કેવી રીતે એક અંગ્રેજી સાહિત્યની વિદ્યાર્થીની બની ગઈ ઈન્સ્ટ્રક્શનલ ડિઝાઈનર?

શું તમે ભવિષ્યકથનમાં માનો છો ? તમારો જવાબ જે હોય પણ તેને આ લેખ વાંચવા સુધી તમારી પાસે જ રાખજો, કારણ કે પછીથી કદાચ તમારે આ વિચારો બદલવા પડે તેમ બને!

કેવી રીતે એક અંગ્રેજી સાહિત્યની વિદ્યાર્થીની બની ગઈ ઈન્સ્ટ્રક્શનલ ડિઝાઈનર?

Monday October 12, 2015,

7 min Read

આપણામાંથી મોટાભાગના લોકોના સ્કૂલમાં કોઈ એક એવો વિદ્યાર્થી હશે કે જે તમામ લેક્ચરમાં હાજરી આપે, શક્ય એટલા સવાલો કરે, તથા ઘણી વખત તો એવા સવાલો કરી બેસે કે લોકો તેની મશ્કરી પણ કરે. દિપા પોટ્ટાંગડી એ તમામ બાબતો કરે છે. બસ ફર્ક એટલો છે કે આજે આ ક્લાસ કોન્ફરન્સમાં બદલાઈ ગયો છે અને જેની એક સમયે મશ્કરી થતી હતી તે હવે તમારી મશ્કરી કરે તેવી થઈ ગઈ છે. તે અત્યારે ઈન્સ્ટ્રક્શનલ ડિઝાઈનર તરીકે બેંગલુરુંમાં આવેલી ‘યુકેલિપ્ટસ સિસ્ટમ’માં કામ કરે છે.

image


અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા બાદ કમ્પ્યૂટર અને ટેક્નોલોજીનું જ્ઞાન દિપા પાસે ખૂબ જ સરળતાથી આવી ગયું હતું. દિપાના ટેક્નોલોજી પ્રત્યેના પ્રેમ અને લગાવ કરતા પણ વધારે કંઈક એવું હતું જેનો વિસ્તાર કરવો જરૂરી હતો. તેનો ચિતાર કંઈક આ પ્રમાણે છે...

ભવિષ્યકથન શું કહેતું હતું ?

દિપાનું ધોરણ 12નું પરિણામ સારું નહોતું આવ્યું. દિપાના માતા-પિતાને તેના ભવિષ્યની ચિંતા થઈ અને તેઓ જ્યોતિષી પાસે પહોંચી ગયા. જ્યોતિષીએ જણાવ્યું કે, દિપા કમ્પ્યૂટર સાયન્સમાં ખૂબ જ આગળ વધશે અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે પણ આ જ ક્ષેત્ર પસંદ કરશે. તેણે તમામ લોકોને ખોટા સાબિત કરવા બોલપુર ખાતે શાંતિનિકેતન યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ શરૂ કરી દીધો. તે સમયને યાદ કરતા દિપા જણાવે છે, “મેં મારી યુનિવર્સિટીનું અનેક સ્થળે પ્રતિનિધિત્વ કર્યું છે અને હું લગભગ દરેક ક્ષેત્રમાં ચેમ્પિયન હતી. હું જ્યારે અભ્યાસ પૂર્ણ કરીને બહારની દુનિયામાં પ્રવેશી ત્યારે મારા કાર્યોએ જ મારા આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો.” સ્થિતિ ત્યારે વિકટ થઈ જ્યારે તેણે સ્નાતકની પરીક્ષા પાસ કરી પછી તેને નોકરી મળતી નહોતી. આખરે તેણે નિર્ણય કર્યો કે, એવો કોઈ કોર્સ કરવો જેના દ્વારા નોકરીની તક ઉભી થાય. તપાસ કરતા માલૂમ થયું કે, તેની સાથેના તથા આસપાસના વિદ્યાર્થીઓ એનઆઈઆઈટીમાં જોડાઈ રહ્યા હતા. તેણે પણ પોતાનું નસીબ અજમાવવા આ કોર્સમાં જોડાવાનું નક્કી કર્યું.

ટેક્નોલોજી સાથે મુક્ત સંબંધ

તેના સમયમાં એનઆઈઆઈટીના કોર્સમાં જોડાવાનું ડહાપણભર્યું ગણાતું હતું. દિપાએ વર્ષ 2000માં એનઆઈઆઈટી દ્વારા શરૂ કરાયેલા પ્રોગ્રામિંગ લેન્ગવેજના ત્રણ વર્ષના જીએનઆઈઆઈટી કોર્સમાં જોડાવાનું નક્કી કરી લીધું. તેને પછી તો કમ્પ્યૂટર સાથે પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ થઈ ગયો. થોડા જ સમયમાં તો સ્થિતિ એવી આવી ગઈ કે તેને લેબમાંથી બહાર કાઢવી પડતી હતી. તેને તેના જ વતન કાલિકટ ખાતે એનઆઈઆઈટીમાં ફેકલ્ટી તરીકે જોબ મળી ગઈ અને પછી તેને બેંગલુરું મોકલવામાં આવી.

દિપાને ઓરેકલમાં વિશાળ તક પ્રાપ્ત થઈ. ઓરેકલે તેને ઈન્સ્ટ્રક્શનલ ડિઝાઈન ફેકલ્ટી તરીકે જોડાવાની ઓફર કરી. આ ક્ષેત્ર સાથેનું જોડાણ અને એપ્લિકેશન લેવલ સોલ્યુશન તેને વીએમવેર, ક્લાઉડ ધેટ ટેક્નોલોજી અને અંતે ‘યુકેલિપ્ટસ સિસ્ટમ’ સુધી લઈ ગયા. અહીંયા તે કન્સલ્ટન્ટ અને કોર્સવેર ડેવલપર તરીકે કામ કરી રહી છે. અહીંયા તે યુકેલિપ્ટસની વિવિધ પ્રોડક્ટના ટ્રેનિંગ કોર્સવેર તૈયાર કરે છે. આ કામ માટે તેણે પ્રોડક્ટ ડેવલપમેન્ટ, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ તથા સપોર્ટ અને ડોક્યુમેન્ટેશન ટીમ સાથે સતત જોડાયેલા રહેવું પડે છે.

image


દિપા વધુમાં જણાવે છે, “હું વિવિધ પ્રક્રિયાનો ઉપયોગ કરું છું. બ્લૂમ્સ થિયરી તથા એન્ડ્રાગોગી લર્નિંગ એન્ડ ટિચિંગ મેથડોલોજીનો ઉપયોગ કરું છું જેથી ધાર્યા પરિણામ મળી શકે. યુકેલિપ્ટસની વિવિધ પ્રોડક્ટનું ટેક્નિકલ જ્ઞાન પણ મારી પાસે છે અને હું તેના આધારે વિવિધ સર્ટિફિકેટ પરીક્ષાનું પણ સર્જન કરું છું. યુકેલિપ્ટસ સિસ્ટમ ઈન્કની એલએમએસ સાથે પણ હું જોડાયેલી છું.”

દિપા છેલ્લા એક દાયકામાં અનેક બાબતો સાથે જોડાયેલી હતી અને અત્યારે તો તેની યાદી બનાવવા બેસીએ તો લિસ્ટ પણ લાંબુંલચક થઈ જાય. દિપા હળવા મૂડમાં જણાવે છે કે “હું કોઈ એક ટેક્નોલોજીને પરણી નથી. મને સતત કમ્પ્યૂટર્સ સાથે રમત કરવાનો શોખ છે અને જેવી નવી ટેક્નોલોજી માર્કેટમાં આવે કે હું તેને અપનાવવા તૈયાર જ હોઉં છું.”

તમારી ઓળખ જ તમારી ક્ષમતા છે

દિપાનો ઉછેર જ એ રીતે થયો છે કે તે નિર્ભય બનીને કામ કરી શકે છે. તેનો જન્મ અને ઉછેર તથા પ્રાથમિક અભ્યાસ જમશેદપુરમાં થયો હતો. તેના મતે જમશેદપુર જેવા શહેરમાં દક્ષિણ ભારતીય તરીકે અસ્તિત્વ ટકાવવું થોડું વિચિત્ર હતું. તેઓ જ્યારે કેરળ સ્થાયી થવા ગયા ત્યારે લોકો તેને નોર્થ ઈન્ડિયન માનતા હતા. અહીંયા પણ તેને પહેલા જેવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો. દિપા પર તેના પિતાનો ખૂબ જ પ્રભાવ હતો. દિપાના મતે તેના પિતા દુનિયાની સૌથી સફળ વ્યક્તિ છે અને આ માટે તે કેટલાક તર્ક પણ આપે છે. તેઓ ટિસ્કો (અત્યારે તાતા સ્ટિલ)ના સૌથી મહેનતુ કર્મચારી હતાં. મધ્યમવર્ગના હોવા છતાં તેમણે પોતાના બંને સંતાનો (દિપા અને તેનો ભાઈ)ને ખૂબ જ સારી સુવિધાઓ અને મૂલ્યો સાથે ઉછેર્યા હતા. તે કેટલાક મૂલ્યોને પોતાના હૃદયમાં રાખે છે જેનાથી તેની ઓળખ છતી થાય છે :

1. પ્રામાણિકતા : તેનાથી મને ફાયદો અને નુકસાન બંને થયા છે. તેમ છતાં મારી આસપાસના લોકો જાણે છે કે જ્યારે તેઓ મારી પાસે આવે છે ત્યારે હું તેમને સ્પષ્ટ અને પ્રામાણિક પ્રતિભાવ આપું છું.

2. નિખાલસતા : સમયાંતરે મને ખ્યાલ આવ્યો કે, ઉદ્ધત બન્યા સિવાય પણ પ્રામાણિક રહી શકાય છે.

3. સખત મહેનત : મેં મારા પિતાને તેમની પ્રોફેશનલ લાઈફમાં સખત મહેનત કરતા જોયા છે અને મને તેમાંથી પ્રેરણા મળે છે.

4. સંબંધો જાળવવા : હું મારા સંબંધો ખૂબ જ ચોકસાઈથી નક્કી કરું છું. મારા મિત્રો મારા સંબંધીઓ નથી, હું તેમને ખૂબ જ સારી રીતે જાણું છું. આ જ રીતે મને ક્યારેક કોઈનામાં કંઈ ખોટું ન દેખાય તો મારા મિત્રો મને સમજાવે છે.

દિપાને કોઈના જેવું બનવું નથી પણ તેના પર જે.આર.ડી. તાતા, તેના પિતા, જેફ બેઝોશ અને શેરિલ સેન્ડબર્ગનો ખૂબ જ પ્રભાવ છે. તે જણાવે છે, “લોકો માત્ર દાનવૃત્તિની વાતો કરે છે પણ મેં તેનો સાક્ષાત્કાર જમશેદપુરમાં કર્યો હતો. જે.આર.ડી. તાતા દ્વારા એવી વ્યવસ્થાનું સર્જન કરવામાં આવ્યું હતું જેનાથી લોકો જે છે તેને માન આપે અને જાણે કે તેઓ કોણ અને ક્યાં છે. તેમણે ઝારખંડમાં એકેડેમીની સ્થાપના કરીને આર્ચરી માટે ઓલિમ્પિક ટીમ તૈયાર કરી હતી. એડબ્લૂએસ ક્લાઉડની શોધ કરવા બદલ તથા માર્કેટમાં તેનું માર્જિન અને મેકિંગ સરળ અને સુગમ બનાવવા બદલ હું તેમનો આભાર માનું છું.”

મહિલા અને ટેક્નોલોજી ક્ષેત્ર

દિપા ક્યારેય પોતાને ટેક્નોલોજી ક્ષેત્રમાં નબળી સમજતી નથી, કારણ કે તેના માતા-પિતાને તેની પાસેથી અનેક અપેક્ષાઓ છે અને તેઓ તેને સખત મહેનત કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કરતા રહે છે. ટેક્નોલોજી ક્ષેત્રમાં મહિલાઓ ખાસ જતી નથી અને જે છે તેમાં એવી કેટલીક બાબતો છે જે દિપાને અન્ય કરતા જૂદી પાડે છે :

1. માત્ર રસ ખાતર ટેક્નોલોજીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે.

2. દરેક તકમાંથી કંઈક નવું શીખે છે.

3. ક્યારેય તે પોતાના પરિવાર કે સંસ્કારો અથવા તો પરંપરાને તેના કામની આડે આવવા દેતી નથી.

4. સતત પ્રયાસ કરતી રહે છે તથા નવું નવું જાણવા અને જણાવવા કોન્ફરન્સમાં ભાગ લીધા કરે છે.

દિપા જણાવે છે કે તેને પહેલેથી જ દરેક કામ ચોકસાઈથી કરવાનું પસંદ કરે છે અને લગ્ન બાદ તેમાં થોડી મુશ્કેલી સર્જાઈ હતી. જો હું શ્રેષ્ઠ રસોઈ ન બનાવી શકુ તો હવે મને વાંધો આવતો નથી. પહેલા મને એમ હતું કે હું જે પણ કામ કરું તેમાં હું શ્રેષ્ઠ જ હોઉં. હવે હું એ બાબતનું ધ્યાન રાખું છું કે, મારે કઈ બાબતને કેવી રીતે પ્રાધાન્ય આપવાનું છે.

સાહિત્યનું શું થયું ?

દિપા જ્યારે ફિક્શન વાંચે છે ત્યારે તેનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ ઉભરી આવે છે. તે સિવાય પણ તેનો ફુરસતનો સમય ભોજન (શાકાહારી હોવા છતાં નોનવેજ બનાવવું પડે છે) બનાવવામાં, કસરત કરવામાં અને પેઈન્ટિંગમાં જાય છે. તેને શેરીલ સેન્ડબર્ગ લિખીત ‘લીન ઈન’ વાંચવાની ખૂબ જ ગમે છે તથા તે બીજી યુવા મહિલાઓને પણ વાંચવા સલાહ આપે છે. તેના મતે આ પુસ્તક કહે છે કે મહિલા કેવી રીતે પોતાની જાતને પાછી લાવી શકે છે. મહિલાઓએ માત્ર એક જ સંસ્થામાં બેસી રહેવા કરતા નવી નવી બાબતો, ટેક્નોલોજી શીખવી જોઈએ અને પોતાની જાતને કંઈક નવું કરવા તૈયાર કરવી જોઈએ. આ રીતે જ તેઓ આગળ વધી શકશે.

કૂકિંગ, ક્રાફ્ટ અને પેઈન્ટિંગ જેવી બાબતોમાં કુશળતા ધરાવતી મહિલાઓ માટે દિપા કંઈક કરવા માગે છે. તેના મતે મહિલાઓ તેમના 40, 50 અને 60ના દાયકામાં આ કાર્યો કરતી હોય છે. ઘણી મહિલાઓ પાસે વિશેષ આવડત હોય છે પણ તેને વ્યાવસાયિક રંગ આપી શકતી નથી. દિપા તેમના માટે એક ગેલેરી બનાવવા માગે છે જેમાં તેમના કાર્યોને વેગ મળે તથા ચાહકો પણ સરળતાથી અહીંયા ખરીદી કરી શકે. તેણે પોતાની મિત્રની માતાના પેઈન્ટિંગ્સ માટે એક વેબસાઈટ પણ બનાવી છે. તેણે વધુમાં જણાવ્યું કે, મારે અત્યારે કોઈની પાસેથી વધારાની રકમ વસુલવી નથી. મારે અત્યારેનો ધ્યેય એટલો જ છે કે વધારેમાં વધારે મહિલાઓ તેમના નવા વિચારો સાથે આગળ આવે.