બ્રેક્ઝિટઃ વૈશ્વિકરણના યુગમાં ભારત માટેના સૂચિતાર્થો

બ્રેક્ઝિટઃ વૈશ્વિકરણના યુગમાં ભારત માટેના સૂચિતાર્થો

Tuesday June 28, 2016,

5 min Read

આપણે બર્લિનની દિવાલનું પતન થયા પછીની સૌથી મોટી ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યાં છીએ. ગ્રેટ બ્રિટને રાષ્ટ્રીય જનમતમાં યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડવાનો ચુકાદો આપી દીધો છે. જનમતમાં યુરોપિયન યુનિયન સાથે રહેવામાં માનતા અને તેની સાથે છેડો ફાડવામાં માનતા લોકો વચ્ચે બહુ ઓછું અંતર છે, તેમ છતાં યુરોપિયન યુનિયન સાથે રહેવામાં હિત નહીં ધરાવતા લોકો પાતળી બહુમતી ધરાવે છે. એક વાત સ્પષ્ટ છે કે, બ્રિટન હવે અગાઉ જેવું ક્યારેય નહીં રહે. તેની અસર વિશ્વના અર્થતંત્ર પર પડશે અને નવી મંદીની શક્યતા નકારી શકાય નહીં. બ્રિટનના વલણથી દુનિયાને આઘાત લાગ્યો છે અને લોકો ચકિત થઈ ગયા છે. નિષ્ણાતો ભવિષ્યને લઈને નિરાશાવાદી છે. તેમને ભવિષ્ય અંધકારમય અને અનિશ્ચિત ભાસે છે. જોકે અત્યારે સમય જેટલો ખરાબ છે તેઓ કદાચ આગળ જતાં નહીં હોય તેવી શક્યતા છે. સતત ત્રણ દાયકાની તેજી પછી ચીનના અર્થતંત્રે દક્ષિણાયન શરૂ કર્યું છે. બ્રાઝિલ ગંભીર રાજકીય કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે અને ભારતની સ્થિતિ શું છે? કેન્દ્ર સરકાર મસમોટા દાવાઓ કરી રહી છે, પણ હકીકતમાં વાસ્તવિક સ્તરે કોઈ હકારાત્મક ચિહ્નો જોવા મળ્યાં નથી.

image


બ્રેક્ઝિટ આર્થિક નહીં રાજકીય કારણોસર વધુ સૂચક છે. તેણે ત્રણ બાબતો સ્પષ્ટ કરી દીધી છે – 1. વૈશ્વિક સ્થળાંતર ગંભીર સમસ્યા છે અને સૌથી વધુ ઉદાર ગણાતો સમાજ પણ તમે ધારો છો એટલે સર્વસમાવેશક અભિગમ ધરાવતો નથી, 2. ગરીબ અને ધનિક વચ્ચેની રેખા સ્પષ્ટ છે. લંડનના નાગરિકોએ યુરોપિયન યુનિયન સાથે રહેવાનો મત વ્યક્ત કર્યો હતો, પણ બ્રિટનના લંડન સિવાયના ઓછા વિકસિત વિસ્તારો અને લંડન કરતાં ઓછા સદ્ધર વિસ્તારોએ યુરોપિયન યુનિયન સાથે રહેવામાં ઉજ્જવળ ભવિષ્ય ન હોવાની માનસિકતા પ્રકટ કરી છે. 3. વૈશ્વિકરણની પ્રક્રિયા કરતા રાષ્ટ્રવાદને રાજકીય દ્રષ્ટિએ વધુ હિતાવહ ગણવામાં આવે છે. જ્યારે અર્થતંત્ર નબળું પડે છે, ત્યારે કૃત્રિમ રીતે ઊભો કરાયેલો બહુરાષ્ટ્રવાદ બહુ આકર્ષક રહેતો નથી.

ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર હોવાનો દાવો ભારત સરકાર કરી રહી છે. પણ બ્રેક્ઝિટનો આંચકો આપણા દેશના અર્થંતત્રને પણ લાગશે એ નક્કી છે. જ્યારે આરબીઆઈના ગવર્નરે જાહેરાત કરી છે કે તેઓ ગવર્નર તરીકે બીજી ટર્મ ઇચ્છતાં નથી ત્યારે બ્રેક્ટિઝની ઘટના ઘટી છે. રઘુરામ રાજન જેવા પ્રતિભાશાળી અર્થશાસ્ત્રી આરબીઆઈ છોડીને જઈ રહ્યાં છે એ ‘અચ્છે દિન’નો સંકેત નથી. મારું માનો તો ભારતે બ્રેક્ઝિટને વધારે ગંભીરતાથી સમજવાની જરૂર છે. તે ભારતીય સંદર્ભમાં ઘણા વિભાજનકારક આંતરપ્રવાહો અને આંચકાઓનો સંકેત આપે છે. સામાજિક ઘટના તરીકે બ્રેક્ઝિટ ભારત માટે ઘણી ખતરનાક ઘટના છે. નિષ્ણાતો બ્રેક્ઝિટને કટ્ટર રાષ્ટ્રવાદ અને માઇગ્રેશનના ફફડાટનું પરિણામ ગણે છે અને બહુ ગંભીરતાથી લેતાં નથી. પણ હું તેમની સાથે સંમત નથી. હકીકતમાં બ્રેક્ઝિટ અતિ જટિલ સામાજિક-રાજકીય સમસ્યાનું પરિણામ છે. તેને હળવાશથી લેવી, ફક્ત કટ્ટર રાષ્ટ્રવાદનું પરિણામ માનવું વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરવા સમાન છે.

બ્રેક્ઝિટ એ બ્રિટનના સમાજમાં ઊંડે સુધી ફેલાઈ ગયેલી હતાશાનું જ પ્રતીક નથી. અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના ટોચના નેતાઓના વિરોધ છતાં ડોનાલ્ડ ટ્રમ્પનો ઉદય આવી જ ઘટના છે. ફ્રાંસમાં અતિ જમણેરી મેરિન લી પેનનો રાષ્ટ્રપતિના આગામી ઉમેદવાર તરીકે ઉદય થઈ રહ્યો છે અને જો નસીબ સાથ આપશે, તો આ મહિલા આગામી રાષ્ટ્રપતિ બનશે. ભારતની સત્તાના સાચાં સૂત્રો જમણેરી વિચારધારા ધરાવતી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના હાથમાં છે, જે હિંદુ રાષ્ટ્રનું નિર્માણ કરવા તલપાપડ છે. દુનિયા આઇએસઆઇએસના ધર્માંધ પ્રયોગોથી ભયભીત છે. મધ્યપૂર્વમાં તેણે આતંક મચાવી દીધો છે. કોઈ દેશ અને કોઈ નાગરિક સલામત નથી. આ તમામમાં એક બાબત સામાન્ય છે. તેઓ 'વિવિધતા, ધર્મનિરપેક્ષતા અને સંસ્કૃતિઓના સંગમ'ને ધિક્કારે છે, જે 20મી સદીની દુનિયાનો હોલમાર્ક હતો. તેઓ સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના વિરોધીઓ છે.

હકીકતમાં સ્થળાંતર વૃદ્ધિ માટે પ્રેરકબળ છે. તેનાથી શ્રમ ઓછા ખર્ચે ઉપલબ્ધ થાય છે અને તેની સાથે દુનિયાના અન્ય વિસ્તારોમાં નવા વિચારોનો પણ પ્રસાર થાય છે. વિચારો નવી સિદ્ધિઓ જન્માવે છે, જે સમાજને વધારે સ્પર્ધાત્મક અને નવા પડકારોનો સામનો કરવા વધારે સજ્જ બનાવે છે. સ્થળાંતર બે પ્રકારનું હોય છે – દેશની અંતર આંતરિક સ્થળાંતર અને વિવિધ દેશોના નાગરિકો વચ્ચેનું સ્થળાંતર. ભારતીયોએ સુખ અને સમૃદ્ધિ મેળવવા દુનિયાના તમામ દેશો ખૂંદી નાંખ્યા છે. ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો લખનૌ અને પટણામાં જ જોવા મળતાં નથી, પણ કેરળ અને બેંગાલુરુના માર્ગો પર પણ જોવા મળે છે. તેમણે મુંબઈ અને દિલ્હીને બીજું ઘર બનાવી દીધું છે. તે જ રીતે તામિલનાડુ અને કેરળના લોકો દિલ્હીના ખાન બજારમાં બટર ચિકન અને મુંબઈના ડોમ્બિવલીમાં વડાપાંવનો સ્વાદ માણતા જોવા મળે છે.

image


સત્ય નાદેલા અને સુંદર પિચાઈ જેવા લોકો અત્યારે માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી વિશ્વની મોટી ટેકનોલોજી કંપનીઓની બાગડોર સંભાળી રહ્યાં છે. જો ઇન્દ્રા નૂયી પેપ્સીના વડા હોય તો થોડા દિવસ અગાઉ જાપાનીઝ કંપનીના સૌથી વધુ પગાર મેળવતા ટોચના ત્રણ એક્ઝિક્યુટિવ્સમાં એક નિકેશ અરોરા હતા. સ્થળાંતરને કારણે આ શક્ય બન્યું હતું. પૂર્વ અને પશ્ચિમ બંનેને તેનાથી ફાયદો થયો છે. વીસમી સદી અમેરિકાની હતી. તે સ્થળાંતરિત લોકોની ભૂમિ છે. કમનસીબે બ્રેક્ઝિટે નવો ચિલો ચાતર્યો છે. તેણે દુનિયાનો એવો સંદેશ આપ્યો છે કે સ્થળાંતરની પ્રક્રિયા નુકસાનકારક છે અને સ્થળાંતર કરનારા લોકો માટે બ્રિટનમાં કોઈ સ્થાન નથી. જ્યારે દુનિયા લંડનના મેયર તરીકે એક મુસ્લિમની પસંદગી પર આનંદ વ્યક્ત કરી રહી હતી, ત્યારે સમાજનો એક તબક્કો અંદરથી નારાજ હતો.

શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેનું વલણ વર્ષોથી આવું જ રહ્યું છે. બાલ ઠાકરે 60 અને 70ના દાયકામાં જાહેરમાં દક્ષિણ ભારતીયોને ભાંડતા હતા અને પછી તેમણે ઉત્તર ભારતીયોને નિશાન બનાવ્યાં હતાં. તેમના ભત્રીજા રાજ ઠાકરે અને તેમના પક્ષના કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ હિંસા આચરી હતી. ભારતીય બંધારણ સમગ્ર દેશમાં પુરુષો અને સ્ત્રીઓની મુક્ત અવરજવરની છૂટ આપે છે તથા દરેક નાગરિક કોઈ પણ વિસ્તારમાં વસવા માટે સ્વતંત્ર છે તેવું સૂચવે છે. પણ આજે પણ પ્રાંતીય અને પરપ્રાંતીયો વચ્ચેની લડાઈ ચાલુ છે. રાજકારણીઓ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવા માટે ઉત્તર ભારતીયોને જવાબદાર ઠેરવે છે. ઉત્તર પૂર્વના રાજ્યો અને બાકીના ભારતના લોકો વચ્ચેનો સંઘર્ષ નવી સમસ્યા સ્વરૂપે બહાર આવ્યો છે.

વૈશ્વિક ગામડાંના યુગમાં "પોતાની ભૂમિ માટેનો પ્રેમ અને નાગરિકો માટે આદર" એ હકીકત સૂચવે છે કે આજે પણ માનવજાતની નિર્ણાયક ખાસિયત આજે પણ "ઓળખ" છે. સ્થળાંતર વ્યાપક અને વ્યક્તિગત સ્તરે સમાજના સામૂહિક વ્યક્તિત્વ માટે જોખમકારક ન બને ત્યાં સુધી સ્વીકાર્ય છે. અર્થતંત્રની કડવી વાસ્તવિકતાઓએ સમાજની અંદર દબાયેલી નારાજગી કે રોષને વાચા આપી છે. વિવિધતા એકાએક નુકસાનકારક બની ગઈ છે. સૌથી વધુ ઉદાર ગણાતા સમાજમાં પણ બહુલતા ધૃણાસ્પદ બની ગઈ છે. ભારતની સૌથી મોટી તાકાત તેની વિવિધતા છે. પણ ઓળખના પરિબળો સૌથી મોટો અભિશાપ બની શકે છે, જે માટે રાજકીય કારણો કે માનસિક કારણો જવાબદાર બની શકે છે. ચાલો, બ્રેક્ઝિટની ઘટનાને સમજવા અને તેના માટે જવાબદાર પરિબળો સામે સફળતાપૂર્વક લડવા એક રાષ્ટ્ર તરીકે આ ઘટનાને સમજવાનો સહિયારો પ્રયાસ કરીએ.

(આ લેખ આમ આદમી પાર્ટીના નેતા આશુતોષે લખ્યો છે)