તમને છે શોપિંગનો ક્રેઝ? તો તમે પણ બની શકો છો ઈશિતાની જેમ એક સફળ આન્ટ્રપ્રેન્યોર!

0

"હું દુકાનો અને શોપિંગ વેબસાઈટસ પર કલાકો વિતાવું છું. જ્યારે જેવા કપડા જોઈતા હોય, ત્યારે તે ન મળે કે પછી તે ખરીદવા માટે સમય ન હોય ત્યારે કેવી મૂંઝવણ થાય અને ક્યારેક તો ગુસ્સો પણ આવે તેની મને સારી રીતે ખબર છે. મેં ફેસબૂકક પર એક પેજ બનાવ્યું, જેમાં મને પસંદ હોય તેવા કપડાંના ફોટોઝ અને માહિતી મૂકવા લાગી. નસીબે સાથ આપ્યો ને મારી પસંદના કપડા લોકોને ગમવા લાગ્યા. લોકો પેજ ફોલો કરવા લાગ્યા. મારું આગળનું કદમ હતું, લોકોને સરળતા અને ઝડપથી શોપિંગ કરવા માટે મદદરૂપ થવું. આ માટે મેં વેબસાઈટ બનાવી." આ શબ્દો છે ઈશિતા શર્માના.

આજે ઈશિતા ઈ-કોમર્સમાં તેજીથી પોપ્યુલર બની રહેલું ફેશન પોર્ટલ 'Candidly Couture'ની સ્થાપક છે. તે પોતાની સફર અંગે જણાવે છે, "હું દિલ્હી વિશ્વવિદ્યાલયથી સ્નાતક થયા બાદ એમ.બી.એ. કરવા માગતી હતી. હું એ સમયે ખૂબ જ મૂંઝવણમાં હતી. મેં એક મીડિયા હાઉસ પણ જોઈન કરી લીધું હતું. અને ટાઈમ પાસ માટે ભારતીય અને આંતરરાષ્ટ્રીય ઈ-કોમર્સ વેબસાઈટ તેમજ ફેશન-બ્લોગ્સ જોતી રહેતી." કંપનીના સહસ્થાપક દેવી તે સમયે વોલસ્ટ્રીટમાં કામ કરી રહ્યાં હતાં. ગયા વર્ષે જ તે પોતાની જોબ છડીને 'Candidly couture' સાથે જોડાઈ ગયા.

સંતોષ આપનારી મહેનત

ભારતીય મહિલાઓ માટે વસ્ત્રોની પસંદ આપનારી વેબસાઈટસનો તો તોટો નથી. આ રેસમાં ઈશિતાએ પોતાની મોટી અને જાણીતી બ્રાન્ડ બનાવવા ખૂબ મહેનત કરી છે. કપડા માટેના શોખ માટે તે કહે છે, "ડીઝાઈન પસંદ કરતા અમે એટલું ધ્યાન રાખીએ છીએ કે આ પરિધાનોમાં અમારા ગ્રાહકો 'સામાન્ય' ન અનુભવે. લોકો વચ્ચે જાય તો લોકો તેમનાં કપડાંની પ્રશંસા કરવા જોઈએ તે અમારું લક્ષ્ય રહે છે."

'Candidly couture' માટે પ્રેરણાનો સ્રોત એટલે હોલિવૂડ અને બોલિવૂડની રેડ કાર્પેટ ફેશન. ડીઝાઈન માટેની પ્રેરણા માટે ઈશિતા કહે છે, "હું હંમેશા એ જાણવા અને ઓળખવાની કોશિશ કરતી રહું છું કે કયો ફેશન ટ્રેન્ડ મારા ગ્રાહકો માટે વધારે સારો રહેશે? ઘણી વાર એવું પણ થાય કે મારી ડીઝાઈન્સ ન ચાલે પણ તેનો અર્થ એ નહીં કે હું મારી જાત પર જ શંકા કરવા લાગું. દોઢ વર્ષના મારા અનુભવે, કેટલાક ડિઝાઈનર્સ સાથે સારા સંબંધ બન્યા છે. જેઓ ઉચ્ચ ગુણવત્તા સાથે સુંદર ડીઝાઈન્સ પણ આપે છે. 'Candidly couture'માં કોઈ છૂટ નથી આપતા અને અમારો 95% માલ પૂરી કિંમતથી જ વેચીએ છીએ. અમે ગ્રાહકોને વધુમાં વધુ ફાયદો થાય તે ઈચ્છીએ છીએ. અને ગ્રાહકોને સસ્તુ આપવા કરતા સારું આપવાનો આગ્રહ રાખીએ છીએ."

ત્યારે અને અત્યારે

"2013માં જ્યારે અમે શરૂઆત કરી, ત્યારે ઘણી અનિશ્ચિતતાઓ જોવા મળી. તે સમયે ઓનલાઈન પેમેન્ટની શરૂઆત થઇ રહી હતી. આજે ઓનલાઈન પેમેન્ટની સુવિધાએ ઈ-કોમર્સને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધું છે. છતાં મેં જ્યારે તે શરૂ કર્યું ત્યારે લોકોને ઈ-કોમર્સ માટે ઘણી શંકાઓ હતી. એમાં વળી એમ-કોમર્સ (મોબાઈલ કોમર્સ)ની ટેવ ઉભી કરાવવી તે વળી જુદો જ પડકાર છે."

ઈશિતાએ ઈ-કોમર્સમાં યોગ્ય સમય પર પોતાના પાયા નાખ્યા. તે માને છે કે વૈશ્વિક સ્તરે પરંપરાગત રીટેઈલ કરતા ઈ-કોમર્સ આગળ વધી રહ્યું છે અને લાગે છે કે અમેરિકા કરતા ભારતમાં તે માટેની તકો વધુ છે. ભારતનો સામાજિક ઢાંચો જલદીથી બદલાઈ રહ્યો છે અને ઈ-કોમર્સ તેજીથી પોતાની જગ્યા બનાવી રહ્યું છે. તેમને આશા છે કે તેઓ આખા દેશમાં મહિલાઓ માટે ફેશનની વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવશે.

રૂપરેખા

'Candidly couture'એ બહુ જ ઓછા સમયમાં મોટી સફળતા મેળવી છે. ઈશિતા કહે છે, "અમે કંપનીની પ્રગતિ જોઇને ખૂબ ખુશ છીએ. સૌથી મોટી વાત એ છે કે અમારા ગ્રાહકો સાથેના સંબંધો ખૂબ સારા વિકસાવી શક્યા છીએ અમે તેમને રાજી રાખવા બેસ્ટ ડીઝાઈન્સ આપીએ છીએ. બદલામાં તેઓ અમને અભિનંદન આપે છે. અને અમારી બ્રાન્ડ પર ભરોસો દર્શાવે છે. જો કે અમારો રીટર્ન બાયર રેટ 30% જ છે. અને અમે તે વધારવા મહેનત કરી રહ્યા છીએ. અમારી સૌથી મોટી સિદ્ધિ એ રહી કે આ વર્ષે અમે 6 આંકડાઓમાં વેચાણ કરી શક્યા છીએ અને તે દર સતત વધવાની આશા છે. ઈશિતા અને દેવી માટે ઈ-માર્કેટિંગનાં જૂના ફંડા કોઈ કામના નથી રહ્યા."

"માર્કેટિંગનાં અનેક નવા વિચારો દેવીએ આપ્યા છે. જેમ કે અમે કંપનીની જાહેરાતો માટે બહુ ઓછો ખર્ચ કર્યો અને ફેસબૂક જ એ સમયે અમારું એક માત્ર મંચ હતું. અમને એ વાતની ખુશી છે કે અમને અમારા પ્રયાસો કરતા વધુ લાભ થયો છે. હવે અમે બેગ, જૂતા, જ્વેલરી જેવી અન્ય શ્રેણીઓમાં વિસ્તાર કરવા માગીએ છીએ અને માર્કેટિંગ માટે વધુ ખર્ચ કરવા તૈયારી કરી રહ્યા છીએ. જેથી અમારી બ્રાન્ડ મોટા સ્તરે સ્થાપિત થઇ શકે."

રોકાણ અને અન્ય વાતો

ફંડિંગ માટે ઈશિતા કહે છે, "અમે બહુ ઓછા ફંડ સાથે કંપની શરૂ કરી હતી. અને નફામાંથી જ તે ચલાવી. દેવીનાં આગમન પછી કંપનીનો ગ્રાફ વધતો ગયો. તેમણે પણ પોતાનો સમય અને પૈસો રોક્યો. અમે આગામી મહિનાઓમાં સક્રિયરૂપે પૂંજી વધારવા વિચારી રહ્યા છીએ."

ઈશિતા માટે Candidly coutureની આધારશિલા સહસ્થાપક દેવી સાથેની ભાગીદારી છે. સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઝ પણ તેમની ડીઝાઈનોની પ્રશંસા કરે છે. ઈશિતા કહે છે, "'બેબી' ફિલ્મની અભિનેત્રી મધુરિમા તુલીએ અમારા પરિધાનો પહેરી પોતાની તસવીરો મીડિયામાં આપી. આ અમારા માટે એક સરપ્રાઈઝ હતી. કેમ કે થોડા જ દિવસો પહેલાં તે અમને સિલેકશન માટે પૂછી રહી હતી. અને તે વખતે અમને જાણ ન હતી કે તે લોકો બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી છે." 

સારું અને નરસું

ઈશિતા માટે આ બધું સરળ ન હતું. તે કહે છે, "જ્યારે મેં ફેસબૂક પર પેજ બનાવ્યું ત્યારે મારી પાસે પોતાનું કોમ્પ્યુટર પણ ન હતું. હું સાઈબર કાફે અથવા મારા મિત્રોના સાધનોનો ઉપયોગ કરતી ને મારું પેજ ચલાવ્યા કરતી. મેં પરિવારને પણ મદદ માટે ન કહ્યું ખરેખર એ ખૂબ મુશ્કેલીનો સમય હતો. પણ સરળ રસ્તે ચાલીને મોટી મંઝિલ થોડી મેળવી શકાય? હું તે સમયે શીખી કે જો તમે ગ્રાહકના સમયની ઈજ્જત કરો, મુશ્કેલીના સમય માટે થોડા પૈસા બચાવી રાખો તો વ્યવસાય જરૂર સફળ બનાવી વિસ્તારી શકાય."

ભવિષ્ય

Candidly couture એ હવે બ્રાન્ડને અનુરૂપ ઓફીસ બનાવી દીધી છે. તે પોતાની ખુશી વ્યક્ત કરતા કહે છે, "ઇન્દિરાનગરમાં અમે ઓફીસ કરી છે અને તેની સજાવટ ઉપર ધ્યાન આપી રહ્યા છીએ. જો કે તે કરતા પણ અમારી મોબાઈલ એપ માટે હું વધારે ઉત્સાહિત છું. જે દેવી સંભાળવાના છે. અમે જલદી જ એક બ્લોગ શરૂ કરવાના છીએ. જેમાં અમારા ઉત્પાદોની વાતો હશે. તથા ત્વચાની સંભાળ માટેની ટીપ્સ પણ હશે."

સલાહ

ઈશિતા કહે છે, "તમે કોઈ પણ સ્તર પર છો, લોકો તમારા માટે કાંઈ પણ વિચારતા હોય તેની ચિંતા ના કરો. તેનાથી તમારો ખૂબ સમય બચશે. જિંદગીમાં તમે જેટલા જલદી આ સત્ય સમજી જશો, તેટલી તમારી જિંદગી આસાન બનતી જશે."

ઈશિતા મોટા સ્વપ્ના જોનારાઓને સલાહ આપે છે કે ભાગ્ય હંમેશાં મહેનતને સાથ આપે છે. જેને તમે પસંદ નથી કરતા, તેવા જ કામ તમે કરતા રહ્યા તો સફળતા દૂર ર જ રહે છે. દિવાસ્વપ્નો જોવા બંધ કરો અને તમારા સ્વપ્નાઓને જીવવાના શરુ કરો."


લેખક- રાખી ચક્રવર્તી

અનુવાદ- હરીક્રિષ્ના શાસ્ત્રી

Related Stories