પરદાદા-પરદાદી ગર્લ્સ ઇન્ટર કોલેજમાં આજે 1300 છોકરીઓ અભ્યાસ કરી રહી છે!
એક એવી સ્કૂલ જે બારેય મહિના ચાલુ રહે છે!
આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહી છે. પરંતુ ભણતરના મુદ્દે આજે પણ છોકરીઓ કરતાં છોકરાઓ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. આ વાતને ધ્યાનમાં રાખીને વિરેન્દ્ર સેમ સિંહે લગભગ 40 વર્ષ વિદેશમાં વિતાવ્યા બાદ યુપીનાં બુલંદશહેરમાં એક એવી સ્કૂલ શરૂ કરી કે જે અન્યો માટે ઉદાહરણરૂપ છે. આ સ્કુલમાં ભણનારી કન્યાઓને પાઠ્યપુસ્તકો, નોટબુક્સ અને યુનિફોર્મ ઉપરાંત શાળાએ આવવા જવા માટે સાઇકલ પણ મફત આપવામાં આવે છે. આ ઉપરાંત છોકરીઓનાં ખાતામાં રોજ રૂ. 10 જમા કરવામાં આવે છે. બુલંદશહેરના અનુપશહેર તાલુકામાં ચાલી રહેલી પરદાદા પરદાદી ગર્લ્સ ઇન્ટર કોલેજમાં આજે 1300 કરતાં વધારે કન્યાઓ ભણી રહી છે. આ સાથે જ વિરેન્દ્રએ ગામની મહિલાઓનાં ઉત્થાન માટે એક સેલ્ફ હેલ્પ ગ્રૂપની પણ સ્થાપના કરી છે. જેની સાથે અંદાજે 55 ગામોની 2200 મહિલાઓ જોડાયેલી છે.
વિરેન્દ્ર સેમ સિંહનો જન્મ યુપીના બુલંદશહેર જિલ્લાના અનુપશહેર તાલુકાના બિચૌલા ગામમાં થયો હતો. તેમના પરદાદા અને પિતા જમીનદાર હતા. ત્યારબાદ તેમના પિતા બુલંદશહેરમાં વકીલ બન્યાં. વિરેન્દ્રએ પોતાનું શિક્ષણ બુલંદશહેરની એક સરકારી શાળામાં લીધું હતું. ત્યારબાદ તેમને અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો હતો. પરંતુ વિરેન્દ્રનાં નસીબમાં કંઇક બીજું જ લખાયું હતું. હોકીના સારા ખેલાડી હોવાને કારણે તેમને પંજાબ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં પ્રવેશની ઓફર કરવામાં આવી. પરંતુ વિરેન્દ્ર માટે તે નિર્ણય લેવો કપરો હતો. તેમણે યોરસ્ટોરીને જણાવ્યું, "હું ભણવામાં બહુ સારો નહોતો તેથી હું એવી અસમંજસમાં હતો કે હું એન્જિનિયરિંગનું ભણતર પૂરૂં કરી શકીશ કે નહીં."
તેમની આ અસમંજસને દૂર કરવા માટે તેમના પિતાએ તેમને છાપામાં દિગ્વિજય સિંહ બાબુની તસવીર દેખાડી. તે તસવીરમાં એક જમાનામાં દિગ્વિજય સિંહ જે સ્ટેડિયમમાં ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભા હતા પાછળથી તે જ સ્ટેડિયમને તેમનું નામ આપવામાં આવ્યું હતું તે દ્રશ્યમાં થતું હતું. આ તસવીરને દેખાડતા વિરેન્દ્રના પિતાએ જણાવ્યું કે તું સારો ખેલાડી હોઇશ પણ તું ક્યારેય દિગ્વિજય સિંહ બાબુ ન બની શકે. એટલે જો તું સતત રમતો રહીશ તો જ તારું ભવિષ્ય બનશે. પિતાની આ સલાહ બાદ વિરેન્દ્રને નિર્ણય લેવામાં સરળતા રહી. તેમણે પંજાબ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો અને રમત સાથે એન્જિનિયરિંગનું ભણતર પણ પૂરૂં કર્યું.
ત્યારબાદ વિરેન્દ્ર સિંહે બોસ્ટનની એક ટેક્સટાઇલ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. પરંતુ ત્યાં તેમની પાસે એટલાં નાણાં નહોતાં કે તેઓ પોતાનું ભણવાનું ચાલુ રાખી શકે. જ્યારે આ અંગે તેમણે તેમના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને વાત કરી તો તેમણે જણાવ્યું કે તેઓ વિરેન્દ્રને નોકરી તો અપાવી શકે તેમ છે પરંતુ તેમને નોકરી ત્યારે જ મળી શકે જ્યારે તેઓ આ દેશના નાગરિક બની જાય. તેથી તેમણે વિરેન્દ્રને તેમના દીકરા બની જવા માટેની સલાહ આપી. ત્યારબાદ તેમનું નામ વિરેન્દ્ર સેમ સિંહ થઈ ગયું. આવી રીતે તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઇન એન્જિનિયરિંગનું શિક્ષણ પૂરૂં કર્યું. નોકરી પૂરી કર્યા બાદ તેમને એક બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી મળી ગઈ. તેઓ ત્યાં એકમાત્ર ભારતીય એન્જિનિયર હતા. આમ, 40 વર્ષ અમેરિકામાં રહીને તેમણે અનુભવ્યું કે જે કામ તેઓ અમેરિકામાં કરી રહ્યા છે તો પોતાનાં વતનમાં જઈને કેટલાંક સામાજિક કામો કરીને તેના વિકાસમાં શા માટે ફાળો ન આપી શકાય.
જોકે, વિરેન્દ્રને ખબર નહોતી કે તેઓ શું કામ કરશે તેમ છતાં પણ વર્ષ 2000માં પોતાના ગામ પરત આવી ગયા. ત્યારબાદ તેમણે વિચાર્યું કે જો ગામની મહિલાઓની સ્થિતિ સુધારીશું તો તેઓ પોતાના પરિવારની સ્થિતિ સુધારી શકશે. અને જો પરિવાર સારો હશે તો સમાજ પણ સારો બની જશે. પરંતુ મોટાભાગની મહિલાઓ પોતાની દીકરીઓ અંગે ચિંતિત રહેતી હતી અને તેમને એ વાતની ચિંતા હતી કે તેઓ તેમનાં લગ્ન કેવી રીતે કરશે. તે વખતે જ વિરેન્દ્રએ નક્કી કર્યું કે તેઓ મહિલાઓની હેરાનગતિ દૂર કરશે. તેના માટે તેમણે સૌથી પહેલા ગામની મહિલાઓની સામે એક દરખાસ્ત મૂકી તેના અનુસાર છોકરીઓના ખાનપાનથી માંડીને તેમનાં કપડાં અને શાળાએ આવવા-જવાનો ખર્ચ તેઓ ઉપાડશે. એટલું જ નહીં, રોજ છોકરીનાં નામના ખાતામાં તેઓ 10 રૂપિયા જમા કરાવશે. એટલે જ્યારે તેઓ ધોરણ 12 પાસ કરશે ત્યારે તેમની પાસે ઓછામાં ઓછા રૂપિયા 40 હજાર હશે. જેનો ઉપયોગ મહિલાઓ તેમનાં કન્યાદાનમાં કરી શકશે.
વિરેન્દ્ર સેમ સિંહે જણાવ્યું,
"અમે જ્યારે અમારા આ મોડેલને લગભગ 41 છોકરીઓ સાથે શરૂ કર્યું તો એક સપ્તાહ બાદ અમારી પાસે માત્ર 13 છોકરીઓ જ રહી ગઈ હતી. કારણ કે બાકીની છોકરીઓના પિતાઓએ નવી સાઇકલ, યુનિફોર્મ, ચોપડા વગેરે ઓછી કિંમતે વેચી નાખ્યા હતા. આના કારણે અમને લોકોને આંચકો જરૂર લાગ્યો હતો પરંતુ અમે હિંમત નહોતા હાર્યાં. તે વખતે મેં મારી સાથે કામ કરતાં લોકોને સમજાવ્યાં અને જણાવ્યું કે છોકરીઓ આપણને છોડીને જતી રહે છે તે વાતથી આપણે ગભરાયા વગર એમ વિચારવું જોઇએ કે જે 13 છોકરીઓ આપણી સાથે છે તેમની સંખ્યા કેવી રીતે વધારી શકાય."
અંતે વિરેન્દ્રની મહેનત રંગ લાવી અને આજે તેમની સ્કૂલમાં 1350 છોકરીઓ ભણી હરી છે.
આજે બુલંદશહેરના અનુપશહેરમાં ચાલી રહેલી પરદાદ પરદાદી ગર્લ્સ ઇન્ટર કોલેજમાં મહિલાઓને મફત શિક્ષણ આપવામાં આવે છે એટલું જ નહીં પરંતુ તે લોકો તેમનાં ઉચ્ચ શિક્ષણ અને નોકરીની પણ ગેરંટી આપે છે. આ ઉપરાંત જે મહિલાઓ શાળા કરતાં 5 કિલોમીટર કે તેના કરતાં વધારે દૂર રહે છે તેમને શાળાનાં યુનિફોર્મ અને પુસ્તકો ઉપરાંત સાઇકલ પણ મફત આપવામાં આવે છે. જ્યારે ખૂબ જ દૂર રહેતી મહિલાઓ માટે સ્કૂલ પાસે 6 બસો છે જેના મારફતે તેમને લાવવા લઈ જવાનું કામ કરવામાં આવે છે. સાથે જ દરેક છોકરીના ખાતામાં રોજના રૂ. 10 જમા કરવામાં આવે છે.
આ સ્કૂલ વર્ષના બારે માસ ચાલે છે. જેમાંથી આઠ મહિના સુધી આ સ્કૂલ 10 કલાક સુધી ચાલે છે. જ્યારે શિયાળાના ચાર મહિના 8 કલાક ચાલે છે. શાળામાં ભણવા ઉપરાંત રમત-ગમત, કમ્પ્યૂટર અને અંગ્રેજીની પણ તાલિમ આપવામાં આવે છે. વર્ષમાં 15 દિવસ છોકરીઓ પોતાનાં ઘરનાં કામ માટે રજા લઈ શકે છે. આ ઉપરાંત તેઓ બીમાર હોય ત્યારે તેમને 15 દિવસની રજા મળે છે પરંતુ જો કોઈ છોકરી એક મહિના કરતાં વધારે રજા લે તો તેનાં ખાતામાંથી રોજના રૂ. 20 કાપી લેવામાં આવે છે.
જે છોકરીઓ ભણવામાં હોંશિયાર હોય અને અંગ્રેજીમાં સારી રીતે વાતચીત કરી શકતી હોય તેમના માટે અહીં એક કોલ સેન્ટરની સુવિધા છે. તે ગુડગાંવની એક કંપની માટે કામ કરે છે. હાલ આ કોલ સેન્ટરમાં લગભગ 21 છોકરીઓ કામ કરી રહી છે. આ ઉપરાંત આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલી લગભગ દોઢસો કરતાં વધારે છોકરીઓ દેશનાં વિવિધ સ્થળોએ કામ કરી રહી છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે છોકરીઓને લોન પણ આપવામાં આવે છે. શાળામાં મોટાભાગની છોકરીઓને નર્સરીથી પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ લેતાં પહેલાં ત્રણ મહિના સુધી છોકરીઓને પોતાની જાતને સ્વચ્છ રાખવા માટેનું શીખવાડવામાં આવે છે. દર વર્ષે આ સ્કૂલમાં 150 છોકરીઓને પ્રવેશ આપવામાં આવે છે.
વિરેન્દ્રએ માત્ર છોકરીઓ માટે જ નહીં, પરંતુ મહિલાઓ માટે પણ પરદાદા પરદાદી સેલ્ફ હેલ્પ ગ્રૂપની સ્થાપના કરી છે. તેઓ સાથે મળીને દૂધનો વેપાર કરે છે. હાલ આ સેલ્ફ હેલ્પ ગ્રૂપમાં 55 ગામોની 2200 મહિલાઓ જોડાયેલી છે. સેલ્ફ હેલ્પ ગ્રૂપ અંતર્ગત 10થી 15 મહિલાઓનું એક ગ્રૂપ બનાવવામાં આવે છે કે જેઓ સપ્તાહમાં એક દિવસની બેઠક કરે છે. અહીં દરેક મહિલાઓ પોતાના તરફથી રૂ. 15 જમા કરાવે છે. ગ્રૂપની એક મહિલા તમામ રેકોર્ડ રાખે છે તો અન્ય એક મહિલા પાસે એક ગલ્લો હોય છે. તેમાં તમામ પૈસા જમા કરવામાં આવે છે અને અન્ય એક મહિલા પાસે તે ગલ્લાની ચાવી હોય છે. જ્યારે આ ગલ્લામાં રૂ. 3 હજાર જેટલી રકમ ભેગી થઈ જાય ત્યારે તેઓ તેમાંથી અડધા રૂપિયા ઉછીના લઈ શકે છે. આની પાછળનો ઉદ્દેશ એ છે કે જરૂર પડ્યે મહિલાઓ શાહુકારોના અને વ્યાજના ચક્કરમાં ન ફસાય. આ તમામ કામો ઉપરાંત વિરેન્દ્રએ પોતાના ગામમાં એક ડિસ્પેન્સરીની પણ સ્થાપના કરી છે. અહીં સપ્તાહમાં પાચ ડૉક્ટર્સ બેસે છે. તેમણે આ સેવા આ વર્ષના જાન્યુઆરીથી શરૂ કરી છે. હવે તેમનો વિચાર અહીં એક દવાની દુકાન અને હોસ્પિટલ શરૂ કરવાનો પણ છે. 76 વર્ષીય વિરેન્દ્ર આટલું કરવા ઉપરાંત પણ માને છે કે
કોઈ પણ સારું કામ કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી. બસ તમારી વિચારધારા સારી હોવી જોઇએ.
લેખક- હરિશ બિશ્ત
અનુવાદક- YS ટીમ ગુજરાતી
Related Stories
March 14, 2017
March 14, 2017
March 14, 2017
March 14, 2017
Stories by YS TeamGujarati