મધુ સિંહ - કેન્સરને હંફાવી નાનાં ભૂલકાં સાથે માતૃત્વનો આનંદ માણતી એક મહિલા ઉદ્યોગસાહસિક

0

મધુએ કેન્સરમાં માતૃત્વનો આનંદ ગુમાવ્યો હતો, પણ તેમણે આ આનંદ મેળવવા રિધમ નામની પ્રિ-સ્કૂલ શરૂ કરી જે આજે દિલ્હીમાં અતિ પ્રસિદ્ધ છે

એક વખત તમને જાણ થાય કે તમને કેન્સર થયું છે, પછી તે તમારા મનમાં ઘુસી જાય અને તમારા જુસ્સાને તોડી નાખે. સામાન્ય રીતે કેન્સર એટલે કેન્સલ જ માનવામાં આવે છે. કેન્સરનો ભોગ બનનાર વ્યક્તિ આ રોગની જાણ થતાં જ અડધું જીવન હારી જાય છે. પણ અહીં યોરસ્ટોરી એવી સ્ટોરી પ્રસ્તુત કરે છે, જેણે કેન્સર સામે બાથ ભીડવાની હિંમત હિમ્મત દાખવી છે. વાત છે 53 વર્ષીય નીડર મહિલા મધુ સિંહની છે, જેઓ પાંચ વર્ષ સતત કેન્સર સામે ઝઝૂમ્યાં હતાં અને અત્યારે નોઇડાની સૌથી વધુ લોકપ્રિય પ્રિ-સ્કૂલના માલિક છે.

રિધમમાં નાતાલની ઉજવણી બાળકો સાથે કરતાં મધુ સિંહ
રિધમમાં નાતાલની ઉજવણી બાળકો સાથે કરતાં મધુ સિંહ

પૃષ્ઠભૂમિ

મધુ ઝારખંડના નાના ઔદ્યોગિક શહેર જપ્લામાંથી આવે છે. અહીં જ તેમણે શાળાનો અભ્યાસ કર્યો હતો. બાળપણથી જ તેઓ સાહસિક હતા, ચિંતા કરવાને બદલે લડી લેવામાં માનતા હતા. ત્રણ ભાઈઓની એક લાડકી બહેન મધુ સંયુક્ત પરિવારમાં ઉછર્યા હતા. જપ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યાં પછી તેમણે રાંચી યુનિવર્સિટીમાંથી ઇતિહાસ વિષયમાં અભ્યાસ કર્યો હતો. તેમની સૌથી મોટી મૂડી આત્મવિશ્વાસ અને મિલનસાર સ્વભાવ છે.

તેમના લગ્ન વર્ષ 1983માં જમશેદપુરની યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં મેનેજર તરીકે કાર્યરત અચલ સિંહ સાથે થયા હતા. અચલ સિંહની નોકરીમાં અવારનવાર બદલી થતી હતી એટલે મધુ તેમના પુત્ર અંકેશ સાથે દેશના અનેક નાના-મોટા શહેરોમાં વસવાટ કર્યો હતો. થોડા વર્ષો પછી તેમના જીવનમાં બધું થાળે પડતું હોય તેવું લાગતાં તેમણે નવું જ પ્રકરણ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ બાળપણથી પોતાનું બ્યુટી પાર્લર ખોલવા ઇચ્છતાં હતાં. પણ ઈશ્વરે તેમના માટે બીજી કોઈ યોજના જ ઘડી હતી.

સંઘર્ષ

મધુ વર્ષ 1988માં બ્યુટી પાર્લર શરૂ કરવાની યોજના બનાવતા હતા, ત્યારે તેમના સ્તનમાં ગાંઠ હોવાનું બહાર આવ્યું હતું. પછી પટણામાં નાની સર્જરી કરીને ગાંઠને દૂર કરવામાં આવી હતી. પણ 1989થી 1992 વચ્ચે વચ્ચે ગાંઠો બહાર આવતી ગઈ અને દર વર્ષે નાના ઓપરેશન થતાં ગયા. પછી પટણાના ડૉક્ટરે તેમની ગાંઠની બાયોપ્સી કરવા માટે મુંબઈમાં ટાટા મેમોરિયલ હોસ્પિટલ (ટીએમએચ) મોકલી. તેનો રિપોર્ટ જે આવ્યો તેનાથી વારંવાર ગાંઠ થવાનું સાચું કારણ બહાર આવ્યું – મધુને કેન્સર હતું.

મધુ - કેન્સર અગાઉ, સારવાર દરમિયાન અને અત્યારે
મધુ - કેન્સર અગાઉ, સારવાર દરમિયાન અને અત્યારે

તેમના જીવનના આ સૌથી વધુ દુઃખદ કાળને વાગોળતા મધુ કહે છે કે, “જ્યારે ટીએમએચના ડૉક્ટરે મને રોગ વિશે જણાવ્યું હતું, ત્યારે તે મારા જીવનનો સૌથી ભયાનક સમય હતો. અમને વિશ્વાસ નહોતો આવતો. અમે ટીએમએચ દોડી ગયા હતા અને ફરી ચકાસણી કરાવી હતી. હું પડી ભાંગી હતી. કેન્સર થવાથી મારા જીવનની ચિઠ્ઠી ફાટી ગઈ છે તેવું હું માનતી હતી. મને હતું કે હવેનો સમય મારા માટે કપરો અને અંતિમ છે. મને મારા સાત વર્ષના પુત્રની ચિંતા હતી. તેનો ચહેરો મને જંપવા દેતો નહોતો. મને એક જ વિચાર આવતો હતો કે – તે કેવી રીતે જીવી શકશે અને હું કેવી રીતે મરીશ?”

ડૉક્ટરે મધુને ટોટલ રેડિકલ માસ્ટેક્ટોમી સર્જરી કરાવવાની સલાહ આપી હતી – એટલે કે સંપૂર્ણપણે સ્તન દૂર કરાવવાનું જણાવ્યું હતું. ધીમે ધીમે ખરાબ વાતો મને મળતી હતી. તેમને ખરેખર સુંદર દેખાવું અને સારાં વસ્ત્રો પહેરવાનો શોખ હતો. તેઓ આ સર્જરીનો અર્થ સારી રીતે સમજતાં હતાં. આ સર્જરી કરાવ્યા પછી તેમની સુંદરતાને ગ્રહણ લાગી જશે એ વાત પણ તેઓ સમજતાં હતાં. તેઓ કહે છે,

"હું દુઃખ અને કમનસીબીથી પરિચિત જ નહોતી. જ્યારે મેં કેન્સરના વોર્ડમાં દર્દીઓને જોયા ત્યારે હું ધ્રુજી ઉઠી હતી."

પતિ અને દિકરો - જીવનનું કેન્દ્ર

પણ આ અનુભવે તેમને એક કિંમતી બોધપાઠ શીખવ્યો હતો – કેન્સરે તમને બહારથી તોડી નાંખે છે અને તેની થોડીઘણી ભરપાઈ થઈ શકે છે, પણ તે વ્યક્તિને અંદરથી જ નુકસાન કરે છે, તેના જુસ્સાને જે રીતે તોડી નાંખે છે, જે માનસિક યાતના આપે છે, તેમાંથી બહાર નીકળવા અને જુસ્સા સાથે જીવવામાં ઘણો સમય લાગે છે.

તેઓ કહે છે,

"દર વખતે હું મારા સાત વર્ષના બાળક અને મારા પતિને મારી પાસે જોતી હતી. હું તેમની સાથે રહેવા માટે જ જીવવા માગતી હતી. અચલ અને મારા સસરાએ મને હિંમત આપી અને કેન્સરમાંથી સંપૂર્ણપણે સાજા થઈ શકાય છે તેવું સમજાવ્યું. મેં કેન્સરની સામે લડવાનો નિર્ણય કર્યો."


આ સ્ટોરી પણ વાંચો:

કેન્સરપીડિતોની સહાય માટે મુંબઈની લોકલ ટ્રેનોમાં ગિટાર વગાડતા સૌરભ નિંબકર


તેઓ ઉમેરે છે,

"કેન્સરમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવામાં મને સાત વર્ષ લાગ્યા હતા. આ ગાળામાં મને હાડકાનો ટીબી અને અસ્થમા પણ થયો હતો. મારા શરીરનું વજન ઘટીને અડધું થઈ ગયું હતું અને હું મોટા ભાગનો સમય દિલ્હીની હોસ્પિટલોમાં પસાર કરતી હતી, જ્યારે અચલ અને અંકેશ ઝારખંડમાં હતા. હું તેમની સાથે ફરી જીવન જીવવા માગતી હતી. દરમિયાન મેં ઘણી ચીજવસ્તુઓ જાતે કરી અને માનસિક રીતે મજબૂત બની."

સાત વર્ષના સતત સંઘર્ષ પછી મધુ વિજેતા બનીને બહાર આવ્યા. પણ આ સાત વર્ષના ગાળામાં એક નવી જ મધુનો જન્મ થયો હતો. તેમણે હવે પછીનું જીવન કોઈ સારાં ઉદ્દેશ સાથે પસાર કરવાનો નિર્ધાર કર્યો હતો. સારવારના અંતે તેમણે એવી ક્ષમતાઓ વિકસાવી હતી, જેની કલ્પના તેઓ દાયકા અગાઉ કરી શકે તેમ નહોતા.

રિધમનો જન્મ

મધુ કહે છે,

"મારી સારવારના ગાળા દરમિયાન દરરોજ હું માતૃત્વનો આનંદ ગુમાવતી હતી. મને ઇચ્છા હતી કે હું મારા દિકરાને શાળાએ મૂકવા જાઉં, તેની સાથે રમું, તેને પ્રેમ આપું, તેનું હોમવર્ક કરાવું. પણ આ તમામ અનુભવો મેં ગુમાવી દીધા હતા. તે અનુભવો મેળવવાનો એક જ ઉપાય હતો કે પ્લેસ્કૂલ શરૂ કરવી. દરમિયાન મારા સાસુએ 'રિધમ' નામની પ્લેસ્કૂલ શરૂ કરી."

જ્યારે તેમના સાસુએ રિધમનો પાયો નાંખ્યો ત્યારે મધુનું સ્વપ્ન સાકાર થયું હતું. પણ તેઓ જાણતા હતા કે તેમણે ઘણી લાંબી મજલ કાપવાની છે. તેમના મિત્રો અને પરિવારના સભ્યો, ખાસ કરીને તેમના પતિએ શૂન્યમાંથી સર્જન કરવામાં તેમની મદદ કરી હતી. તેઓ પોતાના પતિ વિશે કહે છે કે, “અચલ કેટલીક વખત મારા પતિની જેમ પ્રોત્સાહન આપતાં હતાં, તો ક્યારેક માંદી પુત્રીના પિતાની જેમ કાળજી રાખતાં હતાં.”

રિધમની શરૂઆત ફેબ્રુઆરી, 2006 ફક્ત સાત બાળકો સાથે થઈ હતી. મધુ કહે છે કે, “અમને શરૂઆતમાં મારા સ્ટાફને પગાર ચુકવી શકાય તેટલી કમાણી પણ થતી નહોતી. પણ અમે જાણતા હતા કે અમારી મહેનત અને અમારા પ્રયાસો જરૂર એક દિવસ ફળશે. પ્રથમ ત્રણ વર્ષ અતિ મુશ્કેલ હતા. જોકે પછી ધીમે ધીમે સ્થિતિ બદલાઈ અને પોઝિટિવ માઉથ પબ્લિસિટી દ્વારા અમે સારી એવી શાખ ઊભી કરી હતી. મારો સ્ટાફ જ મારી તાકાત છે અને અમારા બાળકોના માતાપિતા અમારા બ્રાન્ડ એમ્બેસેડર.”

તેમણે મૂલ્યો સાથે મજબૂત બ્રાન્ડ ઊભી કરી છે. તેમની સંસ્થા સપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત છે અને સ્ટાફમાં મોટા ભાગના સભ્યો મહિલાઓ છે, જે ગૃહિણીમાંથી વ્યાવસાયિક બની છે. તેમણે ફેકલ્ટી ટ્રેનિંગ માટે સર્ટિફાઇડ કોર્સ ઊભા કર્યાં છે, જે સ્ટાફને ટ્રેનિંગ આપતી વખતે અતિ અસરકારક છે. શાળા દર વર્ષે સમાજના નબળા વર્ગના પાંચ બાળકોને મફત શિક્ષણ આપે છે. હવે તેમણે દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ કોર્સ ઊભા કર્યા છે.

અત્યારે તેમની શાળામાં 150 બાળકો છે. તેમની શાળાને 2013માં એજ્યુકેશન વર્લ્ડ દ્વારા નોઇડાની શ્રેષ્ઠ પ્રિસ્કૂલ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને સિક્યોરિટી મેનેજમેન્ટ અને સંપૂર્ણ મેનેજમેન્ટ માટે એબીપી ન્યૂઝે પ્રશંસા કરી હતી.

મધુ આપણા સમાજ માટે દિવાદાંડી સમાન છે. જેટલી વખત કુદરતે તેમની કસોટી કરી, તેટલી વખત તેઓ વધુને વધુ મજબૂત બનીને બહાર આવ્યાં છે. તેમણે ક્યારેય વિપરીત સંજોગો સામે હાર માની નથી.


લેખક- બિંજલ શાહ

અનુવાદક- કેયૂર કોટક


આવી જ અન્ય પ્રેરણાત્મક જીવનસફર અને સંઘર્ષયાત્રા વાંચવા અમારું Facebook Page લાઈક કરો


આ સંબંધિત સ્ટોરીઝ વાંચો:


જન્મ બાદ જેને ઝેર આપવામાં આવ્યું, તે કૃતિએ જ 29 બાળલગ્નો રદ કરાવ્યાં!

વ્હિલચેર પર જીવતા બાળકો માટે યોજાય છે ‘ફન પિક્નિક્સ’, અવરોધો સામે 'નિષ્ઠા'ની જીત

ફેરીયાથી કરોડપતિ બનવા સુધીની સફર, દ્રષ્ટિહિન ભવેશે ‘મીણ’ થકી ફેલાવી સુવાસ

Related Stories