તમારા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કચરાના બદલે 'પોમ પોમ' તમને પૈસા આપશે!

તમારા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કચરાના બદલે 'પોમ પોમ' તમને પૈસા આપશે!

Thursday January 21, 2016,

5 min Read

દિલ્હી સરકારના પર્યાવરણ વિભાગના અહેવાલ પ્રમાણે રાજ્ય દ્વારા દરરોજ 8,360 ટન(ટીપીડી) મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ(એમએસડબલ્યૂ)નું ઉત્સર્જન થાય છે. અન્ય એક અભ્યાસમાં કહેવાયું છે કે શહેરી ભારત દ્વારા 1,88,500 ટીપીડી (68.8 મિલિયન ટન પ્રતિ વર્ષ) એમએસડબલ્યૂનું ઉત્સર્જન થાય છે. તેના આધારે માથાદીઠ કચરાનું પ્રમાણ ગણીએ તો પણ પ્રતિ વ્યક્તિ 500 ગ્રામ પ્રતિદિન થાય.

image


તેમાં મોટાભાગે રિસાઈકલ કરી શકાય તેવી વસ્તુઓનું ઉત્સર્જન થતું હોવાથી દીપક સેઠી અને કિશોર ઠાકુરને વિચાર આવ્યો અને તેમને પોમ પોમ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું જે કબાડીવાળાની ગાડીના પારંપરિક હોર્નના અવાજનું પ્રતિક છે.

'પોમ પોમ' ગત વર્ષે શરૂ નવેમ્બરમાં કરાયેલું વેબ આધારિત પ્લેટફોર્મ છે જે લોકોને સમજાવે છે કે એક ટન પેપરને રિસાઈકલ કરવામાં આવે તો 17 વૃક્ષો બચી શકે છે તથા એલ્યુમિનિયમની એક વસ્તુને રિસાઈકલ કરવાથી એટલી ઊર્જા મળી શકે છે જેનાથી ત્રણ કલાક ટીવી ચલાવી શકાય.

રિસાઈકલ કરી શકાય તેવી વસ્તુઓ અંગે ઘરઆંગણે માહિતી આપવા સાથે તેઓ તમારી વસ્તુઓના શક્ય એટલી સારી કિંમત પણ આપે છે. તેમણે દક્ષિણ દિલ્હીમાં આ સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી જેમાં તેમણે 10 લાખ કરતા વધારે લોકોને સમજાવ્યા હતા અને તેમને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા અને ભાગીદાર થવા જાગરૂક કર્યા હતા.

વ્યવસ્થાપન ક્ષેત્રનો 45 વર્ષનો અનુભવ ધરાવતા સંચાલકો પોતે પણ પ્રેરણાદાયક પાત્રો છે. તેઓ દિલ્હી વેસ્ટ મેનેજમેન્ટ કંપની પાછળની થિંકટેન્ક માનવામાં આવે છે જે એસપીએમએલ ઈન્ફ્રાની સબસિડરી કંપની છે.

કંપનીના સીઈઓ દીપક (36 વર્ષ)એ ઓસ્ટ્રેલિયાની ડેઈકિન યુનિવર્સિટીમાંથી 2002માં એમબીએની ડિગ્રી મેળવી હતી. તેણે બેંગલુરુની ક્રાઈસ્ટ કોલેજમાંથી બેચલરની ડિગ્રી લીધી હતી. એસપીએમએલ ઈન્ફ્રાના ડાયરેક્ટર તરીકે તથા તેમાં કામ કરવાના પરિણામે તેમની પાસે એક દાયકા કરતા વધારેનો મેનેજમેન્ટનો અનુભવ છે.

કિશોર (56 વર્ષ) દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ છે. તેમણે ભારતીય સેનામાં કામ કર્યું છે અને અત્યારે 'પોમ પોમ'ના સીઓઓ છે. આ પહેલાં તેઓ દિલ્હી વેસ્ટ મેનેજમેન્ટમાં ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા અને એસપીએમએલ જૂથની પાંચ કંપનીઓના ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. કિશોરના માર્ગદર્શન હેઠળ એસપીએમએલને સતત ત્રણ વર્ષ સુધી ડીએઆર દિલ્હી એરપોર્ટ દ્વારા શ્રેષ્ઠ સર્વિસ પ્રોવાઈડરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ બધા અનુભવોએ જ તેમને પોમ પોમ શરૂ કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રેરણા

દીપક જણાવે છે કે, વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં થયેલા અનુભવોએ જ અમને આ કામ કરવા પ્રેરણા પૂરી પાડી છે.

"અમે બે બાબતો જાણતા હતાઃ પહેલી, કચરામાંથી રીસાઈકલેબલ વસ્તુઓ અલગ કરવાથી કામની ઝડપમાં ઘટાડો થઈ જશે. બીજું કે લોકોમાં આ મુદ્દે જાગરૂકતાનો અભાવ છે અને લોકોને તે માટે પ્રોત્સાહન કે માર્ગદર્શન પણ નથી આપવામાં આવતા."

દીપક વધુમાં જણાવે છે કે, અમે ઘણી વખત જોયું છે કે ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી હજારો ટન સામગ્રીઓ કચરામાં પડી હોય છે. તેના કારણે જ અમે લોકોને રિસાઈકલ થાય તેવી વસ્તુઓ અલગ પાડવા અને તેના બદલે યોગ્ય રકમ આપવાનું શરૂ કર્યું. તેના દ્વારા રિસાઈકલ કરી શકાતી વસ્તુઓ દ્વારા અર્થતંત્રને ફરતું રાખવાનો પણ સંદેશ મળતો હતો. અમારી પહેલ અસર કરી ગઈ અને 'પોમ પોમ' અસ્તિત્વમાં આવ્યું. અમે લોકોને રિસાઈકલ થતી વસ્તુઓ અંગે સમજ આપતા હતા અને અમારી ટીમ સાથે જોડાવા બદલ તેમનો આભાર માનતા હતા. આ પ્રક્રિયાને ચાલુ રાખવા બદલ અમે અમારી અનુભવી ટીમના પણ આભારી છીએ.

કબાડીવાળાથી ઘણું વિશેષ

'પોમ પોમ' અન્ય લોકો કરતા ઘણા તબક્કે જૂદું છે. તે ઈલેક્ટ્રિક વજન કાંટા રાખે છે જેથી યોગ્ય માપ મળે. તે ઉપરાંત લોકોના જ ઘરઆંગળે રિસાઈકલ થતી વસ્તુઓનું યોગ્ય વળતર આપવું, કામમાં પારદર્શકતા રાખવી તથા એપ અને વેબસાઈટ પર પણ સરખા ભાવે જ કામ કરવું.

image


રિસાઈકલ વસ્તુઓ ખરીદીને તેને થોડા સુધારાવધારા સાથે એવી કંપનીઓને વેચવામાં આવતી જે આ બાબતોનો ફરીથી ઉપયોગ કરીને નવી વસ્તુનું સર્જન કરે.

દીપકના શબ્દોમાં કહીએ તો, આપણા દ્વારા ફેંકી દેવાતી પ્લાસ્ટિકની થેલીઓ, ગ્લાસ અને બોટલ 100 ટકા રિસાઈકલ કરી શકાય તેવી હોય છે. અમે માત્ર તેમને રિસાઈકલની પ્રક્રિયાને સરળ બનાવવા અંગે જ સમજાવતા નથી પણ તેમને એ પણ જણાવીએ છીએ કે તેઓ આ રીતે સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈને સમાજ માટે ઘણું યોગદાન આપી રહ્યા છે.

શરૂઆત

સ્થાપકો દ્વારા આ સાહસમાં 1 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં એપ બનાવવા, માણસો, સાધનો અને વાહનો રાખવામાં રોકાણ કરવામાં આવ્યું હતું. કંપનીની આવક રિસાઈકલ વસ્તુઓના વેચાણ પર નિર્ભર હતી. હાલમાં તેમની પાસે 11 વાહનો, એક તાતા કેન્ટર અને 10 મારૂતિ ઈકો કાર તથા 30 લોકો બહાર અને અન્ય લોકો કોલ સેન્ટરમાં છે. હાલમાં તેઓ માત્ર દિલ્હી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે અને તેમાં પણ સ્કૂલ અને હોસ્પિટલને પ્રાધાન્ય આપી રહ્યા છે.

કિશોર જણાવે છે,

"અમે લોકો કચરાના રિસાઈકલિંગ પર ભાર મૂકી રહ્યા છીએ અને જેમ જેમ અમારી સેવાઓ ગ્રાહકો સુધી પહોંચવાનું સરળ થશે તેમ તેમ અમે અમારો વ્યાપ વધારતા જઈશું જેથી વધારેમાં વધારે શહેરો અને લોકોને તેમાં સાંકળી શકાય."

 તેમણે વધુમાં જણાવ્યું કે, તેમના બિઝનેસના ટર્નઓવર વિશે અત્યારથી વાત કરવી કે આંકડો નક્કી કરવો થોડી ઉતાવળ ગણાશે છતાં તેમને વિશ્વાસ છે કે આગામી કેટલાક મહિનામાં તમામ રેકોર્ડ તૂટી જશે.

સ્પર્ધા માટેની તૈયારી

તેમની જેમ ઈ-વેસ્ટ સેક્ટરમાં ઘણી કંપનીઓ છે જે પેપર, પ્લાસ્ટિક વગેરે ડ્રાય રિસાઈકલ કરી શકાય તેવી વસ્તુઓ ખરીદે છે.

તેઓ વધુમાં જણાવે છે કે, આ બજારનું કદ ઘણું મોટું છે. અમે રિસાઈકલ કરવા અંગે લોકોમાં જાગરૂકતા આવે તે બાબતે વધારે ધ્યાન આપી રહ્યા છીએ. અમે તેમને સમજાવવામાં સફળ થઈશું કે કેવી રીતે કચરાની મદદથી નવી વસ્તુઓનું સર્જન કરી શકાય છે, તથા તે લોકો કેવી રીતે તેમાં મદદ કરી શકે છે જેથી કુદરતી સંશાધનોનો બચાવ કરી શકાશે. આ રીતે તેમનો કચરા પ્રત્યેનો અભિગમ બદલાશે.

દીપક જણાવે છે કે, લોકોની જે રીતે માનસિકતા બદલાઈ રહી છે અને તેઓ પાયાગત રીતે જે ફેરફારમાંથી પસાર થઈ રહ્યા છે તેના કારણે જથ્થો થોડો ઘટી રહ્યો છે જે પડકારજનક છે. એક વખત અમારી પાસે મોટો જથ્થો આવી જશે અમે જાતે જ રિસાઈકલ માટે પ્લાન્ટ શરૂ કરીશું અને તેને અન્ય શહેરોમાં પણ વિસ્તારીશું. અમે કોર્પોરેટ, સ્કૂલ, બેંક, યુનિવર્સિટી, સંસ્થાઓ, સરકારી મંત્રાલયો અને સંસ્થાઓને આ રિસાઈકલ અભિયાનમાં જોડવા માગીએ છીએ.

હાલમાં ધ કબાડિવાલા, સ્ક્રેપોસ, ઈકબાડિ, કચરાપટ્ટી અને કચરે કા ડબ્બા વગેરે 'પોમ પોમ'ના મુખ્ય સ્પર્ધકો છે.


લેખક- તૌસિફ આલમ

ભાવાનુવાદ- રવિ ઈલા ભટ્ટ