ભારત હાલમાં ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેમાંય આ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું આગવું સ્થાન ઉભી કરી રહી છે અને તેમાની જ એક મહિલા છે અર્પિતા ખદારિયા.
આજથી ચાર વર્ષ પહેલાં સુધી અર્પિતા મોટી કંપનીઓની બ્રાન્ડ મેનેજર હતી. ટીએપીએમઆઈથી એમબીએ કર્યા બાદ તે ફાસ્ટ ટ્રેક અને ટાઈટન જેવી મોટી કંપનીઓની સાથે જોડાઈને તેમણે સફળતાની સીડીઓ ચઢી હતી. આજે તે ત્રણ અલગ અલગ સ્ટાર્ટઅપ્સની સ્થાપક બની ગઈ છે. જીવનને હાસ્યાસ્પદ બતાવનાર અર્પિતા જણાવે છે,
"આપણને ખ્યાલ નથી હોતો કે જિંદગી ક્યારે અને ક્યાં લઈ જશે."
અર્પિતાએ વિકસાવેલી એપ ‘સાયન્ટિસ્ટ’ની પસંદગી ભારત તરફથી મોબાઈલ પ્રિમિયર એવોર્ડ માટે થઈ છે. તેના કારણે તે ખૂબ જ ઉત્સાહિત છે. આ એવોર્ડ આ મહિનાના અંતમાં બાર્સેલોનામાં આપવામાં આવશે.
અર્પિતાની ગેમ અને એપ બનાવતી કંપની ‘બેઝ્ઝેરેકે’ જ ‘સાયન્ટિસ્ટ’ એપ બનાવી છે. આ એક તાર્કિક ગેમ છે. સાયન્ટિસ્ટ બનાવવાનો વિચાર તેને ત્યારે આવ્યો જ્યારે તે ટી-9 ફોનનો ઉપયોગ કરતી હતી. તેણે જોયું કે, એક જ કીને વાંરવાર દબાવવાથી અલગ અલગ શબ્દ આવે છે અને આ જ કીને ઉંધી દબાવવાથી તે એક ગેમની પેટર્ન બની જાય છે. તેનાથી તે આશ્ચર્યચકિત રહી ગઈ. ત્યારે તેણે કોપીરાઈટ માટે 135 દેશોમાં અરજી કરી અને ખૂબ જ રોમાંચિત પણ થઈ ગઈ.
તેણે એપ્રિલ, 2015માં ફ્લિપકાર્ટ પ્લેટફોર્મ પર આ ગેમ પઝલ બુક લોન્ચ કરી. કોઈપણ જાતના પ્રચાર કે પ્રસાર વગર જ પઝલ બુકને સારી પ્રતિક્રિયા મળવા લાગી અને તેણે દોઢ લાખ કોપી વેચી કાઢી. અર્પિતાએ જોયું કે તેનું 80 ટકા વેચાણ એવી જગ્યાએથી થયું હતું જ્યાં તેણે એપ્રોચ પણ નહોતો કર્યો.
ત્યારબાદ તેણે ડિસેમ્બર 2015માં તેનું એન્ડ્રોઈડ વર્ઝન લોન્ચ કર્યું અને જાન્યુઆરી 2016માં તો આઈઓએસ વર્ઝન પણ લોન્ચ કરી દીધું. અર્પિતા જણાવે છે કે, આ ગેમનો ઉપયોગ બાળકોની તાર્કિક શક્તિ વિકસાવવા કરી શકાય છે. હાલમાં તે વિવિધ અખબારો સાથે ચર્ચા કરી રહી છે કે તે આ રમતને ક્રોસવર્ડ તરીકે રજૂ કરે. તેણે આ ગેમને ફેસબુક સ્ટાર્ટ બુકસ્ટ્રેપ ટ્રેક પ્રોગ્રામ પર રજિસ્ટર કરાવી છે જેમાં વિજેતાને 30 હજાર ડોલરનું ઈનામ પણ આપવામાં આવશે.
બેઝ્ઝેરક સભ્યોની ઈનહાઉસ ટીમ છે. સાયન્ટિસ્ટનું રેટિંગ એન્ડ્રોઈડમાં 4.6 છે. એપ્પલે તેને 12 દેશોમાં સૌથી નવી અને સારી ગેમ તરીકે પ્રમોટ કરી છે. અત્યાર સુધી આ ગેમને 25 હજાર લોકોએ ડાઉનલોડ કરી છે. સાયન્ટિસ્ટે તેનો પ્રચાર દિમાગ કી બત્તી જલા દે ટેગ લાઈન દ્વારા કર્યો છે. અર્પિતા એ વાતને સારી રીતે જાણે છે કે, કોઈપણ કંપનીના પ્રચાર અને પ્રસારમાં જાહેરાતનું ખૂબ જ મોટું યોગદાન હોય છે, કારણ કે તેણે પોતાની કારકિર્દી જ મૈકેન એરિક્સન એડવર્ટાઈઝિંગ એજન્સિથી કરી હતી. ભારેખમ વાતાવરણ અને અસહયોગી બોસના કારણે તેણે 2012માં નોકરી છોડી દીધી હતી. મારવાડી પરિવારમાંથી આવવાના કારણે બિઝનેસ તેના લોહીમાં હતો. તેણે પોતાના પતિ પ્રોમિત અને મિત્રોની મદદથી જિંદગીની નવી શરૂઆત કરી.
બેરફૂટની સ્થાપના સપ્ટેમ્બર 2012માં થઈ હતી. અર્પિતાના મતે તે સમય તેની કારર્કિદીના શરૂઆતનો સમય હતો. આ કંપની એવી મોટી કંપનીઓની બ્રાન્ડનો પ્રચાર કરતી હતી જેની સાથે તેમનું જોડાણ થતું. જે કંપનીઓ પોતાના પ્રચાર માટે મોટી રકમ ખર્ચી ન શકે તેને વ્યાજબી ભાવે પ્રચાર અને પ્રસાર માટે સલાહ સુચન પણ આપતી. અર્પિતા પોતાના ગ્રાહકોને સારી સેવા આપી શકાય તે હેતુથી એક સમયે પાંચ કે છ કંપનીઓ સાથે જ જોડાતી. આજે બેરફૂટ પાસે આર્ય ફર્મ, એસેટ્ઝ ગ્રીપ, લોવેટ્રેક્ટસના ગ્રાહકો છે. આ કામ જોવા માટે બેરફૂટમાં ચાર સભ્યો છે. તે ઉપરાંત ડિઝાઈનની માગ પૂરી કરવા માટે 15 જેટલા ફ્રિલાન્સને પણ સાથે રાખ્યા છે.
અર્પિતા પોતાના કામમાં સાસંજસ્યા સાધવાનું ખૂબ જ સારી રીતે જાણે છે. રજાઓ દરમિયાન પસાર કરેલા સમયને તે ડાયરીઓના પાનામાં સજાવી રાખે છે અને ટ્રાવેલ બ્લોગમાં ખૂબ જ સુંદર રીતે રજૂ પણ કરે છે. જાન્યુઆરી 2016માં તેણે કોઈપણ જાતના નફાની આશા વગર ‘ગિવ ફ્રીલી’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તે જણાવે છે કે, એનજીઓ અને ધાર્મિક સેવાટ્રસ્ટોના લોકો માટાભાગે દાનની રકમનો દૂરુપયોગ જ કરતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ તેને વિચાર આવ્યો કે પૈસાના બદલે લોકોને જરૂરી વસ્તુઓ અને માલસામાન લાવી આપીએ. તેણે એક પ્લેટફોર્મ બનાવ્યું જેમાં કોઈપણ વ્યક્તિ 20 કિલો ચોખા, લોટ, ફર્નિચર ગમે તે દાન કરી શકે છે. તે ઉપરાંત તે વેબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એવા એનજીઓ સાથે સંપર્ક સાધીને તેમનો પોતાની સાથે જોડે છે. તાજેતરમાં જ ચેન્નાઈમાં આવેલા ભયાનક પૂર બાદ ત્યાંના લોકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને ઝડપથી મદદ પણ પહોંચાડી. અર્પિતાએ આ કામમાં પોતાની બચત પણ જોડી દીધી હતી. તેને આશા છે કે મોટી સંસ્થાઓ અને ધાર્મિક ટ્રસ્ટો પણ તેના આ સ્ટાર્ટઅપ સાથે જોડાશે. આ કામ તેની સીએસઆર કામગીરીના ભાગરૂપે થાય છે.
અર્પિતા રિચર્ડ બ્રેનસનની ખૂબ જ મોટી પ્રશંસક છે. તે જણાવે છે.
"મેં હજી તો શરૂઆત કરી છે અને મારી ઈચ્છા છે કે મને સફળ ઉદ્યમી તરીકે જોવામાં આવે."
તેના જીવનનો સિદ્ધાંત છે કે મોટું વિચારો અને શરૂઆત હંમેશા નાનાથી જ કરો. તેના મતે નાના કામમાં વધારે ધીરજ રાખવી પડે છે અને તેથી ભૂલો થવાની શક્યતા ઘટી જાય છે. આ રીતે સફળ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તે માને છે કે જીવનમાં સફળતા કરતા પણ વધારે મહત્વનું છે કે તમે જે પણ કામ કરો તે યોગ્ય રીતે કરો. તેણે પોતાના કર્મચારીઓ, વેન્ડર્સ અને ગ્રાહકો સાથે ખૂબ જ સારા સંબંધ જાળવ્યા છે. તે મોટી સંસ્થાઓ અને કંપનીઓ જોડે કામ કરતી ત્યારે પણ એ જ વાતનું ધ્યાન રાખતી કે બેરફૂટના સિદ્ધાંતો જળવાઈ રહે. અર્પિતા જણાવે છે કે કોઈપણ કામમાં ટકી રહેવા માટે મહેનત અને સત્ય જ કામ આવે છે. સફળતાનો કોઈ જ શોર્ટકટ હોતો નથી.
લેખક- શારિકા નાયર
અનુવાદક- એકતા રવિ ભટ્ટ
Related Stories
March 14, 2017
March 14, 2017
March 14, 2017
March 14, 2017
March 14, 2017
March 14, 2017
Stories by YS TeamGujarati