પાનની દુકાનમાંથી પુસ્તકો વેચવાનાં ‘સપના’, 7 વખત વખત ‘લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્ઝ’માં મેળવ્યું સ્થાન

0

એ 1967નું વર્ષ હતું કે જ્યારે બેંગલુરુંના ગાંધીનગર વિસ્તારમાં આવેલી એક નાનકડી પાનની દુકાનમાં પાન-મસાલા સાથે પુસ્તકોનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું. 10 ફૂટ બાય 10 ફૂટની દુકાન ઘણો બધો સામાન વેચવા માટે નાની પડતી હતી અને વિસ્તરીને રસ્તાની ધારે આવી ગઈ હતી. પહેલાં પુસ્તક તરીકે લિલિપુટની ડિક્શનરીનું વેચાણ કરવામાં આવ્યું હતું. તેને વેચતી વખતે તેના માલિકે વિચાર્યું પણ નહોતું કે તેમના દ્વારા રોપવામાં આવેલું આ બીજ એક દિવસ દેશનાં સૌથી મોટાં પ્રકાશનોમાં સ્થાન પામશે.

‘સપના બૂક હાઉસ’ની સફળતાની ગાથા કોઈ પરીકથાથી ઓછી નથી. તેની શરૂઆત એક નાનકડી પાનની દુકાનથી થઈ હતી અને હાલમાં આટલા મોટા મુકામ સુધી પહોંચી ગઈ છે. એક નાનકડી શરૂઆતથી આજે તેનો સમાવેશ દેશનાં સૌથી મોટાં પ્રકાશન ગૃહોમાં કરવામાં આવે છે તે પણ એક પ્રેરણાદાયક વાત છે. વર્ષ 1967માં પહેલું પુસ્તક વેચ્યા બાદ તેમણે ઝડપથી પ્રગતિનો પંથ પકડી લીધો. 10 વર્ષ બાદ 1977માં તેમણે ગાંધીનગર વિસ્તારમાં જ 1200 વર્ગ ફૂટની પોતાની જગ્યા ખરીદીને રિટેઇલ આઉટલેટ શરૂ કર્યું હતું. વર્ષ 2015ની વાત કરીએ તો સપના બુક હાઉસના બેંગલુરુંમાં 8 રિટેઇલ સ્ટોર્સ સહિત કુલ 12 સ્ટોર્સ છે. આ ઉપરાંત, તેના અન્ય 3 સ્ટોર્સ ટૂંક સમયમાં શરૂ થવાના છે. હાલમાં આ જૂથ એક એવાં સ્તરે પહોંચી ગયું છે કે જ્યાં પહોંચવાનું સપનું તેના સ્થાપક સુરેશ શાહ દ્વારા જોવામાં આવ્યું હતું. સપના ઇન્ફોવેઝ પ્રા. લિ.ના સ્થાપક તેમજ સીઈઓ નિજેશ શાહ કહે છે, “અમારી સફળતા કદાચ તેમની આશાઓ કરતાં પણ આગળ નીકળી ગઈ હશે. આજે અમારી પાસે 1000 કરતાં પણ વધુ લોકોની મજબૂત ટીમ છે. અને અમારું નામ સતત સાત વખત લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્ઝમાં આવી ચૂક્યું છે.”

હાલના સમયમાં મોટાભાગના પ્રકાશકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મથી રહ્યા છે તેવામાં સપનાની સફળતાનાં રહસ્યો છતાં કરતાં 25 વર્ષીય નિજેશ કહે છે, “યોગ્ય સમયે વેપારનું વૈવિધ્યકરણ. એક લોકપ્રિય અમેરિકન પ્રકાશક બ્રાન્સ એન્ડ નોબલ્સ સમય અનુસાર પોતાને બદલી નહોતા શક્યા અને તેમણે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. તાજેતરમાં જ તેણે પોતાની નીતિઓમાં ફેરફાર કર્યો છે અને તેઓ ફરીથી બજારમાં પોતાનું નામ જમાવવાની કોશિશ કરી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આધુનિક સમય અનુસાર પોતાના વેપારને બદલતા રહો અને બદલતી માગ સાથે તાલમેલ બેસાડો અથવા તો ફના થવા માટે તૈયાર રહો.”

નિજેશે બેંગલુરુંની પ્રસિદ્ધ સેન્ટ જોસેફ કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી ફાઇનાન્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. વેપાર સંભાળ્યાના પોતાનાં દોઢ વર્ષના ટૂંકા કાર્યકાળમાં આ 25 વર્ષીય યુવાને એક નાની દુકાનથી શરૂ કરવામાં આવેલી સપના ઇન્ફોવેને એક મિલિયન ડૉલર કરતાં વધારેનાં મૂલ્યની કંપની બનાવી દીધી છે. હાલમાં સપના જૂથ દ્વારા પ્રકાશન, છૂટક વેચાણ, ટેકનોલોજી, વિતરણ અને ઈ-કોમર્સમાં પણ પોતાનો વેપાર ફેલાવી ચૂક્યું છે. લગભગ 25 વર્ષ પહેલાં 1980માં પ્રકાશનનો વેપાર શરૂ કર્યા બાદતેમની પાસે હાલમાં 5 હજાર શીર્ષકો છે અને તે પણ સરેરાશ રોજનાં 1.5 પુસ્તકોનાં પ્રકાશન સાથે. વર્ષ 2012માં ઈ-કોમર્સનાં ક્ષેત્રે પ્રવેશ્યા બાદ તેના વેપારમાં દિવસે અને દિવસે એટલો બધો વધારો થતો રહ્યો છે કે તેમણે પાછું વળીને જોયું નથી. લોકો માટે એ ખૂબ જ સગવડતા ભરેલું રહે છે કે તેમની જરૂરીયાતની વસ્તુ તેમને માઉસની એક ક્લિક ઉપર મળી જાય. તેઓ ચોક્કસપણે તેને પસંદ કરશે તેમ નિજેશે જણાવ્યું હતું.

સપનાની ઓનલાઇન આવૃત્તિ sapnaonline.comના આઠ લાખ કરતાં વધારે વપરાશકારો છે. ડિસેમ્બર 2014ની સ્થિતિ અનુસાર જૂથની ઓનલાઇન આવૃત્તિએ લગભગ રૂ.7 કરોડ કરતાં વધારેનો વેપાર કર્યો છે. એ વાત પણ ઉત્સાહપ્રેરક છે કે તેમની ઓનલાઇન આવૃત્તિ પ્રતિ વર્ષ 20 ટકાના દરે વિકાસ સાધી રહી છે. તેઓ પ્રતિદિન 1800થી 2000 ઓર્ડર્સ પૂરા કરે છે. અત્યાર સુધીમાં તેમણે એક જ દિવસમાં સૌથી વધુ 4300 ઓર્ડર્સ પૂરા કર્યા છે.

ઓનલાઇન આવૃત્તિ ઉપરાંત તેમના રિટેઇલ સ્ટોર્સ પણ પ્રતિ દિન 3 લાખ લોકોની માગ પૂરી કરવાનો પ્રયાસ કરે છે. સપનાનો આખો વેપાર તેના પોતાનાં જ નાણાં ઉપર ચાલી રહ્યો છે. શિક્ષણનું વિસ્તરી રહેલું ક્ષેત્ર સપનાની પ્રગતિમાં સૌથી મોટો ફાળો આપી રહ્યું છે. નિજેશ કહે છે કે તેમણે શિક્ષણને એક વિકાસ પામી રહેલાં ક્ષેત્ર તરીકે જોયું અને અમને તેમાં યોગ્ય સમયે રોકાણ કરવાનો લાભ પણ મળ્યો. અમે શાળાઓ અને કોલેજો સહિત 11 હજાર સંસ્થાઓને અભ્યાસક્રમની સામગ્રી પૂરી પાડી રહ્યા છીએ. ઉપરાંત અમે ઘાના દેશની રાજધાની અકરામાં પણ એક ઓફિસ શરૂ કરી છે. અને ત્યાં પણ અમે પુસ્તકોની નિકાસ કરીએ છીએ. તે ઓફિસ મારફતે અમે ત્યાંની 4 યુનિવર્સિટીમાં અમારો વેપાર પહોંચાડ્યો છે. ત્યાં એક વર્ષ પહેલાં શરૂ થયેલી ડીપીએસમાં પણ અમે અભ્યાસક્રમની સામગ્રી પહોંચાડીએ છીએ.

ડિસેમ્બર 2014માં વિસ્તરણ કરતાં sapnaonline.comએ ઇશિતા ટેકનોલોજીસ પ્રા. લિ.ની બુકઅડ્ડા ડૉટ કૉમ એકેડઝોન ડૉટ કૉમ અને કૂલસ્કૂલ ડૉટ કૉમ સહિતને ટેકઓવર કરવામાં સફળતા મેળવી હતી. એમ કહેવાની જરૂર નથી કે આ ટેકઓવર શિક્ષણ ક્ષેત્ર ઉપર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરવામાં આવ્યું હતું. નિજેશ કહે છે, “આજકાલ લોકોનું ધ્યાન સ્વ-પ્રકાશન ઉપર વધારે કેન્દ્રિત થઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને અમે પાંચ મહિના પહેલાં સાધારણ લેખકમાંથી સાહિત્યકાર બનવાનું સપનું જોતાં લેખકો માટે એક પ્લેટફોર્મ બનાવ્યું જે અંતર્ગત અમે 22 એવા લેખકોનાં પુસ્તકો પ્રકાશિત કરી ચૂક્યા છીએ.” તેના માટે તેમની પાસે કોઈ જ તંત્રીઓ ન હોવાને કારણે તમામ પુસ્તકોનાં લખાણ માટે તેઓ લેખકને જવાબદાર ગણાવે છે. અમે સામાન્ય લેખકોને સાહિત્યકારની શ્રેણીમાં મૂકવા માટે પ્લેટફોર્મ આપીએ છીએ તેની શરત એટલી જ છે કે તેમનું લખાણ વિવાદાસ્પદ ન હોવું જોઇએ.

આ કામ સાથે જોડાયેલી પડતર અંગે નિજેશ જણાવે છે કે આવા પ્રકાશનનો ખર્ચ રૂ. 10 હજારથી માંડીને અમુક લાખ રૂપિયા સુધીનો થાય છે. જેનો આધાર વિવિધ શરતો તેમજ સ્થિતિઓ ઉપર રહે છે. નિજેશ કહે છે, “અમે આવા જ એક 12 વર્ષના લેખકની વાર્તાનાં પુસ્તકની 200 નકલો પ્રકાશિત કરી હતી. એ પુસ્તકનું પ્રકાશન અમારા માટે સુખદ અનુભવ રહ્યો હતો.”

ભારતીય પ્રકાશન ઉદ્યોગ અંદાજે 40 અબજ ડૉલર કરતાં વધારેનો છે. જે પૈકી તેમાં 4 ટકાનો હિસ્સો ઈ-પુસ્તકોનો છે. વિકાસનો દર 70થી 80 ટકા ઉપર સ્થિર છે. અને ટેકનોલોજીના વધી રહેલા વપરાશને કારણે તેમાં ઘટાડાની કોઈ શક્યતા દેખાતી નથી. હાલની સ્થિતિ ઉપર નજર કરીએ તો સપના બૂક હાઉસ એક એવાં સ્તરે આવીને ઊભું છે કે જે પ્રકાશનનાં બજારના મોટા હિસ્સાને પોતાના કબજામાં લઈ શકે છે.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories