ઉર્દુના કારણે એક ગામની કિસ્મત બદલાઈ ગઈ, અત્યાર સુધી 100 લોકોને મળી સરકારી નોકરી

0

કહેવાય છે ને કે, પ્રામાણિકતાથી કરેલા પ્રયાસો ઘણી વખત ઘણી જિંદગી માટે એવું કરી આપે છે જેનો કોઈને અંદાજ પણ નથી હોતો. તેના માટે જરૂર છે માત્ર એક ડગ માંડવાની, પહેલ કરવાની. આવી જ પહેલ કરી જયપુરથી 100 કિ.મી. દૂર ટોંક જિલ્લાના સેંદડા ગામના મીણા સમાજના લોકોએ. આજે સ્થિતિ એ છે કે આ ગામના 100થી વધારે લોકો પાસે સરકારી નોકરીઓ છે.

ટોંક જિલ્લાના સેંદડા ગામની સરકારી સ્કૂલમાં અગિયારમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને બેસવા માટે બેન્ચ પણ નથી. પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી, છતાં સ્કૂલમાં બાળકોની ભીડ હોય છે. તેનું કારણ છે અહીંયાના ઉર્દુના શિક્ષક. સરકારે આ સ્કૂલમાં ઉર્દુ શિક્ષકની વ્યવસ્થા કરી છે. બાળકોની ભીડ જામે તે સ્વાભાવિક છે. ઉર્દુનો અભ્યાસ રોજગારની ગેરંટી બની ગયો છે. સૌથી મોટી વાત એ છે કે અહીંયા દૂર દૂર સુધી લઘુમતીની વસતી નથી છતાં સમગ્ર ગામ ઉર્દુના અભ્યાસમાં જોડાયેલું છે. પરિણામ એ છે કે 2,000ની વસતી ધરાવતા ગામના દરેક ઘરમાં કોઈને કોઈ ઉર્દુના કારણે સરકારી નોકરી કરે છે.

ઉર્દુ ભણનારા લોકોમાં છોકરીઓની સંખ્યા પણ વધારે છે. ગામની જ એક છોકરી સીમાએ યોરસ્ટોરીને જણાવ્યું,

"અમારા ગામમાં ઉર્દુના અભ્યાસ બાદ ઘણા લોકોને નોકરી મળી છે. તેના કારણે અમે પણ વિચાર્યું કે અમેય ઉર્દુનો અભ્યાસ કરીએ જેથી અમને પણ નોકરી મળી જાય."

આ પરિવર્તન પાછળ ગામના જ કેટલાક લોકો છે જેમની નજર ઉર્દુ દ્વારા અનુસુચિત જાતિ અને જનજાતિને મળનારી નોકરીઓની જાહેરાત પર ગઈ. પછી તો શું, લોકોએ પોતાના ગામની સ્કૂલમાં ઉર્દુના શિક્ષક રાખવા માટે સરકારને વિનંતી કરી. લોકોની અરજીને ધ્યાનમાં રાખીને સરકારે અગિયારમા ધોરણમાં ઉર્દુ શીખવવા માટે એક શિક્ષકની નિમણૂંક કરી દીધી. આ સરકારી સ્કૂલમાં સંસ્કૃતનો અભ્યાસ થતો હતો, પણ ઉર્દુ શિક્ષક આવ્યા પછી છોકરાઓએ સંસ્કૃતના બદલે વૈકલ્પિક વિષય તરીકે ઉર્દુની પસંદગી શરૂ કરી દીધી. ઉર્દુના શિક્ષક દરરોજ 60 કિમી દૂરથી અભ્યાસ કરાવવા આવે છે. બાળકોને ઉર્દુ શિખવાની એટલી તલબ છે કે તેમને વધારાના તાસ લેવા પડે છે. ઉર્દુનો અભ્યાસ માત્ર અગિયાર અને બાર ધોરણમાં જ થતો હોવાથી શિક્ષકોને ખૂબ જ મહેનત કરવી પડે છે. ઉર્દુનો અભ્યાસ કરાવતા શિક્ષક મહમૂદે યોરસ્ટોરીને જણાવ્યું,

"અહીંયા લેક્ચરરની જગ્યા હતી પણ કોઈ ઉર્દુ લેક્ચરર ન મળતા અમને જૂનિયર શિક્ષકોને જ અભ્યાસ માટે નિયુક્ત કરી દેવાયા પણ બાળકોનો જુસ્સો જોઈને અમે ટોંકથી વધારાના વર્ગો લેવા વહેલા આવી જઈએ છીએ."

સ્કૂલના પ્રિન્સિપાલ નાથૂલાલ મીણાને એ વાતની ખુશી છે કે બાળકોની સંખ્યા વધી રહી છે. તેઓ જણાવે છે,

"સ્કૂલમાં કોઈ સુવિધા નથી પણ અહીંયા ઉર્દુ શિખવાનો જુસ્સો એટલો છે કે ઉર્દુની ભરતીમાં ગામના તમામ બાળકો પાસ થઈ જાય છે. આ બાળકો ઉર્દુનો એકપણ વર્ગ ખાલી છોડતા નથી. ત્રણ વર્ષ પહેલાં ગામ લોકોની વિનંતીના કારણે સંસ્કૃત દૂર કરીને ઉર્દુ ભણાવવાનું શરૂ કરાયું. તેનું કારણ પણ ખાસ છે. માત્ર 2000ની વસતી ધરાવતા સેંદડા ગામની તકદીર ઉર્દુએ બદલી નાખી છે. ઉર્દુ શીખવું રોજગારની ગેરંટી બની ગયું છે. ગામમાં આજે લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિને ઉર્દુના કારણે સરકારી નોકરી મળી છે. બાળકોને જોઈએ તો ખૂબ જ વિશ્વાસથી ઉર્દુ શીખે છે. સૌથી સારી બાબત એ છે કે તેમાં છોકરીઓની સંખ્યા વધારે છે."

ઉર્દુના કારણે નોકરી મેળવીને લેક્ચરર બનનાર ગોપાલ મીણા જણાવે છે,

"અમારા ગામથી શહેર જઈને ઉર્દુનો અભ્યાસ કરીને સરકારી નોકરી મેળવી ત્યારે અમે વિચાર્યું કે ઉર્દુમાં રોજગારની શક્યતાઓ વધારે છે તો અમે ઉર્દુનો અભ્યાસ શરૂ કરી દીધો અને આ વર્ષે મને રાજસ્થાન સરકારમાં ઉર્દુના લેક્ચરર તરીકે નોકરી મળી ગઈ. ખુશીની વાત એ છે કે અમારા ગામના 14 લોકોને લેક્ચરરની નોકરી મળી ગઈ."

બીજી તરફ ઘણા બાળકો ઉર્દુના અભ્યાસમાં આવતી મુશ્કેલીઓથી પરેશાન છે. આ બાળકોનું કહેવું છે કે, આમ અભ્યાસમાં કોઈ મુશ્કેલી નથી પણ અગિયારમા ધોરણથી ઉર્દુનો અભ્યાસ આવે છે તેથી થોડું આકરું લાગે છે. તેઓ માને છે કે સરકાર પહેલા ધોરણથી ઉર્દુનો અભ્યાસ કરાવવાની વ્યવસ્થા કરે તો ખૂબ જ સારું રહે. ઘણા બાળકો એવું પણ માને છે કે થોડી મુશ્કેલી પડે છે પણ સારી બાબત એ છે કે તેના કારણે નોકરી મળી જાય છે.

જે ગામમાં અલ્પસંખ્યક સમાજની એકપણ વ્યક્તિ નથી ત્યાં ખૂબ જ રસ સાથે ઉર્દુ શિખવામાં આવે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાષાનો ન તો કોઈ ધર્મ હોય છે ન તો તેના પર કોઈનો એકાધિકાર છે. માત્ર ઉર્દુના કારણે ગામમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને મેડિકલ, ભાષા શિક્ષણ અને સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી મળી ગઈ. ગામના બાળકો જણાવે છે કે, તેમના ગામના જ લોકો ઉર્દુની નોકરીઓના ખાલી પદ પર નોકરીઓ મેળવશે. એક ગામ જ્યાં પહેલાં ગરીબી હતી, સરકારી નોકરી સ્વપ્ન સમાન હતી આજે એ જ ગામમાં ઉત્સાહ છે, ખુશી છે, આનંદ છે. આ આનંદનું કારણ માત્ર ઉર્દુ છે.

લેખક- રૂબી સિંહ

અનુવાદ- મેઘા નિલય શાહ

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

કન્યા ભૃણ હત્યા વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યાં છે કોલેજના એક પ્રોફેસર

RTI ટી સ્ટોલ, અહીં દરેક સમસ્યાનું સમાધાન છે!

'ગૃહિણીઓ રંગોળી બનાવી શકતી હોય તો ગ્રાફિક ડિઝાઇન પણ કરી જ શકે'

Related Stories