહીંયાના ઘાટ પસંદ આવે છે તો કેટલાક અહીંયાની સંસ્કૃતિમાં ઓતપ્રોત થઈ જાય છે. ઘણા તો એવા છે જે અહીંયા જ સ્થાયી થઈ જાય છે. આર્જેન્ટિનાથી આવેલી બે બહેનોએ અહીંયા પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આ બંને બહેનોએ અનેક મહિલાઓને જીવનનો નવો દ્રષ્ટિકોણ પૂરો પાડ્યો છે. જેસૂમેલ અને સાઈકલ નામની આ બે બહેનોએ અહીંની મહિલાઓના સુષ્ક જીવનમાં ખુશીઓના રંગો ભરી દીધા. તેમણે એક સમયે મંદિરોની બહાર, ચાર રસ્તે, સ્ટેશનો પર ભીખ માગીને જીવન પસાર કરનારા પરિવારોનું જીવનધોરણ બદલવાનો નવો રસ્તો આપ્યો છે. તેમના કારણે આ પરિવારો આજે બે ટંકનું ભોજન મેળવવા સક્ષમ બન્યા છે. આ બધું જ શક્ય બન્યું સરકારી યોજનાઓના કારણે નહીં પણ આર્જેન્ટિનાની આ બે બહેનોના કારણે.

જેસૂમેલ અને સાઈકલની પ્રેરણાથી ભીખ માગનારી મહિલાઓ આજે પોતાની આવડતના જોરે સફળતા મેળવી રહી છે. આ મહિલાઓ આજે ટોપી, ચપ્પલ, બ્રેસલેટ વગેરે તૈયાર કરીને કાશીના વિવિધ ઘાટ પર વેચે છે અને તેના દ્વારા પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. આ બે બહેનોના કારણે આજે આ મહિલાઓના સંતાનો શિક્ષણ લેતા પણ થયા છે. લગભગ પાંચ વર્ષ પહેલાં જેસૂમેલ કાશી આવી હતી. કાશીના ઘાટ પ્રત્યે તેને ખૂબ જ આકર્ષણ હતું. દરરોજ તે કલાકો સુધી અહીંયા બેસી રહેતી. ઘાટના કિનારે બેસીને તે કલાકો સુધી ઘાટના પગથિયે અથડાતી પાણીની લહેરો અને તેમાંથી પરાવર્તિત થતાં સૂર્યના કિરણોને જોઈ રહેતી. અહીંયાના રીત રિવાજો, પરંપરા અને સંસ્કૃતિનું નિરિક્ષણ કર્યા કરતી. તે સતત આ બધું સમજવાનો પ્રયાસ કરતી. આ ઘાટ પર કંઈક એવું હતું જે તેને ખૂંચતું હતું. આ દ્રશ્યો તેના હૃદયને કોરી ખાતા હતા. હકિકત એ હતી કે ઘાટના કિનારે આવનારા લોકો પાસે ભીખ માગતી મહિલાઓ અને તેમના સંતાનોનું દ્રશ્ય જેસૂમેલને ખૂંચતું હતું. જેસૂમેલે આ મહિલાઓ અને તેમના બાળકો અંગે કંઈક કરવાનું નક્કી કર્યું. મહિલાઓ અને બાળકો દ્વારા ભીખ માગીને ગુજરાન ચલાવવાનું તેને એ હદે ચોટ પહોંચાડી ગયું કે તેણે એક ડઝન મહિલાઓને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરવાનું શરૂ કરી દીધું.

યોરસ્ટોરી સાથે વાત કરતા જેસૂમેલ જણાવે છે,

"મારા માટે બનારસના આ ઘાટની તસવીર અત્યંત ભયાનક હતી. ભૂખ અને ગરીબી સાથે સંઘર્ષ કરતી આ મહિલાઓને જોઈને મને ઘણા દિવસો સુધી ઉંઘ પણ નહોતી આવતી. એક દિવસ મારા મનમાં જુસ્સો આવ્યો કે આ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવું છે. ત્યારથી માંડીને આજદિન સુધી હું આ જ કામમાં જોડાયેલી છું."

જેસૂમેલ માટે આ મિશન એટલું સરળ નહોતું. સૌથી મોટો પડકાર ભાષાનો હતો. જેસૂમેલ આ મહિલાઓની ભાષા સમજી શકતી નહોતી અને આ મહિલાઓ જેસૂમેલની. જેસૂમેલે તેનાથી હાર ન માની. તેણે હિન્દી શીખવાના પ્રયાસો હાથ ધર્યા, જેથી તે અહીંની મહિલાઓ અને બાળકો સાથે જોડાઈ શકે. તેમની લાગણીઓને સમજી શકે. જેસૂમેલ હવે ખૂબ જ સરસ હિન્દી બોલે છે. હવે તે મહિલાઓને પોતાની વાત સમજાવી શકે છે અને મહિલાઓ પણ સંકોચ વગર પોતાની વાત જેસૂમેલ સામે વ્યક્ત કરી શકે છે.

જેસૂમેલે કાશીના અસ્સી, દશાશ્વમેઘ અને શીતલા ઘાટ પર ભીખ માગનારી સમુદ્રી, ચંદ્રી, સપના અને લીલા જેવી અનેક મહિલાઓને ભેગી કરી અને તેમને તાલિમ આપવાની શરૂઆત કરી. જેસૂમેલની મદદથી આ મહિલાઓ પર્સ, રમકડાં, માળા, અગરબત્તી બનાવે છે. સૌથી મોટી વાત એ છે કે આ રોજગાર માટે જેસૂમેલને પોતાના પૈસાનું રોકાણ કર્યું છે. આજે આ મહિલાઓના હાથે બનેલી વસ્તુઓની ખૂબ જ માગ છે. જેસૂમેલ આ સામનને પોતાની સાથે આર્જેન્ટિના પણ લઈ જાય છે અને વેચે છે. એટલું જ નહીં કેટલીક મહિલાઓએ તો ઘાટના કિનારે પોતાની દુકાન ખોલી છે. જેસૂમેલ પહેલાં તો અહીંયા છ મહિના રહેતી હતી હવે તો આ વખતે આખુ વર્ષ અહીંયા જ રહેવાની છે. ભીખ માગનારી મહિલાઓ આત્મનિર્ભર બની તો તેમનું જીવન પલટાઈ ગયું. આજે આ મહિલાઓના બાળકો સ્કૂલ પણ જાય છે. ચંદા જણાવે છે,

"જેસૂબહેનના કારણે આજે અમે આત્મનિર્ભર બન્યા છીએ. અમારા બાળકો પહેલાં ભીખ માગતા હતા અને આજે સ્કૂલ જાય છે. અમારા માટે આ બધું એક સ્વપ્ન સમાન છે. અમે ક્યારેય અમારા જીવનમાં આવા દિવસોની કલ્પના પણ નહોતી કરી."

જેસૂના આ જુસ્સાને આજે સમગ્ર બનારસ વંદે છે. ગરીબો માટે કંઈક કરી છૂટવાની ઈચ્છાના કારણે જ શહેરની કેટલીક સંસ્થાઓ પણ જેસૂ સાથે આ કામમાં જોડાઈ છે.

આ મહિલાઓ માટે જેસૂ કોઈ દેવદૂત સમાન છે. ખરેખર પોતાના પર વિશ્વાસ હોય તો કોઈપણ કામ મુશ્કેલ નથી રહેતું. જેસૂમેલે આ વાતને સત્ય સાબિત કરી છે. જેસૂમેલ આજે એ મહિલાઓ માટે ઉદાહરણ છે જે પરિસ્થિતિ સામે હાર માનીને પોતાની જાતને સંકેલી લેતી હતી.

લેખક- આશુતોષ સિંહ

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

વધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ, સ્ટાર્ટઅપ્સથી માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.

Related Stories