500 રૂપિયાની નોકરી કરતા મનીષ મલ્હોત્રા આજે દર મહિને કમાય છે કરોડો રૂપિયા

મનીષ મલ્હોત્રાની પ્રેરણાત્મક જીવનસફર

500 રૂપિયાની નોકરી કરતા મનીષ મલ્હોત્રા આજે દર મહિને કમાય છે કરોડો રૂપિયા

Friday July 14, 2017,

3 min Read

મનીષ મલ્હોત્રા એક એવું નામ છે, જેને કોઈ સામાન્ય વ્યક્તિથી લઈને બોલિવૂડ સુધી દરેક વ્યક્તિ બહુ સારી રીતે જાણે અને ઓળખે છે. નાના પાયે એક ફેશન ડીઝાઈનર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર મનીષ આજે ન માત્ર બોલિવૂડની મોટી મોટી હસ્તીઓ માટે કપડાં ડીઝાઈન કરે છે, પણ હોલિવૂડ કલાકારો માટે પણ ડ્રેસ ડિઝાઈન કરે છે. 

image


1990 દરમિયાન માત્ર 25 વર્ષની ઉંમરે મનીષ મલ્હોત્રાએ ફિલ્મ સ્વર્ગથી બોલિવૂડમાં શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા માટે ડ્રેસ ડીઝાઈન કર્યા હતાં.

બાળપણથી જ મનીષ ફેશન પ્રત્યે એકદમ દિવાના. તેઓ અવારનવાર પોતાની માતાને અલગ અલગ રીતે સાડી પહેરવાની સલાહ આપ્યા કરતા. ફેશન પ્રત્યેની દીવાનગી ધીરે ધીરે તેમનું જૂનૂન બની ગઈ અને આખરે તેઓ બની ગયા એક સફળ ફેશન ડીઝાઈનર. સ્કૂલના દિવસોમાં મનીષ ભણવામાં એક સામાન્ય વિદ્યાર્થી હતાં પરંતુ વિભિન્ન પ્રવૃત્તિઓ, ચિત્રકામ, સ્કેચિંગ અને ડિઝાઈનિંગમાં હંમેશા કંઇક ને કંઇક નવું કરતા રહેતા જેના કારણે તેઓ તેમની સ્કૂલમાં પણ ઘણાં લોકપ્રિય હતાં. 

મનીષનો જન્મ મુંબઈના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. ત્યારથી તેમણે પોતાનું ભવિષ્ય એકદમ સ્પષ્ટ કરી લીધું હતું. તેમણે એક બુટીકમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું જ્યાં તેમને દર મહિને 500 રૂપિયા મળતાં હતાં. આ એ જગ્યા હતી જ્યાં મનીષે ખૂબ મહેનત કરી. મહિલાઓ માટે વસ્ત્રો ડીઝાઈન કરવાની શરૂઆત કરવામાંથી સમય કાઢીને તેઓ પુરુષો માટે પણ કપડાં ડીઝાઈન કરવા લાગ્યા. આ ક્ષેત્રની કોઈ પણ ડીગ્રી વિના જ મનીષ માત્ર વિશ્વાસ અને સખત મહેનતના જોરે આગળ વધતા રહ્યાં.

1990 દરમિયાન 25 વર્ષની ઉંમરે મનીષે ફિલ્મ 'સ્વર્ગ'થી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી. 1993માં તેમણે ફિલ્મ ગુમરાહમાં શ્રીદેવી માટે કામ કર્યું. એ સમયની ટોચની અભિનેત્રીઓ માટે કામ કર્યા બાદ મનીષે પાછળ વળીને નથી જોયું. ત્યારબાદ ફિલ્મ રંગીલામાં જાણીતી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરના ડીઝાઈનર કપડાં માટે તેમને ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો. તેમની આ સફળતા દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, દિલ તો પાગલ હૈ, સત્યા, કુછ કુછ હોતા હૈ, કહો ના પ્યાર હૈ, મોહબ્બતેથી લઈને 2 સ્ટેટ્સ સુધી ચાલતી આવે છે.

મનીષ મલ્હોત્રાએ પોતાનું લેબલ 'મનીષ મલ્હોત્રા' 2005માં લોન્ચ કર્યું હતું. એ સમયે તેમની ઉંમર 39 વર્ષ હતી. 39 વર્ષની ઉંમર સુધી તો તેમણે ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી હતી. 

આજની તારીખે મનીષ મલ્હોત્રા કેટ મોસ, નાઓમી કેમ્પબેલ તેમજ કાઈલી મિનોગ જેવી જાણીતી હસ્તીઓ માટે પણ કામ કરી રહ્યાં છે. મનીષ ગ્રેટ ડાન્સર માઈકલ જેક્સન માટે પણ કપડાં ડીઝાઈન કરી ચૂક્યા છે. તેમણે ડીઝાઈન કરેલા કપડાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ લંડન, ન્યૂયોર્ક, કેનેડા, દુબઈ અને રિયાદના લોકોને પણ ખૂબ પસંદ છે. 

DNA India સાથેના એક ઇન્ટરવ્યૂમાં મનીષે તેની સામે આવેલા પડકારો અને પ્રેરણા વિશે વાત કરતા કહ્યું,

"જીવનમાં પડકારો વિના મજા ન આવે. હું, 2013માં દિલ્હીમાં લાર્જ ફોરમેટ પર ફ્લેગશીપ કેચ્યોર સ્ટોર શરૂ કરનાર સૌ પ્રથમ ભારતીય ડીઝાઈનર બન્યો હતો તેમજ 4 વર્ષ બાદ , એટલે આજની તારીખમાં આ સ્ટોર ભારતીય ફેશનજગતમાં ગૌરવશાળી સ્થાન ધરાવે છે. હું દરેક વસ્તુને ખૂબ જ ઉંડાણપૂર્વક સમજનાર વ્યક્તિ છું. પ્રેરણાસ્ત્રોત તો દરેક જગ્યાએ હોય છે અને એટલે જ લોકો પોતાના જીવનને પ્રકૃતિથી લઈને વાસ્તુકલા સુધી, કલાના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે."


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...