એક ગ્રામીણ યુવાન જેના ગામમાં નથી વિજળી, આજે ચલાવે છે 2 સ્ટાર્ટઅપ્સ, પોતાના સમુદાયને બનાવે છે શિક્ષિત, આપે છે TED Talks!

2

અંકુર મિશ્રા સ્પષ્ટ, સરળ અને સુંદર રીતે વાતો રજૂ કરે છે. દરેક સિઝનમાં જીવનનો અનુભવ ધરાવનાર અને તેને મન ભરીને માણનાર વ્યક્તિ જ આટલી બધી રસપ્રદ રીતે વાતો રજૂ કરી શકે. તેઓ ઉદ્યોગસાહસિક છે, સામાજિક કાર્યકર્તા છે, લેખક છે, કવિ છે અને ટ્રાવેલર છે. વાત છે અંકુર મિશ્રાની, જેઓ પોતાના સમુદાયમાં શિક્ષણનો દીપ પ્રકટાવે છે, પ્રવચનો આપે છે અને અત્યારે પોતાની ત્રીજી નવલકથા લખી રહ્યાં છે.

બાળપણ અને ઉછેર

અંકુરનો ઉછેર ઉત્તરપ્રદેશના એક નાના ગામમાં થયો છે. આ ગામમાં વીજળીનો પુરવઠો નહોતો અને આસપાસ પર્વતો હતા. ગામની નજીક નદી વહેતી. સંપૂર્ણપણે કુદરતી વાતાવરણ. શાલા નાની હતી અને શિક્ષકો કઠોર. અંકુરનો પરિવાર અતિ ગરીબ હતો અને તેમને અંગ્રેજીનો અભ્યાસ છઠ્ઠા ધોરણથી શરૂ કર્યો હતો. શાળાના કેટલાંક અનુભવોએ તેમના પર કાયમ માટે છાપ અંકિત કરી દીધી હતી.

નવી શરૂઆત

અંકુર જણાવે છે, 

“હું જાણતો હતો કે શિક્ષકની બાળકોની માનસિકતા પર સારી કે ખરાબ અસર થાય છે.  હકીકતમાં આપણી શાળાની વ્યવસ્થાની ગુણવત્તા ખાડે ગઈ છે. તેમાં આત્મા જેવું જ કશું રહ્યું નથી.” 

જ્યારે અંકુર બારમા ધોરણમાં અભ્યાસ કરતાં હતાં, ત્યારે તેમના વીકેન્ડ અને ફ્રી ટાઇમનો વધારે સારો ઉપયોગ થઈ શકતો હતો, જેથી તેમણે યુનિક એજ્યુકેશનલ ગ્રૂપ નામની પહેલ શરૂ કરી હતી.

તેમણે કેટલીક સંસ્થાઓના વડાઓનો સંપર્ક કર્યો હતો અને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પર વિદ્યાર્થીઓ સાથે સાપ્તાહિક સત્રોની શરૂઆત કરી હતી. તેઓ સમજાવે છે, "ગણિત મારો પ્રિય વિષય છે. બાળકો વિવિધ ટેકનિક શીખવા આતુર હોય છે અને હું તેમને ગણિતનો વ્યવહારિક ઉપયોગ શીખવું છું. તેઓ કેવી રીતે તેમના માતાપિતાને ટાઇમ મેનેજમેન્ટ શીખવી શકે વગેરે."

તેમણે આવા સેશન બે ગ્રામીણ શાળામાં શરૂ કર્યા હતા અને અત્યારે 17 ગામની આશરે 100 શાળાઓમાં તેમના સત્ર ચાલે છે. આ તમામ સત્રોનો ખર્ચ અંકુર પોતે ઉઠાવે છે.

કમ્પ્યુટર મહાશય સાથે પ્રથમ મિલન

તમે માનો કે ન માનો, આ અનુભવી ટેકીનો દાવો છે કે તેણે બી. ટેકનો અભ્યાસ કરવા કોલેજમાં પ્રવેશ કર્યો ત્યારે જ તેમને કમ્પ્યુટરનો પરિચય થયો હતો. કોલેજનો અભ્યાસ પૂર્ણ થયા પછી તેમણે માઇક્રોસોફ્ટ સહિત કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે પ્રોગ્રામર અને ડેવલપર તરીકે કામ કર્યું હતું, પણ તેઓ ટેકનોલોજી ક્ષેત્રથી વાકેફ ન હોય તેવા યુવાનોને ટેકનોલોજી સાથે જોડવા ઇચ્છતાં હતાં. ખાસ કરીને ડિજિટલ ઇન્ડિયા સાથે અંકુરે ટેકનોલોજીથી અપરિચિત યુવાનોને વેબસાઇટ બનાવવા અને તેના દ્વારા પોતાનો વ્યવસાય વધારવા મદદ કરી હતી. ફોરેએનટેક – સ્ટાર્ટઅપ્સ માટે સ્ટાર્ટઅપ છે, જે સ્ટાર્ટઅપ શરૂ કરનાર ઉદ્યોગસાહસિકોને વેબસાઇટની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને માર્કેટિંગ એક તમામ કુશળતાઓ એક જગ્યાએ શીખવે છે. અંકુર સમજાવે છે,

"અત્યારે સ્ટાર્ટઅપ્સ સંસાધનો, ખાસ કરીને ડેવલપર્સ અને ડિઝાઇનર્સ માટે માથાનો દુઃખાવો બની ગયું છે. હું આ સમસ્યાનું સમાધાન કરવા ઇચ્છું છું. જ્યારે સ્ટાર્ટઅપની વાત આવે, ત્યારે તેમની ડિજિટલ ચિંતાઓ અમારી બની જાય છે."

આ એક વર્ષ જૂની કંપનીએ વિન્ગો અને બનિયાગીરી જેવા 100 જેટલા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં સફળતા મેળવી છે.

ટેકનોલોજી – પહેલો પ્રેમ

અંકુર શાળાના દિવસોથી જ સારી વાર્તાઓ બનાવતાં હતાં અને પોતાના મિત્રોને સંભળાવતાં હતાં. જ્યારે તેઓ 16 વર્ષના હતા ત્યારે તેમણે તેમના શિક્ષકોની કરતૂતોનો પર્દાફાશ કરતો લેખ પ્રકાશિત કર્યો હતો. તેમને સારો પ્રતિસાદ મળ્યો હતો. પછી તેમને અખબારો અને સામયિકોમાં વિવિધ સામાજિક અને રાજકીય મુદ્દે લખવાની પ્રેરણા મળી. સમયની સાથે તેઓ કુશળ લેખક થઈ ગયા અને બે પુસ્તકો – લવ સ્ટિલ એન્ડ આઈ ફ્લર્ટ તથા ક્ષણિક કહાનિયો કી એક વિરાસત લખી. આ બંને પુસ્તકોનો સારો આવકાર મળ્યો છે અને અત્યારે તેઓ લવ એટ મેટ્રો નામનું પુસ્તક લખી રહ્યાં છે. તેમણે તાજેતરમાં હિંદી કવિતાઓનું કલેક્શન પ્રકાશિત કર્યું છે.

અંકુરે કવિઓની ઓનલાઇન મહેફિલ માટે Kavishala.in નામની વેબસાઇટ શરૂ કરી છે. હજુ એક મહિના જૂની આ વેબસાઇટ પર 50 કવિઓએ 100થી વધારે કવિતાઓનું પ્રદાન કર્યું છે.

પ્રેરણારૂપ

એક વીજળીની સુવિધાથી વંચિત ગામના શિક્ષિત ઇજનેર, ઉદ્યોગસાહસિક અને એકથી વધારે ભાષાના લેખક તરીકે અંકુર જાણે છે કે તેમણે અન્ય ઘણાં લોકો માટે પ્રેરણારૂપ બનવું જોઈએ. તેઓ જણાવે છે કે તેમને ક્યારેય પબ્લિક પ્લેટફોર્મ પર બોલતા ડર લાગ્યો નથી. તેઓ ગ્રામીણ વિસ્તારોમાં રાજકારણ, ટેકનોલોજી અને સમાજ વિશે પ્રવચનો આપે છે. તેમણે ટેડએક્સપટના, ઇગ્નાઇટ જયપુર, માઇક્રોસોફ્ટ ટેક ડેઝ, યુઇએન સમિટ પટના વગેરે જેવા 25 સેમિનાર અને ઇવેન્ટમાં વક્તા તરીકે સ્થાન શોભાવ્યું છે.

આ 25 વર્ષીય યુવાનનું માનવું છે કે ચડતીપડતી જીવનનો એક ભાગ છે. છેલ્લે તેઓ કહે છે,

"જો હું એક વીજળીની સુવિધાથી વંચિત ગામડાનો યુવાન મોટા સ્ટેજ પર બોલી શકવાની, પુસ્તકો લખવાની, બ્લોગ્સ લખવાની ક્ષમતા કેળવી શકું, તો દરેક ભારતીય યુવાન આવી સફળતા મેળવી શકે છે. એક અજાણ્યા શહેરમાં મારી પાસે મારી ભૂખ સંતોષી શકે તેટલું જ ભંડોળ હતું. આ સ્થિતિ સંજોગોમાં મેં સફળતા મેળવી છે તો તમે પણ મેળવી શકો છો."

લેખક- બિંજલ શાહ

અનુવાદક- કેયૂર કોટક

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો