મહિલાઓએ શરૂ કરેલી ગામની 'ઘઉંબૅંક', જ્યાં રોકડા નહીં, પણ થાય છે ઘઉંનો વ્યવહાર!

મહિલાઓએ શરૂ કરેલી ગામની 'ઘઉંબૅંક', જ્યાં રોકડા નહીં, પણ થાય છે ઘઉંનો વ્યવહાર!

Wednesday January 27, 2016,

3 min Read

કાનપુરની મહિલાઓની અનોખી 'ઘઉં બૅંક'!

ગામડાની દરેક મહિલાને રૂપિયાની જેમ લોન સ્વરૂપે મળે છે ઘઉં!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે 'જનધન યોજના'ની શરૂઆત કરી હતી ત્યારે એમનો મુખ્ય હેતુ હતો ગામડામાં રહેતા લોકોના બૅંક એકાઉન્ટ ખુલે અને તેઓ બચત જમા કરાવી શકે. કારણ કે ગામડાના લોકો પાસે બૅંકિંગની વધુ માહિતી હોતી નથી, તેથી જ્યારે બૅંક એકાઉન્ટમાં તેમના રૂપિયા હશે તો તેઓ તેનો ઉપયોગ પણ કરી શકશે. જનધન યોજના હેઠળ સરકારે કરોડો લોકોના ખાતામાં રૂપિયા ડિપોઝિટ કરાવ્યા છે. પરંતુ આપણા દેશમાં કેટલાક એવા પણ લોકો છે જેઓ પ્રધાન મંત્રીની જનધન યોજના કરતા પહેલા કઇંક એવી નવીન શરૂઆત કરી ચૂક્યા જે ખરેખર આશ્ચર્યજનક છે.

અમે આજે તમારી મુલાકાત કરાવવા જઇ રહ્યા છીએ કાનપુરની કેટલીક એવી મહિલાઓ સાથે જેઓએ એક નવીન વિચારધારા સાથે ગામડાની અસમર્થ મહિલાઓને સ્વાવલંબી બનાવી. કાનપુરના ભીખમપુર ગામની મહિલાઓએ એક એવી બૅંક બનાવી જે અંગે જાણીને બધા સુખદ આશ્ચર્યમાં મુકાઇ જાય છે. કારણ કે આ ગામની મહિલાઓએ 'ઘઉં બૅંક' બનાવી છે અને આ બૅંકમાં ગામડાની મહિલાઓ પોતાના ઘઉં ડિપોઝિટ કરાવતી હોય છે. મહિલાઓ દ્વારા બૅંકમાં જમા કરાવવામાં આવેલા ઘઉંની કાળજી રાખવાની જવાબદારી ઘઉં બૅંકની હોય છે. ગામના લોકોને જરૂર પડે ત્યારે આ બૅંક દ્વારા ઘઉં ઉછીના આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ બૅંકમાંથી ઉછીના ઘઉં લીધા પછી મહિલાઓ પાસે જ્યારે પોતાના ઘઉં આવી જાય ત્યારે તેઓ વગર વ્યાજે ઘઉં બૅંકમાં પરત જમા કરાવી દેતી હોય છે.

image


અનાજબૅંકની શરૂઆત કરનારી રશ્મિ આ અંગે જણાવે છે,

"ત્રણ વર્ષ પહેલા અમારા ગામમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે ગામના લોકો અનાજના એક એક દાણા માટે તરસી ગયા હતા. ત્યારે ગામડાની બધી મહિલાઓ ભેગી થઈને ઘઉં એકઠા કરી 'પૂજા ગ્રેઈન બૅંક'ની સ્થાપના કરી. જરૂર પડે ત્યારે ગ્રામજનો અનાજબૅંક માંથી અનાજ ઉછીનું મેળવે છે અને જ્યારે પાક હાથ પર આવે ત્યારે લોન સ્વરૂપે લીધેલું અનાજ બૅંકમાં પરત કરી દેતા હોય છે. અમારી આ અનાજબૅંકને એટલી બધી સફળતા મળી કે આજે આસપાસના 20થી વધુ ગામોમાં ઘઉંબૅંક કાર્યરત છે."

આ બૅંકની ખૂબી એ છે કે લોન સ્વરૂપે અનાજ મેળવ્યા પછી મહિલાઓ ગમે ત્યારે અનાજ બૅંકમાં પરત જમા કરાવી શકે છે. સૌથી મોટી બાબત એ છે કે, અનાજ બૅંકની સ્થાપના કરવા માટે મહિલાઓને સરકાર કે કોઇ ખાનગી સંસ્થા પાસેથી કોઇ પણ જાતની મદદ મેળવવાની જરૂર પડી નથી.

image


ગામની એક મહિલા વિમલા કહે છે,

"મારા દિકરાનો જન્મદિવસ હતો અને અમારા ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો, મેં ઘઉંબૅંકમાંથી ઘઉં ઉછીના લીધા અને જ્યારે મારી પાસે ઘઉંની વ્યવસ્થા થઇ ત્યારે મેં મારી ક્ષમતા પ્રમાણે વધુ ઘઉં બૅંકમાં જમા કરાવી દીધા."
image


પ્રશંસાને પાત્ર અગત્યની બાબત તો એ છે કે, આ બૅંક સાથે જોડાયેલી મહિલાઓનું એકબીજા સાથે તાલમેલ ખૂબ સરસ છે. તેઓ કાયમ એકબીજાની મદદ માટે તૈયાર રહે છે. સીધી વાત છે આ બધું કરવા પાછળનો મુખ્ય હેતુ છે દરેક ઘરમાં અનાજ હોય અને કોઇને રાત્રે ભૂખ્યા ઉંઘવુ ન પડે. જે કામ સરકારે કરવું જોઇએ એ કામ ગામડાની આ મહિલાઓ કરી રહી છે જે ખરેખર સરાહનીય છે. કદાચ એટલા માટે જ કહેવાય છે કે મહિલાઓ જે નક્કી કરી લે છે એ કામ પૂર્ણ કરીને જ ઝંપે છે.


લેખક – વિજય પ્રતાપ સિંઘ

અનુવાદક – શેફાલી કે. કલેર