રસ્તાઓ પર 3D ઝેબ્રા ક્રોસિંગ બનાવીને અકસ્માત ઘટાડવામાં લાગી છે અમદાવાદની મા-દીકરીની આ જોડી

0

દેશમાં દર વર્ષે દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. સરકાર આ પ્રકારના અકસ્માતોને રોકવા માટે ભલે ગમે તેવા પગલાં લેતી હોય પરંતુ અમદાવાદની મા-દીકરીની જોડીએ આ પ્રકારના માર્ગ અકસ્માતો ઉપર અંકુશ મેળવવા માટે એક કલાત્મક રસ્તો શોધી કાઢ્યો છે. સૌમ્યા પંડ્યા ઠક્કર અને તેની માતા શકુંતલા ઠક્કરે ખૂબ જ કુશળતાથી ઝિબ્રા ક્રોસિંગને થ્રીડીમાં પેઇન્ટ કરીને નવું સ્વરૂપ આપ્યું છે. મા-દીકરીની આ જોડીએ વિદેશમાંથી પ્રેરણા લઈને ઝેબ્રા ક્રોસિંગને સપાટ જમીન ઉપર એવી રીતે દોર્યું છે કે વાહન ચાલકોને તે ઉપસેલું દેખાય છે. તેના કારણે તેઓ આપમેળે જ પોતાનું વાહન ધીમું પાડી દે છે. જેના કારણે અકસ્માતથી બચી શકાય છે.

મૂળે સૌમ્યા પંડ્યા ઠક્કર એક વ્યાવસાયિક ચિત્રકાર છે. તે છેલ્લાં 15 વર્ષથી પેઇન્ટિંગ કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેમણે સૌથી લાંબું એક્વા શેડો પેઇન્ટિંગ બનાવ્યું છે. જેના કારણે તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝમાં નોંધવામાં આવ્યું છે. વ્યાવસાયિક ચિત્રકલાનાં તેમનાં આ કામને તેઓ પોતાની માતા શકુંતલા ઠક્કર સાથે મળીને કરે છે. આ અનોખી પહેલ વિશે સૌમ્યા જણાવે છે,

"એક વખત મને હાઇવે અંગેનું કામ કરી રહેલી ઓથોરિટીનો ફોન આવ્યો. તેમણે મને જણાવ્યું કે તેમને મહેસાણા હાઇવે ઉપર પેઇન્ટિંગ કરાવવું છે. રોડ ઓથોરિટીના અધિકારીઓએ મને જણાવ્યું કે પશ્ચિમી દેશોમાં ઝેબ્રા ક્રોસિંગ થ્રીડીમાં પેઇન્ટ કરવામાં આવે છે. તેઓ એવું જ પેઇન્ટિંગ મહેસાણા હાઇવે ઉપર બનાવવા માગે છે. મહેસાણા હાઇવે ઉપર અનેક સ્કૂલ્સ અને કોલેજ આવેલી છે. તેના કારણે અહીં ઘણાં માર્ગ અકસ્માતો સર્જાતા હતા."

સૌમ્યા વધુમાં કહે છે,

"અમે તેમને 2-3 ડિઝાઇન્સ મોકલાવી હતી જેને તેમણે બે-ત્રણ દિવસમાં જ પાસ કરી દીધી. ત્યાર બાદ અમે હાઇવે ઉપર થ્રીડીમાં પેઇન્ટ કર્યું."

સૌમ્યાના જણાવ્યા અનુસાર તેઓ એક ચિત્રકાર છે. અને લોકોને તેમનું કામ ખૂબ જ ગમ્યું છે. લોકો તેમના આ પેઇન્ટિંગ વિશે રોજ અનેક પ્રકારની માહિતી માગે છે. જ્યારે હાઇવે ઓથોરિટીના લોકો તેમની પાસે આવ્યા તો તેમણે જણાવ્યું કે આનાથી તેઓ માર્ગ અકસ્માતમાં સો ટકા ઘટાડો તો ન કરી શકે. પરંતુ આના મારફતે ઘટાડો કરવાની કોશિશ જરૂરથી કરી શકાય છે. આ પેઇન્ટિંગને કારણે માર્ગ અકસ્માતમાં ઘટાડો નોંધાયો છે પરંતુ કેટલો ઘટાડો નોંધાયો છે તેનો ડેટા તેમની પાસે નથી. તેઓ જણાવે છે કે ફોટા જોઈને ઘણા લોકો તેમને પૂછે છે કે તે જોવામાં તો ખૂબ જ ડરામણું લાગે છે તેને જોઈને ડ્રાઇવર અચાનક જ બ્રેક મારી દેશે.

સૌમ્યાના જણાવ્યા અનુસાર,

"આપણી આંખો 2ડી પેઇન્ટિંગ જ જોઈ શકે છે. થ્રીડી પેઇન્ટિંગ જોવા માટે આપણે ચશ્મા પહેરવા પડે છે. અને એક ચોક્કસ અંતરથી અને ચોક્કસ એન્ગલથી જ આપણે કેમેરા થકી તેને જોઈ શકીએ છીએ. પરંતુ રસ્તે ચાલનારાઓને આ ત્રાંસી લાઇનો કેટલાક અલગ પ્રકારના રંગો અને ડિઝાઇનમાં દેખાય છે. તેના કારણે તેઓ ઝેબ્રા ક્રોસિંગને તેઓ ધ્યાનથી જુએ છે."

મહેસાણા હાઇવે ઉપરના ટ્રાયલ બાદ હાઇવે ઓથોરિટી તેના આસપાસ પણ કેટલાંક ઝિબ્રા ક્રોસિંગ અલગ પ્રકારે પેઇન્ટ કરાવી રહી છે. જેથી લોકોનું વધુમાં વધુ ધ્યાન તેની તરફ જાય.

પોતાની ભવિષ્યની યોજનાઓ અંગે તેમનું કહેવું છે કે તેમના પ્રયાસો રહેશે કે દેશનાં અન્ય નેશનલ હાઇવે ઉપર પણ થ્રીડી ટેકનિક કે ઇનોવેટિવ રીતે ઝિબ્રા ક્રોસિંગ રંગવામાં આવે. તેઓ કહે છે,

"નેશનલ હાઇવે ઓથોરિટી પોતાની યોજનાઓમાં ઝડપથી ફેરફાર નથી કરતી પરંતુ ક્યારેક ને ક્યારેક તો આપણે પહેલી વખત પ્રયાસ કરવો જ પડશે. જો અમને કામ કરવાની પરવાનગી મળે તો અમારી પાસે બીજાં ઘણા આઇડિયા છે. જેને લાગુ પાડીને અકસ્માતમાં ખૂબ જ ઘટાડો કરી શકાય છે."

લેખક- ગીતા બિશ્ત

અનુવાદક- મનીષા જોશી

Related Stories