ધગશ અને જુસ્સાનું બીજું નામ છે 'ગોદાવરીસિંહ', કાશીની અનોખી કલાને બચાવવા 35 વર્ષોથી કરે છે સંઘર્ષ!

ધગશ અને જુસ્સાનું બીજું નામ છે 'ગોદાવરીસિંહ', કાશીની અનોખી કલાને બચાવવા 35 વર્ષોથી કરે છે સંઘર્ષ!

Wednesday May 24, 2017,

5 min Read

મોદીથી લઇને મુલાયમ સિંહના દરવાજા સુધી આપી ચૂક્યા છે દસ્તક!

કહેવાય છે કે સમાજ દ્વારા જ દુનિયા બને છે. દુનિયામાં વિવિધ પ્રકારના સમાજોનો સમાવેશ થતો આવ્યો છે. પરંતુ આ બધા સમાજો કરતા એક અલગ સમાજ છે બનારસનો. ધર્મ, સંસ્કૃતિ, સંગીત, સાહિત્ય, કલા ઉપરાંત દરેક વ્યક્તિના શ્વાસમાં વહેતી ગંગા નદી. સોળ મહાજનપદોમાં આવનાર આ શહેરની હવા કંઇક એવા જ પ્રકારની છે કે પેઢી દર પેઢી એક જ કામ કરતા લોકોનો ઉત્સાહ ક્યારે પણ ઓછો થતો નથી. આવી જ એક કલા છે જેના પર દરેક બનારસીને ગર્વ છે. આજે પણ આ કલાનો ડંકો પૂરી દુનિયામાં વાગે છે. આ કલા દ્વારા બનારસને પૂરી દુનિયામાં એક ઓળખ મળી છે.

image


'કાષ્ટ કલા' એટલેક બાળકોના રમકડાનો બિઝનેસ. આજની નવી પેઢીના રમકડા અલગ હશે, પરંતુ આપણામાંથી ઘણાં લોકો એવા હશે જેનું બાળપણ આ રમકડાઓ સાથે વીત્યું હશે. ક્યારેક ઢીંગલો તો ક્યારેક ઢીંગલી. આ રમકડાં બાળકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આધુનિક યુગમાં આ ગુડ્ડા-ગુડ્ડીની જગ્યા સેલવાળા રમકડાઓએ લઇ લીધી છે. બદલતા સમયની સાથે સાથે કાશીની આ કલા પણ લુપ્ત થવાના આરે આવીની ઉભી છે. આવા સંજોગોમાં આ રમકડાના ઉદ્યોગને ફરી ધમધમતો કરવા માટે 75 વર્ષના ગોદાવરીસિંહ સંઘર્ષ કરી રહ્યાં છે. તેમને વિશ્વાસ છે કે સમય ફરીથી બદલાશે અને ઘર ઘરમાં લાકડાના રમકડાઓ ફરીથી જોવા મળશે.

બનારસ એક એવું શહેર છે જ્યાં 60 પ્રકારની હાથ કામગીરીના કાર્યો થાય છે. પરંતુ આજે તેમાંથી કેટલાય બિઝનેસ બંધ થઇ ગયા છે. આ બધામાંનો જ એક કારોબર છે લાકડાના રમકડાંનો બિઝનેસ. જો લાકડાના રમકડાંની વાત કરવામાં આવે તો તેની બનાવટ એટલી સરસ હોય છે કે જાણે તે રમકડાં તમારી સાથે વાતચીત કરતા હોય તેવું લાગે છે. આ રમકડાં તૈયાર કરતા કારીગરો આજે લાચારીભરી જિંદગી જીવી રહ્યાં છે. એક સમય હતો જ્યારે આ લાકડાના રમકડાંનો બિઝનેસ અબજોનો હતો જ્યારે આજે લાખોમાં સમેટાઈ ગયો છે.

આવામાં ગોદાવરી સિંહ સંકટમોચક બનીને આ જૂના બિઝનેસને બચાવવામાં જોડાઇ ગયા છે. ગોરખપુરના રહેવાસી ગોદાવરી સિંહ લગભગ 60 વર્ષ પહેલા બનારસના કશ્મીરીગંજ મહોલ્લામાં પહોંચ્યા. ગોદાવરીસિંહના દાદા અને તેમના પિતા આ બિઝનેસમાં પહેલેથી જોડાયેલા હતાં. પિતા અને દાદા સાથે રહીને તેઓએ પણ આ બિઝનેસને ઝીણવટપૂર્વક શીખી લીધો. પરંતુ 1980 બાદ લાકડાના રમકડાનું આકર્ષણ ઘટવા લાગ્યું, તે સમયે પોતાના બિઝનેસ અને આ લુપ્ત થતી કળાને બચાવવા માટે પોતાની જિંદગીનું મિશન બનાવ્યું. 75 વર્ષના વૃદ્ધ ગોદાવરીસિંહ છેલ્લા 35 વર્ષથી રાત–દિવસ આ કળાને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.

જ્યાં તેમને આશાનું કિરણ દેખાય છે ત્યાં તેઓ પહોંચી જાય છે. આ લુપ્ત થતી કળાને બચાવવા માટે તેઓ પીએમ નરેન્દ્ર મોદી સુધી પણ પહોંચી ગયા. યોરસ્ટોરી સાથે વાતચીત કરતા ગોદાવરી સિંહ જણાવે છે,

"પાછલા એક વર્ષમાં નરેન્દ્ર મોદીને હું બે વાર મળી ચૂક્યો છું. કાશીના પ્રવાસ દરમિયાન મોદીજીએ મને મળવા માટે બોલાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે મારી વાતને ધ્યાનથી સાંભળી અને કળાને લુપ્ત થતી બચાવવા માટેનું વચન આપ્યું હતુ. પરંતુ અફસોસ હજી સુધી આના પર કોઇ કામ થયું નથી. મને વિશ્વાસ છે કે મોદી સાહેબ મારા જેવા હજારો કારીગરોને નિરાશ નહીં કરે."

લાકડાના રમકડાં સાથે લગભગ 3 હજાર કારીગરો સંકળાયેલા છે. શહેરના કશ્મીરીગંજ, ખોજવા, ભેલૂપુર, સરાયનંદન વિસ્તારમાં આ બિઝનેસ દશકોથી ચાલતો આવ્યો છે. પરંતુ હવે આ કારીગરોની સામે રોજી રોટીનો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. પાછલા કેટલાંક વર્ષોથી આ સુંદર રમકડાં બનાવવા માટે ઉપયોગમાં લેવાતી કોરીયાની લાકડાના કટાઇ પર રોક લગાવી દેવાઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ લાકડાનો ઉપયોગ અન્ય કોઇ વસ્તુમાં પણ થતો નથી, છતાં પણ તેના પર રોક લગાવી દેવામાં આવી છે. જેના કારણે યુકેલિપ્ટસના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનાથી રમકડાંની ચમક ગાયબ જ થઇ ગઇ છે. આ અંગે ગોદાવરી સિંહ જણાવે છે,

"સરકાર ઇચ્છે તો આ બિઝનેસને ફરીથી બેઠો કરી શકે છે!"

આટલી મુશ્કેલીઓ બાદ પણ ગોદાવરી સિંહ હાર માન્યા વગર 35 વર્ષથી આ કલાને બચાવવા માટે સતત સઘર્ષ કરી રહ્યાં છે. તેમની મહેનતના કારણે જ 2005માં ગણતંત્ર દિવસની ઉજવણીની પરેડમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લાકડાના આ રમકડાંના ઉદ્યોગની થીમ રજૂ કરવામાં આવી હતી. ગોદાવરી સિંહ તેમના પત્ની સાથે ત્યાં હાજર રહ્યાં હતાં. ઉત્તમ કલા પ્રદર્શન માટે તે થીમને ત્રીજો નંબર આપવામાં આવ્યો હતો. તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેમનું સન્માન પણ કર્યું હતું.

ગોદાવરીસિંહે આ કલાને બચાવવા માટે એક સમિતિ બનાવી છે. પોતાના ખર્ચે 300થી પણ વધારે લોકોને શિક્ષિત કર્યા છે. તેમણે રમકડાં બનાવવા માટે જરૂરી સાધનો પણ લોકોને પૂરા પાડ્યા છે. માર્ચ 2015માં સમાજિક સંગઠનોની મદદથી ગોદાવરીસિંહે આ કલાને પેટેન્ટ કરાવી દીધી છે. તેઓ આ બિઝનેસને ફરીથી ઊભો કરવા માગે છે. આ માટે તેઓ નવી પેઢીને તેમાં આગળ લાવવાના પ્રયત્ન કરી રહ્યાં છે. પોતાના વૃદ્ધ નાનાજીના સપનાને પૂરા કરવા માટે ગોદાવરી સિંહનો દોહિત્રો ઉદયરાજ જોડાઇ ગયો છે. એમબીએનો અભ્યાસ કરનાર ઉદયરાજ હવે આ બિઝનેસને હાઇટેક કરવા તરફ પ્રયાસો કરી રહ્યો છે. જ્યારથી નવી પેઢી આ બિઝનેસમાં જોડાઇ છે ત્યારથી ગોદાવરીસિંહની આશા પણ મજબૂત બની છે. ગોદાવરીસિંહની મહેનતના કારણે વારાણસીની ફાઇવ સ્ટાર હોટલ ગેટવે ઇને પોતાની ગેલેરી કાશીની આ અનોખી કલાના નામે કરી દીધી છે. હવે આખું વર્ષ આ ગેલરીમાં આ કલાનું જ પ્રદર્શન થયા કરે છે.

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...