બહેનની શહીદી પછી નોકરી છોડીને શરદ કુમરેએ સમાજ માટે સમર્પિત કર્યું પોતાનું જીવન!

1

દેશપ્રેમ અને સમાજ કલ્યાણની ભાવના અનેક લોકોના લોહીમાં હોય છે, તેઓ સઘળું છોડીને દેશ સેવાને જ પોતાની જિંદગીનું લક્ષ્ય બનાવી દેતા હોય છે અને પોતાના દરેક કામને નિ:સ્વાર્થ ભાવનાથી કરવાનો પ્રયત્ન કરતા હોય છે. શરદ કુમરે એક એવી વ્યક્તિ છે, જેમના લોહીમાં દેશભક્તિ છે, તેમણે એક સારી સરકારી નોકરી છોડીને પોતાની જિંદગી સમાજ કલ્યાણના કામમાં સમર્પિત કરી દીધી છે અને દેશના ઉત્થાનની દિશામાં પ્રયાસરત છે.

શરદ કુમરેની બહેન શહીદ બિંદુ કુમરે 2001માં કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે લડતાં લડતાં શહીદ થઈ ગઈ હતી. મૃત્યુ પહેલાં તેમણે 4 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટના પછી શરદે પ્રણ લીધું કે તે હવે પોતાનું સમગ્ર જીવન દેશના નામે કરી દેશે અને દેશના ઉત્થાન માટે શક્ય તમામ પ્રયાસો કરશે. શરદ મધ્યપ્રદેશના રહેવાસી છે. તેમણે અભ્યાસ અને નોકરી બધું અહીં જ કર્યું છે. તેઓ સરકારી નોકરીમાં બહુ સારા પદ પર કાર્યરત હતા, પરંતુ તેમણે વિચાર્યું કે નોકરીની સાથે તેઓ દેશ અને સમાજ માટે બહુ કંઈ કરી શકશે નહીં, એટલે તેમણે એક સારી-સલામત નોકરી છોડીને ‘પરાક્રમ જનસેવી સંસ્થાન’નો પાયો નાંખ્યો. આ સંસ્થાના માધ્યમથી તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવી, આ સિલસિલામાં તેમણે અનેક આરટીઆઈ નોંધાવી અને અનેક ભ્રષ્ટ અધિકારીઓને જેલભેગા કરાવ્યા. આ દરમિયાન શરદને હેરાન પણ બહુ કરવામાં આવ્યા. તે જેમની વિરુદ્ધ લડી રહ્યા હતા, તેઓ રાજકીય પ્રભાવ-પહોંચ ધરાવતા હતા, પરંતુ શરદ કોઈથી ન ડર્યા અને પોતાનું કામ કરતા રહ્યા.

ભ્રષ્ટાચાર ઉપરાંત તેમણે પર્યાવરણ માટે પણ કામ કરવાનું શરૂ કર્યું. શરદે અનેક ગામોને (જાવરકાઠી, નકાટોલા, આમાટોલા ગાંવ, જિલ્લા સિવની, ડોંડિયાઘાટ ગામ જિલ્લા હોશંગાબાદ, મધ્યપ્રદેશ) દત્તક લીધા અને ત્યાં જમીની સ્તર પર કામ શરૂ કર્યું. આ ગામોમાં તેમણે એક લાખ કરતાં વધારે વૃક્ષો રોપ્યાં. શરદના ઉમદા કાર્યો માટે તેમને ‘ગ્રીન આઇડલ એવોર્ડ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

શરદનો એક પેટ્રોલપંપ છે, જે પૂર્ણપણે સૌર ઊર્જા પર આધારિત છે. આ એક ઈકો ફ્રેન્ડલી પેટ્રોલપંપ છે. અહીં નારિયેળનાં, કેળાનાં વૃક્ષો છે, સાથે સાથે અહીં અનેક પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવી છે. બાળકો માટે હિંચકા રખાયા છે. શરદના પેટ્રોલપંપને સળંગ બે વર્ષથી ગ્રીન એવોર્ડ મળી રહ્યો છે. આ ઉપરાંત તેઓ જુદી જુદી શાળા-કૉલેજોમાં રોપાનું દાન કરે છે. તેઓ કહે છે કે ક્યાંય પણ જઈએ તો લોકોને ફૂલોની માળા કે ફૂલનો ગુલદસ્તો ગિફ્ટમાં આપવા કરતાં તો સારું છે કે તેમને એક રોપો ગિફ્ટ કરીએ.

શરદ જણાવે છે,

"ભારતમાં બહુ પ્રતિભા છે, પરંતુ ખરાબ રાજકારણે ભારતને બહુ નુકસાન પહોંચાડ્યું છે. રાજકારણને લીધે જ દેશમાં રમખાણો થાય છે. હંમેશાં સાથે સાથે રહેનારા લોકો મુઠ્ઠીભર ખરાબ લોકોની વાતોમાં આવીને એકબીજાના લોહીના તરસ્યા બની જાય છે અને એકબીજાનું લોહી વહેવડાવવા માંડે છે."

આ વાતો શરદને બહુ પીડા આપે છે. તે લોકોને સમજાવે છે કે આવા લોકોની વાતોમાં ન આવો અને ભાઈચારાથી રહો. તેઓ તમામ ધર્મ-જાતિઓને એકબીજાને મદદ કરવાની અપીલ કરે છે અને રક્તદાનને મહાદાન ગણાવે છે. શરદ કહે છે, "સૌનું લોહી એક સરખું છે. માણસોએ જાતિ-ધર્મ બનાવ્યા, જ્યારે ઈશ્વરે તો આપણને એક જેવા જ બનાવ્યા છે." શરદ પોતે 70થી વધુ વખત રક્તદાન કરી ચૂક્યા છે અને 1993થી સતત રક્તદાન શિબિર લગાવી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં 400થી વધારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી ચૂક્યા છે. તેઓ મધ્યપ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાં કામ કરે છે.

શરદ જણાવે છે કે સામાન્ય લોકો આ કાર્યોમાં તેમને ભરપૂર સહયોગ કરે છે અને લોકો ઉત્સાહભેર રક્તદાન શિબિરોમાં આવે છે અને રક્તદાન કરે છે. આ કામ માટે તેઓ જુદી જુદી હોસ્પિટલ્સના સંપર્કમાં રહે છે, જ્યાં તેઓ એકત્ર કરેલા લોહીને મોકલતા હોય છે.

શરદે યોરસ્ટોરીને જણાવ્યું,

"બાળકો આપણું ભાવિ છે, પરંતુ આજકાલની ભાગદોડભરી જિંદગીમાં આપણે બાળકોને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપીએ એ પણ બહુ જ જરૂરી છે. બાળકોમાં સંસ્કારોનો અભાવ ન હોવો જોઈએ. પુસ્તકિયા જ્ઞાન કરતાં તેમને ખ્યાલ હોવો જોઈએ કે શું સાચું છે અને શું ખોટું."

આ બધાની સાથે બાળકોને બાળકોને પ્રોત્સાહિત, સ્વાવલંબી અને તેમનામાં નૈતિક મૂલ્યોનું સીંચન કરવા માટે શરદે ‘આકાશ ટીમ’ના પાયા નાખ્યા છે. આ ટીમ થકી તેઓ બાળકો પાસે રચનાત્મક કાર્યો કરાવે છે. બાળકોને દેશ અને સમાજ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. બાળકો વૃક્ષારોપણ કરે છે, રક્તદાન શિબિરોમાં મદદ કરે છે, સાથે સાથે બાળકો માટે જુદી જુદી રમતો-સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે.

શરદ જણાવે છે કે જનસેવા કરવી એ હવે તેમની દિનચર્યાનો ભાગ બની ગયો છે અને તેમને આ કામમાં આનંદ આવે છે. શરદની પત્ની ડૉ. લક્ષ્મી કુમરે આ કાર્યોમાં હંમેશાં પૂરેપૂરો સાથ આપે છે અને દરેક કદમ પર તેમની સાથે આવીને ઊભા રહે છે. શરદ ભ્રષ્ટાચારમુક્ત ભારતનું સપનું જુએ છે અને ભારતને દુનિયાના સૌથી અગ્રણી દેશોની હરોળમાં જોવા માગે છે.

લેખક- આશુતોષ ખંતવાલ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

Related Stories

Stories by YS TeamGujarati