ભરૂચની સુજાની લૂમે વણાટકામની 150 વર્ષ જૂની કળા જીવંત કરી!

નુપૂર જૈન સુજાની લૂમ્સ થકી વણકરોની નવી પેઢી વણાટકામની વર્ષો જૂની કળા જાણી શકે તે માટે તેને સજીવન કરવાનો પ્રયાસ કરી રહી છે! 

ભરૂચની સુજાની લૂમે વણાટકામની 150 વર્ષ જૂની કળા જીવંત કરી!

Monday March 07, 2016,

4 min Read

કપડાંની લૂમમાં 2 વણકર બેઠા હોય છે. સંચામાં બે કલરના દોરા ભરાવીને એકબીજા સાથે વણતા હોય છે. સ્પન કોટન સાથે દોરા ગૂંથીને ગોદડી વણવાનું કામ ચાલી રહ્યું હોય છે. બીજી તરફ અન્ય ગોદડીઓમાં કોટનનું પડ પણ નહોતું કે હાથથી કે મશીનથી ટાંકા પણ નહોતા લેવાયા. એ વણાટકામ સુજાની તરીકે ઓળખાય છે અને ભરૂચની 30 વર્ષીય નુપૂર જૈને આ મૃત:પ્રાય કળા પુનર્જીવિત કરી છે.

image


નુપૂર જૈન સુજાની લૂમ્સ થકી વણકરોની નવી પેઢી વણાટકામની વર્ષો જૂની કળા જાણી શકે તે માટે તેને સજીવન કરવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષ 2014માં ગૃહસજાવટની વસ્તુ બનાવવા સાથે સુજાની લૂમ્સની શરૂઆત થઈ હતી.

સુજાની લૂમ્સ

ગુજરાતના ભરૂચમાં રહીને નુપૂરે સૌપ્રથમ સુજાની રજાઈ બજારમાં રજૂ કરી હતી અને આકર્ષક બનાવટ અને સુંદર દેખાવને કારણે ઘણી વખણાઈ હતી. નુપૂર કહે છે,

“આ બેનમૂન કળાને વિશ્વફલકમાં રજૂ કરવી જોઈએ તેવી મને અનુભૂતિ થઈ. આ કાપડ લૂમમાં તૈયાર થાય છે અને તેની આ જ આગવી લાક્ષણિકતા મને સ્પર્શી ગઈ. તેમાં વધારાના ટાંકા લેવાની જરૂર રહેતી નથી. આ કળા વિશે સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે માત્ર 3-4 પરિવાર જ આ કળા જાણે છે. નવી પેઢીને આકર્ષણ જ ન હોવાથી આ કળાનું ભવિષ્ય ઊજળું ના દેખાયું.”

વર્ષ 2014માં નુપૂરના પતિએ ઝઘડિયા જીઆઇડીસીમાં ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું અને ભરૂચ રહેવાનું શરૂ કર્યું. ભરૂચ રહેવા ગયા પછી તેણે સામાજિક કાર્ય કરવાનો નિર્ણય કર્યો અને તે દિશામાં શોધખોળ પણ શરૂ કરી દીધી. શોધ-સંશોધન બાદ તેણે આ કળામાં કામ કરવાનો નિર્ણય કર્યો અને સુજાની લૂમ્સની શરૂઆત થઈ.

કળાનું મૂળ

વર્ષ 1860માં સુજાની વિકસાવાઈ હતી અને તે સમયના રાજવીઓએ આ કળાને ઉત્તેજન અને પ્રોત્સાહન આપતાં હતાં. આ કળા સાથે સુજાનીવાલા, ચિશ્તી અને મિયાં મુસ્તુફા-એમ 3 પરિવાર સંકળાયેલા છે. ત્રણેય પરિવાર વિવિધ પ્રવૃત્તિઓ કરે છે; એક પરિવાર સંપૂર્ણપણે ઉત્પાદન કરે છે, બીજો પરિવાર ટ્રેડિંગ કરે છે જ્યારે ત્રીજો પરિવાર વારાફરતી બંને કામ કરે છે. નુપૂર કહે છે,

“ત્રણેય પરિવાર વચ્ચે ગળાકાપ હરીફાઈ છે. પોતે આ કળાના વારસદાર હોવાનો ત્રણેય પરિવારો દાવો કરે છે. આ કળા અનેક પેઢીઓથી આ પરિવારોનો જીવનનિર્વાહ કરે છે. નવી આધુનિક ટેકનોલોજીનું આગમન અને લોકોએ સસ્તી વસ્તુઓ ખરીદવાનું શરૂ કરતાં હસ્તકળાનાં મૂલ્યો ઘટવા લાગ્યાં.”

વારસો આગળ વધાર્યો

નુપૂર વર્ણવે છે,

“નવી પેઢીના કસબીઓ આ કળાનું જતન કરશે તેવા વિશ્વાસ સાથે એક પેઢી, બીજી પેઢીને કળા શીખવે છે, અને નવા કસબીઓ તેનું જતન કરે પણ છે. આ કળા પહેલી પેઢીથી હાલની પંદરમી પેઢી સુધી પહોંચી છે.”

યુવાન વયે કસબી આ કૌશલ્ય મેળવે છે અને વડીલો દ્વારા તાલિમ અપાય છે. નુપૂર કહે છે,

“દરેક સુજાની બનાવતાં પહેલાં તેઓ તેની રચનાની કલ્પના કરે છે. આથી, દરેક સુજાનીમાં સહકાર્યતા, ધીરજ અને પૂર્વનિર્ધારિત રચના જોવા મળે છે અને આ વણાટકળાના મૂળ પોતને જાળવી રાખે છે. આજે પણ આ કળાનું બેનમૂન વણાટ એટલી જ ધીરજથી કરવામાં આવે છે.”

આ જ ધીરજ અને સમર્પણ ભાવ નુપૂરને સ્પર્શી ગયા અને આ પરિવારોનાં ઉત્પાદનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બજાર મળે તેવો મંચ ઉભું કરવાની દિશામાં તેણે કામ શરૂ કર્યું.

image


ખુશીની વહેંચણી

સ્વભંડોળથી અને નફો નહીં રળવાના ધોરણે શરૂ થયેલી સુજાની લૂમ્સ સર્વ હેપિનેસ ફાઉન્ડેશન સાથે સંકળાયેલી છે. વેચાણની તમામ પ્રક્રિયા પણ આ જ ફાઉન્ડેશન દ્વારા થાય છે અને તેમાંથી મળતી આવકનો ઉપયોગ ગ્રામીણ વિકાસ અને યુવાનોના સશક્તિકરણમાં થાય છે. હાલમાં ભરૂચમાં સ્થાનિક ગ્રામવિસ્તારના લોકો દ્વારા બ્રાઉન પેપર બનાવવાનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.

નીતિન ટેલરના નેતૃત્વ હેઠળ સર્વ હેપીનેસ ફાઉન્ડેશન યુવાનોને આંત્રપ્રિન્યોરશિપ પ્રોગ્રામ શરૂ કરવા પ્રોત્સાહિત કરે છે અને નાના એન્ટરપ્રાઇઝને ટેકો પણ આપે છે. સાથેસાથે નિમ્ન મધ્યમ વર્ગના લોકો માટે જીવનનિર્વાહની તકો વિકસે તેવા નવા સોશિયલ એન્ટરપ્રાઇઝને પણ પ્રોત્સાહન પૂરું પાડે છે.

વણકરોને તેમના કામના આધારે કિંમત ચુકવવામાં આવે છે. નુપૂર કહે છે,

“વણકરોને સતત કામ અને નિયમિત આવક મળી રહે તે માટે અમે જથ્થાબંધ ઓર્ડર આપીએ છીએ.”

પડકારો

ભારતમાં હસ્તકળાનું ક્ષેત્ર ખૂબ જ અસંગઠિત છે. ગ્રામીણ વિસ્તારોમાં કુટીર ઉદ્યોગનો વિકાસ થાય તેવી કોઈ સહાય મળતી ન હોવાથી કસબીઓ અને વણકરો માટે અનેક મુશ્કેલીઓ ઊભી થતી હોય છે.

નવા લોકોને સુજાની વણાટની તાલિમ આપવાનું કામ નુપૂર માટે પ્રારંભિક પડકારરૂપ હતું. તે ઉમેરે છે,

“જૂની પેઢી નવી પેઢીને આ કૌશલ્ય શીખવે છે, પરંતુ કંપનીઓ આકર્ષક પગારની નોકરી આપતી હોવાથી નવા લોકો આ કળા શીખવામાં કોઈ રસ દાખવતા નથી. આથી, આ કામ અતિ કંટાળાજનક અને સમય માગી લે તેવું છે.”

અસર અને ભાવિ આયોજનો

નુપૂરના કાર્યને એક ઓળખ મળી ચૂકી છે. સુજાની લૂમ્સને હસ્તકળાનું પ્રેઝન્ટેશન કરવા માટે ઇન્ડો-સોવિયેટ સોસાયટી તરફથી આમંત્રણ મળ્યું હતું. ભારતનાં અનેક શહેરોમાં કળાનું પ્રદર્શન કરીને આ હસ્તકળા પ્રત્યે તેમણે જાગૃતિ ફેલાવી છે. આ વર્ષે તેમણે સિંગાપોર હસ્તકળા પ્રદર્શનમાં પણ પોતાની કૃતિઓ મોકલી હતી.

આ વર્ષે સુજાની લૂમ્સ સમગ્ર દેશમાં પ્રદર્શન કરશે અને કેટલીક અગ્રગણ્ય ઈ-કોમર્સ વેબસાઇટ્સ થકી ઈ-રીટેઇલિંગ પણ શરૂ કરાયું છે.

લેખક- તન્વી દૂબે 

અનુવાદક- YS ટીમ ગુજરાતી 

આવી અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા અમારું Facebook Page લાઈક કરો