યાત્રીઓ માટે ટૅબ અને લૅપટોપ રાખનારા હાઈટેક ઑટોચાલક અન્નાદુરાઈના 10 હજાર ફેસબુક ફોલોઅર્સ! 

0

શું તમે એમ વિચારી શકો કે એક ઑટોડ્રાઈવર (રિક્ષાચાલક)ના ફેસબુક પર 10 હજાર ફોલોઅર્સ હશે, એટલું જ નહીં, જોવામાં પણ તેની ઑટોરિક્ષા એવી લાગે જાણે કોઈ IT એક્સપર્ટનું કાર્યાલય હોય! જ્યાં 2 ટેડેક્સ, ટેબ અને લેપટોપ પણ હાજર જોવા મળે. આ છે અન્ના દુરાઈ!

અન્નાદુરાઈ 2012થી 12મા ધોરણનું શિક્ષણ અધૂરું છોડીને ઑટો ચલાવી રહ્યાં છે. તેમણે આસપાસના સૌને તેમની ઑટોરિક્ષાથી ચોંકાવી દીધા છે. તેમની ઑટોરિક્ષામાં કેટલાંયે પ્રકારની પત્રિકાઓ, પુસ્તકો અને નાનકડું ટીવી છે, Wifi કનેક્શન છે. જ્યારે પણ કોઈ ચેન્નાઈવાસી કે બહારની વ્યક્તિ તેમની ઑટોરિક્ષામાં બેસે ત્યારે આશ્ચર્ય પામ્યા વગર નથી રહેતા. ચેન્નાઈના સૌથી લોકપ્રિય ઑટો ડ્રાઈવર તરીકે તેમની ગણના થાય છે. 

વિવિધ માધ્યમોમાં તેમના વિશે છપાયા બાદ અન્નાદુરાઈના નેતૃત્વના ગુણ સૌ ગાવા લાગ્યા. અત્યાર સુધી તેઓ 40થી વધુ કોર્પોરેટ કાર્યાલયોમાં ભાષણ આપી ચૂક્યા છે. 31 વર્ષીય અન્નાદુરાઈ હ્યુન્ડાઈ, વોડાફોન, રોયલ એનફિલ્ડ, ડેન્ફો & ગેમેસા જેવી કંપનીઓના કર્મચારીઓને સંબોધિત કરી ચૂક્યા છે. ન માત્ર અહીં જ, પણ બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ, પૂણે જેવા શહેરોમાં સંબોધન કરી ચૂક્યા છે. 

અન્નાએ પોતાની ઑટોરિક્ષામાં ટેબલેટ, iપેડ તેમજ લેપટોપ પણ રાખ્યું છે જેથી તેમની ઑટોમાં બેસીને લોકો આ તમામ વસ્તુઓનો લાભ ઉઠાવી શકે. આટલું જ નહીં, તેમણે પોતાની સાથે સ્વાઇપિંગ મશીન પણ રાખ્યું છે જેથી યાત્રીઓને છૂટ્ટાની સમસ્યા ન રહે. તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે. જ્યારે યાત્રીઓ પાસે ચિલ્લર નથી હોતું ત્યારે અન્ના તેમને કોઈ બીજી વખત પૈસા આપવાનું કહે છે, પરંતુ એ સમયે યાત્રિકો શરમ અનુભવે છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા તેમણે ઑટોમાં સ્વાઇપિંગ મશીન રાખવાની શરૂઆત કરી અને આજે તેમની ઑટોરિક્ષાનું ભાડું લોકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પણ ચૂકવી શકે છે. મુસાફરીના અંતર પ્રમાણે, અન્ના પોતાના યાત્રિકો પાસેથી રૂ.10, 15, 20 તેમજ 25 જેટલું ભાડું લે છે.

અન્નાદુરાઈ ખાસ દિવસોમાં પોતાના યાત્રીઓને ડિસ્કાઉન્ટ પણ આપે છે. ખાસ કરીને, શિક્ષકોને તેઓ ખાસ સેવા પ્રદાન કરે છે. વેલેન્ટાઈન ડે પર પ્રેમીઓ પણ તેમની ખાસ સેવાથી ખુશ થાય છે. મધર્સ ડે પર અન્ના, પોતાના બાળકો સાથે મુસાફરી કરતી માતાઓને મફત સવારીની સુવિધા પણ આપે છે.  

અન્ના ઈચ્છે છે કે દરેક યાત્રી તેમની ઑટોરિક્ષાની સવારી કરીને ખુશ થાય. તેઓ મહિનાના રૂપિયા 45,000 કમાય છે અને 9,000 જેટલી રકમ આ વિવિધ સેવાઓ પાછળ ખર્ચી નાખે છે. તેઓ એક મોબાઈલ એપ્લિકેશન બનાવવાની તૈયારી પણ કરી રહ્યાં છે જેથી ગ્રાહકોને માલૂમ પડી શકે કે તેમની ઑટોરિક્ષા કઈ જગ્યાએ છે અને ખાલી છે કે નહીં! 

આવી જ વિવિધ પ્રકારની પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો


Related Stories