ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને આધારે જીવનશૈલીને લગતા રોગો દૂર કરે છે CureJoy

0

જ્યારે આધુનિક ચિકિત્સા પદ્ધતિ પાસે કથળતી જતી શારીરિક સ્થિતિ અંગેના જવાબો ખૂટી જાય છે ત્યારે આપણી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અને શિસ્ત જેમ કે યોગ, કુદરતી ઉપચાર અને આયુર્વેદ અત્યારની જીવનશૈલી સાથે વણાયેલા રોગો જેવા કે ડાયાબિટિસ, હાયપરટેન્શન અને અસ્થમાના ઇલાજમાં કારગર નીવડે છે. આ બાબતે કંઇક નવી શરૂઆત કરવા માટે શ્રીનિવાસ શર્મા અને દિક્ષાંત દવે આ ક્ષેત્રના નિષ્ણાતોને મળ્યા અને તેમણે અનુભવ્યું કે આ ક્ષેત્રે અનેક સંશોધનો ચાલી રહ્યા છે. સ્ટેનફોર્ડ અને યુસીએલએ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં આ વિજ્ઞાનને લગતાં સંશોધનો કરવા માટેના ખાસ વિભાગો અને ગ્રૂપ બનાવ્યા છે.

પોતાની શરૂઆત કરતાં આ બેલડીએ આ ક્ષેત્ર અંગેની માહિતી અને જ્ઞાન લોકોને આપવા માટેનું નક્કી કર્યું. તેમણે શરૂઆતમાં અખતરો કરીને જોઈ જોયું કે લોકો કુદરતી ઉપચારને અપનાવવા માટે આગળ આવે છે કે નહીં. આ પ્રયોગ દરમિયાન તેમને અનેક લોકો એવાં મળ્યા કે જેઓ આધુનિક ચિકિત્સા પદ્ધતિથી અસંતુષ્ટ હતા અને તેમણે 'ક્યોરજોય'ની સ્થાપના કરી.

વર્ષ 2013, ઓક્ટોબરમાં બેંગલુરુ અને સાનફ્રાન્સિસ્કો સ્થિત સ્થાપવામાં આવેલું 'ક્યોરજોય' કુદરતી આરોગ્ય અને તંદુરસ્તી અંગે કન્ટેન્ટ તેમજ માહિતી આપે છે. 'ક્યોરજોય'ના સીઈઓ દિક્ષાંતે જણાવ્યું હતું કે લોકોને અહીંથી વિશ્વસનીય માહિતી, તેમજ કેટલાક આરોગ્યને લગતા પ્રશ્નોના જવાબો મળે છે તેમજ નિષ્ણાતોની સલાહ પણ મેળવી શકે છે. આ પ્લેટફોર્મ કુદરતી આરોગ્ય અને તંદુરસ્તી અંગે સાચવી રાખવામાં આવેલું કન્ટેન્ટ નિષ્ણાતો મારફતે લોકોને આપે છે. આ નિષ્ણાતો સ્ટેનફોર્ડ અને યુસીએલએ જેવી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

વિકાસ અને ભંડોળ

છેલ્લા છ ત્રિમાસિક ગાળાથી 'ક્યોરજોય'નો વિકાસ દર ત્રિમાસિકગાળા દરમિયાન 100 ટકાના દરે થઈ રહ્યો છે. તેની સાઇટની મુલાકાત દર મહિને 80 લાખ લોકો લે છે. આ કંપની ફેસબુક ઉપર પણ પોતાની હાજરી ધરાવે છે અને તે કોમ્યુનિટીના 27 લાખ લોકોએ ફોલો કરી છે. તેના થકી તે ફેસબુક એન્ગેજમેન્ટ અંગેની ટોચની 3 કંપનીઓમાંની એક બની ગઈ છે. હાલમાં તેઓ ભારત, યુએસએ, ઓસ્ટ્રેલિયા અને અંગ્રેજી બોલતાં યુરોપિયન દેશોને પ્રાથમિકતા આપી રહ્યાં છે. આગામી આઠ ત્રિમાસિક ગાળામાં 'ક્યોરજોય'નું લક્ષ્ય વિવિધ ભાષાઓમાં કન્ટેન્ટ આપીને જર્મની, ફ્રાન્સ અને સ્પેન સહિતના 5 કરોડ વપરાશકારો સુધી પહોંચવાનું છે.

ચાલુ વર્ષના સપ્ટેમ્બર માસમાં 'ક્યોરજોય'ને રૂ. 7 કરોડ (11.5 લાખ ડૉલર)નું ભંડોળ મળ્યું છે. આ ભંડોળ એક્સેલ પાર્ટનર્સ દ્વારા આપવામાં આવ્યું છે. આ દરમિયાન તેમનો કેટલાક ઉદ્યોગસાહસિકો દ્વારા પણ સંપર્ક સાધવામાં આવ્યો છે જેમાં સુબ્રતા મિત્રા, લેરી બ્રેટમેન, વેન્ક ક્રિશ્નન વગેરેનો સમાવેશ થાય છે. કંપની આ ભંડોળનો ઉપયોગ ભારત તેમજ અન્ય દેશોમાં તેમની સેવાઓનું વિસ્તરણ કરવા પાછળ કરશે. તે તેની ટીમનું વિસ્તરણ કરીને કંપનીને સક્ષમ બનાવશે.

ઉપરાંત કંપની તેની નજીકનાં વિષયો જેમ કે ખોરાક, સૌંદર્ય અને બાળઉછેર અંગેની સેવાઓ પણ શરૂ કરવા અંગે વિચારી રહી છે.

બજાર અને સ્પર્ધા

સમગ્ર વિશ્વમાં કુદરતી અને વૈકલ્પિક ચિકિત્સા પાછળ 200 અબજ ડૉલરનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. માત્ર ભારતમાં જ તેની પાછળ 4.5 અબજ ડૉલર ખર્ચવામાં આવી રહ્યા છે.

દિક્ષાંતે જણાવ્યું હતું કે હાલના ટ્રેન્ડને જોતાં એમ લાગી રહ્યું છે કે લોકો પરંપરાગત ચિકિત્સા કરતાં વૈકલ્પિક ચિકિત્સા પાછળ વધુ ઝડપથી ખર્ચ કરી રહ્યા છે. દર વર્ષે વધુમાં વધુ વ્યક્તિઓ કુદરતી અને વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ તરફ વળી રહ્યા છે. તેમને તેમના તમામ લાભો વિશેની જાણકારી છે. હાલમાં અમારી વાર્ષિક આવક રૂ. 4 કરોડની છે. તે જોતાં આગામી બે વર્ષમાં તે વધીને રૂ. 100થી રૂ. 120 કરોડ થવાનો અંદાજ છે.

સ્પર્ધા અંગે દિક્ષાંતે જણાવ્યું હતું કે આ ક્ષેત્ર એકદમ નવું છે અને આ પ્લેટફોર્મે તેનું પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. આ ક્ષેત્ર વિશાળ હોવાને કારણે કોઈ એક જ ખેલાડી તેના ઉપર એકહથ્થુ સામ્રાજ્ય ભોગવી શકે તેમ નથી. અમારું સ્થાન અત્યારે સારી સ્થિતિમાં છે અને અમારી પાસે સારી ટીમ, ક્ષમતા અને કુદરતી ઉપચાર તેમજ આરોગ્યનાં ક્ષેત્રે ટકી રહેવા માટે યોગ્ય વિઝન છે.

પડકારોનો સામનો

સ્ટાર્ટઅપ એક અઘરું કામ છે. ઘણાં એવા કારણો છે કે જે તમારા વિકાસ અને ટકી રહેવા ઉપર અસર કરે છે. અમારા બજાર હિસ્સામાં ઘણા ઉતારચડાવ આવ્યા છે. માણસની છેવાડાની જરૂરીયાતને ઓળખીને તેને પૂરી કરવી ખૂબ જ કપરું કામ છે. અમે અમારી જે સેવા બજારમાં રજૂ કરી તેની પાછળ અનેક અભ્યાસ અને સંશોધનો કર્યા છે. આ સ્તર અમે પસાર કર્યું પરંતુ સ્ટાર્ટઅપનો સંઘર્ષ હંમેશા ચાલ્યા કરે છે. અમે સતત પડકારોનો સામનો કરીને તેને દૂર હડસેલવાના પ્રયાસો કરીએ છીએ. અત્યાર સુધી અમે તેમાં સફળ રહ્યા છીએ અને અમને આશા છે કે અમે ભવિષ્યમાં પણ તેમાં સફળ રહીશું. તેમ દિક્ષાંતે જણાવ્યું હતું.

વેબસાઇટ

લેખક – તૌસિફ આલમ

અનુવાદક – YS ટીમ ગુજરાતી

Related Stories