'રંગરેજ' ગૃહિણીઓના જીવનમાં નવા રંગો ભરે છે!

'રંગરેજ' ગૃહિણીઓના જીવનમાં નવા રંગો ભરે છે!

Monday October 26, 2015,

5 min Read

'રંગરેજ' ઈન્દોરમાં આવેલો એક હેન્ડ પેઈન્ટિંગ ડિઝાઈન સ્ટૂડિયો છે. એક જાણીતા ડિઝાઈન સ્ટૂડિયો તરીકે રંગરેજે ગૃહિણીઓમાં રહેલી કલાને વિકસાવવાનું અને દુનિયા સામે લઈ જવાનું નક્કી કર્યું. આજના સમયમાં તેમની કલાના નમૂના વિશ્વભરમાં વખણાય છે.

'રંગરેજ'માં કામ કરતા 60 કર્મચારીઓમાંથી 90 ટકા કર્મચારીઓ ગૃહિણીઓ છે અને તેઓ ખૂબ જ પ્રોફેશનલ, પ્રતિબદ્ધ અને આત્મનિર્ભર કર્મચારીઓ પણ છે. 31 વર્ષીય મનિષાનું ઉદાહરણ જોઈએ. તે સવારે પાંચ વાગ્યે ઉઠીને પરિવાર માટે ભોજન તૈયાર કરે છે કારણ કે તેણે પણ 8 વાગ્યે સ્કૂલ જવાનું હોય છે. તેને રાત્રે 11 વાગ્યે 'રંગરેજ' તરફથી તાત્કાલિક ઓર્ડરનો ફોન આવે છે. તે રાત્રે બે વાગ્યા સુધી જાગીને તેણે કામ પૂરું કર્યું અને સવારે સ્કૂલ જવા દરમિયાન પોતાનું કામ વર્કશોપ પર આપી પણ દે છે.

'રંગરેજ'ને કેવી રીતે ઝળહળતા કર્મચારીઓ મળ્યા?


image


'રંગરેજ'ના સ્થાપક નીતિ અને ગગન જૈનના જીવનમાં એક રસપ્રદ વળાંક આવ્યો હતો અને ત્યારથી તેમણે હેન્ડ પેઈન્ટેડ વસ્ત્રો અને હોમ ડેકોરનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. તે સંપૂર્ણ રીતે સ્વસંચાલિત હતો. 2013માં YourStoryએ તેમની સાથે ચર્ચા કરી હતી. ત્યાં સુધીમાં તેમણે જયપુરી કલાકારોની મદદથી પોતાનો પહેલો ઓર્ડર પૂરો કરી દીધો હતો. આ કલાકારો દ્વારા અનેક વખત કલાની દુર્દશા વિશે શોક વ્યક્ત કરવામાં આવતો અને તેઓ ધીમે ધીમે તેનાથી દૂર થતા ગયા. આ યુગલ જ્યારે ઈન્દોર પહોંચ્યું તો તેમને આશા હતી કે તેમને થોડાઘણા કલાકારો મળશે જે તેમની રેન્જ પ્રમાણે હેન્ડ પેઈન્ટેડ વસ્ત્રો અને હોમ ડેકોરનો સામાન તૈયાર કરી આપે. તેમણે જ્યારે અખબારમાં જાહેરાત આપી તો તેમના આશ્ચર્ય વચ્ચે અનેક ગૃહિણીઓએ અરજી કરી. મહિલાઓને આનાથી વિશેષ શું જોઈએ. 'રંગરેજ' ખાતેના દરેક કર્મચારી પાસે પોતાના જીવનની, સંઘર્ષની હૃદયસ્પર્શી વાત છે. 40 વર્ષની નિધિ જૈન એવા પરિવારમાંથી આવે છે જ્યાં પરંપરાના આધારે મહિલાઓને કોઈપણ કામ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી.


image


તેમના સંતાનો જ્યારે મોટા થઈ ગયા ત્યારે તેમણે પોતાના કલાપ્રેમને જાગ્રત કર્યો. ટૂંક સમયમાં જ તેને પોતાના પરિવારના વિચિત્ર માનસનો કડવો અનુભવ થયો. તેમ છતાં જ્યારે 'રંગરેજ'ની સ્થાપના થઈ ત્યારે તેણે તમામ વિરોધો સહન કરવાનું નક્કી કરી લીધું. સમયાંતરે તેમના પતિને તેમના કલા પ્રત્યેના લગાવનો અનુભવ થયો અને વર્કશોપ ખાતે તેમને મળેલા અસ્તિત્વની સમજ આવી. નિધિ જણાવે છે કે, જ્યારે તેમને તેમના દરેક કાર્ય માટે 'રંગરેજ' તરફથી પૈસા ચૂકવવામાં આવતા તેના કારણે લોકોનું તેમના પ્રત્યેનું વર્તન બદલાવા લાગ્યું અને તેમને સન્માન મળવા લાગ્યું.

નીતિ જણાવે છે કે, "અહીંયા વર્કશોપમાં મહિલાઓ આત્મિયતાની લાગણી અનુભવે છે. અમે દર મહિને એક મીટીંગ કે સભાનું આયોજન કરીએ છીએ જેથી બધા અહીંયા ભેગા થાય અને એકબીજા સાથે વાતો કરે, ચર્ચા કરે, પરિચય કેળવે જેથી તેમનામાં રહેલી ક્ષમતાઓ ઉજાગર થાય અને તેઓ મુક્ત રીતે રહી શકે. 26 વર્ષની દિવ્યા છે જે કાયમ કપડાં પર ચિત્રો દોરતી હોય અથવા તો ટેબલ ઘડિયાળમાં રંગો પૂરતી હોય જ્યારે તેનો બાકીનો પરિવાર ટીવી જોતો હોય છે. તેણે જણાવ્યું કે, રંગરેજે મને કામ ઘરે લઈ જવાની પરવાનગી આપી છે. તેના કારણે હું સવારે વહેલી જાગી જાઉં છું અને મારા રોજિંદા કામો ઝડપથી પતાવીને પેઈન્ટિંગ કરવા લાગું છું.

રંગરેજનું માળખું

રંગરેજ ઈ-કોમર્સ વેબસાઈટના માધ્યમથી ડેનિમ્સ, ટી-શર્ટ જેવા હેન્ડ પેઈન્ટેડ વસ્ત્રોનું વેચાણ કરે છે તો બીજી તરફ ટેબલ ક્લોક, ડેકોરેટેડ બોટલ, તકિયાના કવર, મીની પેઈન્ટિંગ્સ તથા સ્લિંગ બેગ, પાસપોર્ટ હોલ્ડર, હેન્ડબેગ અને ક્લચીસ જેવી એકસેસરીઝ પણ વેચે છે. કલાકારો તેમની કળાના વૈયક્તિક નમૂના પર પેમેન્ટ મેળવે છે અથવા તો તેઓ ઈચ્છે તો 'રંગરેજ'ના કર્મચારી તરીકે કામ કરીને માસિક પગાર પણ મેળવી શકે છે. આ કલાકારો માટે સૌથી મહત્વની વાત એ છે કે તેમની કલાના નમૂના સમગ્ર વિશ્વમાં ફેલાય છે. દુબઈ, ઓમાન, સિંગાપુર અને યુએસમાં તેમને અનેક ગ્રાહકો મળી રહે છે. બીજી મહત્વની વાત એ છે કે ગ્રાહકે જે વસ્તુ મંગાવી હોય તેની સાથે એક નાનકડું કાર્ડ પણ મોકલવામાં આવે છે જેમાં તે વસ્તુને તૈયાર કરનાર કલાકારની જીવનગાથા ટૂંકમાં વર્ણવેલી હોય છે.

આપણને એમ થાય કે તો પછી તેમના સ્પર્ધકો કોણ છે? લગભગ કોઈ નહીં. ગગન જણાવે છે કે, વર્તમાન સમયમાં કેટલાક કોરિયન અને જાપાની કલાકારો પ્રોફેશનલ છે જે ડેનિમ અને અન્ય વસ્ત્રો પર હેન્ડ પેઈન્ટિંગ કરે છે, પણ તેમની પાસે અમારા જેવું બિઝનેસ મોડલ નથી. આ માર્કેટ સાવ અયોગ્ય રીતે ફેલાયેલું છે.

અન્ય કલાકારો અને સામાજિક અસરો

અહીંયા ગૃહિણીઓ જ કલાકારો છે તેવું નથી. અહીં ઘણી બધી પ્રેરણાદાયક વાતો છે. તેમાંથી એક ખૂબ જ રસપ્રદ વાત છે 39 વર્ષના રામદાલ ત્રિપાઠીની, કે જે મધ્ય પ્રદેશના સતના જિલ્લાના વતની છે. પહેલાં તે જાહેરાતોના વિશાળ બોર્ડ બનાવીને પોતાની આજીવિકા મેળવતા હતા. 


image


તેના કારણે તેમની આર્થિક સ્થિતિ ડામાડોળ રહેતી. તેમના પુત્રનો અભ્યાસ ચાલુ રહે તે માટે તેઓ ઈન્દોર આવી ગયા. તેઓ જ્યારે 'રંગરેજ' આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમના માટે પણ વ્હાઈટ કોલર જોબ છે. તેઓ જણાવે છે કે, હવે મારે 44 ડિગ્રી તાપમાન વચ્ચે પણ રસ્તાઓ પર જાહેરાતો દોરવા નથી જવું પડતું. હું હવે એક સરસ વર્કશોપમાં બેસીને કામ કરું છું જેની આસપાસ મારી મનગમતી બાબત એટલે કે કલા ફેલાયેલી છે.


image


'રંગરેજ' ખાતે રામદાલને આરામથી કામ કરવા મળે છે અને તે ખૂબ જ સરળતાથી પોતાના બ્રશને ફેરવી શકે છે. વધુમાં કહીએ તો હવે તો તેઓ ટ્રેઈનર બની ગયા છે અને નજીકના ગામ મનવર ખાતે એક કાર્યક્રમમાં તેમણે 100થી વધારે કલાકારોને તાલિમ પણ આપી હતી.

રંગરેજમાં વોલપુટ્ટી પેઈન્ટર, પ્યૂન, ફાઈન આર્ટના વિદ્યાર્થીઓ, કમ્પ્યૂટર ગ્રાફિક ડિઝાઈનર અને તેમની કલાકારોની એક ટીમ છે જેમને સન્માનજનક કામ મળ્યું અને સાચી ઓળખ મળી. આવો સામાજિક બદલાવ રાતોરાત નથી આવતો. નીતિ જણાવે છે કે, "દરેક કલાકારને હેન્ડ પેઈન્ટિંગમાં મહારત મેળવતા ઓછામાં ઓછા 15 દિવસથી માંડીને અનેક મહિનાઓ પણ લાગી જાય છે. અમે તેમને સકારાત્મક પ્રેરાણા આપીને તેમની સાથે કામ કરીએ છીએ. એક સમય હતો જ્યારે હું અને ગગન ટિફિન પેક કરીને અમારી બે વર્ષની દીકરીને લઈને નીકળતા અને કલાકારોના ઘરે ઘરે જઈને ઓર્ડર આપતા હતા. અમને તેમના પરિવાર અને પતિ પાસેથી ઘણી અપેક્ષા હતી. અમે જ્યારથી આ કલાકારોને કામ પર રાખ્યા છે ત્યારથી અમારા માટે આ એક બિઝનેસ થઈ ગયો છે. દિવસના અંતે જ્યારે અમે કોઈ કલાકારના મોંઢેથી સારી વાત સાંભળીએ અથવા તો માત્ર શોખ ધારવનાર વ્યક્તિ સાચા અર્થમાં પ્રોફેશનલ બની જાય એ જ અમારું સાચું વળતર છે.