‘કચરા’ને ‘કંચન’ બનાવવાની આવડત ધરાવતી ‘કચરાવાળી પૂનમ’!

0

તમે ક્યારેય વિચાર્યું છે કે, દરરોજ આપણે કેટલો કચરો ફેંકીએ છીએ અને તેનું શું થાય છે ? આવું ખૂબ જ ઓછા લોકો જ વિચારતા હોય છે. આવા જ વિચારો ધરાવતી એક મહિલા છે પૂનમ વીર કસ્તૂરી. તેને લોકો પ્રેમથી 'કચરાવાળી' તરીકે પણ બોલાવે છે. તે છલ્લાં ઘણા વર્ષોથી કચરાને નવું સ્વરૂપ આપવાનું કામ કરી રહી છે. કચરો ઘરમાં હોય કે બહાર તે કેટલો કિંમતી છે તે માત્ર પૂનમને જ ખબર છે. તેના કારણે જ પૂનમ કચરામાંથી અવનવી વસ્તુઓનું સર્જન કરવાની કળા ધરાવે છે. તેના પ્રયાસોના કારણે આજે હજારો લોકો કચરાનો યોગ્ય ઉપયોગ કરતા થયા છે.

તજજ્ઞો જણાવે છે કે આપણે જે રીતે કચરો ફેંકીએ છીએ તે જ પ્રમાણ યથાવત્ રહેશે તો 2025 સુધીમાં દુનિયામાં 60 લાખ ટન ઘન કચરો (સોલિડ વેસ્ટ) ઉત્પન્ન થશે. પાંચ હજાર કિ.મી સુધી ઉભા રાખેલા ખટારાઓમાં ભરાય તેટલો કચરો હશે. સામાન્ય રીતે લોકો નકામી અને ખરાબ વસ્તુને ફેંકતા હોય છે, પણ જો તેમાંથી જ એવી વસ્તુ બનાવવામાં આવે જે રોજિંદા કામમાં ઉપયોગી સાબિત થાય અને તેમાંથી દુર્ગંધ પણ ન આવતી હોય તો કેવું સારું. પૂનમ છેલ્લાં સાત વર્ષથી આ જ પ્રયાસમાં વ્યસ્ત છે. તે માને છે કે ઘરમાંથી જે કચરો નીકળે છે તેમાંથી 80 ટકા કચરો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેમણે ‘ડેઈલી ડમ્પ’ની શરૂઆત કરી. તેના દ્વારા તેઓ નકામા કચરાને ખાતરમાં ફેરવી નાખે છે અને બાકીના સામાન દ્વારા ટેરાકોટાની વસ્તુઓ બનાવે છે જે દેખાવમાં સુંદર, સાફ અને સુવિધાજનક હોય છે તથાં તેને બનાવવામાં પણ લોકોને મજા આવે છે.

‘ડેઈલી ડમ્પ’ એક એવું મંચ છે જે દેશમાં જ નહીં વિદેશોમાં પણ કામ કરે છે. અત્યારે દેશમાં તેના 12 સેન્ટર્સ છે અને વિદેશમાં પણ 2 સેન્ટર્સ છે. અહીંયા લોકોને મફતમાં કલાકારીગરીનું જ્ઞાન આપવામાં આવે છે. તેના દ્વારા તેઓ ટેરાકોટા સાથે સંકળાયેલા ઉત્પાદનો બનાવી શકે અને બીજાને પણ તે શીખવી શકે. પૂનમના જણાવ્યા પ્રમાણે આ એક જ રસ્તો છે જેના માધ્યમથી આપણે લોકોને વધતા જતા કચરાના સ્તર અંગે માહિતી આપી શકીએ તેમ છીએ. તે ઉપરાંત બેકરી, ખાણીપીણીના સ્થળો, ધોબી અને અન્ય લોકોને પણ આપણે આ મુદ્દે સમજ આપવી જોઈએ. કોઈપણ ઓર્ગેનિક સામાન પછી ભલે ને તે ખરાબ થઈ ગયો હોય, તેને ખાતરમાં પરિવર્તિત કરી શકાય છે. આપણે જાણીએ છીએ કે તે પર્યાવરણ માટે સારું છે છતાં આપણામાંથી ઘણા લોકો તેને વિકલ્પ તરીકે જોતા કે સ્વીકારતા નથી. તેની પાછળના કારણો છે, સમયનો અભાવ, સ્થળનો અભાવ અને જાગૃતિની ઉણપ. તેનો કોઈ સરળ રસ્તો શોધવામાં આવે તો શહેરી કચરાની સમસ્યાથી મોટાપાયે છુટકારો મળી શકે છે. ‘ડેઈલી ડમ્પ’ની શરૂઆત આ બાબતોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી છે.

આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે જેને તમે રોજિંદા જીવનમાં પણ અપનાવી શકો છો. તમે ભલેને નાનકડા એપાર્ટમેન્ટમાં રહેતા હોવ કે મોટા બંગલામાં રહેતા હોવ. એક વખત ઓર્ગેનિક પદાર્થોને યોગ્ય જગ્યાએ રાખવાની વ્યવસ્થા કર્યા પછી દરરોજ માત્ર પાંચ મિનિટમાં જ કામ પૂર્ણ કરી શકાય છે. કચરા માટેના અલગ અલગ કન્ટેનર બનાવ્યા પછી તેમાં એક પાઉડર નાખવાનો હોય છે જે ‘ડેઈલી ડમ્પ’ના ઓનલાઈન કે ઓફલાઈન સ્ટોર પરથી સરળતાથી મળી જાય છે. તમે ઘરમાં પણ તેની વ્યવસ્થા કરી શકો છો અથવા તો ‘ડેઈલી ડમ્પ’ની પણ મદદ લઈ શકો છો. તમે વિચારો કે તમારા ઘરમાં પાર્ટી છે અને ઘણું ખાવાનું બચ્યું છે જેમાં માંસાહાર, પનીર અને બીજી પણ વસ્તુઓ છે. તમારે તેને કન્ટેરનમાં નાખી યોગ્ય દબાણથી દબાવી દેવાનું અને તેના પર વિશેષ પ્રકારનો પાઉડર નાખીને કંટેનર બંધ કરી દેવાનું.

તમારા ઘરમાં ખાતર બની ગયું પણ તેને ઉપયોગમાં લેવા માટે બગીચો કે છોડવા ન હોય તો તેની પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરની આસપાસના રસ્તે ઉગેલા છોડ અને ઝાડમાં પણ તેને નાખી શકો છો. આમ કરવાથી એક રીતે તમે પૃથ્વીને ભોજન કરાવી રહ્યા છો તેવી લાગણી જન્મશે. તે ઉપરાંત જો કોઈને ત્યાં વધારે ખાતર ઉત્પન્ન થતું હોય તો ‘ડેઈલી ડમ્પ’ તેને ખરીદે પણ છે જેથી જેને વધારે જરૂરીયાત છે તેને આપી શકાય.

પૂનમના પરિવારજનોએ તેને દરેક કામ મક્કમતાથી કરવાની સમજ આપી છે. બીજી તરફ અમદાવાદ ‘નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન’માં કરેલા અભ્યાસે તેને દુનિયાને નવા જ પ્રકારે જોવાનું શીખવ્યું છે. પૂનમ ઉદ્યોગસાહસિક બન્યા પહેલાં નિર્માણ, શિલ્પ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કામ કરી ચૂકી છે. 1990ની શરૂઆતમાં તેણે ‘ઈન્ડસ ક્રોફ્ટ’ની શરૂઆત કહી હતી. આ સંસ્થા દેશના વિવિધ કારીગરોની મદદથી વિવિધ ભારતીય શિલ્પોની રચના અને ડિઝાઈનનું તો કામ કરતી જ હતી પણ સાથે સાથે તૈયાર થયેલા શિલ્પોની નિકાસ કરતી હતી. તે ઉપરાંત પૂનમ બેંગલુરુંની સૃષ્ટિ સ્કૂલ ઓફ આર્ટ, ડિઝાઈન એન્ડ ટેક્નોલોજીની સંસ્થાપક પણ છે. વિવિધ અનુભવોના માધ્યમથી તેણે શીખ્યું છે કે, આવનારી મુસીબતોને કેવી રીતે દૂર કરી શકાય. તેમના મતે વ્યક્તિને જરૂર છે માત્ર પોતાની ક્ષમતા ઓળખવાની અને તેને સિદ્ધ કરવાની.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories

Stories by Khushbu Majithia