'બિઝનેસમાં નૈતિક મૂલ્યોનું પતન ચિંતાજનક: વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યો શીખવવા જરૂરી'

'બિઝનેસમાં નૈતિક મૂલ્યોનું પતન ચિંતાજનક: વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યો શીખવવા જરૂરી'

Friday February 05, 2016,

2 min Read

જીટીયુમાં આંતરરાષ્ટ્રીય પરિષદમાં શિક્ષણ રાજ્ય પ્રધાનના પ્રેરક ઉદગાર

"આપણા બિઝનેસ અને ઉદ્યોગો વધુને વધુ સ્વકેન્દ્રિત બની રહ્યા છે. નૈતિક મૂલ્યોનું પતન ખરેખર ચિંતાજનક છે. આપણે સંકલ્પ કરીએ કે બિઝનેસમાં નૈતિકતા કદી પણ નહીં છોડીએ. આપણે જનતાની માનસિકતા બદલવી પડશે. આ હેતુસર આપણી ભાવિ પેઢીને નૈતિક મૂલ્યોની કેળવણી આપવી પડશે. વિદ્યાર્થીઓમાં તેના સંસ્કારનું રોપણ કરવું પડશે." 

આ શબ્દો છે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ તેમજ મહિલા અને બાળકલ્યાણ ખાતાના રાજ્યકક્ષાના પ્રો. વસુબેન ત્રિવેદીના જેમને હાલમાં જ આયોજિત એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં આવા ઉદગારો વ્યક્ત કર્યા હતા.

image


ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-જીટીયુના પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટર ફોર બિઝનેસ એથિક્સ એન્ડ સીએસઆર તેમજ વડોદરાની CKSVIM સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બે દિવસની આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ચાંદખેડા કેમ્પસમાં યોજાઈ રહેલી આ પરિષદમાં ૬૦ રિસર્ચ નિષ્ણાતો, ડીન અને વિદ્યાર્થીઓ સહિત ૧૫૦ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં જર્મનીના ૩ પ્રોફેસરો અને ૧૫ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. પરિષદમાં કુલ ૭૫ પેપર મળ્યા, જેમાંથી પસંદગી પામેલા ૪૩ પેપરો સંકલ્પ મેનેજમેન્ટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે જર્નલના અંકનું વિમોચન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું.

સમારોહમાં પ્રો. વસુબેને જણાવ્યું, 

"દરેક કંપનીએ પોતાના નફાનો બે ટકા હિસ્સો CSR માટે ફાળવવા ફરજીયાત હોય છે. રાજ્ય સરકાર તે રકમ જનભાગીદારી માટે ઉપયોગમાં લે છે."
image


સરકારે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેર કરી છે તેમાંથી વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વડોદરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સ્વામી જ્ઞાનવત્સલજીએ જણાવ્યું હતું કે કાર્યો ત્રણ પ્રકારે કરવામાં આવે છે: ૧) હાથ વડે, ૨) મગજનો ઉપયોગ કરીને અને ૩) દિલથી. જે કાર્યો દિલથી કરવામાં આવે તે કલાનો ઉત્તમ નમૂનો બની જાય છે અને તે જ સાચા નૈતિક મૂલ્યો છે. 

"લોકસંપર્ક કરતી વખતે, નિર્ણય લેતી વખતે અને કોઈ પણ કાર્ય હંમેશા દિલથી કરો. તેનાથી તમને અદ્ભૂત સંતોષ થશે. પણ જો તમે બિઝનેસમાં નૈતિક મૂલ્યોનો ત્યાગ કરશો તો તમે ગણતરીની સેકંડોમાં હિરોમાંથી ઝીરો થઈ જશો."
image


જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. અક્ષય અગ્રવાલે જણાવ્યું,

"એક જમાનામાં ભારતની શિક્ષણપદ્ધતિ દુનિયાભરમાં મશહુર હતી. ખાસ કરીને નાલંદા યુનિવર્સિટીના સમયગાળામાં એવી સ્થતિ હતી. જીટીયુ દેશની શ્રેષ્ઠ ટેકનોલોજીકલ યુનિવર્સિટી બનાવવા પ્રયત્નશીલ છે. આપણે સમાજ પાસેથી બધું જ મેળવીએ છીએ તો આપણી પણ ફરજ બને છે કે આપણે સમાજને કંઈક તો પ્રદાન કરીએ. આ પરિષદનો હેતુ સંશોધનકારો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને એક મંચ પર લાવવાનો છે. જેથી તેઓ બિઝનેસમાં નૈતિક મૂલ્યો વિશે વિચારવિમર્શ કરીને ભલામણો રજૂ કરી શકે."

આ પ્રસંગે જર્મનીની ડીએચબીડબલ્યુ યુનિવર્સિટીના પ્રો. ડૉ. રમેશ શાહ અને દાર-એસ-સલામ યુનિવર્સિટીના પ્રો. શિવ ત્રિપાઠી તેમજ સ્યુક્ત રાષ્ટ્રસંઘના પ્રો. વુલ્ફગગ એમાને પણ પોતોના મંતવ્યો રજૂ કર્યા હતા.