અમદાવાદની યુવતીનું 'અંતિમ સંસ્કાર' માટે સ્ટાર્ટઅપ : 'મોક્ષશીલ'

અત્યાર સુધી આપણે લગ્ન, જન્મદિવસ પાર્ટી, લગ્નતિથિની ઉજવણી જેવા પ્રસંગોના આયોજનો વખતે કોઈ એક કંપનીને તમામ જવાબદારી સોંપી દેતા હોઈએ છીએ. પરંતુ અમદાવાદની બિલ્વા પટેલે વ્યક્તિના મૃત્યું બાદ તેની અંતિમક્રિયાની તમામ વ્યવસ્થા કરી આપતું એક અનોખું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે.

અમદાવાદની યુવતીનું 'અંતિમ સંસ્કાર' માટે સ્ટાર્ટઅપ : 'મોક્ષશીલ'

Monday October 12, 2015,

6 min Read

“મારી મમ્મીનું મૃત્યું થયું ત્યારે હું એકદમ ભાંગી પડી હતી. શું કરવું, શું ન કરવું તેની કશી જ ખબર નહોતી પડતી. એક તો મારી મમ્મી હવે મારી સાથે નથી રહી તેનું દુઃખ અને ઉપરથી સ્મશાનયાત્રા, સ્મશાનમાં બધી વ્યવસ્થા કરવાની, શબવાહિની બોલાવવાની, કેટલું બધું. મને એજ ખબર નહોતી પડતી કે આવામાં હું શું કરું. અને બસ ત્યારથી જ મારા મનમાં તો ‘મોક્ષશીલ’ની સ્થાપના થઇ ગઈ” આ શબ્દો છે ૩૧ વર્ષીય બિલ્વા દેસાઈના, જે આજે તેના યુનિક સ્ટાર્ટઅપના કારણે ઘણી ચર્ચામાં છે.

image


‘મોક્ષશીલ’ એ અમદાવાદના બિલ્વા દેસાઈનું સ્ટાર્ટઅપ છે. બિલ્વા ખૂદ એલ.જે. MBA કોલેજમાં રીસર્ચ ફેકલ્ટી છે અને થોડા સમય પહેલાં જ તેમણે આ સ્ટાર્ટઅપની જાહેરાત કરી છે. ‘મોક્ષશીલ’ એ એક એવું સ્ટાર્ટઅપ છે જેમાં કોઈ વ્યક્તિના મૃત્યું બાદ તેના અંતિમસંસ્કારથી લઈને મૃત્યુંના પ્રમાણપત્ર સુધીની બધી જ વ્યવસ્થા કરવામાં આવે છે. મોટા ભાગે આપણે તે જોતા અને અનુભવતા હોઈએ છીએ કે જયારે કોઈ પ્રિયજન કે પરિવારજનનું મૃત્યું થાય ત્યારે એક તો સમગ્ર પરિવાર દુઃખમાં હોય, સમજવા વિચારવાની કોઈ જ શક્તિ પણ ન રહી હોય તેવામાં પણ સ્મશાનને લગતી બધી વ્યવસ્થા થઇ કે નહીં, બ્રાહ્મણને બોલાવવાની ચિંતા, બેસણાની જાહેરાત આપવા જેવી કેટલીયે ચિંતા સવાર થઇ જાય. ત્યારે વ્યક્તિ સમજવા-વિચારવાની તમામ સૂઝબૂઝ પણ ગુમાવવી દે. પણ તેવામાં પરિવારજનો એકસાથે રહીને પરિસ્થિતિનો સામનો કરે અને એકબીજાને સંભાળે તે મહત્ત્વનું હોય. પણ આ બધા કામો અને વ્યવસ્થાઓના કારણે જે તે વ્યક્તિએ બધું દુઃખ ભૂલી કામમાં લાગી જવું પડે. પણ કોઈ પરિવારને આવી પરિસ્થિતિમાંથી પસાર ના થવું પડે તે આશયથી મોક્ષશીલની સ્થાપના કરવામાં આવી છે.

અંતિમસંસ્કારથી લઈને મૃત્યુંના પ્રમાણપત્ર સુધી

‘મોક્ષશીલ’ના સ્થાપક બિલ્વા દેસાઈ કહે છે, “હાલ અમને દિવસના ઘણાં ફોન આવે છે પણ અમે ૨ થી ૩ જગ્યાએ જ જઈ શકીએ છીએ. અમે ધીરે ધીરે ટીમની સંખ્યા વધારી રહ્યાં છીએ. અત્યારે અમે ૧૦ લોકો છીએ જે ‘મોક્ષશીલ’ સાથે જોડાયેલા છીએ અને જરૂર પડે એ પ્રમાણે બીજા લોકોને પણ અમારી સાથે જોડીએ છીએ. હાલ ‘મોક્ષશીલ’ દ્વારા અમે એ તમામ કામો કરીએ છીએ જે કોઈના પણ મૃત્યું બાદ જરૂરી થઇ પડે.” જેમ કે;

image


- અંતિમસંસ્કાર અને તેને લગતી તમામ સામગ્રી એકઠી કરવી

- શબવાહિની બોલાવવી

- અસ્થિવિસર્જન

- કર્મકાંડી બ્રાહ્મણને બોલાવવા

- સ્મશાનને લગતી તમામ વ્યવસ્થા

- પાર્થિવ દેહનું ટેમ્પરરી સ્ટોરેજ અને જાળવણી

- બેસણા સહિતની લૌકિક ક્રિયાઓ

- અંગદાન કરવામાં મદદ

- મૃત્યુંનું પ્રમાણપત્ર

કેવી રીતે થઇ ‘મોક્ષશીલ’ની સ્થાપના?

“‘મોક્ષશીલ’ની આયોજનબદ્ધ સ્થાપના વિશે મેં ક્યારેય વિચાર્યું નહોતું. વર્ષ ૨૦૧૨માં મારી મમ્મીના મૃત્ય વખતે મને એવી જરૂરીયાત ચોક્કસ લાગી કે આવા સમયે કોઈક એવી વ્યક્તિ સાથે હોવી જોઈએ કે જે તમામ જવાબદારી સ્વીકારી લે.” બિલ્વાએ જણાવ્યું. જોકે બિલ્વાના માતાના મૃત્યુના થોડા સમય બાદ બિલ્વાએ તેના વિદ્યાર્થીઓને એક પ્રોજેક્ટવર્ક આપ્યું. જેમાં વિદ્યાર્થીઓએ સર્વે કરવાનો હતો કે જ્યારે કોઈનું મૃત્યું થાય છે ત્યારે તેના પરિવારજનોને કેવા કેવા કામો કરવામાં મુશ્કેલી પડે છે. અને આ સર્વે અમદાવાદના ૪૦૦૦ લોકો પર કરવામાં આવ્યો. આ સર્વેના પરિણામમાં માલૂમ પડ્યું કે 37% લોકોને અંતિમસંસ્કાર વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. જ્યારે કે 76% લોકો તો અંતિમસંસ્કારની વિધિથી પણ અજાણ હતા. અને બસ ત્યારે બિલ્વાએ નક્કી કરી લીધું કે તે આજ દિશામાં કામ કરશે અને લોકોને મદદરૂપ નીવડશે.

લોકોના નકારાત્મક અભિગમથી બિલ્વા થઇ હતી હતાશ

બિલ્વા આ અંગે જણાવે છે, “શરૂઆતમાં જયારે મારા જાણીતાં લોકોને આ કન્સેપ્ટ વિશે ખબર પડતી ત્યારે મોટા ભાગના મોઢું બગાડતા. કોઈના જીવનની અંતિમક્રિયા દ્વારા હું બિઝનેસ કરવા માંગુ છું તેમ કહી લોકો મને ઘણી નેગેટીવ વાતો કરતા. હું ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં કંઈ કરતી હોવાનો અહેસાસ કરાવતા. આખરે હું ભાંગી પડી. અને મેં આ પ્રોજેક્ટ પર આગળ કામ કરવાનું બંધ કરી દીધું. આમ ને આમ મેં ૬ મહિના બગાડ્યા. પણ ધીમે ધીમે મેં હિંમત ભેગી કરી અને મોક્ષશીલની સ્થાપના કરી. આજે એ જ લોકો મારી પાસે આવી પોતે કરેલી ભૂલની માફી માંગે છે અને ‘મોક્ષશીલ’ને સ્વીકારે પણ છે.”

રૂ.4500માં મળે છે ‘મોક્ષશીલ’ની સેવાઓ

કોઈ વ્યક્તિ કે પરિવાર જાતે પણ જો અંતિમસંસ્કારની કામગીરી કરાવે તો પાંચ હજારથી વધુનો ખર્ચ તો આમ સહજ થઇ જ જાય. જ્યારે ‘મોક્ષશીલ’ તેની આ સેવાઓ રૂ.4500માં પૂરી પાડે છે. જોકે આ સ્ટાર્ટઅપનું એક બિઝનેસ મોડેલ કેવું રહેશે તે અંગે બિલ્વા જણાવે છે, “હાલ તો અમે એક પણ રૂપિયાનો નફો લીધા વગર આ કામ કરી રહ્યાં છે. એટલે હાલ તો નફો કરવાની કોઈ વાત જ નથી આવતી. પરંતુ અમે બીજી ૩-૪ દિશામાં કામ કરી રહ્યાં છે. અમે પ્લાન્સ બનાવ્યા છે જે હાલના તબક્કે હું જણાવી નહીં શકું. પણ ભવિષ્યમાં અમે ‘મોક્ષશીલ’નું એક ડીજીટલ પ્લેટફોર્મ, મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરીશું. સાથે જ અમદાવાદમાં એકવાર તમામ કામગીરી એક સિસ્ટમમાં ફેરવાઈ જશે ત્યારબાદ અમે ગુજરાતના અન્ય શહેરો અને ત્યારબાદ ગુજરાતની બહાર પણ અમારી કામગીરી લઇ જઈશું. કામ તો સૌ કોઈ કરતાં હોય, પૈસા પણ કમાતા હોય, પણ અમને કામ કર્યાનો સંતોષ પણ મળે છે અને જે ઘરે જવાનું થાય તે પરિવારના આશીર્વાદ પણ મળે છે જે અમારા માટે ખૂબ મહત્ત્વના છે.”

સર્વે બાદ અન્ય સમાજમાં પણ આપશે સેવાઓ

આ સ્ટાર્ટઅપ પહેલા પણ ‘મોક્ષશીલ’ની ટીમે ૮ પરિવારોને સેવાઓ પૂરી પાડી એક પાઈલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. જ્યારે અત્યારે પણ એક ખાસ સર્વે અને રીસર્ચ ચાલી રહ્યું છે. વિવિધ ધર્મ અને સમાજમાં કેવી રીતે અંતિમસંસ્કાર કરવામાં આવે છે તેની જાણકારી હાલ ‘મોક્ષશીલ’ મેળવી રહ્યું છે. એટલે આગામી સમયમાં જૈન, ખ્રિસ્તી, બૌધીસ્ટ , મુસ્લિમ્સ અને પારસી સમાજમાં પણ ‘મોક્ષશીલ’ પોતાની સેવાઓ પૂરી પાડશે.

‘મોક્ષશીલ’ની માર્કેટિંગ સ્ટ્રેટેજી

ફાઉન્ડર બિલ્વાના જણાવ્યા પ્રમાણે હાલ ‘મોક્ષશીલ’ ‘વર્ડ ઓફ માઉથ’ થી જ જાણીતું બની રહ્યું છે. સાથે જ વિવિધ સ્મશાનો સાથે તેમણે ટાઈ-અપ્સ કર્યા છે. સ્મશાનમાં ‘મોક્ષશીલ’ના પેફ્લેટ્સ હોય છે. તો ઘણી દુકાનોમાં પોસ્ટર્સ લગાવાયા છે. અને જ્યારે કોઈ એક પરિવાર કે ઘરમાં ‘મોક્ષશીલ’ની ટીમ કામગીરી માટે જાય છે ત્યારે ત્યાં હાજર રહેલા અન્ય લોકો પણ તેમના બિઝનેસ કાર્ડ્સ માંગે છે.

કામગીરી બજાવવાની સાથે ‘મોક્ષશીલ’ના સભ્યોનો પરિવારજનો સાથે બંધાય છે ભાવનાત્મક સંબંધ

‘મોક્ષશીલ’ના સભ્યો સામાન્ય રીતે જ્યારે પણ કામગીરી કરતા હોય છે ત્યારે તેઓ અચૂક એ વાતનું ધ્યાન રાખે છે કે તેઓ લાગણીશીલ ન થઇ જાય. કારણ કે તેમનું કામ પરિવારજનોને પોતાનો ખભો આપવાનું પણ છે. પરિવારજનોને હિંમત પૂરી પાડતા આ સભ્યો ક્યારેક ખૂણામાં જઈને રડી પણ લે છે. પણ શક્ય હોય ત્યાં સુધી પરિવારજનોને શાંત રાખી દિલાસો આપી તેમની સાથે ભાવનાત્મક રીતે પણ જોડાય છે.


image


‘મોક્ષશીલ’ના ૧૦ સભ્યો અને તેની કામગીરી

- ડૉ.બિલ્વા દેસાઈ- ફાઉન્ડર અને ‘મોક્ષશીલ’નું સંકલન

- ડૉ.અભિજીતસિંઘ- એડવાઈઝર, બ્રાન્ડ એન્ડ સ્ટ્રેટેજી બિલ્ડીંગ, મેનપાવર પ્લાનિંગ

- વરૂણ પુજારા- સ્મશાનને લગતી વ્યવસ્થા

- રાજ મકવાણા- મૃત્યું પામનાર વ્યક્તિના પરિવારજનો સાથે સંપર્ક રાખવો

- કમલેશ કલાલ- ઘર અને સ્મશાન સુધી તમામ સામગ્રી પહોંચાડવાના વાહનની વ્યવસ્થા

- યોગેશ અને પરેશ- અંતિમસંસ્કારમાં જરૂરી વસ્તુઓ સ્મશાન સુધી પહોંચાડવી અને અંતિમસંસ્કારનું સંકલન

- જતીન કેસવાની- ક્રિએટીવ્સ ડીઝાઈન ટીમ

- પાર્થ શર્મા- જ્યારે જરૂર પડે ત્યારે આકસ્મિક જરૂરિયાતો પૂરી પાડવી

- હિમાંશુ મિશ્રા- ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા અને સપોર્ટ ટીમ