સામાજિક સંસ્થા ‘સાથી હાથ બઢાના’ના સ્થાપક જાનકી વિશ્વનાથ સાથે ખાસ મુલાકાત

0

જાનકી વિશ્વનાથે 1988માં TISSમાંથી હ્યુમન રિસોર્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. તેમને બ્લુ ચિપ કંપનીઝ, ટ્રાવેલ, કારકિર્દી અને નાણાં મેળવવાની ઇચ્છા હતી. એ અરસામાં જ તેજ ગતિએ કારકિર્દી આગળ વધી, વિદેશ પ્રવાસ કર્યો અને લગ્ન થઈ ગયાં. 33 વર્ષે તેમણે પુત્રીને જન્મ આપ્યો. પછી તેમણે કારકિર્દીને તિલાંજલિ આપી ગૃહિણી બનીને જીવનના એ તબક્કાને પણ ભરપૂર માણ્યો. સમય જતાં તેમની પુત્રી 3 વર્ષની થઈ અને પ્લે-સ્કૂલમાં જવા લાગી. જાનકી હવે ઘરની બહાર નીકળીને કશુંક કરવા ઇચ્છતાં હતાં. ત્યાર પછી તેઓ પૂણે શહેરમાં વસ્યાં અને ઔંધમાં રહેવા લાગ્યાં. આશ્ચર્યજનક રીતે એ વિસ્તારમાં કોઈ બુક સ્ટોર નહોતો. ત્યાર પછી તેમણે ટ્વિસ્ટેન્ટલ્સ શરૂ કર્યું જે બુક સ્ટોર કરતાં પણ ઘણું વધુ હતું. તેમણે 11 વર્ષ સુધી સફળતાપૂર્વક સ્ટોર ચલાવ્યો. સ્ટોર સારી રીતે ચાલવા લાગતાં વધુ એક ડગલું માંડવાનું શરૂ કર્યું, તેમણે લેખિકા તરીકે ઝંપલાવ્યું અને તેમણે જ્યારે Twistntales (ટ્વિસ્ટેન્ટલ્સ) સ્ટોર બંધ કરવાનો નિર્ણય લીધો.

ટ્વિસ્ટેન્ટલ્સ સ્ટોર બંધ કર્યાના એક વર્ષ પછી તેમણે સામાજિક સંગઠન ‘સાથી હાથ બઢાના’ શરૂ કર્યું.

સાંપ્રત સમયની ઝડપી અને ડિજિટલ જીવનશૈલીને કારણે માનસિક તણાવ અનુભવતા લોકોને મદદ કરવાનો SHBનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હ્યુમન રિસોર્સના અભ્યાસને કારણે જાનકી હંમેશાં નવા ટ્રેન્ડ્સ પર ધ્યાન આપતાં હતાં. આપણો સમાજ આધુનિક બની રહ્યો છે, પરંતુ આપણામાં નૈતિક ફરજો અંગે એટલી જ ઉદાસીનતા હોવાનું તેમને બહુ વેળાસર સમજાઈ ગયું હતું. ઘરેલુ હિંસા, બાળકોની જાતીય સતામણી, આત્મહત્યા અને અન્ય સામાજિક સમસ્યાઓ આપણા જીવન પર વધુ અસર કરે છે. જાનકી કહે છે,

“હા, ગાય રસ્તા પર મુક્ત રીતે ફરી શકતી નથી, પરંતુ રસ્તો પસાર કરતી ગાયને જોઈને વાહનચાલકોને અકળાતાં મેં જોયા છે.”

સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે એક જ ધ્યેય માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. અને ‘સાથી હાથ બઢાના’ નામ, એ અન્ય સંગઠનો સાથે મળીને કામ કરવાનું સૂચન કરે છે.

નવતર વિચાર સાથે શરૂ થયેલી SHB સંસ્થાએ અત્યારે નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે. જીવનમાં અતિશય તણાવ અનુભવતા લોકોને આ સંસ્થા પૂરતી મોકળાશ આપે છે. પોતાની સમસ્યા વિશે વાત કરવા ઇચ્છતી કોઈ પણ વ્યક્તિને સંસ્થા આવકારે છે. સાથેસાથે અતિશય દબાણ અનુભવતા વિદ્યાર્થીઓ, કોઈના પ્રિય સભ્યનું મૃત્યુ થયું હોય, છૂટા થયા હોય તેવી વ્યક્તિઓ સાથે પણ એકાંતમાં ચર્ચા કરવામાં આવે છે. SHB પાસે દયાભાવ સાથે કોઈની વાત સાંભળનારા શ્રોતાઓ છે. અસરકારક શ્રવણથી મનને શાંતિ મળે છે.

SHBનાં કાર્યો વિશે થોડું વધુ

SHB દ્વારા મુખ્યત્વે ત્રણ ક્ષેત્ર – કરુણા, જાતીય સમસ્યા અને જીવનકૌશલ્ય – પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

વ્યક્તિ સાથે કરુણા દાખવવામાં પણ સાંભળવાની સાથેસાથે એક જુદો પ્રોગ્રામ “Caring for the Caregiver” પણ તૈયાર કર્યો છે, જેમાં દરકાર કરનાર તમામ લોકોની એક જૂથબેઠક યોજવામાં આવે છે અને તેના થકી તેઓ બીજાને તણાવને મુક્ત થવામાં મદદ કરે છે. સંસ્થામાં દર બુધવારે વરિષ્ઠ નાગરિકો માટેનો સ્માર્ટ ફોન પ્રોગ્રામ પણ ચાલે છે.

જાતીય સમસ્યાઓમાં SHB શાળાઓમાં, યુવાનો સાથે અને કોર્પોરેટ્સ સાથે કામ કરે છે. શિક્ષકો-બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા બાળકો સાથે કરાતી જાતીય સતામણી અંગે બાળકોને જાગ્રત કરવા માટે SHB શાળાઓમાં કાર્યશાળાનું આયોજન કરે છે. ઉપરાંત પોસ્કો (પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ) કાયદાની ભલામણો અંગે પણ માહિતી આપવામાં આવે છે. યુવાનો, ખાસ કરીને ધોરણ-9ના વિદ્યાર્થીઓ અને તેનાથી મોટા યુવાનોને જાતીયતા, લૈંગિક, બીબાંઢાળ, અભિવ્યક્તિ અને ઓળખ અંગે માહિતગાર કરવામાં આવે છે. અંતમાં, કામના સ્થળે થતી જાતીય સતામણી અટકાવવા માટે જાગૃતિ લાવવાના પ્રયાસમાં કોર્પોરેટસને પણ સાંકળવામાં આવે છે.

જાનકી અને તેની સહકર્મચારી વિભા અધિકૃત કૉચ છે, જે જીવનકૌશલ્ય માટે અન્ય લોકોને માર્ગદર્શન આપે છે. આઇટીઆઇ સહિતનાં અન્ય શૈક્ષણિક સંસ્થાનોમાં તેમના અભ્યાસક્રમમાં પણ જીવનકૌશલ્યને સાંકળી લેવામાં પણ તેઓ મદદરૂપ થાય છે. સ્વયંસેવકોની મદદથી આ ત્રણેય ક્ષેત્રમાં કામ કરવામાં આવે છે.

SHBની અન્ય પ્રવૃત્તિઓમાં પૂણેના ઔંધ સ્થિત SHBના બિલ્ડિંગમાં શનિવારે સવારે ચલાવાતી કાર્યશાળાઓને બહોળો હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો છે. આ કાર્યશાળાઓમાં કુશળ શિક્ષકો દ્વારા લોકોને નવાંનવાં કૌશલ્ય શીખવવાની તાલીમ આપવામાં આવે છે.

જાનકીને પોતાના કામથી દરેક વર્ગના વધુને વધુ લોકોને લાભ મળશે અને ધીરેધીરે પરિવર્તનનું મોજું આવશે, તેવી આશા છે. જાનકીનું સંગઠન હાલમાં પોતાના જ ભંડોળમાંથી ચલાવાય છે, શાળાઓ અને કંપનીઓમાં ચલાવાતા પ્રોગ્રામ્સ માટે મળતું આર્થિક વળતર સંસ્થાના પ્રોજેક્ટ્સ માટે વપરાય છે.

જાનકી કહે છે, 

"પરિવર્તનશીલ વિશ્વમાં જો આપણે આપણો દૃષ્ટિકોણ નહીં બદલીએ તો આપણે માનસિક અને સામાજિક તાણ વેઠવી પડશે. હું જાણું છું કે એક વ્યક્તિ પરિવર્તન લાવી ન શકે, પરંતુ આપણે સૌ ભેગા મળીને પરિવર્તન લાવી શકીએ. સંગઠન એ આગળ વધવા માટેનો માર્ગ છે."


અતિથી લેખક- ગુંજન પારૂલકર

અનુવાદક- YS ટીમ ગુજરાતી

 

આ લેખમાં દર્શાવાયેલા દૃષ્ટિકોણ અને મંતવ્યો લેખિકાના પોતાના છે અને યોરસ્ટોરી તેની સાથે સંમત હોય તે જરૂરી નથી.

Related Stories

Stories by YS TeamGujarati