4 અભણ આદિવાસી મહીલાઓએ જંગલથી સીતાફળ લાવીને વેચવાનું શરૂ કર્યુ, કંપની બનાવી, ટર્નઓવર કરોડોમાં પહોંચ્યું!

0

તમે હંમેશાં જોયું અને સાંભળ્યું હશે કે કંપનીઓ સ્થાપિત કરતા પહેલા તેના માટે તમામ મોટી યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. માર્કેટિંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. મોટી-મોટી યોજનાઓ ઘડવામાં આવે છે, અને તે બાદ કંપનીની પ્રગતિ અને સફળતાનો હિસાબ કરવામાં આવે છે. પણ તમે, તેવા લોકો માટે શું કહેશો જેમણે ન તો ક્યારેય સ્કૂલ જોઇ છે, ન તો બિઝનેસ સ્કૂલ વિશે સાંભળ્યું હશે અને તો પણ સફળતાનો મુકામ હાંસલ કરી શક્યા છે. આવી જ છે ચાર આદિવાસી મહીલાઓ.

રાજસ્થાનના જંગલોમાં થતા જે સીતાફળના વૃક્ષોને કાપીને આદિવાસીઓ તેના લાકડાનો જલાઉ લાકડા તરીકે ઉપયોગ કરતાં હતાં, તે જ સીતાફળ હવે પાલી જિલ્લાના આદિવાસી સમાજનું ભાગ્ય સુધારી રહ્યાં છે. તેની શરૂઆત કરી છે જંગલમાં લાકડા કાપવા જતી 4 આદિવાસી મહીલાઓએ. અરવલ્લી પર્વતમાળામાં કાંટાળા વૃક્ષો પર ઉનાળાની ઋતુમાં થતા સીતાફળ વૃક્ષો પર જ સુકાઇ જતા હતાં અથવા તો પછી જમીન પર પડી જતા હતા. લાકડા કાપનારી આ મહીલાઓ તેને વીણી લાવતી હતી અને વેચતી હતી. બસ અહીંથી જ આ ચાર બહેનપણીઓએ રોડની બાજુમાં ટોપલી મૂકીને સીતાફળ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો અને પછી એક કંપની બનાવી લીધી જેનું વાર્ષિક ટર્નઓવર હવે એક કરોડ સુધી પહોંચી ગયું છે. હવે આદિવાસીઓ પોતાના વિસ્તારમાં થતા સીતાફળની બંપર ઉપજને ટોપલામાં મુકીને વેચવાની જગ્યાએ તેનો પલ્પ કાઢીને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓને વેચી રહ્યા છે. હાલ પાલીના બાલી વિસ્તારમાં આ સીતાફળ પ્રમુખ આઇસક્રીમ કંપનીઓની ડિમાન્ડ બનેલા છે.

તેની સાથે જ લગ્નો અને ભોજન સમારંભો જેવા કાર્યક્રમોમાં મહેમાનોને પિરસવામાં આવતુ ફ્રૂટ ક્રીમ પણ સીતાફળથી તૈયાર કરવામાં આવે છે. હાલ સમગ્ર બાલી વિસ્તારમાં લગભગ અઢી ટન સીતાફળ પલ્પ તૈયાર કરીને તેને દેશની અગ્રણી આઇસક્રીમ નિર્માતા કંપનીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. આદિવાસી મહીલાઓએ હવે ટોપલામાં ભરીને વેચવામાં આવતા સીતાફળનો પલ્પ કાઢવાનો શરૂ કર્યો છે. આ પલ્પ, સરકારી સહયોગથી બનેલી આદિવાસી મહીલાઓની કંપની જ તેમની પાસેથી મોંઘા ભાવે ખરીદી રહી છે.

આ પ્રોજેક્ટની શરૂઆત ભીમાણા-નાણામાં ચાર આદિવાસી મહીલાઓ જીજાબાઈ, સાંજીબાઈ, હંસાબાઈ અને બબલીએ ઘૂમર નામક સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવીને કરી હતી. તેનું સંચાલન કરનારી જીજાબાઈએ યોરસ્ટોરીને જણાવ્યું,

‘‘અમારો પરિવાર ખેતી કરતો હતો અને હું બાળપણથી જ સીતાફળને વેડફાતા જોતી આવતી હતી અને ત્યારે વિચારતી હતી કે આટલું સારું ફળ છે તો તેનું કંઇ કરવામાં આવી શકે છે. પણ જ્યારે એક એનજીઓમાં કામ કરનારા ગણપતલાલ સાથે મુલાકાત થઇ તો તેમના કહેવા અનુસાર એક સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવ્યુ હતું અને સરકાર પાસેથી સહયોગ મળ્યો અને વેપાર વધતો ગયો અને અમે તેનું ઉત્પાદન પણ વધારતા ગયા. પછી બીજી મહીલાઓ પણ આમાં ફાયદો જોઇને અમારી સાથે જોડાવા લાગી હતી.’’

૮ સ્થળોએ કલેક્શન સેન્ટર, દરેક ગામમાં ખોલવાનું લક્ષ્ય

સીતાફળનો પલ્પ કાઢવાનું કામ પાલી જિલ્લાની ગ્રામ પંચાયત ભીમાણા અને કોયલવાવના ગામ ભીમાણા, નાડિયા, તણી, ઉપરલા ભીમાણા, ઉરણા, ચૌપા કી નાલ, ચિગટાભાટા, કોયલવાવમાં ૮ કેન્દ્રો પર થઇ રહ્યું છે. જેમાં ૧૪૦૮ મહીલાઓ જંગલમાંથી સીતાફળ વીણવાનું કામ કરી રહી છે. અહીં મહીલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવી રહી છે અને તેમનું કહેવું છે કે આગલા વર્ષ સુધીમાં તેઓ આને ક્ષેત્રના દરેક ગામમાં પહોંચાડવાની સાથે જ પોતાની સાથે ૫ હજાર મહીલાઓને જોડી લેશે. સીતાફળનો પલ્પ કાઢવાનો પ્લાન્ટ સંપૂર્ણપણે હાઇજેનિક છે, જેમાં ક્યારેય કોઇ પણ મહીલાએ પ્રવેશ કરવો હોય તે પહેલા રાસાયણિક પ્રવાહીની મદદથી તેના હાથ-પગ ધોવડાવવામાં આવે છે. પલ્પને હાથ લગાડતા પહેલા ગ્લવ્ઝ પહેરવા જરૂરી હોય છે. તેની સાથે જ મહીલાઓ માટે પ્લાન્ટમાં પ્રવેશ કરવા માટે વિશેષ કપડાં પણ રાખવામાં આવ્યા છે જેથી પલ્પને કોઇપણ પ્રકારના કીટાણુથી બચાવી શકાય. પલ્પ કાઢતી વખતે પણ મોંઢા પર માસ્ક લગાવવો જરૂરી છે. આ મહીલાઓને પ્રેરિત કરીને તાલીમ આપનારા ગણપતલાલનાં જણાવ્યા પ્રમાણે મહીલાઓ ભણેલી-ગણેલી નથી પણ તેમની અંદર કાંઈ કરવાની, કાંઇ શીખવાની ભાવના હતા અને તે કારણે જ પોતાની મહેનતના જોરે તેમણે આટલી મોટી કંપની ઊભી કરી છે.

ચાર મહીલાઓએ પહેલ કરી, હવે ગામે-ગામ સમૂહો બની ગયા છે!

જંગલમાંથી સીતાફળ એકત્ર કરીને મહીલાઓને ઉદ્યોગસાહસિક બનાવવાની આ દેશની અનોખી યોજના છે. સીતાફળ પલ્પ પ્રોસેસિંગ યૂનિટ ૨૧.૪૮ લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે. મહીલાઓની આ સફળતાને જોઇને સરકાર પાસેથી તેમને સીડ કેપિટલ રિવોલ્વિંગ ફંડ પણ આપવામાં આવી રહ્યું છે. અહીં રોજ ૬૦થી ૭૦ ક્વિન્ટલ સીતાફળ પલ્પ કાઢવામાં આવે છે. હાલ ૮ કલેક્શન સેન્ટર્સ પર ૬૦ મહીલાઓને રોજ રોજગાર મળી રહ્યો છે. તેમને રોજ ૧૫૦ રૂપિયાના દરે મજૂરી મળી રહી છે. તે કારણે સમગ્ર વિસ્તારમાં મહીલાઓની આર્થિક સ્થિતિ તો સુધરી જ છે સાથે જ વિસ્તારમાં લોકોની ગરીબી પણ દૂર થઇ છે.

કલેક્શન ઇન્ચાર્જ સાંજીબાઈના જણાવ્યા પ્રમાણે,

‘‘પહેલા ટોપલામાં સીતાફળ વેચતા હતા તો સીઝનમાં કિલો દીઠ 8થી 10 રૂપિયા મળતા હતા પણ હવે જ્યારે પ્રોસેસિંગ યૂનિટ ઉભું કર્યું છે તો આઇસક્રીમ કંપનીઓ કિલો દીઠ ૧૬૦ રૂપિયા સુધીના ભાવ ચૂકવી રહી છે.’’

આ વર્ષે ૧૦ ટન પલ્પ નેશનલ માર્કેટમાં વેચવાની તૈયારી, ટર્નઓવર એક કરોડને પાર પહોંચશે.

૨૦૧૬માં ઘૂમરનું ૧૫ ટન પલ્પ નેશનલ માર્કેટમાં વેચવાનું ટાર્ગેટ છે. બે વર્ષમાં કંપનીએ ૧૦ ટન પલ્પ વેચ્યો છે અને હવે બજારમાં પલ્પનો સરેરાશ ભાવ ૧૫૦ રૂપિયા માનીએ તો આ ટર્નઓવર 3 કરોડ સુધી પહોંચવાની આશા છે.

લેખક- રિમ્પી કુમારી

અનુવાદક- YS ટીમ ગુજરાતી 

આવી જ અન્ય પ્રેરણાદાયક કહાણીઓ વાંચવા માટે અમારા Facebook Pageને લાઇક કરો.

હવે વાંચો આ સંબંધિત સ્ટોરીઝ:

એક સમયે પૈસા માટે કચરાં-પોતાં કરનાર આજે અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે!

૩ અભણ મહિલાઓએ બનાવી કરોડોની કંપની, આજે 8 હજાર મહિલાઓ છે શેરધારક!

કેટલીયે મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બની અમદાવાદની 'છાયા' હેઠળ

Related Stories