‘બેટી બચાવો બેટી ભણાવો’ વડાપ્રધાન મોદીના સ્વપ્નોને સાકાર કરે છે બનારસની આ બેટી

‘બેટી બચાવો બેટી ભણાવો’ વડાપ્રધાન મોદીના સ્વપ્નોને સાકાર કરે છે બનારસની આ બેટી

Tuesday February 23, 2016,

4 min Read

સંસ્કૃતમાં ખૂબ જ જાણીતો શ્લોક છે, ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ’. જ્યાં દીકરીઓ, મહિલાઓ, માતાઓનું પૂજન થાય છે સન્માન જાળવવામાં આવે છે ત્યાં દેવતાઓ હંમેશા પ્રસન્ન રહે છે. લોકો પાસે ઘણા વર્ષોથી આ જ્ઞાન છે પણ તેને સંપૂર્ણ અમલ થતો નથી. છેલ્લાં કેટલાક વર્ષોથી આ દિશામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને દીકરીઓને દરેક તબક્કે શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. આ અભિયાનનો સૌથી મોટો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાય છે. દીકરીઓને બચાવવા માટે વડાપ્રધાને સમગ્ર દેશમાં અભિયાન ચાલુ કર્યું છે. ગામે ગામ અને શહેરોમાં આ અભિયાનને એક આંદોલનનું સ્વરૂપ આપવા માટે પ્રયાસ થઈ રહ્યા છે.

બનારસમાં આવા જ આંદોલનનું નેતૃત્વ કરે છે એક મહિલા ડોક્ટર. તેમનું નામ છે શિપ્રા ધર. શિપ્રાના જીવનનું એકમાત્ર લક્ષ્ય છે દીકરીઓને બચાવવી. આ તેમનું મિશન છે જે હવે ઝનૂન બની ગયું છે. પોતાના આ અભિયાનને આગળ વધારવા શિપ્રાએ પોતાના પ્રાણ રેડી દીધા છે. દેશની શાન ગણાતી બનારસ હિન્દુ યુનિવર્સિટીથી એમડીની ડિગ્રી મેળવી ચુકેલી શિપ્રા માટે ડૉક્ટરી માત્ર કમાવવાનું સાધન નહીં પણ સમાજ અને દીકરીઓની સેવા કરવાનો એક ઉત્તમ અવસર છે.

શિપ્રાએ મેડિકલનો અભ્યાસ પૂરો કર્યા પછી નક્કી કર્યું કે તે કોઈ સરકારી હોસ્પિટલમાં કામ કરવાના બદલે પોતાની હોસ્પિટલ ખોલશે. દોઢ વર્ષ પહેલાં તેમની હોસ્પિટલમાં એવો પ્રસંગ બન્યો જેણે તેમનો અભિગમ બદલી નાખ્યો. શિપ્રા યોરસ્ટોરીને જણાવે છે,

"લગભગ દોઢ વર્ષ પહેલાં એક આધેડ મહિલા પોતાની ગર્ભવતી પુત્રવધુ સાથે હોસ્પિટલ આવી. સારવાર દરમિયાન તેણે એક સુંદર દીકરીને જન્મ આપ્યો. દીકરીઓને બોજ માનનારી તે દાદીના મનમાં તે દીકરી માટે કોઈ સ્થાન નહોતું. દીકરી જન્મી હોવાની પીડા તેને એ હદે થઈ હતી કે તેણે પોતાની પુત્રવધુની સાથે સાથે મને પણ ટોણા માર્યા."

આ મહિલાના મહેણા-ટોણાએ તે દિવસથી હોસ્પિટલની તસવીર બદલી દીધી. ત્યારબાદ ડૉક્ટર શિપ્રાએ તેમની હોસ્પિટલમાં જન્મ લેતી તમામ દીકરીઓની મફતમાં સારવાર કરવાનું નક્કી કરી લીધું. ત્યારથી લઈને આજ સુધી તે ક્રમ જળવાયેલો છે. માત્ર મફત સારવાર જ નહીં શિપ્રા છ દીકરીઓના અભ્યાસનો પણ ખર્ચ ઉપાડે છે. છોકરીઓને યોગ્ય તાલિમ મળે તે માટે ડોક્ટર શિપ્રા આગામી સમયમાં એક સ્કૂલ પણ ખોલવાની યોજના બનાવી રહ્યા છે. આ રીતે દરેક ગરીબ અને અનાથ બાળકીઓ પોતાની કારકિર્દી બનાવી શકે. શિપ્રાનું આ અભિયાન શહેર માટે ઉદાહરણરૂપ બની ગયું છે. શિપ્રાને આ કામમાં મદદ કરવા માટે ઘણી સંસ્થાઓ આગળ આવી રહી છે. હવે તેમની હોસ્પિટલમાં આવનારા લોકોના વિચારો પણ બદલાઈ રહ્યા છે. હોસ્પિટલ જનાર લિલાવતી કહે છે,

"દીકરો આવશે કે દીકરી તેની કોઈ ચિંતા નથી. દીકરી આવશે તો તેને શિપ્રા મેડમની જેમ ડોક્ટર બનાવીશ."

શિપ્રા એ બાળકીઓ માટે કામ કરે છે જેમને જન્મ સાથે જ તરછોડવામાં આવે છે, જેમના જન્મ સમયે દુઃખ વ્યક્ત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં તેમના હોસ્પિટલમાં 90 બાળકીઓએ જન્મ લીધા છે અને ડૉક્ટર શિપ્રાએ તમામ બાળકીઓની મફત સારવાર કરીને તેમના પરિવારને મોટી ભેટ આપી છે.

શિપ્રા દીકરીઓ માટે આ અભિયાન ચલાવી રહી છે તો તેની પાછળ તેમના પતિ મનોજ શ્રીવાસ્તવનું પણ યોગદાન છે. પત્નીના દરેક પગલે તેને સાથ આપનારા મનોજ પોતે પણ ડોક્ટર છે. પત્ની પર ગર્વ કરતા મનોજ જણાવે છે,

"સમાજમાં હાશિયામાં ધકેલાઈ ગયેલી અડધી વસતીને આધારની નહીં મજબૂત કરવાની જરૂર છે. દીકરીઓને બચાવવા માટે સમાજમાં મોટા પરિવર્તનની જરૂર છે અને તેમની પત્ની આ જ પરિવર્તનનું પ્રતિક બનીને સમાજ સામે આવી છે."

દીકરીઓને બચાવવા માટે ચાલી રહેલા આ અભિયાનને ડોક્ટર શિપ્રાએ નવી ઓળખ આપી છે. શહેરી દીકરીઓ માટે શિપ્રા નવી શક્યતા બનીને સામે આવ્યા છે. ડોક્ટર શિપ્રાની સીમાઓ સીમિત હોઈ શકે, પણ દીકરીઓ માટે કરી રહેલા કામ માટેની તેમની ઈચ્છઓ અનંત છે. તેના પર જ તે કામ કરી રહ્યા છે અને કરતા રહેશે. તેમનો આ નાનકડો પ્રયાસ પણ સમાજ માટે અરિસાનું કામ કરે છે. આ લોકો માટે બોધપાઠ છે જેઓ દીકરીઓને ભારરૂપ માને છે.

લેખક- આશુતોષ સિંહ

અનુવાદ- મેઘા નિલય શાહ

આવી જ અન્ય પ્રેરણાત્મક જીવનસફર વાંચવા અમારું Facebook Page લાઈક કરો 

હવે વાંચો આ સંબંધિત સ્ટોરીઝ:

'બેટી ભણાવો' અભિયાનને સફળ બનાવવા દિવસ રાત એક કરતી વડોદરાની નિશિતા

ગરીબ બાળકોની જિંદગી બહેતર બનાવવાનું બીડું ઝડપ્યું છે દિલ્હી પોલીસની કોન્સ્ટેબલ મમતા અને નિશાએ!

હજારો નવજાત શિશુઓનો જીવ બચાવનાર માતાના દૂધની અનોખી બૅંક


image