'વ્યકિતએ જીવનમાં મળનારી નિષ્ફળતાઓથી ડરવું ન જોઈએ. હસતા રહેશો તો ભાગ્ય બદલાશે.' વિરેન્દર સેહવાગ સાથેની વિશેષ વાતચીત

'વ્યકિતએ જીવનમાં મળનારી નિષ્ફળતાઓથી ડરવું ન જોઈએ. હસતા રહેશો તો ભાગ્ય બદલાશે.' વિરેન્દર સેહવાગ સાથેની વિશેષ વાતચીત

Sunday January 24, 2016,

6 min Read

ક્રિકેટની દુનિયામાં મુલતાનના સુલતાનથી જણીતા વિરેન્દ્ર સેહવાગ સાથેની મુલાકાત એક એવો અનુભવ છે જે જીવનપર્યંત અવિસ્મરણીય રહેશે. ખૂબ જ વિનમ્ર સ્વભાવના માલિક અને હંમેશા ચહેરા પર સ્મિત વેરતા મૃદુભાષી વિરેન્દ્ર સહેવાગે પોતાના દમ પર સફળતા પ્રાપ્ત કરી અને ટોચ પર પહોંચવાનું જીવતું જાગતુ ઉદાહરણ છે.

image


જોકે, વિરેન્દ્ર સેહવાગ સાથે મુલાકાત પહેલા એમ લાગતુ હતું કે, સફળતાના શિખર પર પહોંચેલી આ વ્યક્તિ જરૂર સ્વભાવથી થોડી ઘમંડી હશે, તેના સ્વભાવમાં સફળતાની અકડ જરૂર હશે. પરંતુ તેની સાથે મુલાકાત બાદ તેનામાં રહેલા એક સામાન્ય વ્યક્તિને જોઈને આશ્ચર્ય થયું. વિરેન્દ્ર સેહવાગ વાસ્તવમાં દેશની પ્રતિભા છે. સાથે જ હું ‘વૂ’ એપને પણ ધન્યવાદ દેવા માગીશ કે જેના કારણે આ મુલાકાત શક્ય થઈ શકી.

વિલક્ષણ પ્રતિભાના ધની અને દુનિયાની સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન સાથે થયેલી મુલાકાતના કેટલાક અંશો આપની સામે રજૂ કરું છું. સેહવાગની વાતો જેટલી સરળ અને સહજ છે એટલી જ ગૂઢ છે, એવી આશા છે કે, મોટા સ્વપ્નોનો પીછો કરતા પરાક્રમીઓની જેમ તમે પણ જીવનમાં સફળતાના ગૂઢ રહસ્યોને પામી શકશો.

પોતાની સફળતાના રાઝ અંગે વાત કરતા સમયે સેહવાગ કહે છે,

“લક્ષ્ય તરફ જ ધ્યાન કેન્દ્રિત કરીને જ સફળતા મેળવી શકાય છે. જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે લગભગ દરરોજ ચારથી પાંચ કલાક રમત રમતો હતો. એક રીતે તમે એમ કહી શકો કે હું દરેક રમતમાં સારો હતો. પરંતુ 10મા ધોરણમાં આવ્યા બાદ મેં બાકીની તમામ રમતોને છોડવાનો નિર્ણય કર્યો, કારણકે હું જાણતો હતો કે મારે પોતાનું તમામ ધ્યાન, ઉર્જા અને નિષ્ઠાને એક જ રમતમાં લગાવી પોતાનું સર્વસ્વ લગાવી દેવું પડશે. મારે એક જ રમતમાં શ્રેષ્ઠ થવા માટે પ્રત્યેક ક્ષણ સખત મહેનત કરવી જરૂરી છે.”

“મેં પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરી તેના પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. અને મને ગર્વ છે કે, હું ભારતીય ટીમમાં પ્રતિનિધિત્વ કરી શક્યો. આ તમામ એક જ કારણથી થઈ શક્યું અને તે છે- ધ્યેય. સૌથી પહેલા પોતાના જીવનમાં એક વિશેષ ધ્યેયન નક્કી કરો. તે શિક્ષણ હોય કે રમત હોય કે આપનું અન્ય કોઈ ધ્યેય. તમે ખેલાડી બનવા ઈચ્છતા હો કે એન્જિનિયર, ડૉક્ટર, સફળ વ્યવસાયી કે પછી બીજુ કંઈક. તમારી તમામ શક્તિ આ ધ્યેય પર જ ફોકસ કરો, અને આગળ વધો, સ્વયંને સંપૂર્ણ ઉર્જા સાથે તેમાં ન્યૌચ્છાવર કરી દો. જ્યારે તમે આવું કરો છો, ત્યારે તમે લક્ષ્યને પામવા માટે સખત મહેનત અને અથાગ એકાગ્રતાની સાથે જ અડગ બની જાવ છો, અને તમે સફળતાના શિખર સુધી પહોંચી શકશો.”

વધુમાં સેહવાગ કહે છે,

“વ્યકિતએ જીવનમાં મળનારી નિષ્ફળતાઓથી ડરવું ન જોઈએ. નિષ્ફળતા તમને વધુ સુદ્ઢ બનાવે છે.”

તે સ્મિત સાથે કહે છે, “જો નિષ્ફળતા નહીં હોય તો દેશનો દરેક નાગરિક પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બની શકે. નિષ્ફળતા જ તમને તમારી ભૂલોને સુધારવાની તક આપે છે. જીવનમાં માત્ર એક જ વસ્તુ છે કે, જેમાં તમે સતત સુધારો કરી શકો અને તે છે આપ સ્વંય. પોતાના જીવનમાં મેં અનેક વખત નિષ્ફળતા જોઈ છે, પરંતુ મેં ક્યારેય નિષ્ફળતાને મારા પર હાવી નથી થવા દીધી. હું માત્ર મારી રમતને શ્રેષ્ઠ બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધતો ગયો, અને નિષ્ફળતાએ મને વધુ યોગ્ય બનાવ્યો. મારા મન-મગજમાં પ્રત્યેક ક્ષણે માત્ર એક જ સવાલ સવાર હોય છે કે હું મારી રમતમાં શ્રેષ્ઠ કઈ રીતે બનું. પછી તે બેટિંગ હોય કે બોલિંગ.”

“જો કે મારા હિતેચ્છુઓએ મને ત્યાં સુધી જ રમતમાં ધ્યાન આપવાની આઝાદી આપી હતી, જ્યાં સુધી હું અભ્યાસ કરી રહ્યો હતો. આથી મારી પાસે સમય ખૂબ જ ઓછો હતો. મારા અને મારા પરિવાર વચ્ચે એક સમજૂતી થઈ હતી કે હું અભ્યાસ પછી મારા પિતાના વ્યવસાયમાં જોડાઈ જઈશ. આથી જ મારી પાસે સ્વયંને સાબિત કરવા માટે માત્ર ગ્રેજ્યુએશન સુધીનો જ ચારથી પાંચ વર્ષ સુધીનો સમય હતો. મેં મારી સમગ્ર ઉર્જા ક્રિકેટ પર કેન્દ્રિત કરી. કારણકે હું મારા પિતાના વ્યવસાયનો હિસ્સો ન હતો બનવા માગતો. મારો ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા જ મને દિલ્હી રાજ્ય, રણજી અને ભારત માટે રમવાનું સૌભાગ્ય મળ્યું. હું ખૂબ જ ભાગ્યશાળી હતો કે સ્નાતકના પ્રથમ જ વર્ષમાં મને ભારતીય ટીમમાં રમવાનું સૌભાગ્ય મળ્યું, જો કે ખૂબ ઝડપથી જ હું ટીમથી બહાર પણ થઈ ગયો. આ મારા માટે ખૂબ મોટો ઝટકો હતો. પરંતુ મેં હાર ન માની અને પ્રથમ શ્રેણી ક્રિકેટ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યું, અને તનતોડ મહેનત કરી ફરી એક વખત ભારતીય ટીમમાં એન્ટ્રી કરવામાં સફળતા મેળવી.”

સેહવાગ આગળ કહે છે,

“હું હંમેશા માનું છું કે જો તમે ખુશ રહેશો તો દુનિયા પણ તમારી તરફ ખુશીથી જ નિહાળશે. જ્યારે હું બાળક હતો ત્યારથી જ મારા પિતાજી નિયમિત રીતે મને કહેતા રહેતા કે ‘બચ્ચે જો તમે હસતા રહેશો, તો તમારુ ભાગ્ય જરૂર બદલાશે.’ મેં હંમેશા મારા જીવનમાં પિતાજીના શબ્દોને યાદ રાખ્યાં, અને તેનું પાલન કરવાનો પ્રયત્ન કરતો રહ્યો. ગમે તેવી કપરી પરિસ્થિતિ કેમ ન હોય હું દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાનો પ્રયત્ન કરુ છું.”

“મેં અને મારા પરિવારે ક્યારેય અન્ય લોકોની પરવાહ નથી કરી અને ન તો એ વિચારી પરેશાન થયા છીએ કે દુનિયા શું વિચારશે? અમે હંમેશા પોતાના પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું. અમારો પરિવાર એક સુખી પરિવાર છે. અમને ખૂબ સારી રીતે ખબર છે કે, અમારા માતા-પિતાએ અમને એક સુંદર જીવન આપવા માટે કેટલી મહેનત કરી છે.? અને આજે અમે જે પણ મુકામ પર છીએ તે તેમની મહેનતનું જ પરિણામ છે. વર્તમાન સમયમાં હું મારા જીવનથી ખૂબ જ ખુશ છું. કારણ કે, હું સ્વસ્થ અને સુખી પરિવાર સાથે જીવન વ્યતિત કરી રહ્યો છું. હું આ તમામ માટે આભારી છું, અને મારી પાસે ચિંતા કરવા માટે કંઈ પણ નથી.”

“હું એ વિચારી વ્યથિત નથી થતો કે મેં 10 હજાર રનોનો આંકડો પાર નથી કર્યો કે હું 200 ટેસ્ટ મેચ ન રમી શક્યો. હું એ વિચારી ખુશ છુ કે મેં 100થી વધુ ટેસ્ટ મેચમાં રમી 8 હજારથી વધુ રન બનાવવામાં સફળતા મેળવી અને 250 વન ડે મેચમાં દેશનું પ્રતિનિધિત્વ કરવામાં સફળતા મેળવી. હું મારી આ સિદ્ધીઓની સાથે ખુશ છું.”

“ખૂબ જ નાની ઉંમરમાં મેં મારુ ધ્યાન તે વસ્તુઓમાં લગાવવાનો પ્રયત્ન કર્યો જે મારાથી શક્ય હતું. મેં હંમેશા મારા નિયંત્રણની બહારની વસ્તુઓ અને વાતોની પરવાહ નથી કરી. જેમ કે મેં પહેલા પણ કહ્યું કે, મારું મગજ માત્ર રમતને સુધારવા અને તેને વધુ યોગ્ય બનાવવાની દિશામાં સખત મહેનત પર જ કેન્દ્રિત રહે છે. હું પોતાને સ્વસ્થ રાખવા માટે નિયમિત કસરત કરું છું. પોતાના દિલ અને મગજને એકાગ્ર રાખવા ધ્યાન અને યોગની ક્રિયાઓ કરું છું. આ ઉપરાંત હું ક્યારેય પણ એ વાતની ચિંતા નથી કરતો કે મારે એક સારા બેટ્સમેન કે સ્પીનરની જેમ રમવું છે.”

“હું એક સુખી અને સ્વસ્થ જીવન જીવવા ઈચ્છું છું. જો હું કરોડો રૂપિયાની સંપતિનો માલિક હોવા છતાં પણ માનસિક રીતે સ્વસ્થ નથી તો આ પૈસા અને ખ્યાતિ મારા માટે કોઈ કામની નથી. આથી તેનો પીછો કરવાને બદલે હું એક સુખી અને સ્વસ્થ પરિવારની ઈચ્છા રાખું છું. મારા માટે વડીલોના આશિર્વાદ જ મારી સિદ્ધી છે.”

અને હા અંતમાં તે પોતાના પ્રશંસકોને વચન આપે છે કે, તે ‘વૂ’ એપના માધ્યમથી સતત તેમની વચ્ચે આવતા રહેશે અને વાતચીત કરતા રહેશે.


લેખક- શ્રદ્ધા શર્મા, ફાઉન્ડર અને ચીફ એડિટર, યોરસ્ટોરી

અનુવાદક- YS ટીમ ગુજરાતી