એક વર્ષ સુધી સૂકો રોટલો ખાઇને કરોડોનો બિઝનેસ સ્થાપિત કર્યો!

એક વર્ષ સુધી સૂકો રોટલો ખાઇને કરોડોનો બિઝનેસ સ્થાપિત કર્યો!

Monday May 29, 2017,

5 min Read

એક વર્ષ સુધી જો આપણને શાકભાજી કે ફ્રુટ ખાવા ના મળે તો આપણને કેવું લાગશે? આપણી થાળીમાં એક દિવસ પણ શાક ના હોય અને માત્ર રોટલી ખાવી પડે તો આપણે પણ જમવા પ્રત્યે એક અપરાધની ભાવના રાખીને ઊભા થઇ જઇએ છીએ. કરોડોનો બિઝનેસ ચલાવનાર વ્યક્તિને આપણે મોટા ભાગે એવી જ નજરે જોતા હોઇએ છીએ કે બધું વારસામાં મળ્યું હશે. પરંતુ જરૃરી નથી. એક સંઘર્ષ પછી પણ કરોડોનો બિઝનેસ ઊભો થઇ શકે છે, જરૃરિયાત છે માત્રને માત્ર મહેનત કરવાની અને રિસ્ક લેવાની.

સરોજ શર્માએ પણ એક આવી જ મિશાલ ઊભી કરી છે. તેમના ઘરમાં એક વર્ષ સુધી શાકભાજી કે ફ્રુટ આવતા ના હતાં. જ્યારે તેમના બાળકો તેમની પાસે કોઇ વસ્તુની માંગણી કરતા ત્યારે તેઓ તેમના બાળકોને કહેતા જ્યારે તારા પપ્પા પાસે બહું બધા રૃપિયા આવશે ત્યારે આપણે બહું બધી વસ્તુઓ લઇશું. ક્યારેક 100 તો ક્યારેક 200 રૃપિયા કોઇની પાસેથી ઉધાર માંગીને પોતાની જરૃરિયાત પૂરી કરતા સરોજબહેન માત્ર મહેનતને જ પોતાનું લક્ષ્ય બનાવીને ચાલતા હતાં.

image


દહેરાદૂનથી અમદાવાદ સુધીની સફર!

દહેરાદૂનથી ઇકોનોમિક્સમાં એમ.એ. થયેલા સરોજ શર્માના લગ્ન 1982માં થયા હતાં. તેમના પતિ ઉમેશ શર્મા મેકિનિકેલ એન્જિનિયર હતાં. શરૃઆતમાં તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં એક સામાન્ય નોકરી કરતા હતાં. પરંતુ સરોજબહેનને પોતાના પતિની આવડત પર પૂરે પૂરો વિશ્વાસ હતો. આ માટે એન્જિનિયરિંગનો બિઝનેસ શરૃ કરવા માટે તેઓ પોતાના બે બાળકો સાથે વર્ષ 1994માં અમદાવાદ આવ્યા. બસ ત્યારથી તેમના જીવનમાં સંર્ઘષનો સિલસિલો શરૃ થઇ ગયો. માત્ર 17 હજારના પ્રથમ પ્રોજેક્ટથી શરૃ થયેલો બિઝનેસ આજે વર્ષે કરોડોનું ટર્ન ઓવર કરે છે.

લાયસન્સ લેવા માટે દાગીના પણ વેચ્યા!

તેઓએ મોટી મોટી કંપનીના હૃદય સમાન એવા બોઈલરનો બિઝનેસ શરૃ કર્યો હતો. જેના માટે સરકાર તરફથી લાયસન્સ લેવું જરૃરી હોય છે. આ અંગે સરોજબહેન જણાવે છે,

“લાયસન્સ લેવા માટે રૃપિયા ભરવા પડે છે. જ્યારે અમે બિઝેસની શરૃઆત કરી ત્યારે મારા પતિએ નોકરી છોડી દીધી હતી. આ માટે લાયસન્સના રૃપિયા ભરવા માટે મારે મારા બધા દાગીના પાણીના ભાવમાં વેચવા પડ્યા હતાં. જેમાંથી મળેલ 40 હજારની રકમ અમે લાયસન્સ લેવા માટે ભરી હતી. તે સમયે અમે હાઉસિંગ બોર્ડના મકાનમાં ભાડે રહેતા હતાં. નોકરી હતી નહીં અને બિઝનેસમાંથી કોઈ આવક થતી ના હતી. એક વર્ષ સુધી મારા ઘરમાં શાકભાજી કે ફ્રુટ આવતા ના હતાં. અમે માત્ર રોટલી અને અથાણું ખાઇને ચલાવી લેતા હતાં. મારા હસબન્ડના ખિસ્સામાં 50 રૃપિયા હોય તો તેઓ 10 રૃપિયામાં ચા બિસ્કીટ ખાતા અને બાકીના 40 રૃપિયાનું પેટ્રોલ સ્કૂટરમાં ભરાવતા કારણ કે કામ માટે જ્યાં ત્યાં ફરવું પડતું હતું. અમારી ઉર્વશી એન્જિનિયરિંગ પ્રા.લી. કંપનીને પ્રથમ કોન્ટ્રાકટ 17 હજારનો મળ્યો હતો. મારા પતિ ફિલ્ડ વર્ક કરતા હતાં અને હું ઓફિસનું દરેક કામ ઘરમાં બેસીને કરી લેતી હતી. ધીરે ધીરે અમારો બિઝનેસ સેટ થવા લાગ્યો અને 2001માં અમે અમારું પોતાનું ઘર ખરીદી લીધું.”

નસીબે એક વાર ફરી પરીક્ષા કરી!

બિઝનેસ ધીરે ધીરે સેટ થવા લાગ્યો હતો. ભાડાના કારખાનામાંથી હવે તેઓ પોતાનું કારખાનું ખરીદવાનું વિચારી રહ્યાં હતાં. બસ તે જ ઘડીએ તેમના નસીબનું પાસું ફરી વાર પલટાયું. તેમનો દિકરો વરૃણ શર્મા મિકેનિકલ એન્જિનિયર બની ગયો હતો. 22 જુલાઇ 2009ના તેનું રિઝલ્ટ આવ્યું અને બીજી બાજું સમાચાર મળ્યા કે તેમના પતિ ઉમેશભાઈનું ભાવનગરથી પાછા ફરતા કાર અકસ્માતમાં મૃત્યું થયું છે. હજી તો આઘાતની એક ક્ષણ પણ વીતી ના હતી, કે તે પહેલા જ કંપનીઓમાંથી ફોન આવવા લાગ્યો કે તમારા પતિ નથી રહ્યાં તો શું તમે અમારા ઓર્ડર પૂરા કરી શકશો ? સરોજ શર્મા જણાવે છે,

“બે બાળકોના ભવિષ્ય અને 50 વર્કર્સની જવાબદારીએ મને મારા પતિની મોતનો શોક પણ મનાવવા નહોતો દીધો. માત્ર ચાર દિવસમાં જ તેમની બધી વિધી મેં પતાવી દીધી અને ઓફિસ શરૃ જવાનું કરી દીધું હતું."

વધુમાં તેઓ કહે છે,

“ઓફિસનું દરેક કામ પહેલેથી જ હું કરતી હતી. માટે ક્યાંથી પેમેન્ટ આવે છે, કોની પાસેથી કેટલું પેમેન્ટ લીધું છે તેની જાણકારી મને રહેતી હતી. પરંતું કંપનીના ટેન્ડર કેવી રીતે ભરવા તે અંગે મને કે મારા દીકરાને ખ્યાલ ના હતો, પણ કંપનીના સ્ટાફના સપોર્ટ અને મારા હસબન્ડના સારા સ્વભાવે જે સંબંધો બનાવ્યા હતાં તેનાથી મને ઘણો ફાયદો થયો હતો. આ સમયે અમે બોઈલરના પાર્ટ્સ બનાવવાની શરૃઆત પણ કરી દીધી હતી. 2010માં અમદાવાદના છત્રાલ વિસ્તારમાં અમે અમારી પોતાની ફેક્ટરી ખરીદવા માટે ઘર ગિરવે મૂકી દીધું હતું. કારણ કે તે સમયે ઘર કરતા કારખાનાની જરૃરિયાત વધારે હતી. પરંતુ કહેવાય છે ને કે મહેનત કરનારને બધું જ મળી રહે છે. અમારો ધંધો ફરી એક વાર પ્રગતિના પંથે દોડવા લાગ્યો.”

સરોજ શર્માની ઉર્વશિ એન્જિનિયરિંગ પ્રા.લી. વર્ષે રૂપિયા 2.5થી 3 કરોડોનું ટર્નઓવર કરી રહી છે. સરોજ શર્મા કહે છે,

“આવનાર સમયમાં અમે બોઈલર બનાવવાની પણ તૈયાર કરી રહ્યાં છે. રાજસ્થાનમાં પણ બિઝનેસ શરૃ કરવા માટેનું લાયસન્સ અમને મળી ગયું છે. જ્યારે ઉત્તરાખંડનો એક બહું મોટો પ્રોજેક્ટ અમે હમણાં જ પૂરો કર્યો. અમે અમારી મહેનતથી જ આજે ઘણં બધું મેળવ્યું છે. કાલે જો કદાચ અમારી પાસે કઇ નહીં પણ હોય તો મારા બાળકો નાસીપાસ નહીં થાય, કારણકે મેં તેમને વારસામાં માત્રને માત્ર મહેનત કરવાની શીખ આપી છે.”

બિઝનેસ એવોર્ડ...

સરોજ શર્માની મહેનતને બિરદાવવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બિઝેસ વુમન ઓફ ધ ઇયર ગરિમા 2011 એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. 

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...