પોતાની હોન્ડા સિટી વેચીને સાઇકલ ખરીદનારાં મહિલા એટલે ગૌરી જયરામ

પોતાની હોન્ડા સિટી વેચીને સાઇકલ ખરીદનારાં મહિલા એટલે ગૌરી જયરામ

Monday October 19, 2015,

6 min Read

“આ આખો ખેલ કોઈ મૂકામ સુધી પહોંચવા માટે નહીં પરંતુ માત્ર સફરનો આનંદ માણવા માટેનો છે.” આ શબ્દો છે ગૌરી જયરામના કે જેઓ કોઈ પણ સફર માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે અને જોખમ ખેડવાનું બિલકુલ ચૂકતાં નથી. તેમને ક્યારેય એક ચાલતી સફરને છોડીને બીજી સફરમાં આગળ વધી રહેલા કાફલામાં જોડાતાં ડર લાગ્યો નથી કે ખચકાટ થયો નથી. તેમને હંમેશા વિશ્વાસ હોય છે કે કાં તો આ સફર મને ક્યાંક લઈ જશે અથવા તો હું તે સફરને ક્યાંક લઈ જઇશ. ગૌરી ‘એક્ટિવ હોલિડે’ કંપનીનાં સ્થાપક છે. તેમની કંપની સાહસિક પ્રવાસ (એડવેન્ચર હોલિડે)નું આયોજન કરે છે. પોતાનાં આંતરરાષ્ટ્રીય પ્રવાસોના અનુભવને ધ્યાનમાં રાખીને તેમણે પોતાનું ધ્યાન ભારતીય લોકોને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર લઇ જવામાં કેન્દ્રિત કરી રાખ્યું છે. તેમનો ગ્રાહક વર્ગ ખાસ છે. એવા ગ્રાહકો કે જેઓ તેમની જેમ જ ટ્રેકિંગ, સાઇકલિંગ, હાઇકિંગ, તેમજ મેરેથોન દોડ માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા હોય. તેમણે પોતાનો આ બીજો વ્યવસાય (એક્ટિવ હોલિડે કંપની) વર્ષ 2013માં શરૂ કર્યો હતો.

image


એક વ્યવસાયીનું જીવન

ગૌરીના જણાવ્યા અનુસાર પોતાનું સ્ટાર્ટઅપ ચલાવવું, તેને આગળ વધારવું ખૂબ જ ઉતાર-ચડાવ ભરેલું છે. એક વેપારી તરીકે તેમની પાસે હંમેશા સમયનો અભાવ રહ્યો છે. તેમની અંગત ઇચ્છા એવી છે કે દિવસમાં 24 કરતાં વધારે કલાક હોવા જોઇએ. તેમના જણાવ્યા અનુસાર ભારતમાં વેપાર અને ખાસ કરીને તેમના જેવો બિનપરંપરાગત વેપાર શરૂ કરવો. અને સૌથી અઘરું કામ છે યોગ્ય ટીમ મેળવવી. તેઓ કહે છે, “અમારી સાથે ઘણા લોકો જોડાવા માગે છે પરંતુ તેમની કુશળતા અને વિશેષજ્ઞતાઓમાં એ વાત નથી હોતી કે જે એક સ્ટાર્ટઅપ માટે જરૂરી હોય છે.” બીજી એક મુશ્કેલી તેમની સામે આવે છે તે એ છે કે જે બજાર તેમનું લક્ષ્યાંક છે તેમાં સામાન્ય જાગરૂકતાનો ખૂબ જ અભાવ. તેમના અનુસાર મોટાભાગના ભારતીયોને આ પ્રકારની રજાઓ ગાળવા વિશેનો બિલકુલ ખ્યાલ નથી. “અમારી પાસે આજે પણ એવા લોકો આવે છે કે જેઓ માંગણી કરે કે અમે તેમના માટે સાહસિક રજાઓનું આયોજન ડિઝનીલેન્ડમાં કરીએ. એક સમયે તો માથું દિવાલ સાથે પછાડવાની ઇચ્છા થઈ જાય છે.”

નીકળી પડયા પોતાને જ શોધવા!

ભારતીય વાયુદળનાં એક વિમાનચાલકનાં દીકરી હોવાને કારણે તેમનું જીવન શરૂઆતથી જ વિચરતા લોકો જેવું રહ્યું હતું. માત્ર પાંચ વર્ષની ઉંમરે જ તેઓ પોતાની સૌથી પહેલી સડક યાત્રાએ નીકળી પડ્યાં હતાં. પોતાના સૈનિક પિતાજી સાથે 11 વર્ષ મુંબઈમાં વીતાવ્યાં ત્યાં સુધી તેઓ સ્નાતક થઈ ગયાં હતાં. અને 20 વર્ષની ઉંમરે નોકરી કરવા લાગ્યાં હતાં. એર મોરેશિયસ સાથે સ્થાનિક મેનેજર તરીકે કામ કરતાં તેમનાં લગ્ન પણ થઈ ગયાં. જેનાં પગલે તેઓ 2001માં ચેન્નાઈ આવી ગયાં. માતા બન્યાં બાદ તેમણે નોકરી છોડી દીધી અને વેપાર તરફ ઝૂકાવ્યું. તેમણે વર્ષ 2001માં વિના મૂડીએ પોતાનો પહેલો વેપાર શરૂ કર્યો હતો. તે વખતે તેઓ લોકો માટે માત્ર પ્રવાસનું આયોજન કરતાં હતાં. કામ સારું ચાલતું હતું છતાં તેમની બ્રાન્ડને ખાસ ઓળખ મળતી નહોતી. ત્યાર બાદ તેમણે દુનિયાની એક મોટી ટૂરિંગ કંપનીમાં દક્ષિણ એશિયા માટે મોટો હોદ્દો સંભાળવા માટેનું આમંત્રણ મળ્યું. જે તેમણે કોઈ પણ જાતના ખચકાટ વિના સ્વીકારી લીધું. તેમણે વર્ષ 2005માં આ હોદ્દો સંભાળ્યો અને સાડા આઠ વર્ષ સુધી તે કંપનીમાં કામ કર્યું.

image


આધ્યાત્મિક શોધની સફર

મારા ચાલીસમાં જન્મદિન નિમિત્તે પોતાની પાસે રહેલો સામાન ઓછામાં ઓછો કરવા અને જીવનમાં પોતાના અનુભવોને વધારવાની આધ્યાત્મિક શોધ માટે મેં મારી હોન્ડા સિટી વેચી નાખી અને પોતાનાં માટે એક સાઇકલ ખરીદી લીધી. ગૌરી એ નહોતાં સમજી શક્યાં કે તેઓ નોકરીથી કંટાળી ગયાં હતાં કે મધ્ય જીવનમાં આવી રહેલા ઉતાર-ચડાવમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેમણે પ્રેરણા માટે નોકરી અને ઘરબારથી બહાર વિચારવાનું શરૂ કર્યું. તેમણે દોડવાનું અને લખવાનું શરૂ કરી દીધું. ત્યાં સુધી કે એક પુસ્તક છપાવી નાખ્યું. તેમણે પોતાની તમામ રજાઓ દુનિયાભરમાં યોજાતી મેરેથોન દોડ અનુસાર ગોઠવવા માંડી. તે વર્ષે જ તેઓ જોર્ડન ખાતે ડેડ સી મેરેથોન જે પૃથ્વીનાં સૌથી નીચાણ ધરાવતા વિસ્તારમાં થાય છે તેમાં ભાગ લેવાં ગયાં. ત્યાર પછી ઘરે માત્ર પોતાનો સામાન બદલવા માટે આવ્યાં અને એવરેસ્ટ બેઝ કેમ્પમાં ભાગ લેવા માટે નેપાળ જતાં રહ્યાં. તેમની આ નેપાળ યાત્રામાં તેમણે માત્ર એક બેગ સાથે સમય પસાર કર્યો હતો. કોઈ પણ જાતના મોબાઇલ કે કમ્પ્યૂટર વિના! ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ જીવનમાં તેમની પાસે કેટલો બિનજરૂરી સામાન ભેગો કરી ચૂક્યાં છે. ગૌરી જ્યારે પરત ફર્યાં તો સંપૂર્ણ બદલાઈ ગયાં હતાં. ત્યારબાદ જીવનમાં તેમને જે વસ્તુની જરૂર નહોતી તે તમામનો તેમણે નિકાલ કરવાનો શરૂ કરી દીધો. તે સમયે જ તેમણે પોતાની નોકરી છોડી, ગાડી વેચી અને ફરીથી શરૂઆત કરી. વર્ષ 1999માં એક વખત તેમણે મોતનો પણ સામનો કર્યો હતો. તેઓ નેપાળમાં એક હોડીમાં બેઠા હતા અને તે ઊંધી વળી ગઈ હતી. તેઓ લગભગ ડૂબી રહ્યાં હતાં. તેઓ કહે છે કે તે ઘટનાએ મને ચેતવી હતી અને મેં ફરીથી પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી હતી.

image


ગૌરીના જણાવ્યા અનુસાર જે મહિલાઓ યોગ્ય સાથી અને વ્યવસાય પસંદ કરે છે તેઓ ખૂબ જ દૂર સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. તેઓ આટલો બધો સમય મુસાફરીમાં વીતાવે છે એટલે આ સવાલ તેમને અનેક વખત પૂછવામાં આવે છે કે તેમની દીકરીઓની સંભાળ કોણ રાખે છે. ગૌરીનો સીધોસાદો જવાબ હોય છે કે તેમનાં પિતા. “હું ખૂબ જ નસીબદાર છું કે મારાં પતિ એમ માને છે કે તે તેમની પણ જવાબદારી છે કે જેટલી મારી. હું જાણું છું કે હું મારાં કામને કારણે ઘણી બધી બાબતોથી અજાણ રહું છું. પરંતુ આવું તો તે પિતાઓ સાથે પણ બને જ છે કે જેમણે કામના કારણે વારંવાર ઘર છોડીને મુસાફરી કરવી પડે છે. મને નથી લાગતું કે પુરુષોને પણ બધું જ મળતું હોય.” ગૌરીને ઘરની બહાર વધારે સમય રહેવામાં કોઈ ગ્લાનિ નથી થતી કારણ કે તે તેણે પસંદ કરેલો રસ્તો છે. જેના ઉપર ચાલવાથી જ તે ખુશ રહે છે. તે કહે છે, “કામ પર જવાનું મેં પસંદ કર્યું છે. હું મારી દીકરીઓને ક્યારેય એમ નથી કહેતી કે હું પૈસા કમાવવા માટે કામ પર બહાર જાઉં છે. મને કામ કરવામાં મજા આવે છે એટલે હું કામ કરું છું. અને મારું કામ મને શ્રેષ્ઠ માતા બનાવે છે. દીકરીઓને પણ જ્યારે આ વાત સમજાઈ જશે તો તેઓ પણ પોતાની પસંદગીનું કામ કરવા લાગશે.”

સફર ઓછામાં ઓછા સામાન સાથે પણ થઇ શકે!

ગૌરી માને છે કે મહિલાઓએ ઓછામાં ઓછા સામાન સાથે સફર કરવાની ટેવ પાડવી જોઇએ. જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમ કરવાથી હળવાશ અનુભવાય છે અને પોતાની જાતને મુક્ત અનુભવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે તમારી મુસાફરી અંગેના દસ્તાવેજની એક નકલ ઘરે મૂકી જવી જોઇએ. તેમજ ચેક-ઇન કરેલા સામાનની પણ. પોતાની સાથેનાં સામાનમાં બસ એક ફોનનું ચાર્જર જરૂરી છે. એક વેપારી તરીકે તે ખૂબ જ ખુશ છે અને તે ખુશી તે પોતાના કામમાંથી મેળવી રહ્યાં છે. તેમનાં દિલની સૌથી વધારે નજીક રોમાંચ છે. તેઓ કહે છે, “મને એક ખાલી કેનવાસને રંગવા માટે મળેલી તકો, પોતાની વાર્તા લખવા માટેનો રોમાંચ, મહિનાના અંતે લોકોને પગાર ચૂકવવા વખતે થતી ગભરામણનો રોમાંચ મને ખૂબ જ ખુશી આપે છે. પરંતુ તેના કરતાં પણ વધારે હું મારી સફરનો આનંદ મેળવું છું. દરેક દિવસ નવો છે, દરેક સવાર નવો પાઠ શીખવા માટે લઈ આવે છે. તેમજ પોતાની સાથે શીખવાની તકો, નવાં જોખમ ખેડવાનું શીખવાડે છે. જ્યારે કોઈ મોટા પડકારો આવી જાય છે ત્યારે હું ખૂબ લાંબા અંતરે દોડવા માટે નીકળી જાઉં છું પાછી ફરું ત્યારે તમામ શંકાઓ દૂર થઈ ગઈ હોય છે.”