પેઈન અને પેરાલિસિસને પડકારી સેલ્ફ પાવરથી મેળવ્યો વિજય

પેઈન અને પેરાલિસિસને પડકારી સેલ્ફ પાવરથી મેળવ્યો વિજય

Monday October 12, 2015,

6 min Read

તેને પોલિયો થયો ત્યારે તે એક નિ:સહાય બાળક હતી. અને તેના કારણે જીવનની ગતિ સાવ ખોટકાઈ ગઈ હતી. અસહ્ય તાવના કારણે તેને ગળાથી નીચેના આખા શરીરમાં લકવો થઈ ગયો. બે વર્ષ સુધી અપાયેલી ઈલેક્ટ્રિક શોક થેરાપીના કારણે તેનું શરીર ફરી સક્ષમ બનવા લાગ્યું. ધીમે ધીમે તે સ્વસ્થ થવા લાગી પણ તેનું કમરની ઉપરનું જ શરીર સ્વસ્થ થઈ શક્યું. ત્યાર પછી પંદર વર્ષ સુધી અનેક પ્રકારની સારવાર થઈ, ઓપરેશન થયા. તેના માતા-પિતા, ડોક્ટર્સ, મિત્રો બધા જ હારી-થાકી ગયા પણ તેણે સંઘર્ષ ચાલુ રાખ્યો.

માલતીમાંથી પદ્મ શ્રી ડૉ. માલતીના 400થી વધુ મેડલ્સ તથા અર્જુન એવોર્ડ તેમના અદમ્ય સાહસનો જીવતો જાગતો નમૂનો છે. હાલમાં તે બેગલુરું ખાતે ‘મથરુ ફાઉન્ડેશન’ ચલાવે છે, જ્યાં ભારતભરમાંથી વિકલાંગ બાળકો આવીને રહે છે.

image


ડૉ.માલતી.કે.હોલ્લાના પ્રેમ અને સમર્પણની લાગણી તમને પણ આંતરિક સંતોષની અનુભૂતિ કરાવશે. તેઓ જ્યારે પહેલી વખત ઈન્ડિયા ઈન્ક્લ્યુઝન સમિટ માટે YourStoryની મીડિયા લેબમાં આવ્યા ત્યારે તેમના પ્રેમ અને હૂંફના કારણે આસપાસનું વાતાવરણ જીવંત થઈ ગયું. માલતીએ અમને જણાવ્યું, “મને ક્યારેય નથી લાગ્યું કે હું વિકલાંગ છું. હા, હું શારીરિક રીતે વિકલાંગ છું તે વાસ્તવિકતા છે. તે મારા શરીરનો એક ભાગ માત્ર છે. મારા આત્મવિશ્વાસને કોઈ લકવો થયો નથી કે વિકલાંગતા આવી નથી.”

સ્પોર્ટ્સ દ્વારા ઈલાજ

કૃષ્મમૂર્તિ અને પદ્માવતિ હોલ્લા, માલતીના માતા-પિતાની સ્થિતિ કપરી થઈ ગઈ જ્યારે તેમની એક વર્ષની પુત્રીને 1959માં પોલિયો થઈ ગયો. માલતી તેમના ચાર સંતોનોમાં સૌથી નાની હતી. કૃષ્ણમૂર્તિ બેંગલુરુંમાં એક નાનકડી હોટેલ ચલાવતા હતા જેમાંથી તેમનું ગુજરાન ચાલતું હતું.

શરૂઆતના બે વર્ષ દરમિયાન માલતીને શોક ટ્રિટમેન્ટ આપવામાં આવતી હતી. આ થેરાપી દ્વારા તેની કમરની ઉપરના શરીરમાં ચેતના આવી પણ ત્યારપછી રિકવરી અટકી ગઈ. આખરે તેમણે ભારે હૃદયે માલતીને ચેન્નાઈ ખાતે આવેલી ઈશ્વરી પ્રસાદ દત્તાત્રેય ઓર્થોપેડિક સેન્ટરને સોંપી દીધી. તે ત્યાં પંદર વર્ષ રહી. આ દરમિયાન તેની સારવાર થતી રહી, ઓપરેશન થતાં રહ્યા, અભ્યાસ ચાલતો રહ્યો અને તે પોતાને માનસિક અને શારીરિક રીતે સશક્ત બનાવતી ગઈ. આ દરમિયાન સ્પોર્ટ્સ તેના માટે જીવવાનું માધ્યમ બની ગયું. આ પ્રસંગોને યાદ કરતા તે કહે છે, “સ્પોર્ટ્સના કારણે જ હું મારા તમામ દુ:ખ અને તકલીફોને ભૂલી ગઈ હતી.”

તેમણે વધુમાં જણાવ્યું કે, તે આખું વિશ્વ જ અલગ હતું. તે જે લોકો વચ્ચે ઉછરી હતી તે બધા પણ વિકલાંગ જ હતા. દર્દ સહન કરવું, સારવારની અન્ય કામગીરી અને રોજિંદી થેરાપી, આ બધું ત્યાં રોજિંદી ક્રિયાઓનો જ એક ભાગ હતી. અહીંયા રહેતા મોટાભાગના બાળકો ગરીબ પરિવારના હતા અને તેમના માતા-પિતા તેમની પાછા ન લઈ જવાની નીતિથી જ મૂકી ગયા હતા. ભોજન, શિક્ષણ અને સારવાર બધું જ સેન્ટર તરફથી જ પૂરા પાડવામાં આવતા હતા. “અમને અહીંયા શારીરિક પીડા અને માનસિક આઘાત સહન કરવાની તાલિમ આપવામાં આવતી હતી. અમે લોકો પીડાદાયક ઓપરેશન પણ કરાવતા. તે ઉપરાંત ફિઝિયોથેરાપીના જે સેશન થતાં તે ઓપરેશન કરતા પણ વધારે પીડા આપતા હતા.”

તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે વધુ એક સંઘર્ષ તેમની રાહ જોઈ રહ્યો હતો. અહીંયા તે પાણી વગરની માછલી જેવા હતા. તે વિચિત્ર સ્થિતિમાં મૂકાઈ ગયા હતા, કારણ કે, અહીંયા સમાજ તેમના જેવા વિકલાંગોને માત્ર દયા અને કરૂણાની નજરે જોતો હતો.

માલતી જણાવે છે કે, વિકલાંગ હોવાનો સૌથી મોટો આઘાત લઘુતાગ્રંથિ છે. તે ખરેખર હૃદયને કોરી નાખે છે. સ્પોર્ટ્સ દ્વારા મને આત્મવિશ્વાસ મળ્યો છે અને હું તેની જ ક્ષમતાના આધારે મારી વિકલાંગતા પર વિજય મેળવી શકી છું.


બેંગલુરુંની મહારાની કોલેજ ખાતે માલતીની સતત ટ્રેનિંગ ચાલતી હતી. નેશનલ સોસાયટી ફોર ઈક્વલ ઓપોર્ચ્યુનિટિઝ ફોર ધ હેન્ડિકેપ્ડ મુંબઈ દ્વારા 1975 થી 1981 સુધીમાં વિકલાંગો માટે યોજાયેલી નેશનલ ગેમ્સમાં તેમણે અનેક મેડલ્સ મેળવ્યા હતા. આ બાબત અધિકારીઓના ધ્યાને આવી અને તેમને 1981માં સિન્ડિકેટ બેંક ખાતે ક્લેરિકલ પોસ્ટ પર નોકરી આપવામાં આવી. ત્યારપછી તે બેંકની સાથે સાથે તેમણે પોતાની પ્રેક્ટિસ પણ ચાલુ રાખી. તેમણે શોટપૂટ, ડિસ્ક, જેવલિન, વ્લિહલચેર રેસ અને ઓબસ્ટેકલ રેસમાં મેડલ મેળવવાનું ચાલું રાખ્યું.

1988માં તેમણે પહેલી વખત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, પેરાઓલિમ્પિક્સમાં ભાગ લીધો જે સેઉલ ખાતે યોજાઈ હતી. વિદેશી ખેલાડીઓ પાસે તેમના અંગત કોચ હતા. તેમણે જોયું કે, તેનાથી અન્ય ખેલાડીઓના દેખાવમાં મોટો તફાવત જણાતો હતો. તેમણે ત્યારપછી પ્રોફેશનલ ટિપ્સની કેસેટ ખરીદી અને તેની મદદથી પોતાની તાલિમ ચાલુ રાખી. એક વર્ષમાં તો તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેળવવાનું શરૂ કરી દીધું. ડેનમાર્ક ખાતે 1989ના વર્લ્ડ માર્સ્ટર્સ ગેમ્સમાં તેમણે શોટપૂટ, ડિસ્ક અને જેવલિન થ્રોમાં ગોલ્ડ મેળવ્યો.

તેમને 1996માં અર્જુન એવોર્ડ અને 2001માં પદ્મશ્રી આપવામાં આવ્યા. ત્યારબાદ રાજ્યોત્સવ એવોર્ડ, એકલવ્ય એવોર્ડ, દસારા એવોર્ડ, આઉટસ્ટેન્ડિંગ ડિસેબલ સ્પોર્ટ્સ પર્સન ઈન પબ્લિક સેક્ટર બેંક એવોર્ડ, કે.કે. બિરલા ફાઉન્ડેશન એવોર્ડ, પ્રતિભા રત્ન જેવા અનેક એવોર્ડ મળતા ગયા.

56 વર્ષની ઉંમરે પણ તેઓ ભારતના સૌથી ઝડપી વ્હિલચેર એથ્લિટ છે. તેઓ ખૂદ જણાવે છે, “મેં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 389 ગોલ્ડ, 27 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.” સૌથી મોટી કરૂણતા એ હતી કે તેમણે મોટાભાગના મેડલ ભાડાની વ્હિલચેર પર મેળવ્યા હતા!

વિકલાંગો માટે પહેલ

માલતી જણાવે છે, “હું અત્યારે સન્માનપૂર્ણ જીવન જીવી રહી છું. હું અત્યારે સફળ છું પણ એવા ઘણા લોકો છે જે મારા જેવા છે છતાં તેમને મારી જેમ યોગ્ય તક મળી નથી.” આ જ વિચારે માલતીને 2002માં વિકલાંગ બાળકો માટે ‘મથરુ ફાઉન્ડેશન’ શરૂ કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ માટે તેઓ ઘણા સમયથી તેમની મિત્ર અને પેરા એથ્લિટ ક્રિષ્ના રેડ્ડી સાથે ચર્ચા કરી રહ્યા હતા. અન્ય મિત્રો જેવા કે, ક્રિકેટર વેન્કટેશ પ્રસાદ, અશ્વિની નચપ્પા અને એમ.કે. શ્રીધરે તેમને મદદ કરી.

શરૂઆતમાં વિકલાંગ બાળકોને માત્ર શિક્ષણ પૂરું પાડવાની યોજના હતા. ટૂંક સમયમાં જ ઉદ્યોગ સાહસિકતની જેમ તેમણે ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કરીને વિકલાંગ બાળકોને ભણાવવાની સાથે સાથે જેમના માતા-પિતા આર્થિક રીતે સક્ષમ નથી તેમને પોલિયોની રસી અપાવવી અને અન્ય સારવારમાં આર્થિક મદદ કરવાનું શરૂ કરી દીધું. ‘મથરુ ફાઉન્ડેશન’ વિશે વાત કરતા તેમણે જણાવ્યું, “અમે બે બાળકોથી શરૂઆત કરી હતી અને આજે હું 20 બાળકોની માતા છું. અમે તેમને પહેલી નોકરી ન મળે ત્યાં સુધી અમારી પાસે રાખીએ છીએ. અમારો ઉદ્દેશ છે કે તેઓ પગભર બને.”

તેઓ સિન્ડિકેટ બેંકમાં મેનેજર પણ છે. તેમની આત્મકથા એ ડિફરન્ટ સ્પિરિટ 2009માં પ્રસિદ્ધ થઈ હતી અને તેના માધ્યમથી દેશના હજારો વિકલાંગોને પ્રેરણા મળી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, મથરુ ફાઉન્ડેશન ચલાવવું સરળ નથી. તેઓ મારાથહાલ્લી ખાતે એક નાનકડા મકાનમાં આ સંસ્થા ચલાવે છે. તેમની સંસ્થામાં બે કાયમી કર્મચારીઓ છે, એક યશોદા મા કે જે રાંધવાનું કામ કરે છે અને બીજા છે કુમાર કે જેઓ બાળકોને સ્કૂલ લેવા-મૂકવાથી માંડીને બાકીના તમામ કરામ કરે છે. કેટલાક ડૉક્ટર મિત્રોની મદદથી સારવારના ખર્ચ નીકળી જાય છે. અહીં રહેતા બાળકોને પોલિયો અને સેરેબ્રલ પાલ્સી જેવા રોગ થયા છે. અમારા માટે તે ઘણી કપરી બાબત છે. અમારે હોસ્પિટલનો ખર્ચ આપવાનો રહે છે પણ ડૉક્ટર અમારી પાસેથી કન્સલ્ટિંગના કે અન્ય ચાર્જ લેતા નથી.

એક ઉમદા દાતાએ અમને સરજાપુર ખાતે બે પ્લોટ દાનમાં આપ્યા છે અને બાળકો માટે નવા મકાનનું નિર્માણ કરી રહ્યા છે. અમારે સમાજની દયાભાવનાની નહીં પણ સંવેદનાની સાથે સહકારની જરૂર છે જેથી અમે અમારી ક્ષમતા સાબિત કરી શકીએ.