દહેરાદૂનના બે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓનો મંત્ર 'પસ્તીમાંથી રોકડી કરો અને ઐશ કરો'!

0

ભારતીયો પોતાના વેપારની કોઠાસૂઝ માટે પ્રખ્યાત છે અને તેઓ નાની વસ્તુઓમાંથી પણ કમાણી કરી શકે છે. જ્યારે મોહનીશ ભારદ્વાજ ઉનાળાનાં વેકેશનમાં ઘરે આવતો હતો ત્યારે તેણે જોયું કે ઘણા છોકરાઓ તેની હોસ્ટેલમાં પસ્તી (છાપાં, જૂનાં પુસ્તકો, વપરાયેલાં ચોપડા અને અન્ય ભંગાર) ત્યાં જ મૂકીને જતાં રહે છે. આ પસ્તી હોસ્ટેલના સત્તાધિશો દ્વારા વેચી દેવામાં આવે છે.

મોહનીશને આ ઘટનામાં અનિયમિતતા દેખાઈ. ભંગાર કે પસ્તી આપનારા અને લેનારા લોકો સામાન્ય પસ્તી કે ભંગાર અને ઈ-વેસ્ટમાં કોઈ જ ફેર રાખતા નહોતા. તેને આ અંગે કશુંક કરવાનો વિચાર આવ્યો. આમ પણ તે ઘણા સમયથી કશુંક કરવા માટેની વિચારણા કરી રહ્યો હતો. તેણે ઉદ્યોગસાહસિકતા અંગે ઓનલાઇન વાંચ્યું અને તેના આ વિચારને વેગ મળ્યો. આ સમયગાળા દરમિયાન જ ટીવીએફ પિચર્સની શરૂઆત કરવામાં આવી હતી. જેના કારણે તેનાં જોમમાં વધુ ઉમેરો થયો. મોહનીશ અને તેનો મિત્ર આશિષ યાદવ બંને દહેરાદૂન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટી (ડીઆઈટી)ની કમ્પ્યૂટર સાયન્સ શાખામાં બીજાં વર્ષમાં અભ્યાસ કરતા હતા. બંનેએ સાથે મળીને 'કબાડા ડૉટ કૉમ (Kabaada.com)ની સ્થાપના કરી. આ એક એવું પોર્ટલ છે કે જે લોકોને પસ્તીવાળાની રાહ જોવડાવ્યા વિના ભંગાર અને પસ્તી વેચવામાં મદદ કરે છે.

વપરાશકારો વેબસાઇટ ઉપરથી, ફોન કરીને કે વોટ્સ એપ કરીને તેમને બોલાવી શકે છે અને તેમને ત્યાંથી પસ્તી લઈ જવામાં આવે છે. અન્ય વેપારીઓ કરતાં જરા જુદી રીતે કબાડા ડૉટ કૉમે વિવિધ પ્રકારના ભંગારના વિવિધ ભાવો નક્કી કર્યા છે. આ તમામ પ્રક્રિયાને સરળ બનાવવા માટે તેમણે આખાં શહેરને નાનાં વિસ્તારોમાં વહેંચી દીધું છે.

મોહનીશ જણાવે છે, "અમે આખાં શહેરને નાની ટેરટરિઝમાં વહેંચી દીધું છે. દરેક વિસ્તારમાં વેપારી અનુસાર તેની વહેંચણી કરવામાં આવી છે. જ્યારે કોઈ ગ્રાહકનો અમને કૉલ આવે છે અમે તેને ગ્રાહકના વિસ્તાર અનુસાર તે વિસ્તારના વેપારીને આપી દઇએ છીએ. આવી રીતે અમે અમારી સેવાઓ પિત્ઝાની ડિલિવરી જેટલી જ ઝડપથી આપી શકીએ છીએ."

શરૂઆત કર્યા બાદ તેમણે પોતાના પ્રચાર માટે કશું જ બાકી નથી રાખ્યું. તેમણે ચોપાનિયાં વહેંચવાથી માંડીને હોટલો રેસ્ટોરાંમાં પોસ્ટર લગાવ્યાં છે. ઉપરાંત તેમણે શાળાઓ સુધી પણ પોતાના અભિયાનની વાત પહોંચાડી છે. સૌથી મોટી ઘટનાનો પ્રચાર તેમણે એ કર્યો છે કે તેઓ સ્થાનિક પસ્તીવાળાની રોજીરોટી છિનવી નથી પરંતુ તેઓ તેમને પોતાની સાથે રાખીને કમિશનનાં ધોરણે કામ કરી રહ્યા છે.

આ કંપની ગ્રાહકોનાં ઘરઆંગણેથી મફતમાં પસ્તી લઈ જાય છે તેમ છતાં તેમને પહેલા દિવસથી નફો થઈ રહ્યો છે. હાલમાં તેમની આવકનો મુખ્યસ્રોત પસ્તીવાળાઓ દ્વારા તેમને આપવામાં આવતું કમિશન છે.

થોડા મહિનાઓ અગાઉ જ તેમણે શરૂઆત કરી હતી. તેના કરતાં તેમને આજે ખૂબ જ સારું ટ્રેકિંગ મળી રહ્યું છે. હાલમાં કંપનીના 8 હજાર કરતાં પણ વધારે વપરાશકારો છે. તેમને અન્ય શહેરોમાંથી પણ રિક્વેસ્ટ મળી રહી છે. બજાર અંગે વાત કરતાં મોહનીશે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં ઇન્ટરનેટના ફેલાવાને ધ્યાનમાં રાખતાં અમારું અત્યારનું લક્ષ્ય શોપિંગ મોલ્સ, રહેણાક વિસ્તારો, વિદ્યાર્થીઓ વગેરે છે. અમે માર્કેટિંગ અંગે જે સઘન અભ્યાસ કર્યો છે તેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં દર વર્ષે 4.2 કરોડ ટન કચરાનું રિસાયકલિંગ કરવામાં આવે છે. મજાની વાત એ છે કે ઇન્ટરનેટના વપરાશકારો વધી રહ્યા હોવાને કારણે બજારનું સતત વિસ્તરણ થઈ રહ્યું છે. હવે ગ્રાહકો એક જ ક્લિકમાં પોતાનાં ઘરે રહેલી પસ્તીનો નિકાલ કરી શકે છે. ભવિષ્યમાં અમે ભારતમાં રિસાયકલિંગ થતાં ભંગારનાં ક્ષેત્રે અગ્રગણ્ય કંપની હોઇશું.

ભારતનાં ટિઅર 2 પ્રકારના શહેરમાંથી આવતાં અને કમ્પ્યૂટર એન્જિનિયરિંગનાં બીજાં વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલું આ સ્ટાર્ટઅપ ખરેખર આશાસ્પદ જણાઈ રહ્યું છે. તેનું સંચાલન વ્યવસ્થિત ધોરણે ચાલી રહ્યું છે અને તે પોતાની સ્થાપનાના પહેલા દિવસથી જ નફો કમાય છે. કચરાનું વધી રહેલું પ્રમાણ ખૂબ જ જોખમી સાબિત થઈ રહ્યું છે અને તેના કારણે જમીન તેમજ લોકોનું જીવન જોખમાઈ રહ્યું છે. તેનું પ્રમાણ ઘટાડવા, રિસાયકલ કરવા અને તેનો પુનઃ ઉપયોગ કરવામાં લાંબી મજલ કાપવાની બાકી છે. કબાડા ડૉટ કૉમ મધ્યસ્થી બનીને રિસાયકલિંગ અને કચરાનાં પુનઃ ઉપયોગ માટે મદદ કરી રહી છે. જોકે, દેશની વસતીને ધ્યાનમાં લેતાં હજી આ ક્ષેત્રમાં વધારે ખેલાડીઓની જરૂર છે. અમને આશા છે કે આ ખાઈને પૂરવા માટે ભવિષ્યમાં નવા સ્ટાર્ટઅપ આ ક્ષેત્રે શરૂ થશે.


લેખક – આદિત્ય ભૂષણ દ્વિવેદી

અનુવાદ – YS ટીમ ગુજરાતી

Related Stories