જો તમે આત્મવિશ્વાસ ખોઈ રહ્યાં છો તો આ ચોક્કસ વાંચો, 'મુસ્કાન દેવતા' તમારી મદદ કરશે!

0

મુસ્કાન દેવતા એક એવી છોકરી છે કે જેનો જન્મ માત્ર 32 અઠવાડિયામાં જ થયો હતો. તેના કારણે માતાના ગર્ભમાં તેનો સરખો વિકાસ પણ નહોતો થઈ શક્યો. જન્મ સમયે મુસ્કાનનું વજન માત્ર 1.2 કિલોગ્રામનું હતું જે ખૂબ જ ઓછું કહી શકાય. જન્મ સમયે મુસ્કાનનાં ફેફસાં પણ સરખી રીતે વિકસ્યાં નહોતાં અને તેના હૃદયમાં ત્રણ છિદ્રો હતાં. આ તમામ સ્થિતિને જોઇને ડૉક્ટરે તેનાં માતા-પિતાને 100 દિવસ સુધી રાહ જોવા માટે જણાવ્યું હતું. સાથે એમ પણ જણાવ્યું હતું કે આ પ્રકારનાં બાળક માટે તેનાં જીવનનાં પ્રથમ 100 કલાક ખૂબ જ અગત્યના હોય છે. 6 ઓક્ટોબર, 1999ના દિવસે જન્મેલી મુસ્કાન આજે 16 વર્ષની થઈ ગઈ છે અને ઘણા લોકો માટે પ્રેરણાસ્રોત પણ છે.


મુસ્કાનની જીવનયાત્રા પર નજર કરીએ તો માલૂમ પડે કે તે પ્રેરણાદાયક છે તો કેટલીક વખત આશ્ચર્ય પમાડનારી પણ. મુસ્કાનનાં માતા જૈમિની દેવતા જણાવે છે કે જ્યારે તેમણે નાનકડી મુસ્કાનને પહેલી વખત જોઈ તો તેની આંખોમાં એક આશા દેખાઈ. તે ખૂબ જ સુંદર લાગતી હતી અને તેની આંખોમાં જીવવાની જીજીવિષા દેખાતી હતી. "હું તેને સ્પર્શવા માગતી હતી પરંતુ તે એટલી નાજુક અને નબળી હતી કે ડોક્ટર્સે તેને ઇન્ક્યુબેટરમાં રાખી દીધી હતી. અમને 100 કલાક રાહ જોવાનું કહ્યું હતું અને પછી જ તેની સ્થિતિ વિશે ખબર પડે તેમ હતું. હવે અમારી પાસે તેની સલામતીની ઇશ્વરને પ્રાર્થના કરવા સિવાયનો અન્ય કોઈ વિકલ્પ નહોતો. ડૉક્ટરની મહેનત તેમજ ઇશ્વરની કૃપાથી 100 કલાક પૂરા થયાં અને તે સહીસલામત ઘરે આવી. ડૉક્ટરે ઘરે આવ્યા બાદ ઘણી સલાહ આપી હતી કે આ બાળકીની ખૂબ જ સંભાળ લેવી પડશે. અમે પણ તેની સંભાળ લેવામાં કોઈ જ કસર બાકી નહોતી મૂકી. મુસ્કાનનાં શરીરનો ડાબો ભાગ જમણા ભાગ કરતાં વધારે વિકસીત હતો. તે એક ચિંતાનો વિષય હતો પરંતુ ધીમે ધીમે મુસ્કાન સાજી થવા લાગી અને આજે અમને અમારી દીકરી પર ગર્વ છે."


ડૉક્ટરે મુસ્કાનનાં માતા-પિતાને સલાહ આપી કે તેઓ ન્યૂઝિલેન્ડ શિફ્ટ થઈ જાય. ત્યાં મુસ્કાનનો ઇલાજ સારી રીતે થઈ શકશે. ઉપરાંત ત્યાંનો સમાજ પણ વધારે મુક્ત વિચારધારા ધરાવતો છે. આ વાતને ધ્યાનમાં રાખીને મુસ્કાન અને તેનાં માતા-પિતા વર્ષ 2004માં ન્યૂઝિલેન્ડ શિફ્ટ થઈ ગયાં.

માત્ર સાડા ચાર વર્ષની મુસ્કાને પોતાની જાતને ન્યૂઝિલેન્ડમાં એડજસ્ટ કરવી એટલું સરળ કામ નહોતું. શરૂઆતના તબક્કામાં મુસ્કાન વસ્તુને સમજવામાં સામાન્ય કરતાં વધારે સમય લેતી હતી. તેના કારણે મુસ્કાનને અન્ય બાળકો સાથે ભળવામાં તકલીફ પડતી હતી. પરંતુ આવી સ્થિતિ થોડો સમય જ રહી પછી મુસ્કાને વસ્તુઓને સમજવાનું શરૂ કર્યું. આજે મુસ્કાન એક લેખક, રેડિયો જોકી અને મોટિવેશનલ સ્પિકર છે. તેણે પોતાની ઇચ્છાશક્તિથી તમામ મુશ્કેલીઓને દૂર કરી. ન્યૂઝિલેન્ડની એક પબ્લિક હોસ્પિટલમાં મુસ્કાનના પગની કરેક્ટિવ સર્જરી થઈ. મુસ્કાનને આંખે ચશ્મા છે અને તે થોડું ધીમે ચાલે છે. પરંતુ મુસ્કાનનાં હૃદયમાં જે ત્રણ છિદ્રો હતાં તે સમયની સાથે આપમેળે ભરાઈ ગયાં છે.


જ્યારે મુસ્કાન છ વર્ષની હતી ત્યારે તેનાં ભાઈ અમનનો જન્મ થયો. ભાઈનાં જન્મથી મુસ્કાનનાં જીવનમાં એક નવો ઉત્સાહ છવાઈ ગયો. ભાઈનાં જન્મથી મુસ્કાન ખૂબ જ ખુશ હતી અને તેણે એક મોટી બહેનની જેમ જવાબદારીઓ નિભાવવાની શરૂ કરી. તે અમનની સાથે રમતી હતી અને અમનની દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખતી. આ બધી નાની-મોટી વાતોને કારણે મુસ્કાનની અંદર વિશ્વાસ જગાડવાનું શરૂ કર્યું. આજે મુસ્કાન એક લેખક છે. તેણે પોતાની પહેલી ટૂંકી વાર્તા 'માય ફ્રેન્ડ ગણેશા' લખી હતી. આ વાર્તાને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ન્યૂઝિલેન્ડ સરકાર દ્વારા પસંદ કરવામાં આવી. ત્યારબાદ મુસ્કાને પોતાની આત્મકથા 'આઈ ડ્રિમ' લખી. આજે તેની આત્મકથા વેસ્લી ગર્લ્સ હાઇસ્કૂલ અભ્યાસક્રમનો એક ભાગ છે. મુસ્કાન પણ તે જ શાળામાં ભણે છે. મુસ્કાન જણાવે છે કે તેનાં ખૂબ ઓછા મિત્રો હોવાને કારણે તેણે લખવાનું શરૂ કર્યું. કેડ ટોક્સમાં તે બોલી ચૂકી છે કે માણસ કેવી રીતે પોતાની અંદર રહેલી હિંમતના જોરે વિપરીત પરિસ્થિતિનો સામનો કરી શકે છે. તાજેતરમાં જ તેણે ફેસ્ટિવલ ઓફ ફ્યુચરમાં એક વક્તા તરીકે ભાગ લીધો હતો. 

મુસ્કાન જણાવે છે કે તેની સામે જે કોઈ પણ વિપરીત પરિસ્થિતિ આવી છે તે સારાં કારણ માટે જ આવી છે. તેને મિત્રો બનાવવામાં તકલીફ પડતી હતી અને તે પોતાની જાતને એકલી અનુભવ્યા કરતી હતી. આ સ્થિતિના કારણે જ તે લેખન કાર્ય માટે પ્રેરિત થઈ. મુસ્કાન પોતાની કલમ મારફતે પોતાનાં મનને હળવું કરે છે. તેનાં મનમાં જે પણ વિચાર આવે છે તેને તે કાગળ ઉપર ઉતારી દે છે. તેનાં લેખનથી લોકોને પ્રેરણા મળે છે અને તેના કારણે જ તેને રેડિયો તરાનામાં રેડિયો જોકી તરીકે કામ કરવાની તક મળી છે. રેડિયો તરાના ન્યૂઝિલેન્ડનું પ્રખ્યાત રેડિયો સ્ટેશન છે અને મુસ્કાન તેના પર બાળકોનો કાર્યક્રમ હોસ્ટ કરે છે. આ કામ તે માત્ર 12 વર્ષની ઉંમરથી કરતી આવી છે. મોટી થઈને મુસ્કાન એક ફોરેન્સિક વૈજ્ઞાનિક બનવા માગે છે. મુસ્કાન હાલ 11મા ધોરણમાં ભણે છે અને અંગ્રેજી, સ્પેનિશ તેમજ રસાયણવિજ્ઞાન તેના પ્રિય વિષયો છે. તેનો ભાઈ અમન તેનો ખૂબ જ સારો મિત્ર છે. માતા-પિતા ઘરે ન હોય ત્યારે બંને જણા ઘરની સંભાળ રાખે છે. મુસ્કાનને ખાવાનું બનાવવાનું ખૂબ જ પસંદ છે અને ખાસ કરીને બેકિંગ મેથડથી બનેલી વાનગીઓ બનાવવી તેને ખૂબ જ ગમે છે.

Related Stories