RJની ગ્લેમરસ જોબ છોડી ડીજીટલ મીડિયામાં છવાઈ ટ્રેન્ડસેટર અદિતિ રાવલ! 

2

હંમેશાં ચુલબુલા અંદાજમાં દેખાતી અને સંભળાતી RJ અદિતિ અમદાવાદીઓની ફેવરીટ તો જોતજોતામાં બની ગઈ. પણ અચાનક અદિતિએ RJ જેવી ગ્લેમરસ જોબને બાય.. બાય કેમ કહી દીધું એ સવાલ સૌ કોઈના મનમાં છે જ. રેડિયો જોકી તરીકેની નોકરી છોડ્યા બાદ હાલ અદિતિ શું કરી રહી છે? કેમ તેણે અચાનક રેડિયો ઇન્ડસ્ટ્રીને અલવિદા કીધું? કેવી રીતે RJ અદિતિ આજે સોશિયલ મીડિયામાં છવાઈ ટ્રેન્ડસેટર તરીકે.. જાણીએ ખુદ અદિતિ રાવલ પાસેથી...

સવાલ- RJ અદિતિ કે અદિતિ રાવલ, શું લખીશ તો વધારે ગમશે?

અદિતિ રાવલ કહેશો તો વધારે ગમશે. એમાં કોઈ ડાઉટ નથી કે મારી ઓળખ RJ અદિતિ તરીકેની છે અને એટલે મારા લોગોમાં આજે પણ RJ રાખ્યું છે તેમ છતાં અદિતિ રાવલ કહેશો તો વધારે ગમશે. કારણ કે જ્યારે હું RJ નહોતી બની ત્યારે પણ, કોલેજ ટાઈમથી જ મનોરંજન તો કરતી જ આવી છું પછી તે ડાન્સિંગ હોય કે કોરિયોગ્રાફી, ફોટોગ્રાફી હોય કે ફેશન શો. 

સવાલ- કેમ અચાનક RJing છોડવાનો નિર્ણય લીધો?

ના, આ કોઈ અચાનક પ્લાન નહોતો. મેં ૬ મહિના લીધા હતા આ નિર્ણય લેવામાં. બધા જ પાસા વિચાર્યા હતા અને ત્યારબાદ આ પગલું લીધું. હવે તેમ કેમ કર્યું તે પાછળ મારો કંઇક નવું જાણવાની અને શીખવાની ધગશ હતી તેમ કહી શકું. મારે રેડિયો પર RJing છોડવું નહોતું પણ છોડવું પડ્યું. હું છેલ્લા 8 વર્ષોથી પ્રાઈમ ટાઈમ RJ હતી એટલે મારે કંઈ શીખવું હોય જેના માટે રજા જોઈતી હોય કે પછી 2-3 મહિના કરિયર બ્રેક લેવો હોય તો પણ શક્ય નહોતું બની રહ્યું. માત્ર એક RJ તરીકે જ નહીં પરંતુ હું મ્યુઝિક મેનેજર, પ્રોડ્યુસર, સાઉન્ડ એન્જિનિયર, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ જેવા ઘણાં કામમાં ભાગ લેતી. અને એ કામ કરતાં કરતાં જ મને સોશિયલ મીડિયા ક્ષેત્રે વધુ જાણવાની, કંઇક કરવાની ઈચ્છા થઇ. મને લાગ્યું કે આ ક્ષેત્રમાં ઘણું નવું શીખવા જેવું છે. એ સમયે મને સોશિયલ મીડિયા મેનેજ કરવા ઘણી ઓફર્સ પણ આવતી પણ એ ક્ષેત્રે કંઈ વધારે સમજ જ ન હોવાથી એમાં આગળ જ નહોતી વધતી. એવામાં મેં કંપની પાસે 2 મહિનાનો કરિયર બ્રેક માંગ્યો અને સોશિયલ મીડિયા ક્ષેત્રે કંઇક શીખવાની ઈચ્છા જાહેર કરી. મારે આગળ વધવું હતું. પણ મને રજા મળે તેમ નહોતું. ત્યારબાદ આ દિશામાં વિચારવાનું શરૂ કર્યું. 6 મહિના જેટલો સમય પસાર થઇ ગયો અને આખરે એક દિવસે ન ગમે તેવો નિર્ણય લેવો પડ્યો. 

મને બીજી રેડિયો કંપનીઝમાંથી પણ ઓફર્સ આવી પણ મારે બ્રાન્ડ્સ કલેશ નહોતી કરવી. મારા ફેન્સને કન્ફયુઝ નહોતા કરવા. અને મારા એ નિર્ણય પર હું અડગ રહી. જોકે મારી આ ગ્લેમરસ નોકરી છોડ્યે મને 1 વર્ષ થઇ ગયું ત્યારે હજી પણ મને યાદ છે કે આ નિર્ણય લેવો મારા માટે ખૂબ જ અઘરો હતો. RJ બનવું એક એક ગ્લેમરસ જોબ છે. એક અલગ જ દુનિયા છે. લોકો તમને, તમારા અવાજથી ઓળખે છે. 

સવાલ- તો હાલ શું કરી રહી છે?

Now I am a Social Media Infotainer you can say. Yes, હવે સોશિયલ મીડિયાને જાણી ગઈ છું. મેં જ્યારે રેડિયો ઇન્ડસ્ટ્રી છોડી ત્યારે બધા મને કહેતા કે મારી ફેન ફોલોઈંગ ઓછી થઇ જશે. મેં બહુ વિચાર્યું. આખરે બદલાવ એટલો જ આવ્યો જે હું રેડિયો પરથી કહેતી તે હવે સોશિયલ મીડિયા દ્વારા કહેવા લાગી. હવે 'રીઅલ ટાઈમ જોકી' બની ગઈ. હું વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મૂવી રીવ્યૂઝ, કે ઇવેન્ટ-મૂવી પ્રમોશન તો કરું જ છું પણ સાથે સાથે હવે હું વિવિધ સામાજિક મુદ્દાઓને પણ વિડીયો સ્વરૂપે લોકો સુધી પહોંચાડું છું જેથી જે-તે વિષય પર લોકોમાં જાગરૂકતા આવે. સમાજની સારી બાબતોને હવે હું અલગ રીતે સોશિયલ મીડિયા પર મૂકું છું. પહેલા રેડિયો પર પણ હું મૂવી રીવ્યૂઝ, ટ્રેઈલર અનાઉન્સમેન્ટ્સ, લાઈવ ઇવેન્ટ કવરેજ, સ્ટોરીઝ લોકો સામે લાવતી હતી જે હવે સોશિયલ મીડિયા મારફતે લાવું છું. હવે તો સ્ટુડન્ટ્સ મારી પાસે આવે છે સોશિયલ મીડિયાના એક્સપર્ટ થવા.

એ સિવાય, હું હાલ પેનોરમા સ્ટુડીઓઝમાં અર્બન ગુજરાતી ફિલ્મ્સ માટે Regional Supervising Producer તરીકે પણ કામ કરી રહી છું. આ કંપનીના MD સાથે હું ટ્વીટર પર કનેક્ટ થઇ. હું મુંબઈ જ્યારે પણ જઉં ત્યારે બોલિવૂડના ઘણાં લોકોને મળવાનું રહેતું હોય. એજ સમય દરમિયાન નક્કી કર્યું કે હવે ગુજરાતી ફિલ્મ્સ વિશે પણ કામ કરીશું. (હસતાં હસતાં) હાલ ગુજરાતી મૂવી કે તેનું ટ્રેઈલર લોન્ચ થાય એ પહેલા પણ રીવ્યૂ કરવાનું કામ કરી લઉં છું.

સવાલ- RJ ક્યારે અને કેવી રીતે બની?

વર્ષ 2007ની વાત છે. ન્યૂઝપેપરમાં RJના ઓડિશન આપવાની જાહેરાત આવી. ત્યારે મેં T.Y.Bcomની પરીક્ષા આપી હતી. (હસતાં હસતાં બોલે છે) પાછી રીઝલ્ટની પણ એવી કોઈ ખાતરી નહીં કે પાસ જ થઈશ. મારી એક ફ્રેન્ડની મમ્મીએ આ જાહેરાતની મને જાણ કરી અને મારી ફ્રેન્ડે મારું ફોર્મ ભરી દીધું. એ સમયે રેડિયોનો સેકંડ ફેઝ હતો. 3 રાઉન્ડ હતા, મારું પરફોર્મન્સ ત્રણેયમાં કંઈ એટલું જોરદાર ન રહ્યું. એ લોકો જે પૂછતા એનો મને જવાબ નહોતા આવડતા પણ છતાં હું આત્મવિશ્વાસ સાથે જવાબ આપતી. જજીસને મારી એ ક્વોલિટી પસંદ પડી. અને સાથે જ મને લોકલ નોલેજ ખૂબ હતું જે મારો પ્લસ પોઈન્ટ રહ્યો. મને સિલેક્ટ કરી લેવાઈ. Outdoor Broadcaster તરીકેની પ્રોફાઈલ મને આપાઈ. ટ્રેઈનિંગ માટે જયપુર ગયા. અને લાઈવ જવાના 15 દિવસ પહેલા મને કહેવાયું કે હું પ્રાઈમ ટાઈમ મોર્નિંગ શો કરીશ અને એ પણ એક એવા RJ સાથે જે સાહિત્યનો માણસ અને મને કંઈ જ ખબર ન પડે એમાં. જોકે પાછી 15 દિવસમાં મને off air કરાઈ અને ઇવનિંગ શો કરવાનું કહ્યું અને એ એક એવા RJ સાથે જેને અંગ્રેજી જ આવડે અને મને ગુજરાતી અને હિન્દી જ આવડે. અને ત્યારબાદ એક વર્ષ સુધી મેં એકલીએ ઇવનિંગ શો કર્યો અને પછી લાગ્યું કે હવે બહુ થયું છોડવાના 1 મહિનામાં બીજું રેડિયો સ્ટેશન જોઈન કર્યું. જ્યાં હું RJing ઉપરાંત મ્યુઝિક મેનેજરનું પણ કામ શીખી. અને એ સિલસિલો 7 વર્ષ સુધી ચાલ્યો. પણ પછી શું? એક સમય એવો આવી ગયો કે મને લાગ્યા કરતું કે મારે હજી આગળ વધવું છે, ઘણું નવું શીખવું છે પણ બંધાયેલી હોઉં એવું પણ લાગતું હતું.  

સવાલ- ઇન્કમનું શું? RJ હોઈશ ત્યારે તો મસ્ત સેલેરી પણ હશે. હાલ શું?

અફકોર્સ, મારી સેલેરી ખૂબ સરસ હતી. અને સેલેરી કરતા એક RJ તરીકે તમને જે સગવડો મળે તે પણ મસ્ત હતી, જે આજે મને નથી મળતી. પણ આ જોબ દરમિયાન મેં એટલું સેવ કર્યું છે કે આગામી 2 વર્ષ સુધી વાંધો નહીં આવે. અને આ પરિસ્થિતિ માટે હું માનસિક રીતે તૈયાર હતી. હાલ મારી બચતમાંથી જરૂર પડે તો ખર્ચ કરું છું. મેં પહેલેથી પાપાના પૈસા નથી વાપર્યા. હાલ હું જે પણ કરી રહી છું તે મારું ઇન્વેસ્ટમેન્ટ છે. પણ મને ચોક્કસપણે ખાતરી છે કે હાલ હું જે પણ કંઈ કરી રહી છું તે સમયની સાથે મને વધુ સફળ બનાવશે અને આનાથી 5-10 ગણું હું કમાઈશ.

સવાલ- આ જર્નીમાં કોનો કોનો સપોર્ટ રહ્યો? કોને Thank You કહીશ?

સૌથી પહેલા તો મારા માતા-પિતાનો. મારા પિતા બિઝનેસમેન અને ખેડૂત છે જ્યારે મમ્મી હાઉસવાઈફ. એ બંનેએ મને મારા દરેક નિર્ણયમાં સાથ આપ્યો છે. મારા પરિવારમાં મોટા ભાગે સૌ ડૉક્ટર્સ છે અથવા તો IT ક્ષેત્રે સંકળાયેલા. અને મને પહેલેથી ભણવામાં રસ ખરો, પણ તેના કરતા ઈત્તર પ્રવૃત્તિઓમાં વધારે રસ. પછી એ કોઈ રમતગમતની પ્રવૃત્તિ હોય કે પછી ચિત્રકામ. અને એ દરેક બાબતમાં, મારી પસંદ-નાપસંદમાં પણ મને દરેક રીતે સપોર્ટ મળ્યો છે. હું RJની જોબ માટે જ્યારે સિલેક્ટ થઇ ગઈ ત્યાં સુધી ઘરે કોઈને એ ઓડિશન વિશે ખબર જ નહોતી. પણ પછી જયપુર જવાનું થયું એટલે કહેવું પડ્યું ઘરે. ત્યારે મને 10 હજાર પગારની ઓફર હતી. તે સમયે પણ તેઓ મારી સાથે ઉભા રહ્યાં. My Mom is a big support to me. અને જ્યારે મેં મારી જોબ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે પણ મારા નિર્ણય પાછળનો મારો આશય સમજીને તેમણે મને સપોર્ટ કર્યો. જ્યારે કે આસપાસના અને પરિવારના લોકો મને ગાંડી કહેવા લાગ્યા કારણ કે હું આટલી સારી નોકરી છોડી રહી હતી. પણ મારી મમ્મીએ કીધું કે 'તારું મન કહે એવું કર.'

એ સિવાય મારા ફ્રેન્ડસનો પણ મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. અને મારા લિસનર્સ કહો કે વ્યૂઅર્સ, તેમના સિવાય હું કંઈ જ નથી. આજે હું જે કંઈ પણ છું એ તેમના લીધે જ છું. સારું અને કંઇક નવીન, કંઇક અલગ કામ કરતા રહેવા એ લોકો જ મને પ્રોત્સાહિત કરે છે. સો, હું તમને બધાને Thank You કહીશ!

સવાલ- RJમાંથી એકાએક યુથ મારે Trendsetter કેવી રીતે બની?

મેં ક્યારેય પણ કોઈ પણ કામ ટ્રેન્ડ સેટ કરવાના આશયથી નથી કર્યું. મારી સામે આવતું કોઈ પણ કામ હું અલગ રીતે લોકો સામે લાવું છું અને લોકોને તે પસંદ પડે છે અને તેને ફોલો પણ કરે છે. 

સેલ્ફી વર્કશોપ- ઇન્ડિયાની સૌથી પહેલી સેલ્ફી વર્કશોપ મેં યોજી. એ પણ કોઈ પ્લાન પ્રમાણે નહોતું. હું એક દિવસ LJIMC ના MD વિરલ શાહ સર સાથે વાત કરી રહી હતી કે લંડનમાં આવી કોઈ સેલ્ફી વર્કશોપ યોજાઈ તો અહીં પણ થવી જોઈએ. તો એમણે મને જ તેનું આયોજન કરવાનું કહ્યું અને તે ઇવેન્ટ હિટ રહી.

પ્રોજેરીયા અવેરનેસ- હું મુંબઈ ગઈ અને ત્યાં આ રોગ વિશે મને ખબર પડી. મેં નિહાલનો ઇન્ટરવ્યૂ કર્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. અને ત્યારબાદ લોકો પ્રોજેરીયા બીમારી કેવી હોય છે તે નિહાલ થકી જાણવા મળ્યું. હવે નિહાલ આપણી વચ્ચે નથી રહ્યો. પણ મારો એ પ્રયત્ન રહ્યો કે મારી અને નિહાલ વચ્ચેની આ મુલાકાત થકી લોકોને આ બીમારી વિશે જાગરૂકતા કેળવાય. 

#ShowcaseUttarayan- મારે ઉત્તરાયણની ઉજવણી કંઇક અલગ રીતે કરવી હતી. અને મેં વિચાર્યું કે ઉત્તરાયણની આ અલગ ઉજવણીમાં લોકોને પણ જોડીએ. તો હું ઘણાં સેલીબ્રીટીઝને મળી અને #ShowcaseUttarayan માટે સપોર્ટ માંગ્યો. અને આ #ShowcaseUttarayanની ઉજવણી એટલી મજેદાર અને સફળ રહી કે ટ્વીટર ઇન્ડિયાએ #ShowcaseUttarayan ફેસ્ટિવલને ટ્વીટર મૂવમેન્ટ દ્વારા ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચાડ્યો. 

સવાલ- કોઈ પણ ઉદ્યોગસાહસિકને તેનો બિઝનેસ વધારવા સોશિયલ મીડિયા કઈ હદ સુધી ઉપયોગી થઇ શકે? તને શું લાગે છે?

સાચું કહું તો બિઝનેસમેને સોશિયલ મીડિયાને લઈને પોતાની સમજ અને દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. જેમ ટીવી, પ્રિન્ટ કે રેડિયોમાં જાહેરાત આપતી વખતે કોઈ ગેરંટી નથી હોતી કે કેટલો બિઝનેસ મળશે તેવું જ અહીં પણ છે. પણ સોશિયલ મીડિયા પર જાહેરાત કરતી વખતે બધા રીટર્નની જ અપેક્ષા રાખીને બેસે. સોશિયલ મીડિયાનો ઉપયોગ માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે થવો જોઈએ નહીં કે સેલ્સના એક વિકલ્પ તરીકે.

સવાલ- ફ્યુચર ગોલ્સ શું છે?

મારે મારી કંપની લોન્ચ કરવી છે જે ફિલ્મ પ્રમોશન, કન્સેપ્ટ ડેવલોપમેન્ટ, સ્ટ્રેટેજી પ્લાનિંગ જેવા કામ કરશે. હાલ તેની જ બધી પ્રોસેસ ચાલી રહી છે પણ હું કોઈ સારી અર્બન ગુજરાતી મૂવીની રાહ જોઈ રહી છું જેની સાથે જોડાઈને હું મારી કંપની લોન્ચ કરું. એ સિવાય એવા ઘણાં કામ છે અને ગોલ્સ છે જે ભવિષ્યમાં હું ચોક્કસથી કરીશ. જેમ કે;

- બોલિવૂડની કોઈ પણ ફિલ્મ ગુજરાતમાં આવે અને સોશિયલ મીડિયા પ્રમોશન કરાવે તો તેમાં મારી કંપની કે હું જ આગળ રહું

- જેમ કોઈ પણ પ્રેસ કોન્ફરન્સમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની મોટી સંખ્યામાં હાજરી હોય છે તેવી જ રીતે એવો માહોલ ઉભો કરું કે સોશિયલ મીડિયા પ્રમોટર્સ માટે પણ અલગથી જગ્યા ઉભી થાય.

- ગુજરાતી ફિલ્મ્સનું માર્કેટિંગ બોલિવૂડ સ્ટાઈલથી કરીએ તેવું પ્લેટફોર્મ પૂરું પાડું

- અદિતિ રાવલ એ બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મ્સ વચ્ચેનો બ્રિજ બને

- લોકલ, આપણા ગુજરાતની ટેલેન્ટને આગળ વધવા મળે તેવી પ્રવૃત્તિઓ કરું

- સામાજિક મુદ્દાઓ વિશે સોશિયલ મીડિયા થાકી જાગરૂકતા ફેલાવવી છે

આજે હું ગુજરાતના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સના લિસ્ટમાં બીજા નંબર પર છું. પહેલા નંબર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને એમના બાદ મારો નંબર છે જે મારા માટે ખૂબ ખુશીની વાત છે.

સવાલ- શું લાગે છે આજનું યુથ કેમ નોકરી છોડીને કોઈ સ્ટાર્ટઅપ કે પછી ધંધો શરૂ કરવાની કેમ વધુ પસંદ કરે છે?

કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ કંપની સાથે વર્ષો સુધી જોડાયેલી રહે અને સમય આવ્યે તેને ખબર પડે કે આટલું કર્યા બાદ પણ તે બંધાયેલી છે. ત્યારે આપણને થાય કે આટલી જ મહેનત આપણે આપણા માટે કરીએ તો? જેમાં બંધાવું ના પડે. આપણા નિયમો હોય. કોઈને રીપોર્ટ નહીં કરવાનું. સાથે જ જેટલી મહેનત તેટલું વધારે વળતર. કામ કર્યાનો સંતોષ પણ થાય. સાથે જ આજના યુથને કોર્પોરેટ પોલિટીકસમાં કોઈ રસ નથી. એવા ઘણાં કારણો છે જેના લીધે આજનું યુથ પોતે જ કંઇક કરવા તરફ પ્રેરાય છે. 

છેલ્લે એટલું જ કહીશ કે, સમય હવે બદલાયો છે અને આજના ન્યૂ એજ મીડિયાને સમજનારા લોકોની સંખ્યા ગુજરાતમાં પણ વધે, લોકલ ટેલેન્ટ એક સ્ટેપ વધારે આગળ વધે, લોકોને પોતાના કરિઅર માટે ડીજીટલ મીડિયા પર વધારે સારી તકો મળે અને અર્બન ગુજરાતી મૂવીઝને વધારે આગળ લઇ જઈએ તે દિશામાં હું હંમેશાં પ્રયત્નશીલ રહીશ. 

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

આખરે કેમ રિયા શર્મા બ્રિટનમાં ફેશન ડિઝાઈનિંગનું કરિયર છોડી લાગી ગયાં એસિડ પીડિતોની મદદમાં....

‘મુક્કા માર’ અભિયાન - છેડતી કરનારાઓને પાઠ ભણાવવા છોકરીઓ થઇ સજ્જ

રસ્તાઓ પર 3D ઝેબ્રા ક્રોસિંગ બનાવીને અકસ્માત ઘટાડવામાં લાગી છે અમદાવાદની મા-દીકરીની આ જોડીKhushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories