મોદીએ ઇન્દિરા ગાંધી જેવી રાજનૈતિક ચાલ ચલવાનો પ્રયાસ તો કર્યો પણ નિષ્ફળ રહ્યાં : આશુતોષ

મોદીએ ઇન્દિરા ગાંધી જેવી રાજનૈતિક ચાલ ચલવાનો પ્રયાસ તો કર્યો પણ નિષ્ફળ રહ્યાં : આશુતોષ

Sunday December 11, 2016,

7 min Read

અંદાજે 80 કરતાં વધુ માણસો મૃત્યુ પામ્યા છે, સામાન્ય માણસો હાલાકી ભોગવી રહ્યા છે, અર્થતંત્ર ખોડંગાઈ રહ્યું છે, દેશની બેન્કિંગ વ્યવસ્થા ભંગાણને આરે આવીને ઊભી છે, નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ એમ માની રહ્યાં છે કે ભવિષ્ય ખૂબ જ ધૂંધળું દેખાઈ રહ્યું છે અને કાળું નાણું નાશ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે તેમ છતાંય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માફી માગવા માટે તૈયાર નથી અને વિમુદ્રીકરણ (ડિમોનેટાઇઝેશન)નો નિર્ણય પાછો લેવા માટેના મૂડમાં નથી. મોદીના અત્યાર સુધીના કાર્યકાળમાં તેમના દ્વારા લેવામાં આવેલો આ ખૂબ જ કારસ્તાની ભરેલો નિર્ણય છે. જો આ નિર્ણય પાછળનો આશય કાળાં નાણાં અને કાળું નાણું ધરાવનારાને અર્થતંત્રમાંથી દૂર કરવાનો હોય તો તેની શક્યતાઓ હાલમાં ખૂબ જ ધૂંધળી દેખાઈ રહી છે. એ વાત પણ અત્યંત ગુપ્ત છે કે શા માટે તેમણે આ જ સમય પસંદ કર્યો અને શા માટે આ માટે કોઈ પણ જાતની તૈયારી કરવામાં નહોતી આવી. આ પ્રકારના નિર્ણયનો અમલ કરવા માટે ભરપૂર તૈયારી અને પૂર્વઆયોજનની જરૂર રહે છે. પરંતુ આ વાતને મહિનો થવા આવ્યો છતાંય કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે આ નિર્ણયનો અમલ કરવા માટે પૂરતી તૈયારી કરવામાં આવી હતી. આ ખૂબ જ શરમજનક નિર્ણય લાગી રહ્યો છે.

આ સમયગાળા દરમિયાન અર્થતંત્રમાં ખૂબ જ કાવતરાં ઘડાયાં હોવાનો અનુભવ પણ થઈ રહ્યો છે. એક શક્યતા એવી પણ છે કે મોદીએ બે ઉદ્યોગગૃહો પાસેથી જે નાણાં લીધાં છે તેને યોગ્ય ઠેકાણે પાડવા માટે આ યોજના અમલમાં મૂકી છે. આ ઉદ્યોગગૃહના હરીફો તેમના ઉપર કાદવ ઉછાળે તે પહેલાં તેમને ફસાવી દેવા માટેનો આ કારસો છે. એમ પણ કહેવામાં આવે છે કે ઉત્તરપ્રદેશમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે આ પગલું લેવામાં આવ્યું છે કે જ્યાં તેમને લોકસભાની 73 બેઠકો મળી હતી. જો તેમાં ભાજપ હારી જાય તો તમામ નાલેશી મોદીનાં માથે આવે.

image


જાણકારો એમ પણ કહે છે કે મોદીને સારી રીતે ખ્યાલ છે કે મોદી પોતાનાં અડધા કાર્યકાળ દરમિયાન તેમનાં વચનો અને દાવાઓ પાળવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. તેના કારણે તેઓ કામ કરે છે તેવી તેમની છાપને મોટો ધક્કો લાગી શકે તેમ છે.

પોતાના સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી કાળું નાણું પરત લાવવાની વાતો કરી રહ્યા હતા. પરંતુ છેલ્લા અઢી વર્ષથી તેઓ પોતે આપેલાં વચનો પૂરા કરવાનો વિશ્વાસ અપાવી શક્યા નથી. બીજું એક કારણ એ પણ છે કે મોદીને સારી રીતે ખબર છે કે અર્થતંત્રનો દેખાવ સારો નથી અને તેના કારણે તેમને 2019ની ચૂંટણી જીતવામાં ખાસ મદદ મળી શકે તેમ નથી. તેમને આશા છે કે વિમુદ્રીકરણના કારણે રાજ્યની તિજોરી છલકાઈ જશે જેના કારણે તેઓ તેમના મતદારોને અનેક લોભામણી યોજનાઓની લ્હાણી કરી શકશે.

તેમ છતાંય આ દલીલોમાંથી કોઈ નક્કર જવાબ નથી મળી રહ્યો. એક વાત ચોક્કસપણે કહી શકાય કે ઇન્દિરા ગાંધીએ પોતાનાં શાસનકાળ દરમિયાન સરકારમાં જે મિજાજ દેખાડ્યો હતો તેવો મિજાજ મોદીએ દેખાડ્યો છે. મોદીની જેમ ઇન્દિરા પણ રાજકારણમાં નિર્ણાયકતા અને કપટતા બતાવવામાં માહિર હતાં. જ્યારે તેમને કોંગ્રેસ પક્ષ દ્વારા ભારતનાં વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં ત્યારે તેમની છાપ ગૂંગી ગુડિયાની હતી. વિરોધપક્ષના નેતા માત્ર રામ મનોહર લોહિયા જ નહીં પરંતુ તેમનાં જ પક્ષનાં કેટલાંક વરિષ્ઠ નેતાઓ તેમનાં વિશે આવું બોલતાં હતાં. કેટલાક વરિષ્ઠ સનદી અધિકારીઓ જેમ કે વડાપ્રધાનના મુખ્ય સચિવ એલ. કે જ્હા પણ તેમના વિશે આવું જ બોલતાં હતાં. શરૂઆતમાં ઇન્દિરા એકદમ અલગ હતાં, સાંસદ તરીકે લગભગ અસમર્થ. તેમને નહેરુના વારસદાર તરીકે પક્ષના નેતા તરીકે નહોતા ચૂંટી કાઢવામાં આવ્યાં પરંતુ એમ માનવામાં આવતું હતું કે તેઓ પ્રાદેશિક છત્રપોને અંકુશમાં રાખી શકશે.

image


મોદીએ આમાંનું કશું જ સહન કર્યું નથી. જ્યારથી તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી તેઓ સ્વયંભૂ નેતા છે. પોતાના પક્ષના અને આરએસએસના અનેક વરિષ્ઠ નેતાઓ છતાં પણ તેઓ પોતાની જાતને જ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે માની બેઠા હતા. તેઓ ક્યારેય ગૂંગી ગુડિયા નહોતા. તેમને હંમેશા એક નિર્ણાયક નેતા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. એમ કહેવામાં આવે છે કે તેમને વિપરીત સંજોગો સામે લડવું ગમે છે. એક જમાનામાં તેમને રાજકારણમાં મુખ્ય ખલનાયક તરીકે જોવામાં આવતાં હતાં કે જેમને પશ્ચિમી દેશોએ વિઝા આપવાની મનાઈ કરી દીધી હતી. તેઓ જ એક સમયે લોકલાડીલા બની ગયા. તેમની છાપ લોકોમાં વિકાસ પુરુષ તરીકેની હતી. એક વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ બીજી ટર્મ આપી શકાય તેવો બિલકુલ રહ્યો નથી. એમ લાગી રહ્યું છે કે ઇન્દિરાની જેમ તેમણે જે જુગાર રમ્યો છે તેના કારણે તેમને તકલીફ પડશે.

જ્યારે 60ના દાયકાને અંતે ઇન્દિરાને એમ લાગ્યું કે જો નીલમ સંજીવ રેડ્ડી રાષ્ટ્રપતિ હશે તો તેઓ વડાપ્રધાનપદેથી ઉથલી જશે ત્યારે તેમણે મોટો જુગાર ખેલ્યો હતો અને તેમના સાંસદોને પ્રજાસત્તાક રાષ્ટ્રપતિ ચૂંટી કાઢીને વી. વી. ગીરિને રાષ્ટ્રપતિ બનાવવા માટે જણાવ્યું હતું. ગીરિ તે વખતે અપક્ષ ઉમેદવાર હતા. ઇન્દિરાએ પોતાનાં જ પક્ષ અને નેતૃત્વ સામે બળવો પોકાર્યો હતો. જે કોઈ પણ રાજકારણી દ્વારા ભરવામાં આવેલું સાહસિક પગલું હતું. જ્યારે ગીરિ પ્રથમ રાઉન્ડ ન જીતી શક્યા ત્યારે ઇન્દિરા અને તેમની ટીમ નિરાશ થઈ ગઈ હતી પરંતુ તેમણે તેમનાં મિત્રોને કહ્યું હતું કે ચિંતા ન કરશો, આ રસાકસીભરી લડાઈ થવાની છે તેના માટે હું તૈયાર છું. અંતે ગીરિ જીત્યા અને કોંગ્રેસના બે ભાગલા પડી ગયા. તેમને વડાપ્રધાનપદેથી ઉથલાવવાનો પ્રયાસ તેમણે નિષ્ફળ જ બનાવ્યો એટલું જ નહીં તેમણે કોંગ્રેસ સંસદીય સમિતિનો વિશ્વાસ પણ જીત્યો અને પોતાની સામે સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તેમાં પણ તેઓ જીત્યાં. તેઓ જેટલાં માનવામાં આવતાં હતાં તેના કરતાં વધારે મજબૂત નીકળ્યાં.

image


શ્રીમતિ ગાંધીએ વરિષ્ઠો સાથેનાં પોતાનાં યુદ્ધને આદર્શનો રંગ આપ્યો હતો. સિન્ડિકેટના મોટાભાગના સભ્યો જમણેરીઓ હતા. મોરારજી દેસાઈ, એસ. નિજલિંગપ્પા, કે. કામરાજ, એસ. કે. પાટિલ, અતુલ્ય ઘોષ પોતાનાં જમાનમાં મહાન નેતાઓ હતાં પરંતુ તે ભૂતકાળ હતો. પરંતુ ઇન્દિરાએ પોતાનું જાળું અલગથી ગૂંથ્યું. તેમને ખ્યાલ હતો કે જવાહરલાલ નહેરુની દીકરી પ્રત્યે ડાબેરીઓને કૂણી લાગણી હશે. તે શીતયુદ્ધનો સમયગાળો હતો. વિશ્વ બે ભાગોમાં વહેંચાયેલું હતું. વિશ્વમાં બે આદર્શવાદો હતા. રશિયા દ્વારા અપનાવવામાં આવેલો ડાબેરીવાદ જેનું વિશ્વ ઉપર પ્રભુત્વ હતું. ભારતમાં પણ ડાબેરીવાદનો ખાસ્સો એવો પ્રભાવ હતો. ઇન્દિરાએ સમાજવાદનો રસ્તો અપનાવ્યો. તેમણે બે મોટાં પગલાં લીધાં એક તો બેન્કોનું રાષ્ટ્રીયકરણ અને રાજારજવાડાંઓને મળતાં સાલિયાણા તેમજ અન્ય લાભો બંધ કર્યાં. આમ છતાંય તેમને સત્તામાંથી ઉથલાવવાની કવાયતો બંધ ન થઈ તો તેમણે સંસદનો ભંગ કરીને ફરીથી ચૂંટણીઓ કરાવી જેમાં તેઓ બે તૃતિયાંશ બહુમતિથી જીત્યાં. તે વખતે તેમનું સૂત્ર હતું કે વો કહતે હૈ ઇન્દિરા હટાઓ, મૈં કહતી હૂં ગરીબી હટાઓ. અત્યારે તે સામ્રાજ્ઞી બની ગઈ હતી. અનિશ્ચિતતાનો કાળ પૂરો થઈ ગયો હતો. તેઓ પોતાનાં ભાગ્યનાં જાતે જ વિધાતા હતાં.

મોદી આ જ પથ ઉપર ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ એવું દર્શાવવા માગે છે કે તેઓ કાળાં નાણાં સામે લડી રહ્યા છે અને વિપક્ષો તેમની સામે લડી રહ્યા છે. તેઓ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માગે છે પરંતુ વિપક્ષો તેમને નાબૂદ કરવા માગે છે. ઇન્દિરા કરતાં મોદી નસીબદાર છે કે તેમનો પક્ષ તેમની સાથે છે અને પક્ષમાંથી કોઈ તેમની સામે બળવો કરતું નથી. ખરેખર તો કોઈ હરફ સુદ્ધાં ઉચ્ચારતું નથી. વિમુદ્રીકરણ દરમિયાન જ્યારે વિપક્ષો તેમની ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે અને તેમની બદનામી કરી રહ્યા છે ત્યારે સંસદની અંદર અને બહાર તેમના પક્ષના વરિષ્ઠ નેતાઓ મોદીની તરફેણ કરીને તેમની સાથે ઊભા રહ્યા છે. અત્યારે તેમણે આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આ કીમિયો કામ નથી લાગી રહ્યો. તેમણે પચાસમાં દિવસે બધું જ યોગ્ય થઈ જશે તેવું વચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે. તેમણે ચતુરાઈપૂર્વક વિમુદ્રીકરણને રાષ્ટ્રગૌરવમાં ખપાવી દીધું. પરંતુ સહનશક્તિની હદ આવી ગઈ છે. પચાસ દિવસ ખૂબ જ લાંબા લાગી રહ્યા છે. સરકાર રોજ તેના નિર્ણયો અને લક્ષ્યાંકો બદલી રહી છે. હવે તેઓ રોકડ રહિત સમાજ (કેશલેસ સોસાયટી)ની વાત કરી રહ્યા છે અને વધુ એક સપનું વેચી રહ્યા છે.

તેઓ એ સમજવામાં નિષ્ફળ રહ્યા છે કે જે સપનું હકીકતમાં બદલી શકાય અને જેનો આશય પ્રામાણિકતાનો હોય તે જ સપનાંઓ વેચી શકાય છે. વિમુદ્રીકરણ નિષ્ફળ ગયું છે. તેના કારણે નવી એક સમાંતર સિસ્ટમ ઊભી થઈ છે. વચેટિયાઓ અને બેન્ક અધિકારીઓની વધુ એક ભ્રષ્ટાચારી ફોજ ઊભી થઈ ગઈ છે. ભ્રષ્ટાચારી રાજકારણીઓ અને તેમનાં મળતિયાઓ ખુલ્લેઆમ લોકોનાં કાળાં નાણાંને સફેદ કરી આપી રહ્યા છે. જે સરકાર લાચાર બનીને જોઈ રહી છે. મોદી કાળાં નાણાંને નાથવા માટેના મોટા બુલડોઝર ગણાતા હતા પરંતુ કમનસીબે સુપ્રીમ કોર્ટનો હુકમ હોવા છતાં પણ તેમનો પોતાનો જ પક્ષ એ કહેવા માટે તૈયાર નથી કે તેમના પાસેનાં કુલ ભંડોળ પૈકી 80 ટકા ભંડોળ કેવી રીતે અને ક્યાંથી આવ્યું. લોકપાલની નિયુક્તિ કરવાની તેમની ઇચ્છા નથી અને હવે સુપ્રીમ પણ સવાલો પૂછી રહી છે. તેમનામાં સંસદમાં જવાની હિંમત રહી નથી. તેઓ સંસદની બહાર જ બણગા ફૂંકી રહ્યા છે અને તેમના ટેકેદારો જ તેમની મજાક ઉડાવી રહ્યા છે. સામાન્ય સ્ત્રીઓ અને પુરુષો કલાકો સુધી બેન્કની લાઇનમાં ઊભા રહે છે. ઇન્દિરાને સામાન્ય માણસોનો ટેકો હતો અને તેમનો વિશ્વાસ જીત્યો હતો એટલે સફળ રહ્યાં હતાં. કમનસીબે મોદીમાં તે તમામ ગુણોનો અભાવ છે. 

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો